ઈન્ટરવલ

પ્રાસંગિકઃ ટ્રમ્પની પરમાણુ હથિયાર પરીક્ષણની જાહેરાત વિશ્વ આખું ભયથી ધ્રૂજે છે…

અમૂલ દવે

અમેરિકાના પ્રમુખ ડોનલ્ડ ટ્રમ્પે તાજેતરમાં સોશ્યલ મીડિયા પોસ્ટમાં જાહેરાત કરી કે, તેમણે પેન્ટાગોનને પરમાણુ હથિયારોનું તાત્કાલિક પરીક્ષણ શરૂ કરવાનો આદેશ આપ્યો છે, કારણ કે ચીન અને રશિયાની પરમાણુ ક્ષમતા વધી રહી છે. એ હકીકતને ધ્યાનમાં રાખીને અમેરિકાની વિશ્વસનીયતા અને શસ્ત્રોની અસરકારકતા સુનિશ્ર્ચિત કરવી જરૂરી છે. ટ્રમ્પ ઉમેરે છે કે ‘અન્ય દેશોના પરીક્ષણ કાર્યક્રમોને નજર સામે રાખીને અમે પણ અમારાં પરમાણુ હથિયારોનું પરીક્ષણ શરૂ કરીશું.’

આ જાહેરાતનું ટાઈમિંગ પણ અગત્યનું છે. આ જાહેરાત ચીનના પ્રમુખ શી જિનપિંગ સાથેની બેઠકની મિનિટ પહેલાં આવી, જોકે ટ્રમ્પની જાહેરાતથી આખા વિશ્વમાં ખળભળાટ મચી ગયો છે. આ જાહેરાતથી કોલ્ડવોર-ટુ ચાલુ થઈ જશે. હાલમાં કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર-ટેસ્ટ-બેન ટ્રીટી (સીટીબીટી)ને લીધે કોઈ દેશ અણુ હથિયારનું પરીક્ષણ કરી શકે નહીં.

ટ્રમ્પે એક મુલાકાતમાં ઘણી સ્ફોટક વાતો કરી છે કે આને લીધે ભારત પર મુસીબતનો પહાડ તૂટી પડ્યો છે. ટ્રમ્પ કહે છે કે અમેરિકા પાસે રશિયા કરતાં વધારે એટોમિક વેપન છે. ચીનનો ત્રીજો નંબર આવે છે, પરંતુ ચીન થોડાં વર્ષોમાં અમેરિકાની બરોબરી કરી શકે. ટ્રમ્પે એવો પણ દાવો કર્યો હતો કે અમારો દેશ લોકતાંત્રિક દેશ છે એટલે આપણે અણુ હથિયારનું પરીક્ષણ કરીએ તો એ જાહેરમાં આવી જાય, જયારે રશિયા – ચીનમાં બધુ ખાનગી રીતે થાય છે.

આ પણ વાંચો: પ્રાસંગિકઃ પાકિસ્તાનના ટુકડા કરાવીને જ જંપશે અસીમ મુનીર…

ટ્રમ્પ એ મુલાકાતમાં એવો પણ ઘટસ્ફોટ કરે છે કે હું રશિયા અને ચીન એટમ બોમ્બનું વહન કરી શકે એવી મિસાઈલ ટેસ્ટની વાત કરતો નથી. હું ડિલિવરી સિસ્ટમની વાત કરતો નથી. હું અણુ હથિયારોના પરીક્ષણની વાત કરી રહ્યો છું. ટ્રમ્પે એવી પણ ચોંકાવનારી વાત કરી હતી કે ઉત્તર કોરિયા અને પાકિસ્તાન પણ અણુ શસ્ત્રોનું પરીક્ષણ કરે છે.

