ઈન્ટરવલ

આવતી કાલે -૧૫ ઓગસ્ટના દિવસે રંગભૂમિ પર સાકાર થશેબે ઐતિહાસિક ઘટના!

કઈ છે એ બે નોખી -અનોખી ઘટના?

કવર સ્ટોરી -વિપુલ વિઠલાણી

ભરત જાધવ
આપણા દેશના મહારથી રાજાઓમાંના એક એવા રાજા ભરત વિશે ભાગ્યે જ કોઈ અજાણ હશે. સદીઓથી નહીં, પણ યુગોથી ભરત નામ પ્રચલિત છે, કારણ કે આપણાં દેશનું નામ ‘ભારત’ એમનાં નામ પરથી જ પ્રેરિત છે.

રાજા ભરતની માતા એટલે શકુંતલા. શકુંતલાના જીવનને દર્શાવતી મહાન કવિ કાલિદાસની એક અદભુત કૃતિ એટલે સંસ્કૃત નાટક ‘અભિજ્ઞાન શાકુન્તલમ્’.

અરે હા, નાટક અને ભરત પરથી યાદ આવ્યું, આપણું નાટ્યશાસ્ત્ર પણ ભરત નામના મહાન મુનિએ રચ્યું હતું. આમ નાટક અને ભરત વચ્ચે સદીઓથી એક જાતનું ‘કિસ્મત કનેક્શન’ છે. હવે નાટક અને બે ધુરંધર ભરતની વાત નીકળી જ છે તો આજે વાત કરીએ આજની તારીખના અવ્વલ નાટ્યકાર ભરતની. પૂરું નામ ભરત જાધવ. મૂળ મરાઠી. છેલ્લા ત્રણ દાયકાથી મરાઠી રંગભૂમિ અને ચલચિત્રોનાં અગ્રગણ્ય કલાકારોમાંનો એક એવો ભરત આવતી કાલે એક આગવો ઈતિહાસ સર્જીને એક અનેરી સિદ્ધિ પ્રાપ્ત કરવા જઈ રહ્યો છે.

જોકે, આ ભરત જાધવની સિદ્ધિ વિશે વાત જાણીએ એ પહેલાં થોડીક બીજી વાત આપણે સહુ જાણીએ છીએ કે વર્ષો પહેલાં નાટકોના જૂજ પ્રયોગો જ થતા. અને કદાચ એટલે જ કલાકારો એક અથવા વધુ નાટકોમાં પોતાની અદાકારી દર્શાવી શકતા, પણ છેલ્લા ચારેક દાયકાથી ગુજરાતી રંગભૂમિનું ચિત્ર પલટાયું છે. મોટાં ભાગનાં નાટકો એક જ મહિનાના ૧૫થી ૩૦ પ્રયોગોની સરેરાશે ભજવાવા લાગ્યા. અને આનું એકમાત્ર કારણ: મુંબઇમાં સંસ્થા અને મંડળોની સંખ્યા વધવા લાગી. હવે આવામાં કલાકારે બીજાં નાટકો તો છોડો, સિરિયલ કે ફિલ્મમાં કામ કરવાનો મોહ પણ જતો કરવો પડે, કારણ કે મુંબઈનાં ટ્રાફિકમાં બધે પહોંચી ન વળાય. અને બીજું, નાટકના મુખ્ય કલાકાર (જેના નામે લોકો નાટક જોવા આવતાં હોય છે) જો બે અલગ-અલગ નિર્માતાનાં નાટકમાં કામ કરે તો બાવાના બેઉ બગડ્યા જેવો ઘાટ થાય. એમાંય બન્ને નાટકના પ્રયોગો જો એક જ દિવસે અને એક જ સમયે બે જુદી જુદી જગ્યાએ ભજવાવાના હોય તો બેમાંથી કોઈ નિર્માતા જતું ના કરે. અને એવામાં છેવટે સૂડી વચ્ચે સોપારી થાય કલાકાર એટલે નિર્માતા કે કલાકાર કોઈ આ પ્રકારનું જોખમ લેતા જ નથી. હા, ક્યારેક એવું બને કે કોઈ એકાદા નાટકના કલાકારને કઇંક પ્રોબ્લેમ આવ્યો હોય તો બીજા નાટકમાં કામ કરતો કલાકાર ‘શો મસ્ટ ગો ઑન’ના શિરસ્તાને અનુસરી દોડાદોડી કરીને બીજા નાટકનો પ્રયોગ સંભાળી લેતો હોય, પણ આવું ક્યારેક જ અને એ પણ અમુક શો પૂરતું જ બને એટલે આજની તારીખમાં તમે છાપામાં નાટકોની જાહેરખબરો જોશો તો કોઈ એક ક્લાકાર એક સાથે બે નાટકમાં કામ કરતો નહીં નજરે ચઢે.

