ઈન્ટરવલ

પુતિન સાથે ડીલ ટ્રમ્પે યુક્રેન- યુરોપને લાચાર બનાવી દીધા


પ્રાસંગિક -અમૂલ દવે

ઝેલેન્સ્કી અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પ ‘એ મેન ઈન હરી છે ’ એ રાતોરાત અમેરિકાને જૂનો દબદબો અને ગરિમા પાછી અપાવવા માગે છે. રાતોરાત અમેરિકાને વધુ સમૃદ્ધ બનાવવા માગે છે. રાતોરાત હમાસ બધા બાનોને છોડી મૂકે એવું અલ્ટીમેટમ આપે છે. એ દાવો કરે છે કે ગ્રીનલેન્ડ અને કેનેડાને અમેરિકા સાથે જોડી દેવામાં આવશે. એ દાવો કરે છે કે ગલ્ફ ઓફ મેક્સિકોનું નામ ‘ગલ્ફ ઓફ અમેરિકા’ થઈ ગયું છે. એ દાવો કરે છે કે પનામા નહેર પર અમેરિકાનો કબજો આવી જશે. એ દાવો છે કે પેલેસ્ટાઈનીઓને ખસેડીને ગાઝાપટ્ટીને અમેરિકા હસ્તગત કરી દેશે.

પ્રમુખપદની ચૂંટણી ચાલતી હતી ત્યારે એ દાવો કરતા હતા કે કે રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ એ એક દિવસમાં અટકાવી દેશે. હવે ટ્રમ્પે એમનું ધ્યાન રશિયા અને યુક્રેન વચ્ચેનું યુદ્ધ અટકાવવા પર કેન્દ્રિત કર્યું છે. સત્તા સંભાળવાને એક મહિનો થવાની સમીપ છે ત્યારે ટ્રમ્પે યુરોપ અને યુક્રેનને વિશ્વાસમાં લીધા વગર રશિયાના પ્રમુખ વ્લાદિમીર પુતિનને ફોન કર્યો – એમની સાથે લાંબી વાતચીત કરી. પછી ટ્રમ્પે જાહેર કર્યું હતું કે હું અને રશિયાના પ્રમુખ પુતિન સાઉદી અરેબિયામાં મળીશું અને યુદ્ધવિરામનો કરાર કરીશું. ટ્રમ્પ- પુતિનના આ ફોને યુરોપના દેશો અને યુક્રેનને દિગ્મૂઢ અને અવાચક કરી નાખ્યા છે. ટ્રમ્પના એકતરફી શાંતિ પ્રયાસોને લીધે યુરોપના દેશો અને યુક્રેન હાંસિયામાં ધકેલાઈ ગયા છે.

બીજી બાજુ, રશિયાને તો ગોળનું ગાડું મળી ગયું છે. ટ્રમ્પના ફોન બાદ રશિયાની ફાયનાન્સિયલ માર્કેટમાં તેજી જોવા મળી હતી. ટ્રમ્પે દોઢ કલાકની પુતિન સાથેની વાતચીતમાં રશિયાની બધી શરત માની લીધી છે. યુક્રેન અને યુરોપના દેશોને તો એવો ડર છે કે ટ્રમ્પ એમની બાદબાકી કરીને પુતિન સાથે શાંતિ કરાર કરી નાખશે! અત્યાર સુધી યુરોપના દેશ જે શાંતિ મંત્રણા કરી હતી એમાં રશિયાએ ભાગ જ લીધો નહોતો, પરંતુ આ જ પુતિન ટ્રમ્પ સાથે સાઉદી અરેબિયામાં બેઠક કરવા તૈયાર થઈ ગયા છે. પુતિનની બધી શરતો માનીને શાંતિ મંત્રણા શરૂ થાય એ પહેલાં જ ટ્રમ્પે યુરોપના દેશો અને યુક્રેનને બેકફૂટ પર મૂકી દીધા છે. આ તરફ, રશિયાની મુખ્ય ત્રણ શરત છે. પ્રથમ, યુક્રેનને ‘નાટો’ માં સામેલ નહીં કરવામાં આવે. બે, રશિયા યુક્રેનના જીતેલા પ્રદેશ પાછા નહીં આપે. ત્રણ, યુક્રેનને તેની સલામતી માટે કોઈ ગેરન્ટી આપવામાં નહીં આવે.

પુતિન સાથે વાતચીત કર્યા બાદ ટ્રમ્પે યુક્રેનના ઝેલેન્સ્કી સાથે પણ વાતચીત કરી હતી. યુક્રેન અને યુરોપની માગણી છે કે શાંતિની કોઈ પણ વાતચીતમાં અમારો સમાવેશ કરવો જોઈએ. ઝેલેન્સ્કી કહ્યું હતું કે એક સાર્વભૌમ દેશ હોવાથી અમારા સમાવેશ વિના કોઈ કરાર થશે તો અમે એ ડીલને માન્ય નહીં રાખીએ. ઝેલેન્સ્કી કહે છે કે પુતિન શાંતિ મંત્રણાને અમેરિકા અને રશિયા વચ્ચેની દ્વિપક્ષીય મંત્રણા બનાવવા માગે છે. ટ્રમ્પે યુરોપનું નેતૃત્વ ઝૂંટવી લીધું છે. યુરોપિયન ફોરેન પોલિસીના વડા કાજા કલાસે કહે છે કે કઈ પણ કામ ઉતાવળે કરવું એ ડર્ટી ડીલ છે. કાજાએ દાવો કર્યો હતો કે વાતચીત પહેલાં રશિયાને એડવાન્સમાં ક્ધસેશન આપ્યા છે. એ કહે છે કે વાટાઘાટો હજી શરૂ થવાની છે ત્યારે આપણે રશિયાને જે જોઈએ છે એ બધી છૂટછાટ આપી દીધી છે. આ એવું તૃષ્ટીકરણ છે જે કામ આવતું નથી. ટ્રમ્પે તો દાવો કર્યો હતો કે રશિયા અને યુક્રેન બંને દેશોને શાંતિ જોઈએ છે. આ યુદ્ધ ચોથા વર્ષમાં પ્રવેશવાનું છે ત્યારે અમેરિકાએ તો યુરોપ અને યુક્રેનની હાલત ધોબીના કૂતરા જેવી કરી નાખી છે.

