ઈન્ટરવલ

ટામેટાંની નવાજૂની: ફળ ગણવું કે શાકભાજી?!

‘ગોલ્ડ એપલ’ અને ‘લવ એપલ’ જેવાં અનેક વિભિન્ન નામોથી ઓળખાતા આ લાલચટ્ટક ફળનો રસપ્રદ એક્સ-રે

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

દર્શનશાસ્ત્રમાં દ્વિધા વિશે ઘણું લખવામાં આવ્યું છે. આપણે સત્ય કોને માનવું જોઈએ એ માટે તર્કબદ્ધ દલીલો કરવામાં આવી છે. દરેક પ્રશ્ર્નનો જવાબ પોતાના દૃષ્ટિકોણ મુજબ જાતજાતનો હોઇ શકે. સુખની દરેક વ્યક્તિ માટે વ્યાખ્યા અલગ અલગ હોય એવો જ સવાલ ટામેટાં ( કે ટમાટો- ટમેતટુ ) માટે થતો રહ્યો છે. ટામેટાને ફળની કેટેગરીમાં ગણવું કે શાક તરીકે ગણવું એ માટે અઢળક ચર્ચાઓ થઈ ચૂકી છે.

એક જમાનામાં બંગાળ અને ઓરિસ્સા વચ્ચે વિવાદ હતો કે રસગુલ્લા કોના? મામલો છેક સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો હતો. બંને રાજ્યની પ્રજા માટે રસગુલ્લા કેવળ એક મીઠાઈ ન હતી, પણ એક સાંસ્કૃતિક વિરાસત હતી. જો કે સુપ્રીમ કોર્ટે રસગુલ્લાની ક્રેડિટ ઓરિસ્સાને આપી. એ એક અલગ વાત છે કે આ લડાઇમાં પોર્ટુગીઝ ન હતું બાકી એ પણ દાવો કરી શકે કે ભારતમાં દૂધનું ફાટી જવું અશુભ માનવામાં આવે છે. રસગુલ્લા બનાવવા દૂધને ફાડવું જરૂરી છે, જેનો વ્યાપક પ્રયોગ પોર્ટુગીઝો લાવ્યા હતાં. રસગુલ્લા બનાવવાના પાયામાં પોર્ટુગીઝ ત્રીજો પક્ષ તરીકે દાવો કરી શક્તો હતો.
ખેર, મૂળ પ્રશ્ર્ન એટલો છે કે ટામેટાનો સમાવેશ શેમાં ગણવો. ભારતમાં ટામેટાંની ખેતી પોર્ટુગીઝ લઇને આવ્યા હોવાનું માનવામાં આવે છે. મૂળ તો મેક્સિકોથી નીકળેલો અને અમેરિકન આદિવાસી ભાષામાં એક બોલી છે, નહુઅત્લ. હાળું બોલતા ય ફાવે નહીં એવો એમનો શબ્દ હતો ટોમાટ્લ. ટોમાટ્લ એટલે ડુંડ. એની જ વાત ચાલે છે જે પેટની મધ્યમા હોય છે. ટોમિટ્લનો અર્થ થાય છે નાભિવાળી મોટી વસ્તુ. આ શબ્દ સ્પેનમાં ગયોને ટોમેટો થયો. અંગ્રેજી શબ્દ પણ ટોમેટો રહ્યો. ભારતમાં ટમાટરથી માંડીને આપણે ગુજરાતીઓએ ટામેટાંં શબ્દ જગતને આપ્યો. આપણે ગુજરાતીઓએ તો ટામેટાંને કામધંધે લગાડ્યો છે. કોઈ વ્યક્તિ સારા હિમોગ્લોબીનને કારણે તંદુરસ્ત દેખાય અથવા ગરમીમાં સફેદ ચામડીવાળો લાલ લાલ થઇ ગયો હોય તો આપણે એને ટામેટાં જેવો કહીએ છીએ. આપણી માન્યતા છે કે ટામેટાંનો રંગ લાલ છે , પણ દુનિયાભરમાં ટામેટાંની અસંખ્ય વેરાયટી છે. આમ તો એક અંદાજ મુજબ દશ હજાર કરતાં વધુ પ્રજાતિ ધરાવતા ટામેટાંં લીલાં, પીળા અને ગુલાબી તો છે પણ કેટલીક પ્રજાતિઓમાં સફેદ અને કાળી ચામડીવાળા પણ મળે છે.

