પ્રાસંગિક : ટ્રમ્પે બે યુદ્ધ રોકવાને બદલે બે યુદ્ધવિરામ કરાવ્યા!

અમૂલ દવે
અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ચૂંટણી સભાઓમાં મોટા મોટા દાવા કરતા હતા. ટ્રમ્પ કહેતા કે ‘ હું રશિયા અને યુક્રેનનું યુદ્ધ બે દિવસમાં અટકાવી દઈશ..’ . સત્તા પર આવ્યાને બે મહિના થયા હોવા છતાં રશિયાના પ્રમુખ વ્લાદિમીરપુતિનને યુદ્ધવિરામ માટે ટ્ર્મ્પ મનાવી શક્યા નથી. રશિયાએ આંશિક યુદ્ધવિરામ માટે આકરી શરતો મૂકી છે.
બીજી બાજુ ગાઝા પટ્ટીમાં ઇઝરાયલ અને હમાસ તથા લેબેનોનમાં ઈઝરાયલ અને હિજબુલ્લા વચ્ચેનો યુદ્ધવિરામ તૂટી ગયો છે. અમેરિકાએ હુતી પર હવાઈ હુમલો કરતાં રાતા સમુદ્રમાંથીઅમેરિકાઅને ઈઝરાયલનાં જહાજોનું આવાગમન બંધ થઈ ગયું છે. આટલું અધૂરું હોય તેમ, ટ્રમ્પે ઈરાનને પત્ર લખીને અણુ કાર્યક્રમ અંગે બે મહિનામાં સમજૂતી કરવા તેને ધમકાવ્યું છે. અમેરિકા અને ઈઝરાયલ ઈરાન પર દબાણ વધારી રહ્યા છે. અમેરિકાએ બીજું યુદ્ધ વાહક જહાજ રાતા સમુદ્રમાં મોકલવાની જાહેરાત કરી છે. આના જવાબમાં ઈરાને અણુબોમ્બનું પરીક્ષણ કર્યું હોવાનું નિષ્ણાતો માને છે. આને લીધે ઈરાનમાં ભૂકંપના આંચકા આવ્યા હોવાનો નિષ્ણાતોનો તર્ક છે. ઈરાનના સર્વોપરી નેતા ખામેનીએ અમેરિકાના પત્રને એક ધમકી ગણાવીને બહુ મહત્ત્વ આપ્યું નથી.
આ પણ વાંચો: પ્રાસંગિક : કેનેડાના નવા વડા પ્રધાન આપશે ટ્રમ્પને ટક્કર…
આમ છતાં, અમેરિકા- ઈઝરાયલ ગમે ત્યારે યુદ્ધ કરે એવા ડરથી ઈરાને મિસાઈલ અને ડિફેન્સ સિસ્ટમ ગોઠવી દીધી છે. ઈરાનને રશિયા અને ચીનનો ટેકો છે.
અમેરિકા અને ઈઝરાયલ જો ઈરાન પર હુમલો કરશે તો આખું મિડલ ઈસ્ટ યુદ્ધની આગમાં લપેટાઈ જશે.
આમ જુઓ તો અમેરિકાની સહાય વિના ઈઝરાયલ નિર્બળ છે. ઈઝરાયલ પર દબાણ લાવીને ટ્રમ્પે તેને હમાસ સાથે યુદ્ધ વિરામ પોતાના સોગંદવિધિ પહેલાં કરાવ્યો હતો. યુદ્ધ વિરામ થયો ત્યારે જ ‘ મુંબઈ સમાચારે ’ લખ્યું હતું કે ‘ આ યુદ્ધ વિરામ પહેલા તબક્કાની આગળ નહીં વધી શકે’ અને એવું જ થયું. બીજા તબક્કામાં ઈઝરાયલને ગાઝા પટ્ટી પરથી લશ્કરી દળો હટાવવા પડત જે માટે ઈઝરાયલ કદી તૈયાર ન થાત,.
ઈઝરાયલ અને ટ્રમ્પે યુદ્ધ વિરામના ભંગ માટે હમાસને દોષ આપ્યો છે. સીઝફાયરની ડીલ પ્રમાણે પહેલા તબક્કામાં હમાસે 25 જીવંત બાન, આઠ બાનના મૃતદેહ આપ્યા હતા. આના બદલામાં ઈઝરાયલે 1,800 પેલેસ્ટાઈન કેદીઓને મુક્ત કર્યા હતા. બીજા તબક્કો 16 દિવસ પછી શરૂ થવાનો હતો, જેમાં બાકીના બાનને છોડી મૂકવાના હતા અને ઈઝરાયલે ગાઝા પટ્ટીમાંથી ખસી જવાનું હતું. જેવો પ્રથમ તબક્કો પૂરો થયો એટલે ઈઝરાયલ અને અમેરિકાએ બધા બાનને છોડી દેવા હમાસ પર દબાણ આણ્યું હતું. હમાસે આમ કરવાની ચોખ્ખી ના પાડી હતી. આથી ઈઝરાયલે અમેરિકાને વિશ્ર્વાસમાં લઈને પેલેસ્ટાઈનને મળતી સહાયના રસ્તા બંધ કર્યા અને ગાઝામાં હવાઈ હુમલા કરીને યુદ્ધ વિરામ તોડી નાખ્યો હતો.