હવે નોંધ લેવા જેવી વાત છે કે બ્રોડકાસ્ટરે પ્રસારિત કરેલા 60 મિનિટના ઈન્ટરવ્યૂમાં પાકિસ્તાનનો ઉલ્લેખ નથી. એ મુલાકાત ઍડિટ સંપાદિત કરવામાં આવી હતી, પણ ટ્રમ્પે આખી મુલાકાત તેમના સોશ્યલ મીડિયા એકાઉન્ટમાં મૂકી હતી. આ વધારાની બાર મિનિટની મુલાકાતમાં ટ્રમ્પ સ્પષ્ટ રીતે કહે છે કે પાકિસ્તાન પણ એટોમિક વેપનનું ટેસ્ટિંગ કરે છે. ટ્રમ્પ કહે છે એમ 33 વર્ષ પછી અમેરિકા સિસ્ટમ નહીં, પરંતુ હથિયારનું પરીક્ષણ કરશે તો અણુ વાવાઝોડું આવશે.

ટ્રમ્પની આવી જાહેરાતથી એટોમિક એક્સપર્ટ પણ અવઢવમાં મુકાયા છે. નિષ્ણાતો એવી શંકા વ્યક્ત કરી રહ્યા છે કે ટ્રમ્પ કદાચ અણુ હથિયારો નહીં પરંતુ મિસાઈલ સિસ્ટમ કે ડિલિવરી સિસ્ટમની વાત કરી રહ્યા છે. ટ્રમ્પ કહે છે કે અમેરિકા સૌથી વધારે એટોમિક બૉમ્બ ધરાવે છે, પરંતુ હકીકત એ છે કે રશિયા પાસે અમેરિકા કરતાં વધુ એટોમિક વેપન છે.

આ પણ વાંચો: પ્રાસંગિકઃ અફઘાનિસ્તાન સાથે યુદ્ધ છેડીને પાકિસ્તાને પાયમાલી વહોરી છે

ટ્રમ્પ કહે છે કે રશિયા-ચીન અમુક હથિયારનું પરીક્ષણ કરે છે. હવે એક્સપર્ટ કહે છે કે ચીન- પાકિસ્તાન અને ભારત સહિત અનેક દેશોએ 1992-1996માં એટોમિક વેપનની ટેસ્ટ બંધ કરી દીધી છે. મહત્ત્વની વાત એ છે કે કોઈ પણ દેશ અણુ પરીક્ષણ કરે તો ‘વોચડોગ’ એના ઈફેક્ટના આધારે તે પકડી શકે. અમેરિકાએ સીટીબીટીને સેનેટમાં બહાલ કરી નથી. ટ્રમ્પની મુલાકાતે જે મોટું કન્ફ્યુઝન ઊભું કર્યું છે એ શું ટ્રમ્પે હિમાલય જે વડી મોટી ભૂલ કરી છે કે શું આ મિસ કોમ્યુનિકેશન છે?.

જો ટ્રમ્પે બાફયું હોય તો તે સુધારો કરી શક્યા હોત. આનું કારણ સ્પષ્ટ એ છે કે તેમણે પહેલા જાહેરાત પોસ્ટ મૂકીને કરી હતી. તેના થોડા દિવસો બાદ ટ્રમ્પે આપેલી મુલાકાતમાં આ વાત ફરી છાતી ઠોકીને દોહરાવી હતી. અમે વારંવાર લખીએ છીએ તેમ ‘ટ્રમ્પની આ મેડનેસમાં મેથડ છે’. ટ્રમ્પની એ જાહેરાત કરવા પાછળ કોઈ મોટો પ્લાન લાગે છે. કદાચ એ રશિયા અને ચીનને ડરાવવા માગે છે.

ટ્રમ્પે રશિયાની તેલની બે મોટી કંપની પર અમેરિકાએ પ્રતિબંધ મૂક્યો છે. આને લીધે ભારત અને ચીને રશિયા પાસેથી તેલની આયાત બંધ કરવી પડશે. આ પગલાએ રશિયન અર્થતંત્રની કમર તોડી નાખી છે. ટ્રમ્પે રશિયાના તેમના સમકક્ષ સાથે બીજી વાર શિખર પરિષદ કરવાની ના પાડી છે. પહેલી વાર ટ્રમ્પે તેમના સલાહકારોની સલાહ માની છે.

