કવર સ્ટોરીઃ ટૅરિફના ટૉર્પિડો બાદ વિઝાનો વિસ્ફોટ

નિલેશ વાઘેલા
વિનાશક માનસિકતા ધરાવતા અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે પાંરપારિક શસ્ત્રોથી માંડીને અણુ હુમલાની ધમકીઓ અને ટેરિફ વોર જેવા ઉપાયો અજમાવ્યા હોવા છતાં રશિયા કે ચીને મચક ના આપી હોવાથી ભારત વિરોધી આક્રમણો ચાલુ રાખ્યા છે. રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ અનેક દેશ ખરીદે છે, પરંતુ આકરી પેનલ્ટી ભારત પર લાદી છે. હવે નવા પ્રહારના ભાગરૂપે એચવન-બી વિઝાના નિયમોમાં ફેરફાર કરીને ભારતને ફટકો આપવાનો પ્રયાસ કર્યો છે.
અમેરિકાના પ્રેસિડેન્ટની ટ્રમ્પની મુર્ખતાપૂર્ણ વિદેશી નીતિ અને તેમાં પણ અન્ય તમામ દેશને છોડીને ભારતને લક્ષ્યાંક બનાવવાની હિણી માનસિકતાનું અહીં ફરી એકવાર પ્રદર્શન થયું છે. એચ-1બી વિઝા સંદર્ભે અમેરિકાની ડોનાલ્ડ ટ્રમ્પ સરકાર દ્વારા લેવામાં આવેલા તાજેતરના નિર્ણયનો સૌથી મોટો ફટકો ભારતને પડવાની સંભાવના છે.
નવો નિર્ણય એ છે કે એચ-1બી વિઝા હેઠળ વિદેશી કામદારોને નોકરી પર રાખનારી કંપનીઓએ દરેક કર્મચારી માટે અમેરિકન સરકારને 100,000 ડોલર (88 લાખ રૂપિયા) ચૂકવવા પડશે. અલબત્ત અમેરિકાની જાયન્ટ કંપનીઓમાં જ આ નિર્ણય સામે તીવ્ર વિરોધની ગંધ આવતા ટ્રમ્પે નવા નિયમમાં કેટલાક સુધારા જાહેર કર્યા છે, જેમ કે આ ફી માત્ર નવા વિઝા માટે અને તે પણ વનટાઇમ ધોરણે લાગુ કરાશે. જોકે, આંકડો એટલો તોતિંગ છે કે તેની નકારાત્મક અસર થયા વિના રહેવાની નથી.
નોંધવું રહ્યું કે, નાણાકીય વર્ષ 2025માં 5,505 એચ-1બી વિઝા મંજૂરી સાથે ટીસીએસ ભારતીય કંપનીઓમાં ટોચ પર છે, ત્યારબાદ ઇન્ફોસિસ (2,004), એલટીઆઇમાઇન્ડટ્રી (1,844), એચસીએલ અમેરિકા (1,728) અને વિપ્રો (1,523)નો ક્રમ આવે છે.
એમેઝોન 10,044 એચ-1બી કર્મચારીઓ સાથે બધી કંપનીઓમાં ટોચના સ્થાને છે, ત્યારબાદ ગૂગલ, નેટફલ્કિસ, મેટા, એપલ વગેરેના ક્રમ આવે છે. આ વિગતો દર્શાવે છે કે ઉક્ત ફી વધારો ભારતીય અને યુએસ ટેક જાયન્ટ્સ બંનેને કેવી રીતે અસર કરી શકે છે.
અમેરિકાના આ નિર્ણયની અસર એવી કંપનીઓ પર પડશે જે કુશળ વ્યાવસાયિકો માટે મોટાભાગે ભારત અને પછી ચીન પર નિર્ભર છે. એક મોટી ચિંતા એ છે કે ટ્રમ્પ વહીવટીતંત્રના આ નિર્ણય બાદ અમેરિકામાં કામ કરવા જવાની ઇચ્છા ધરાવનારા લોકોનું સપનું ચકનાચૂર થઈ જશે.