આ તો થઈ ગુજરાતી રંગભૂમિની વાત. હવે મરાઠી રંગભૂમિની વાત કરીએ તો ત્યાંની પરિસ્થિતિ સહેજ જુદી છે. ત્યાં કોઈ મોટો કલાકાર કે મુખ્ય અભિનેતા કે અભિનેત્રી એક સાથે બે નાટકોમાં કામ કરી શકે છે, કારણ કે નિર્માતાને ખબર છે કે એમનો માલ એમનાં નામે જ વેચાય છે અને એટલે જ એ બે નિર્માતા પરસ્પર એડજસ્ટ કરી લેતા હોય છે. (આવું આપણે ત્યાં ક્યારેય બન્યું નથી કે બનશે પણ નહીં )
બીજું, ત્યાં સંસ્થા કે મંડળને વેચેલાં પ્રયોગો થાય છે (જેને એ લોકો કોન્ટ્રેક્ટ શો કહે છે) પણ ગુજરાતી જેટલા નહીં. ગુજરાતી નાટકના સો પ્રયોગો થાય તો એમાં માત્ર બારથી પંદર જ જાહેર પ્રયોગ હોય છે, બાકીના બધા સોલ્ડ આઉટ. જ્યારે મરાઠી નાટકનાં પ્રયોગોનો સિનારિયો એનાંથી ઊલતો હોય છે. ત્યાં જાહેર પ્રયોગોની સંખ્યા જ વધારે હોય છે, કારણ કે મરાઠી નાટ્યરસિક પ્રેક્ષકો આજની તારીખમાં પણ ચાલુ દિવસે પૈસા ખર્ચીને કોઈ પણ સમયે નાટક જોવા જાય છે. અને આપણે ત્યાં તો.. ખેર છોડો. હવે આ વિષય પર ચર્ચા કરવા જશું તો ગાડી આડાપાટે ચડી જશે અને અગત્યની વાત ભૂલાઈ જશે.
હાં તો, આપણે મૂળ વાત પર આવીએ.

આપણે વાત શરૂ કરી હતી નાટક અને ભરત નામનાં કનેક્શનથી. કલાકારો પ્રેક્ષકને ભગવાન માનતા હોય છે તો સામે પક્ષે પ્રેક્ષક પણ કલાકારોને દેવ માની પૂજતા હોય છે. એમનું સન્માન કરે છે. અને આવું જ કઇંક થશે આવતીકાલે -૧૫મી ઑગસ્ટે.

