ઉઘાડી ચેલેન્જ (પ્રકરણ-૪)
કનુ ભગદેવ
(ગતાંકથી ચાલુ)
બમનજીના ટેબલ પર શેઠ જાનકીદાસનો પત્ર ઉઘાડો પડ્યો હતો નાગપાલ તથા તે બંને વાંચી ચૂક્યા હતા. એ પત્ર વાંચ્યા બાદ જાનકીદાસે શા માટે આપઘાત કર્યો હતો. એ વાહનુંં રહસ્ય ઉઘાડું થઇ ગયું હતું.
જાનકીદાસ મુંબઇની લોખંડ બજારનો લખપતિ અને આગેવાન વેપારી હતો પોતાના ધંધામાં એ પુષ્કળ ધન કમાયો હતો. પરિવારમાં બે પુત્રો અને એક પુત્રી. બસ! પત્ની આઠ-દસ વર્ષ પહેલાં જ ટીબીના રોગમાં સપડાઇને મૃત્યુ પામી હતી એણે બીજાં લગ્ન નહોતાં કર્યાં. સ્વભાવે એ રંગીલો હતો એની વય માંડ માંડ ચાલીશ વર્ષની હતી. ખૂબ નાની વયમાં એણે ધંધો શરૂ કર્યો હતો અને સારી એવી કમાણી કરી હતી. ઇન્સ્પેકટર બમનજી સાથે એને મિત્રાચારી હતી.
હવે એના પત્રનો સાર જોઇએ, પત્ર અનુસાર-
લગભગ દોઢ વર્ષ પહેલાંની વાત છે.
ડીલકસ કલબમાં હું આવરનવાર જતો હતો ત્યારે મારા એક મિત્ર, આમ તો તેને ન કહી શકાય, કારણ કે તેની ઓળખાણ આઠ-દસ દિવસ પહેલાં જ ક્લબમાં થઇ હતી. એનું નામ ‘રાવ’ હતું. ક્લબમાં સૌ એને રાવના નામથી ઓળખતા હતા. મને ક્યારેક શરાબ લેવાની ટેવ હતી. રાવ તથા મને બન્નેને વ્હસ્કી પસંદ હતી એટલે અમે એકબીજા સાથે ઊઠતા-બેસતા- ઔપચારિક વાતો કરતા હતા. હા તો રાવે એક દિવસ એક યુવતી નામ પ્રીતિ સાથે મારો પરિચય કરાવ્યો. પ્રીતિ પહેલી જ નજરે કોઇને પણ આકર્ષી શકે એટલી ખૂબસૂરત હતી. એની આંખો ઊંડા સરોવર જેવી હતી, અને તેમાં ગજબનું આકર્ષણ હતું. સપ્રમાણ ઊંચાઇ, દાડમની કળી જેવા ખૂબસૂરત દાંત અને બેહદ સુંદર ચહેરો તે ધરાવતી હતી. યૌવન એના દેહમાં જાણે કે ઠાંસી ઠાંસીને ભર્યું હતું.
પહેલી જ મુલાકાતમાં અમે બંને નજીક આવી ગયાં. એના કહેવા પ્રમાણે તે મુંબઇની ચૌધરી હોટેલમાં રહેતી હતી…. ત્યારબાદ બીજે દિવસે – પછી ત્રીજે દિવસે અમે મળ્યા… મુલાકાતો વધતી ગઇ. આ દરમિયાન રાવ ક્લબમાં આવતો બંધ થઇ ગયો હતો તેને સાવ ‘ભૂલી જ ગયો પછી તો અમે ક્લબમાં મળવાનું છોડી દીધું દરરોજ સાંજે અમે શું ખબર કે આ બધી મોજ-મજા પાછળથી મને ભારે પડી જશે.
એક વખત મને પ્રીતિએ એક સરનામું આપ્યું અને રાવે સાડા દસ પછી ત્યાં પહોંચવાની સૂબના આપી હું તો આ કમાનો આંધળો થઇ ગયો હતો. કશુએ વિચાર્યા વગર એણે આપેલા સરનામા પર જઇ પહોંચ્યો. મરીનલાઇન્સ નજીક ઓવરબ્રિજની નીચે એક ઇમારત પાસે એક કાળા રંગની કાર ઊભી હતી. હું પ્રીતિની રાહ જોતો ત્યાં જ ઊભો રહીને તેની રાહ જોઇને ઊભો રહ્યા. એ જ પળે કાળી કાર બેક થઇને મારી નજકી ઊભી રહી.