સ્વાભાવિક રીતે કંપનીઓ કોઈ કર્મચારી માટે આટલી મોટી રકમ ચૂકવવા તૈયાર નહીં હોય! આ નિર્ણય 21 સપ્ટેમ્બરથી અમલી બન્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે અમેરિકાના આ નિર્ણયની સૌથી વધુ અસર ભારતીયો પર પડશે. અમેરિકાના આ નિર્ણય વિશે કેટલીક મૂળભૂત બાબતો સમજવાનો પ્રયાસ કરીએ.
અત્યાર સુધી એચ-1બી વિઝા માટે દોઢ હજાર ડોલર ફી તરીકે ચૂકવવા પડતા હતા. ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરવામાં આવેલા તાજેતરના આદેશમાં કહેવામાં આવ્યું છે કે એચ-1-બી વિઝા પ્રોગ્રામનો ઉપયોગ અમેરિકન પ્રોફેશનલ્સને બદલે ઓછા પગારવાળા અને ઓછા કુશળ લોકોને લાવવા માટે ઇરાદાપૂર્વક કરવામાં આવ્યો છે.
જોવાની વાત એ છે કે આ પ્રોગ્રામનો સૌથી મોટો લાભ (કે ટ્રમ્પ વહીવટી તંત્રની આશંકા અનુસાર માનીએ તો ગેરલાભ!) ખૂદ અમેરિકન કંપનીઓ વધુ લે છે! અમેરિકન સરકારના આંકડા અનુસાર આ વિઝા કાર્યક્રમનો સૌથી મોટો લાભ એમેઝોનને થતો હતો, ત્યારબાદ માઇક્રોસોફ્ટ, મેટા, એપલ અને ગૂગલ આવે છે.
અલબત્ત, ઇન્ફોસિસ, ટાટા ક્ધસલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ), વિપ્રો અને ટેક મહિન્દ્રાએ પણ ગયા વર્ષે એચ 1-બી વિઝા દ્વારા હજારો કર્મચારીઓની ભરતી કરી હતી. ટ્રમ્પ દ્વારા હસ્તાક્ષર કરાયેલા આદેશમાં જણાવાયું છે કે 2000 અને 2019ની વચ્ચે અમેરિકામાં વિજ્ઞાન, ટેક્નિકલ, એન્જિનિયરિંગ અને ગણિત ક્ષેત્ર (સ્ટેમ)ના વિદેશી વ્યવસાયિકોની સંખ્યા 12 લાખથી વધીને લગભગ 25 લાખ થઈ ગઈ છે.
જ્યારે આ સમયગાળા દરમિયાન કુલ સ્ટેમ ક્ષેત્રની નોકરીઓમાં માત્ર 44.5 ટકાનો વધારો થયો છે. કમ્પ્યુટર અને ગણિત સંબંધિત નોકરીઓ અથવા રોજગારમાં વિદેશી વ્યાવસાયિકોનો હિસ્સો 2000માં 17.7 ટકાથી વધીને 2019માં 26.10 ટકા થયો છે. આ વધારા પાછળનું સૌથી મોટું કારણ એચ-1બી વિઝાનો દુરુપયોગ હોવાનું કહેવાય છે.
ટ્રમ્પના આદેશમાં એવો આદેશ કરવામાં આવ્યો છે, કે ખાસ કરીને આઇટી કંપનીઓએ એચ-1બી વિઝા સિસ્ટમમાં મોટા પાયે હેરાફેરી કરી છે. 2003માં એચ-1બી વિઝા પ્રોગ્રામમાં આઇટી પ્રોફેશનલ્સનો હિસ્સો 32 ટકા હતો, જે પાછલાં પાંચ વર્ષમાં સરેરાશ વધીને 65 ટકાથી વધુ થયો છે.