મરાઠી દિગ્ગજ અદાકાર-નાટ્યકાર ભરત જાધવનાં નામથી ભાગ્યે જ કોઈ નાટ્યરસિક અજાણ હશે. મરાઠી નાટક ‘સહી રે સહી’ તો તમે જોયું જ હશે. અને ન જોયું હોય તો એનાં વિશે સાંભળ્યું તો ચોક્કસ હશે જ. આ નાટક છેલ્લાં ૨૨ વર્ષથી અવિરત ચાલી રહ્યું છે. જી હા, ૨૨ વર્ષ. (મને બરાબર યાદ છે આ નાટકનો પહેલો કે બીજો શો જોવા હું બોરોવલી સ્થિત પ્રબોધન ઠાકરે સભાગૃહમાં ગયો હતો) છેલ્લાં ૨૨ વર્ષમાં આ નાટકે ૪,૪૪૩ પ્રયોગો ભજવ્યા છે અને આવતી કાલે એનો ૪,૪૪૪મો પ્રયોગ પ્રબોધન ઠાકરે સભાગૃહમાં છે.! ૨૨ વર્ષમાં ૪,૪૪૪ પ્રયોગો એટલે સરેરાશ એક વર્ષમાં ૨૦૦ પ્રયોગો. અને એ પણ ભરતની અતિવ્યસ્તતાની સાથે, કારણ કે ભરત આ નાટક સાથે સતત બીજાં નાટકો, સિરિયલ્સ અને મરાઠી ફિલ્મોમાં કામ કરી પોતાનું નામ કોઈ ન આંબી શકે એવી ઊંચાઈએ લઈ જવા મથી રહ્યો છે. અને આ જ કારણસર આવતીકાલે પ્રબોધનકાર ઠાકરે સભાગૃહમાં ભરત જાધવનું મોટાપાયે સન્માન થવા જઈ રહ્યું છે.

હવે કોઈક ચતુર કે જાણકારને થશે કે આ પહેલાં ૪૪ વર્ષથી ચાલી રહેલાં ‘મરાઠી નાટક’ ‘વસ્ત્રાહરણ’નાં પણ ૫,૨૦૦થી વધારે પ્રયોગો થયા છે તો આમાં શું મોટી વાત? તો જણાવી દઉં કે આમાં મોટી-મહત્ત્વની અને અગાઉ ક્યારેય ન બની હોય એવી વાત એ છે કે ‘વસ્ત્રાહરણ’ નાટકમાં મુખ્ય કલાકારો અને ટીમ બદલતાં રહેતાં, જ્યારે ‘સહી રે સહી’ના તમામે તમામ પ્રયોગમાં મુખ્ય ભૂમિકા ભરત જાધવે જાતે પોતે જ ભજવી છે. એકપણ શો એના વગર નથી થયો. છેને અદ્વિતીય વાત?!

ખેર, આ તો થઈ એક. હવે બીજી વિરલ ઘટના વિશે જાણીએ. આવતીકાલે ઠાકરે સભાગૃહમાં ‘સહી રે સહી નાટકનો ૪,૪૪૪મો પ્રયોગ અને ભરતનું સન્માન તો જાણે કે થવાનાં જ છે, પણ આ સાથે જ ભરત જાધવનાં બીજાં બે નાટકો ‘અસ્તિત્વ’ અને ‘મોરુચી માવશી’ નાટકોના પ્રયોગો પણ આવતીકાલે જ અને એ પણ ઠાકરેમાં જ ભજવાવાના છે. અહીં નોંધનીય અને મહત્ત્વની વાત એ છે કે આ ત્રણે નાટકો જુદીજુદી શૈલીના છે.!