આ પણ વાંચો: પ્રાસંગિક : ટ્રમ્પનું ટેરિફ 2.0- ગ્લોબલ ઇકોનોમી પર થશે કુઠારાઘાત, અમેરિકા માટે પણ…
રમઝાનના પવિત્ર મહિનામાં પેલેસ્ટાઈનને મળતી સહાય રોકીને અને ગાઝા પટ્ટી પર હવાઈ હુમલા કરીને ઈઝરાયલના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહુ માને છે કે આનાથી મારા સામેનો વિરોધ ઠંડો પડી જશે. નેતન્યાહુ જે પણ કરી રહ્યા છે એ સત્તા ટકાવી રાખવા કરી રહ્યા છે. આ માટે એ દેશહિતનું બલિદાન ચડાવી રહ્યા છે. આમાં ટ્રમ્પનો પણ સ્વાર્થ છે. અગાઉ જણાવ્યા પ્રમાણે ટ્રમ્પ રિવેરા બનાવવા ગાઝા પટ્ટી તેમના જમાઈને ભેટ આપવા માગે છે. આરબ દેશોએ તૈયાર કરેલા ગાઝાનો પુનર્વસવાટ પ્લાન અમલમાં ન મુકાય એવી મંશા પણ કામ કરી રહી છે.
યુદ્ધ વિરામ જાન્યુઆરીમાં અમલમાં આવતા એક વષર્થી ચાલતી લડાઈનોઅંત આવ્યો હતો. હમાસે સાત ઓક્ટોબર, 2023 એ ઈઝરાયલમાં હુમલો કરીને 1,200 લોકોને મારી નાખ્યા હતા અને 251 ને બાનમાં લીધા હતા. પહેલા તબક્કામાં ઈઝરાયલે 25 બાનને મુક્ત કર્યા હતા અને ઈઝરાયલે પેલેસ્ટાઈનના 2000 કેદીઓને મુક્ત કર્યા હતા. ઈઝરાયલના યુદ્ધ વિરામના ભંગ સામે નેતન્યાહુ સામે દેખાવો થઈ રહ્યા છે. બાનના સગાવહાલા દિગ્મૂઢ થયા છે નેતન્યાહુ દેશની આંતરિક સુરક્ષા સેવાના વડાને કાઢવા માગે છે. આની સામે પણ વિરોધ થઈ રહ્યો છે. ઈઝરાયલના સુપ્રીમ કોર્ટના ભૂતપૂર્વ જજે એવી આ શંકાઊભી કરી છે. નેતન્યાહુ સામે કરપ્શનના આરોપોછે. અમેરિકાના યમન સ્થિત હુતી પરના હવાઈ હુમલાની હુતી પર કોઈ અસર થઈ નથી. અમેરિકા કહે છે કે જો ઈરાન હુતીને મદદ કરશે તો અમે ઈરાનને છોડીશું નહીં. જોકે આ ધમકીની હુતી પર કોઈ અસર પડી નથી. હુતીએ ઈઝરાયલના હવાઈ મથક અને બીજા સ્થાનો પર મિસાઈલ હુમલો કર્યો છે.
ઈઝરાયલ દક્ષિણ લેબેનોનપર પણ હવાઈ હુમલા કરી રહ્યું છે. ઈરાન સાઉદી અરેબિયા સાથે છુપી સમજૂતી કરવાનો પ્રયાસ કરી રહ્યું છે. અમેરિકાના પ્રતિબંધોને લીધે ઈરાન ચીન અને બીજા દેશોને છુપી રીતે તેલ વેચવું પડેછે. ઈરાનને દેશના સંરક્ષણ માટે રશિયા પાસે હથિયાર ખરીદવા નાણાંની જરૂર છે. ઈરાને આ નાણાં સઉદી અરેબિયા પાસેથી માગ્યા છે. આના બદલામાં ઈરાન સાઉદીઅરેબિયાને વેપારમાં લાભ અને નેતાનો રોલ આપવા માગે છે. ઇઝરાયલ અને ઈરાન બન્ને પાસે અણુ બોમ્બ છે અને આથી મિડલ ઈસ્ટમાં અણુ યુદ્ધ ફાટી નીકળે એવો ડર છે . ઈરાને હોર્મુઝ સમુદ્રધુની પર મિસાઈલ અને સૈનિક ગોઠવી દીધા છે. આ માર્ગથી એલપીજીનું પરિવહન થાય છે.જો ઈરાનઆ માર્ગ બંધ કરી દે તો અખાતના દેશો મુશ્કેલીમાં આવી જાય.
આ પણ વાંચો: પ્રાસંગિક : ટ્રમ્પ – પુતિન વચ્ચેની સિક્રેટ ડીલને લીધે સિરિયામાં સત્તાપલટો?
રશિયા અને યુક્રેનની વાત કરીએ તો અમેરિકાની મધ્યસ્થી છતાં રશિયા કામ ચલાઉ યુદ્ધ વિરામ માટે તૈયાર નથી. રશિયાએ તો યુક્રેન પરના હુમલા વધુ ભીષણ બનાવ્યા છે. રશિયા તો કહે જ છે જો યુરોપના દેશો યુક્રેનને સાથ આપશે તો અમે અણુ હથિયારોનો ઉપયોગ કરતાં અચકાઈશું નહીં. રશિયાએ યુક્રેન સાથે સીધી વાતચીત કરવાની ના પાડી છે. રશિયા ફક્ત અમેરિકા સાથે વાતચીત કરી રહ્યું છે. ચીન તાઈવાનને ઝૂંટવી લેવાની પેરવીમાં છે. અમેરિકા તકલીફમાં હશે તો ચીન આનો ફાયદો ઉઠાવશે. પુતિન, ટ્રમ્પ, નેતન્યાહુ અને ઝેલેન્સ્કીજેવા સત્તાધીશો આપણને ત્રીજા વિશ્વ યુદ્ધની સમીપ ધકેલી દે તો નવાઈ નહીં.