અમેરિકાએ તો યુરોપ અને યુક્રેનને અત્યારથી રશિયાની બધી શરતો માને એવું દબાણ લાવવાનું શરૂ કર્યું છે. ટ્રમ્પ વહીવટીતંત્રે જાહેરમાં કહ્યું છે કે યુક્રેન માટે ગુમાવેલી જમીન પાછી મેળવવી અસંભવ અને અવ્યવહારુ છે. અમેરિકા કહે છે કે યુક્રેનને ‘નાટો’માં સામેલ કરવું પણ સંભવ નથી. યુદ્ધવિરામની ગેરંટી આપવા અમેરિકા તેના લશ્કરી દળોને યુક્રેન મોકલવા તૈયાર નથી. અમેરિકાના સંરક્ષણ પ્રધાન યુક્રેન અને યુરોપનો વિશ્વાસ સંપાદન કરવા કહે છે કે ટ્રમ્પ ઉત્તમ વાટાઘાટકાર છે. હકીકત એ છે કે રશિયાએ યુક્રેનની પાંચમા ભાગ જેટલી જમીન હડપ કરી દીધી છે. રશિયાએ યુક્રેનને કૂણા પાડવા કહ્યું છે કે શાંતિ મંત્રણામાં યુક્રેન પણ સહભાગી થઈ શકે છે. ‘નાટો’ના સેક્રેટરી જનરલ માર્ક રુટે કહે છે કે વિશ્વના નેતાઓએ એ સુનિશ્ર્ચિત કરવું જોઈએ કે પુતિન યુક્રેનની જમીન પચાવવાના પ્રયાસ નહીં કરે. ઝેલેન્સ્કી કહે છે કે પુતિન વિશ્વસનીય નથી. જવાબમાં ટ્રમ્પ કહે છે કે હું પુતિનને સારી રીતે જાણું છું. મને શાંતિ જોઈએ છે ને પુતિનના વિધાન પર મને શ્રદ્ધા છે.

યુક્રેનના લોકો તો ટ્રમ્પના પ્લાનથી રોષે ભરાયા છે. યુક્રેને લડાઈમાં અસંખ્ય નાગરિકો અને જવાનો ગુમાવ્યા છે. યુક્રેનના ક્રિમિયા પ્રદેશને તો રશિયાએ 2014માં જ હડપ કરી લીધો હતો. ત્યાર બાદ રશિયાને ‘જી-સાત’ ના જૂથમાંથી કાઢી મુકવામાં આવ્યું હતું. ટ્રમ્પ કહે છે કે આ એક ભૂલ હતી અને હું ઈચ્છું છું કે રશિયા ‘ જી-સેવન’ માં ફરી સામેલ થાય. ટ્રમ્પ તો એવું આશ્વાસન આપે છે કે મંત્રણામાં એ યુક્રેનને પણ સામેલ કરાશે. યુરોપના દેશોને તો લાગવા માંડ્યું છે કે ટ્રમ્પે ‘નાટો’ ને નિષ્ક્રિય બનાવી દીધું છે. યુરોપના દેશોને લાગે છે કે તેમના સંરક્ષણ માટે ટ્રમ્પ કે અમેરિકા પર આધાર ન રાખી શકાય. આ માટે તેમણે પોતાની નવી વ્યવસ્થા વિકસાવવી પડશે.

રશિયાએ ફેબ્રુઆરી 2022માં યુક્રેન પર ચડાઈ કરી ત્યારે અમેરિકામાં સત્તા જો બાઈડેનના હાથમાં હતી. બાઈડેને યુક્રેનને લડાઈમાં તમામ સહાય આપી હતી. બાઈડેને કદી રશિયાના પ્રમુખ પુતિન સાથે વાતચીત કરી નહોતી. બાઈડેન તો પુતિનને વોર ક્રિમિનલ માનતા હતા. જોકે ટ્રમ્પના સત્તા પર આવ્યા બાદ બધું બદલાઈ ગયું છે. ટ્રમ્પે યુક્રેનને કહ્યું છે કે હવે પછીની મદદના બદલામાં ખનીજ આપવા પડશે. યુક્રેનને અમેરિકાએ યુદ્ધ લડવા પ્રોત્સાહિત કર્યું હતું. હવે અમેરિકાએ તેને લાચાર અને નિ:સહાય સ્થિતિમાં છોડી દીધું છે. યુક્રેન ન તો ગુમાવેલા પ્રદેશ પાછા મેળવી શકશે અને ન તો એને સુરક્ષાની કોઈ ગેરન્ટી મળશે. ટ્રમ્પને લીધે બાવાના બેઉ બગડ્યા છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button