‘અસ્તિત્વ’ સામાજિક નાટક છે તો ‘મોરુચી માવશી’ કોમેડી છે. ‘સહી રે સહી’ પણ કોમેડી જ છે, પણ એમાં ભરત એકસાથે ચાર વિવિધ ભૂમિકા ભજવી રહ્યો છે.!
છેને અવાક કરી દે એવી વાત? કોઈ એક કલાકાર એક જ દિવસે એક જ થિયેટરમાં ત્રણ અલગઅલગ નાટકોનાં પ્રયોગ ભજવે એનાંથી મોટી સિદ્ધિ બીજી તો શું હોઈ શકે? આગલા જનમમાં દસે આંગળીએ પુણ્ય કર્યાં હોય ત્યારે આ જનમમાં કોઈ કલાકારને આવું સૌભાગ્ય પ્રાપ્ત થતું હોય છે અને ભરત એમાંનો એક છે. એમાંનો એક એટલા માટે કહ્યું કારણ કે, આ પહેલા મરાઠી રંગભૂમિના જ દિગ્ગજ અને લોકલાડીલા અભિનેતા પ્રશાંત દામલેને પણ આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે. એમણે ૧૯૯૫માં એક જ દિવસમાં ત્રણ અલગઅલગ નાટકોનાં ચાર પ્રયોગો તેમ જ ૨૦૦૧માં ત્રણ અલગઅલગ નાટકોના અધધધ પાંચ પ્રયોગો ભજવીને પોતાનું નામ ‘લિમ્કા બૂક ઑફ રેકોર્ડ્સ’માં અંકિત કરી દીધું છે. જેમ તેંડુલકર પછી કોહલી અને દિલીપકુમાર પછી અમિતાભ બચ્ચન આવ્યા એમ પ્રશાંતભાઉ પછી ભરત જાધવ પણ એક અનોખી સિદ્ધિને વરવા જઈ રહ્યો છે.

મેં જ્યારે ભરતને અભિનંદન આપવા ફોન કર્યો તો એ કહે: ‘અરે, મારે તો ચાર પ્રયોગો કરવા હતા પણ વચ્ચે મારું સન્માન પણ થવાનું છે એમાં સમય જશે એટલે આ વખતે ત્રણ પ્રયોગો કરીને જ સંતોષ માની લઇશ. પણ આને પૂર્ણવિરામ સમજવાની ભૂલ નાં કરશો. તક મળશે તો ભવિષ્યમાં પ્રશાંતસરનો રેકોર્ડ બ્રેક કરવાનો પ્રયત્ન પણ ચોક્કસ કરીશ’.

ક્યા બાત હૈ ભરત! ૫૮ વર્ષે પણ આ જોશ અને જનૂન તો નટરાજાનાં આશીર્વાદની વર્ષા થઈ હોય એવા સજ્જડ કલાકારમાં જ હોય શકે. (ભરતને અઢળક શુભેચ્છા અને ભવિષ્યમાં નિર્માતાઓના સહકારથી કોઈ ગુજરાતી કલાકાર પણ આવી સિદ્ધિને વરે એવી મહેચ્છા!)

ખેર, આ તો થઈ એક સિદ્ધિની વાત. પણ હવે વાત કરી આવતી કાલે જ રંગભૂમિના ઇતિહાસમાં સુવર્ણ અક્ષરે લખાનારી બીજી સિદ્ધિની. અને આ સિદ્ધિ પણ કંઈ જેવી તેવી નથી. એ ખરા અર્થમાં નોખી-અનોખી છે અને એમાં પણ મરાઠી રંગભૂમિ જ બાજી મારી જવાની છે. (પહેલી સિદ્ધિની જાણ મને મુંબઈ સમાચારના તંત્રી નીલેશ દવે એ કરી હતી અને આ વિષય પર લખવા જણાવ્યું તેમ જ ગુજરાતીમાં આવું કેમ નથી થતું તે રંજ સાથે આ સ્ટોરી કરવાની વાત કરી ત્યારે મેં જ તેમને મરાઠી રંગભૂમિની આ બીજી સિદ્ધિ વિશે વાત કરી તો તરત જ તેમણે કવર સ્ટોરી કરવા જણાવ્યું) વાત જાણે એમ છે કે મુંબઇમાં દાદર સ્થિત શિવાજી નાટ્ય મંદિરમાં આવતીકાલે એટલે કે ૧૫ ઑગસ્ટે મરાઠી નાટક ‘અલબત્યા ગલબત્યા’ના એક જ દિવસમાં એક નહીં, બે નહીં, પણ એકસાથે છ-છ પ્રયોગ ભજવી ‘વર્લ્ડ રેકોર્ડ’ સર્જવા જઈ રહ્યું છે. જી હા, બરાબર જ વાંચ્યું તમે, એકસાથે છ પ્રયોગ અને એ પણ બધે બધા જાહેરપ્રયોગો. એક પણ પ્રયોગ સંસ્થા કે મંડળને વેચ્યો નથી. પહેલો પ્રયોગ ચાલુ થશે સવારે ૭:૩૦ વાગે! ત્યારબાદ ૯:૪૫-૧૨:૦૦-૩:૦૦- ૫:૩૦ વાગે અને છઠ્ઠો પ્રયોગ રાત્રે ૮:૦૦ વાગે!