કંપનીઓ પર એ આરોપ લગાવવામાં આવ્યો કે તે ઓછા લેબર કોસ્ટનો લાભ લેવા માટે ઓછા પગાર માટે કામ કરતા વિદેશી પ્રોફેશનલ્સને રાખવા માટે ભાડે લેવા માટે તેમના આઇટી વિભાગો બંધ કરી દેશે. ત્યારબાદ તેઓ યુએસ કર્મચારીઓને છૂટા કરે છે અને ઓછા પગારવાળા વિદેશી કામદારોને આઇટી નોકરીઓ આઉટસોર્સ કરે છે.
આ વર્ષની શરૂઆતમાં અમેરિકી વાણિજ્ય સચિવ હોવર્ડ લુટનિકે એચ-1 બી વિઝા પ્રોગ્રામને કૌભાંડ ગણાવ્યું હતું. તેમણે કહ્યું કે વિદેશીઓને અમેરિકન નોકરીઓ મળી રહી છે અને અમેરિકન કર્મચારીઓની ભરતી કરવી એ તમામ અમેરિકન વ્યવસાયો માટે પ્રાથમિકતા હોવી જોઈએ.
અમેરિકામાં ઇમિગ્રેશનનો મુદ્દો ખૂબ જ વિવાદાસ્પદ છે, પરંતુ આ નવા નિર્ણય બાદ સમગ્ર ચર્ચા ગેરકાયદે ઇમિગ્રેશનને બદલે એચ-1બી વિઝા તરફ વળી ગઈ છે. અમેરિકી સરકાર દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા અનુસાર 2015થી દર વર્ષે મંજૂર કરવામાં આવેલી તમામ એચ-1બી એપ્લિકેશનોમાંથી 70 ટકાથી વધુ ભારતીયોની છે. ચીનના લોકો બીજા ક્રમે છે, પરંતુ તેમનો આંકડો ઘણો ઓછો છે અને તે 2018ની તુલનામાં માત્ર 12-13 ટકાની આસપાસ છે.
ડેટા એ પણ જાહેર કરે છે કે ઓક્ટોબર 2022 અને સપ્ટેમ્બર 2023ની વચ્ચે, એચ-1બી વિઝા પ્રોગ્રામ હેઠળ જારી કરાયેલા લગભગ ચાર લાખ વિઝામાંથી 72 ટકા ભારતીયોને ગયા છે. આ સમયગાળા દરમિયાન અમેરિકામાં કામ કરતી ભારતની ચાર મોટી આઇટી કંપનીઓ ઇન્ફોસિસ, ટીસીએસ, એચસીએલ અને વિપ્રોને તેમના કર્મચારીઓ માટે લગભગ 20 હજાર એચ -1બી વિઝા માટે મંજૂરી મળી હતી.
ભારત સરકારના એક વરિષ્ઠ અધિકારીના જણાવ્યા અનુસાર અમેરિકન કંપનીઓને એચ-1બી વિઝા પ્રોગ્રામથી સૌથી વધુ મદદ મળી છે કારણ કે તેમને તેમના દેશમાં એટલા કુશળ પ્રોફેશનલ્સ મળતા નથી. અમેરિકાના આ નવા નિર્ણય બાદ અમેરિકન માર્કેટમાં ભારતીય પ્રોફેશનલ્સની પહોંચ ઘટશે, જેના કારણે ભારતની આઈટી કંપનીઓને પણ અમેરિકન કોન્ટ્રાક્ટ ઓછા મળશે અને તેની સીધી અસર તેમને મળતી આવક પર પડશે.
અહીં સવાલ એ પણ છે કે એચ-1બી વિઝાથી અમેરિકન કંપનીઓને સારા અને કુશળ પ્રોફેશનલ્સ શોધવામાં મદદ મળી છે, શું અમેરિકન પ્રોફેશનલ્સ ભારતીયોની જગ્યા ભરી શકશે?