આ પણ વાંચો: પ્રાસંગિકઃ ટ્રમ્પની શાંતિ મંત્રણામાં પીઠ પાછળ છૂરી મારશે ઈઝરાયલ!

અગાઉ પુતિન ટાઈમ બાઈંગ રણનીતિમાં સફળ થતા હતા, પરંતુ ટ્રમ્પે હવે બીજી શિખર પરિષદની ના પાડતાં પુતિન પર દબાણ આવી ગયું છે.. યુક્રેનના પ્રમુખ તો વ્યવસાયે નિપૂણ કૉમેડિયન છે, પરંતુ પુતિન તો મોટા સરમુખત્યાર છે. ટ્રમ્પે યુદ્ધ અટકાવવા માટે પુતિનને યુદ્ધવિરામની આકર્ષક ઓફર આપી હતી, પરંતુ જીદ્દી પુતિને તે સ્વીકારી નથી.

ટ્રમ્પે યુક્રેન નાટોનું સભ્ય નહીં બને અને જીતેલા પ્રદેશ રશિયા પાસે રહેશે એવા બે મોટા કન્સેશન આપ્યા તો પણ પુતિન માન્યા નથી અને હવે પસ્તાઈ રહ્યા છે. પુતિન તો અણુયુદ્ધના મોડમાં જ છે. એ હવે દિન-રાત અણુયુદ્ધની તૈયારી કરી રહ્યા છે. રશિયાએ તાજેતરમાં અણુ ઊર્જાથી ચાલતું મિસાઈલ તેમ જ સમુદ્રમાં સુનામી ઊભી કરે એવી સિસ્ટમનું પરીક્ષણ કર્યું હતું. રશિયાએ બ્યુરેવેસ્ટનિક અને પોસીડોન જેવી સિસ્ટમ્સ તપાસી હતી એટલે પણ ટ્રમ્પ ક્રોધિત થયા હતા.

ચીનના પરમાણુ હથિયારોની સંખ્યા ઝડપથી વધી રહી છે વર્તમાનમાં 600થી વધુ, અને 2030 સુધીમાં 1000નું અનુમાન કરવામાં આવે. છે. જો અમેરિકા ખતરનાક હથિયારનું પરીક્ષણ કરશે તો એનો ફાયદો ચીનને થશે. ચીન પાસે ઘણા કાતિલ હથિયારો છે. એ પણ તેનું પરીક્ષણ ચાલુ કરી દેશે. ચીન પાસે હાઈડ્રોજન બૉમ્બ પણ છે. ચીન (કોમ્પ્રિહેન્સિવ ન્યુક્લિયર-ટેસ્ટ-બન ટ્રીટી)ના મોરેટોરિયમને તોડશે તો મોટી શસ્ત્ર દોટ શરૂ થઈ જશે.

આ પણ વાંચો: પ્રાસંગિકઃ જનઆંદોલન સામે વિવશ સત્તાધીશો… હજી તો ઘણાનાં સિંહાસન ડોલશે!

અત્યારે પરીક્ષણો મુખ્યત્વે ‘નોન-ક્રિટિકલ’ અથવા ‘સિસ્ટમ ટેસ્ટ્સ’ છે, જેમાં વિસ્ફોટ કરાતો નથી. પરંતુ હથિયારોના ભાગ (જેમ કે મિસાઇલો અને વોરહેડ્સ)ની ચકાસણી થાય છે. જો વિસ્ફોટક પરીક્ષણ થાય તો, તે પર્યાવરણીય અને આરોગ્ય જોખમો વધારશે, આને લીધે રેડિયેશન બહાર આવશે અને કૅન્સર તથા બીજી બીમારીઓ ફેલાશે. હિરોશીમા અને નાગાસાકીમાં કેવા ભયંકર પરિણામો આવ્યા એ બધા જાણે છે. આની માઠી અસર ભાવિ પેઢી પર પણ થશે.