અગણિત ઍવોર્ડસ ગજવામાં સરકાવનારા આ નાટક વિશે અચંબામાં પાડી દેનારી બીજી વાતો જાણીને તો તમારાં રુવાંટાં ઊભાં થઈ જશે, જેમ કે, ‘અલબત્યા ગલબત્યા’ ૫૦ વર્ષ પહેલા દિલીપ પ્રભાવળકર નામના ઉચ્ચ કોટિના સિદ્ધહસ્ત કલાકાર સાથે ભજવાયું હતું, અને એ જમાનામાં પણ એનાં ૪૦૦ જેટલા પ્રયોગો થયાં હતાં. ‘અલબત્યા ગલબત્યા’ એ આ પહેલા પણ એક જ દિવસમાં ત્રણ-ચાર અને પાંચ હાઉસફુલ જાહેરપ્રયોગો ભજવી રેકોર્ડ કર્યા છે. ‘અલબત્યા ગલબત્યા’માં કામ કરનાર દરેક કલાકારો ભલે પુખ્ત વયના હોય, પણ આ એક બાળનાટક છે. જી હા, ખાસ બાળકો માટેના આ નાટકનો૧૨ મે- ૨૦૧૮ના શુભારંભ થયેલો. ‘અલબત્યા ગલબત્યા’ છ વર્ષમાં (કોવિડકાળ સહિત) ૮૦૦થી પણ વધારે પ્રયોગો ભજવી ચૂક્યું છે, જેમાંથી મોટાં ભાગના પ્રયોગો હાઉસફુલ રહ્યા છે. અને હવે સહસ્રાબ્દી, એટલે કે ૧,૦૦૦ પ્રયોગ પૂરા કરવા થનગની રહ્યું છે.’ ‘અલબત્યા ગલબત્યા’ના બધાં જ કલાકારો સમયાંતરે બદલાયાં છે. માત્ર અભિનેત્રી શ્રદ્ધા હાંડેને છોડીને.! અરે, ત્યાં સુધી કે ‘અલબત્યા ગલબત્યા’ નાટકની નોંધ લઈ ભારતીય ટપાલ વિભાગે ૨૦૨૧માં આ નાટકના નિર્માતા રાહુલ ભંડારેના ફોટાવાળી ટપાલ ટિકિટ બહાર પાડી એમનું સન્માન કર્યું હતું.

આ તો સદ્ભાગ્યે, આવતીકાલની આ બે વિરલ ઘટના તરફ ધ્યાન ગયું., બાકી મરાઠી રંગભૂમિ પર તો આવા કેટકેટલાય રેકોર્ડસ અને સિદ્ધિઓ પ્રાપ્ત થતાં હશે રામજાણે.
આશા રાખીએ કે પ્રેક્ષકોના સાથ સહકાર તેમ જ કલાકારો અને નિર્માતાઓના મનમેળથી ગુજરાતી રંગભૂમિ પણ આવો કોઈ નોખો-અનોખો રેકોર્ડ બહુ જ જલદી સર્જાય…
જય હો રંગદેવતા!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button