પોલાદી ફટકો ટ્રમ્પની સૂચિત સ્ટીલ ટેરિફથી ભારતીય ઉદ્યોગને ફટકો પડશે અને નિકાસનું ગણિત બગડશે

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા
અમેરિકાએ ટેરિફ વોરનું એલાન કરી દીધું છે ત્યારથી વિશ્ર્વભરના અર્થતંત્રો ચિંતામાં મૂકાઇ ગયા છે અને વૈશ્ર્વિક વેપારનું ગણીત ખોરવાઇ જવાની ભીતિ ઊભી થઇ છે. એ જ સાથે ખાસ કરીને પહેલેથી મુસીબતમાં સપડાયેલા ભારતના સ્ટીલ ઉદ્યોગની પણ ઊંઘ પણ હરામ થઇ છે. અમેરિકાના પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પે અન્ય અનેક બાબતો સાથે સ્ટીલની આયાત પર ટેરિફ લાદવાની ઘોષણા કરી છે. ટ્રમ્પની આ સૂચિત સ્ટીલ ટેરિફથી એક તરફ ભારતીય નિકાસ પર તો અસર પડશે જ, પરંતુ બીજી તરફ સ્થાનિક સ્પર્ધા વધુ તીવ્ર બનશે!
ભારતીય ઉદ્યોગ પહેલેથી જ સસ્તાં સ્ટીલની આયાતથી પરેશાન છે અને ખાસ કરીને ચાઇનીઝ સ્ટીલની આયાત વિક્રમી સ્તરે વધી રહી છે. અમેરિકાએ ચીન પર લાદેલી ટેરિફને કારણે ચીનાઓ અન્ય દેશોમાં, ખાસ કરીને ભારતમાં દે ધના ધન નિકાસ કરી રહ્યાં છે. ભારતીય પોલાદ ઉદ્યોગ માટે આ મોટી સમસ્યા ઓછી હોય તેમ અમેરિકાના નવા ટેરિફ મિસાઇલને કારણે દશા વધુ કથળવાની ભીતિ ઉદ્યોગના નિષ્ણાતો વ્યક્ત કરી રહ્યાં છે.
અમેરિકન રાષ્ટ્રપતિ ટ્રમ્પ સ્થાનિક ઉદ્યોગોને સુરક્ષિત રાખવા માટે સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર પચ્ચીસ ટકાના દરે નવી ટેરિફ લાદવાની યોજના બનાવી રહ્યા છે. ઉદ્યોગના સાધનો અનુસાર અમેરિકાના આ પગલાથી ભારતીય સ્ટીલ ઉત્પાદકો માટે સ્પર્ધા વધુ તીવ્ર બનવાની અપેક્ષા છે, જેઓ પહેલેથી જ ઊંચી આયાત અને નબળી વિદેશી માગને કારણે પડકારોનો સામનો કરી રહ્યા છે.
યુએસ ચીફ ડોનલ્ડ ટ્રમ્પનો સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર નવી ટેરિફ લાદવાનો નિર્ણય ભારતીય સ્ટીલ ઉત્પાદકો માટે પડકારો ઉભા કરવા સાથે આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા વધારશે અને સ્થાનિક ભાવ પર દબાણ ઉમેરશે.
ટ્રમ્પે પાછલા રવિવારે કહ્યું હતું કે તેઓ અમેરિકામાં આયાત થનારા તમામ સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર 25 ટકાના દર સાથે નવી ટેરિફ લાદશે, વર્તમાન જકાતદરમાં વધારો કરશે અને તેમની વેપાર નીતિઓને વધુ મજબૂત બનાવશે.
પત્રકારો એર ફોર્સ વન પર સાથે વાત કરતા તેમણે કહ્યું કે સોમવારે જાહેર થનારા ટેરિફ ‘યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા કોઈપણ સ્ટીલ’ પર લાગુ થશે અને તેમાં એલ્યુમિનિયમને પણ આવરી લેવામાં આવશે. બીજા શબ્દોમાં આમાં ભારત પણ આવી ગયું. નોંધવું રહ્યું કે ટ્રમ્પે સત્તાના સૂત્રો હાથમાં લીધા બાદ ટેરિફ અંગેની જે ચીમકી આપી હતી, તેમાં સાર્ક દેશો સાથે ભારતનો પણ નામોલ્લેખ કર્યો હતો. એ બાબત પણ નોંધવી રહી કે આ કોઇ નવી વાત નથી. આ અગાઉ વર્ષ 2017 થી 2021 સુધીના તેમના અગાઉના કાર્યકાળ દરમિયાન, ટ્રમ્પે સમાન ટેરિફ રજૂ કર્યા હતા. એ સમયે પણ એવી દલીલ કરી હતી કે અમેરિકન ઉદ્યોગોને એશિયન અને યુરોપિયન દેશો તરફથી અન્યાયી સ્પર્ધાનો સામનો કરવો પડી રહ્યો હોવાથી આ આવશ્યક છે!