જો ટ્રમ્પને પેન્ટાગોને બ્રીફિંગમાં આવી ખતરનાક વાતો કહી હોય અને એ આધારે ટ્રમ્પ ઘટસ્ફોટ કરતા હોય તો ભારત માટે આ સૌથી જોખમી વાત છે. બધા જાણે છે કે પાકિસ્તાને કઈ રીતે ટેકનોલોજી ચોરી કરીને એટમ બૉમ્બ બનાવ્યો છે. તેને ચીને મદદ કરી છે એ પણ બધાને સુવિદિત છે. ચીન કોઈને મદદ કરવી હોય તો સીધી મદદ કરતું નથી. એ તેના પીઠ્ઠું ઉત્તર કોરિયાને આગળ કરે છે.

ઈરાન અને પાકિસ્તાન પાસે રહેલા મિસાઈલો તેમના પોતાના નથી, પરંતુ કોરિયાના છે. જો હવે ટ્રમ્પ કહે છે એમ પાકિસ્તાન, કોરિયા અને ચીન છુપી રીતે હથિયારનું ટેસ્ટિંગ કરે છે તો ભારતના અસ્તિત્ત્વ સામે મોટો ખતરો ઊભો થાય છે. પાકિસ્તાને હાલમાં બંધારણમાં મોટો ફેરફાર કરીને એટમ બૉમ્બની કમાન્ડ સિસ્ટમનું બટન લશ્કરના વડા અસીફ મુનિરને સોંપી દીધું છે.

આ પણ વાંચો: પ્રાસંગિકઃ પાકિસ્તાન માટે આ બે હોડીની સવારી આત્મઘાતી છે

આ મુનિરમિયાંની વિચારસરણી જેહાદી છે એટલે ભારતે સાવચેત રહેવું પડશે. ભારતની ‘નો ફર્સ્ટ યુઝ (પહેલા ઉપયોગ ન કરવાની નીતિ)’ પૉલિસી છે. જ્યારે બીજી બાજુ મુનિર વારંવાર અણુ યુદ્ધ કરવાની ધમકી આપે છે. પાકિસ્તાન હાલમાં ચીન કરતાં અમેરિકાના ખોળામાં વધુ બેસેલું છે. કદાચ ભરતને ડરાવવા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીને માટે મુસીબતો વધારવા ટ્રમ્પે પાકિસ્તાનનું પપલુ ફેક્યું હોય તો નવાઈ નહીં.

ભારત સામે પરંપરાગત યુદ્ધમાં તો પાકિસ્તાન ટકી શકે એમ નથી. આથી તેનો બધો ભરોસો એટેમ વોર પર છે. ભારત તો અણુ વેપન ડેટરન્ટ (તારણ) તરીકે ઉપયોગ કરે છે. ભારતના સંરક્ષણ પ્રધાન રાજનાથ સિંહ કહે છે કે અમે પાકિસ્તાનના અટેમ ટેસ્ટિંગના અહેવાલ વાંચ્યા છે. અમે બધી રીતે તૈયાર છીએ. પાકિસ્તાન કદાચ ભારત પર પહેલો અણુ હુમલો કરી શકે, પરંતુ ત્યાર બાદ ભારતના પ્રતિકારમાં પાકિસ્તાનનો સંહાર અને વિનાશ થઈ જાય એ પાક્કું!

Amul Dave

પત્રકારત્વમાં 40 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે રમતગમત, રાજકારણ, ધર્મ, જ્યોતિષ ઈત્યાદિ વિષય પર લોકપ્રિય કટાર લખી છે. રાજકારણ તેમનો મનગમતો વિષય છે અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેમની હથોટી છે.

સંબંધિત લેખો

Back to top button