‘પ્લીઝ કમ-ઇન..’ પ્રીતિએ બારણું ઉઘાડતાં કહ્યું:
હું ચમકી ગયો પણ પ્રીતિ નજરે ચડવાથી મારા આનંદનો પાર ન રહ્યો. કોઇ પણ જાતની પૂછપરછ કર્યા વગર હું અંદર પ્રવેશીને એની બાજુમાં
બેસી ગયો.
હું બેઠો તે તરત જ કાર સ્ટાર્ટ થઇને આગળ વધી ગઇ. અચાનક મને એક વિચાર આવ્યો. મારી મૂર્ખાઇ પર મનોમન મને ક્રોધ ચડ્યો. પ્રીતિ વિશે હું આમ કશુંએ જાણતો નહોતો. એટલું જ જાણતો હતો કે તેને કોઇક વારસામાં ખૂબ મોટી રકમ આપી ગયાં છે. સંસારમાં તે એકલી અટુલી છે અને ચૌધરી હોટેલમાં રહે છે. એના કહેવા પ્રમાણે એને હોટેલમાં રહેવાનું ખૂબ અનુકૂળ લાગતું હતું. જોકે હું ક્યારેય તેની હોટેલ પર ગયો નહોતો. ચૌધરી હોટેલ ક્યાં આવી એ પણ હું નહોતો જાણતો. મારા મનમાં ખટકો થયો કશું ખોટું થાય છે, એનું મને એ જ પળે ભાન થયું.
‘આ મોટર કોની છે?’ મેં પૂછયું.
‘અરે ડાર્લિંગ…’ પ્રીતિ મારી નજીક સરકી. મારા ગળામાં પોતાનો માખણ જેવો મુલાયમ હાથ વીંટાળતા માદક અવાજે બોલી. ‘કારને… ગોળી માર…! આજે તો હું તને એક અદ્ભુત સ્થળે લઇ જવા માંગું છું.’ અને વાત કરતાં કરતાં જ એણે બંને સાઇડના કાચ પર પરદા ઢાળી દીધા. પછી સહસા મારા ગળે વીંટળાયેલા એના હાથમાંના રૂમાલની મીઠી-મધુરી સુગંધ નાકમાં થઇને મારા દિમાગમાં પ્રવેશી ગઇ. વળતી જ પળે મારા દિમાગમાં એક પ્રકારનો વિચિત્ર અને માદક નશો છવાઇ ગયો. મને લાગ્યું કે હું હવામાં ઊંડું છું. મારા દેહમાં મને બેહદ સ્ફૂર્તિ ઊછળતી લાગી. મગજ રંગીનીઓની કલ્પનામાં ઊડવા લાગ્યું. મારી તમામ વિચારશક્તિઓ કંઠિત થઇ ગઇ, અને એકમાત્ર મસ્તીમાં ઊછળવા સિવાય કોઇ જ વાતનું ભાન ન રહ્યું. એક અનેરી મસ્તીથી હું ઝૂમતો હતો. જો કે હું સંપૂર્ણ રીતે ભાનમાં હતો. કાર સડસડાટ કરતી ચાલી જતી હતી. પરંતુ તે ક્યાંથી પસાર થાય છે એ જોવા-વિચારવા માટેનું મને ભાન નહોતું. હું યંત્રવત્ રીતે બેસી રહ્યો. પ્રીયિ મીઠાં અડપલાં કરતી હતી અને એમાં જ હું ડૂબી ગયો હતો. અનેરા અવર્ણનીય આનંદ અને નશામાં હું તરબોળ બની ગયો હતો. પ્રીતિના ખૂબસૂરત ગોરા ચીટ્ટા અને બીબામાં ઢાળેલ હોય એવા સપ્રમાણ દિગંબર દેહની કલ્પના મારા તનમનમાં મીઠી ગલીપચી ભરી દેતી હતી. મારી બાજુમાં બેઠેલી પ્રીતિ મને આ પળે બેહદ અને સંસારની સૌથી વધુ ખૂબસૂરત યુવતી લાગતી હતી. એની કાળી-કજરારી આંખોમાં ઉઘાડું આમંત્રણ હતું.
(વધુ આવતી કાલે)