ટ્રમ્પે કહ્યું હતું કે આ ટેરિફ ‘યુનાઇટેડ સ્ટેટ્સમાં આવતા કોઈપણ સ્ટીલ’ પર લાગુ થશે, જેનાથી સ્થાનિક માગ અને વેચાણના ભાવમાં વધારો કરીને યુએસ સ્ટીલ ઉત્પાદકોને પ્રોત્સાહન મળવાની અપેક્ષા છે. જોકે, મૂડીઝના એક અધિકારીના જણાવ્યા અનુસાર, અમેરિકામાં નિકાસ ઓછી થવાને કારણે ભારત સહિત અન્ય સ્ટીલ ઉત્પાદક દેશોમાં પણ સ્પર્ધા વધુ તીવ્ર બનશે. મૂડીઝ રેટિંગ્સના પ્રવકતા અનુસાર ભારતીય સ્ટીલ ઉત્પાદકોને તેમના ઉત્પાદનોની નિકાસ કરવામાં વધુ પડકારોનો સામનો કરવો પડશે. પાછલા 12 મહિનામાં, ભારતમાં સ્ટીલની ઊંચી આયાતને કારણે ભારતમાં સ્ટીલ ઉત્પાદકોના ભાવ અને કમાણીમાં ઘટાડો થયો છે. અમેરિકાની ટેરિફ અમલી બન્યા પછી આ પરિસ્થિતિ વધુ વણસવાની સંભાવના છે.
ભારત કાચા સ્ટીલના ઉત્પાદનમાં વિશ્ર્વનો સૌથી મોટો ઉત્પાદક હોવા છતાં સ્ટીલની આયાતમાં સતત એકધારો વધારો થઇ રહ્યો છે. રોઇટર્સ દ્વારા સરકાર દ્વારા જાહેર કરાયેલી કાચી આંકડાકીય માહિતીની સમીક્ષા અનુસાર, એપ્રિલ 2024થી શરૂ થતા નાણાકીય વર્ષના પ્રથમ નવ મહિનામાં, ફિનિશ્ડ સ્ટીલની આયાત છ વર્ષની ટોચે પહોંચી ગઈ છે. દેશ પહેલાથી જ પાછલા નાણાકીય વર્ષમાં ફિનિશ્ડ સ્ટીલનો ચોખ્ખો આયાતકાર બની ગયો હતો, જેમાં એપ્રિલ અને નવેમ્બર 2024 વચ્ચે ચીનમાંથી શિપમેન્ટ રેકોર્ડ સ્તરે પહોંચ્યું હતું. આ સંદર્ભે ઉદ્યોગે સરકાર સમક્ષ વાંરવાર રજૂઆત પણ કરી છે અને સરકારે પણ ભારતીય ઉદ્યોગ માટે જકાત વધારવા સહિતના કેટલાક રક્ષણાત્મક પગલાં લીધા છે.
અલબત્ત ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ઓટોમોટિવ ક્ષેત્રો દ્વારા સંચાલિત સ્ટીલની સ્થાનિક માગ મજબૂત રહી છે, પરંતુ વિદેશી માગ નબળી પડી છે. એપ્રિલ 2024થી ડિસેમ્બર 2024 દરમિયાન ભારતમાં ફિનિશ્ડ સ્ટીલનો વપરાશ વાર્ષિક ધોરણે 11.20 ટકા વધીને 111.25 મિલિયન ટન થયો, જે ઓછામાં ઓછા છ વર્ષમાં સૌથી વધુ છે.
આમ જોવા જઇએ તો અમેરિકા તેના સ્ટીલ પુરવઠાના લગભગ એક તૃતિયાંશ જેટલી આયાત, મુખ્યત્વે પડોશી દેશ મેક્સિકો અને કેનેડા, તેમ જ ભૌગોલિક દૃષ્ટિએ નજીકના સાથી દેશ, જાપાન, દક્ષિણ કોરિયા અને જર્મની સહિત એશિયા અને યુરોપ પાસેથી કરે છે. પરંતુ આપણને મુખ્ય ડર ચાઇનાનો છે. ચીન વિશ્ર્વનો સૌથી મોટો સ્ટીલ ઉત્પાદક અને નિકાસકાર હોવા છતાં, 2018માં અમેરિકાએ 25 ટકાના દરે લાદવામાં આવેલી ટેરિફને કારણે અમેરિકન બજારમાંથી ચીની સ્ટીલ મોટાભાગે અવરોધાયું હતું. હાલ અમેરિકામાં ચાઇનીઝ સ્ટીલની આયાત નહીંવત છે, પરંતુ તે ભારતમાં ઝડપી ગતિએ વધી રહી છે અને ઉપરોક્ત સૂચિત ટેરિફ પછી તે ઓર વધવાની દહેશત છે.
યુરોપ વળતો હુમલો કરશે, ઑસ્ટ્રેલિયા અપીલ કરશે ટ્રમ્પની ટેરિફ સામે 27 દેશના સંગઠન યુરોપિયન સંઘે આકરા પ્રત્યાઘાત આપ્યા છે, જે ટેપિ વોરને વકરાવશે. યુરોપિયન સંઘના ચીફ ઉર્સુલા વોન ડે લેયેને ચીમકી ઉચ્ચારી છે કે અમેરિકાની સ્ટીલ અને એલ્યુમિનિયન પરની ટેરિફનો સંઘ જડબાતોડ જવાબ આપશે. યુરોપ પણ પોતાના અર્થતંત્રની સલામતી માટે સુરક્ષાના પગલાં લેશે. ઇયુના સૌથી મોટા અર્થતંત્ર જર્મનીના ચ્ન્સેલર ઓલાફ સ્કોલ્ઝે કહ્યું છે કે જો અમેરિકા બીજો કોઇ વિકલ્પ બાકી નહીં રાખે તો યુરોપ સંઘ સંગઠીત થઇને પ્રત્યાઘાત આપશે. ટ્રેડ વોર અંતે તો બંને પક્ષની સમૃદ્ધીને નુકસાન પહોંચાડે છે.
ઑસ્ટ્રેલિયન સરકાર સ્ટીલ અને એલ્યુમિનિયમ આયાત પર સૂચિત કરાયેલી નવી 25 ટકા યુએસ ટેરિફમાંથી ઑસ્ટ્રેલિયને મુક્તિ આપવા માટે દબાણ કરવાની તૈયારી કરી રહી છે. ઑસ્ટ્રેલિયાન વડા પ્રધાન એન્થોની અલ્બેનીઝે રાષ્ટ્રપતિ ટ્રમ્પના વહીવટીતંત્ર સાથે વાતચીત કરી છે, જેમાં અમેરિકન નોકરીઓ અને સહિયારા સંરક્ષણ હિતોને ટેકો આપવામાં ઓસ્ટ્રેલિયન નિકાસની મહત્ત્વપૂર્ણ ભૂમિકાનો ઉલ્લેખ કર્યો છે.
ઓસ્ટ્રેલિયાના વાણિજ્ય પ્રધાન ડોન ફેરેલે જણાવ્યું હતું કે દેશની યુએસમાં સ્ટીલ અને એલ્યુમિનિયમ નિકાસથી અમેરિકન નાગરિકોને ઊંચા પગારની નોકરીઓ મેળવવામાં મદદ મળે છે અને સહિયારા સંરક્ષણ હિતોમાં ઑસ્ટ્રેલિયા મુખ્ય ભૂમિકા ભજવે છે. તેમણે કહ્યું કે ઈન્ડો-પેસિફિક ક્ષેત્રમાં ઑસ્ટ્રેલિયન યુએસના મુખ્ય સિક્યોરિટી પાર્ટનર છે. ટ્રમ્પ વહીવટીતંત્ર સાથેની વાતચીતમાં વોશિંગ્ટન પર મુક્તિ માટે દબાણ કરી રહ્યું છે અને ઓસ્ટ્રેલિયન સ્ટીલ અને એલ્યુમિનિયમના અમેરિકાની બજારમાં પ્રવેશ સહિત મુક્ત અને વાજબી વેપાર નિયમો માટે મુદ્દા તૈયાર કરી રહ્યું છે.