ટામેટાંંનો ઉપયોગ વિશ્ર્વના મોટાભાગના દેશોમાં થાય છે એટલે ટામેટાંને ભવિષ્યમાં વિશ્ર્વ શાંતિ માટે ઉપયોગ કરવાનું વિચારવું જોઈએ. ભોજનમાં ટામેટાંં આમેય વિટામિન સી અને વિટામિન કે આપવા સાથે પોટેશિયમ સહિત પોષણ માટે જરૂરી અનેક ઘટકો પૂરા પાડે છે.

એક જમાનામાં ટામેટાને કેરીની જેમ ચૂસીને ખાતી જનરેશન જોવા મળતી હતી, જે લુપ્ત થઈ ગઈ હોય એવું લાગે છે. ટામેટાનું મહત્ત્વ જાણતી યુરોપિયન પ્રજાને સોળમી સદીમાં પરિચય થતાં જર્મનોએ એને ‘ગોલ્ડ એપલ’ કહ્યું હતું. ફ્રાન્સમાં લાલ ટામેટાં જોઇને કામશક્તિ વધારનાર લાગતાં ‘લવ એપલ’ તરીકે પરિચય આપવામાં આવ્યો. ટામેટાનો અભ્યાસ કરીએ તો દરેક કલ્ચરે એને પોતાની નજરે નીહાળ્યો છે અને જાતજાતના ઉપનામ તથા કથાઓ જોડી છે.

વિશ્ર્વમાં ત્રીજા ક્રમે ઉત્પાદન ધરાવતા ભારતમાં ટામેટાં કલ્ચરમાં વણાઇ ગયા છે. ઉત્તર ભારતીય શબ્જીઓની ગ્રેવીમાં ટામેટાં આગવો હક ધરાવે છે તો દક્ષિણ ભારતીય વાનગીઓમાં ટામેટાં વગર આપણને સ્વાદ જ જામે નહીં એવું લાગે. આપણા રસમમાં ટામેટાંનો ટુકડો ના દેખાય તો એવું લાગે કે આ ભારતીય શૈલીનું ભોજન જ નથી. સમગ્ર જગતમાં કોઈ પ્રકારના વાંધા – વિરોધ વગર બધામાં ભળી જવાની કળા ટામેટાં પાસેથી ગુજરાતીઓ સૌથી પહેલાં શીખી ગયા.

ટામેટાંં માટે અમેરિકાવાળાને જાતજાતની મગજમારીઓ હોય છે. છેક કોર્ટ સુધી પહોંચ્યા કે એ ટામેટાં ફ્રૂટ છે કે શાક?’ તમે શું માનો છો? અમેરિકાની સુપ્રીમ કોર્ટે ૧૮૯૦માં ટામેટાંને શાક માન્યું છે…. આ અમેરિકન જ સૌથી વધારે ટામેટાં ખાય છે. અમેરિકામાં જ બબાલ કાયદેસર થઈ કે ટામેટાંનો સમાવેશ ફળમાં કરવો જોઇએ કે શાકભાજીમાં?

બાયોલોજીના નિષ્ણાતો મુજબ ટામેટાનો જન્મ ફળની જેમ જ થાય છે એટલે કે ફૂલ થાય અને પછી એમાં બીજ હોય. સામા પક્ષે ડાઇનિંગ ટેબલ પર ટામેટાંં ફળ સાથે ભોજનમાં આવતા નથી , પણ શાકભાજી સાથે કંપની આપે છે. અમેરિકામાં સુપ્રીમ કોર્ટ સુધી આ મામલો ગયો અને વર્ષ ૧૯૮૩માં ભોજનની દૃષ્ટિમાં એ શાક જ છે, પણ ઉછેરમાં એ ફળ છે. ભલે ચુકાદા મુજબ ટામેટાને શાકની શ્રેણીમાં ગણવામાં આવતાં હશે, પણ ઉત્પાદન અને વપરાશની નજરે જોવામાં આવે તો ટામેટાંને બંને કેટેગરીમાં રાખવા જોઈએ.

આજે ભલે ટામેટાંં માટે સુપ્રીમ કોર્ટે ગયા હોય પણ અઢારમી સદી સુધી ટામેટાં ખાવા એ હેલ્થ માટે નુકસાનકારક હતાં એવું યુરોપિયન માનતા. આ જ યુરોપનો દેશ સ્પેન ટામેટાંમય બની ગયો અને ટામેટાં ફેસ્ટિવલમાં લાખ બે લાખ ટામેટાંની ધુળેટી કરી ઉજવી નાખે છે. જો કે વિરોધ પ્રદર્શન માટે ભારતમાં ટામેટાંં ઉછાળવામાં આવતા હતાં. કદાચ ટામેટાંં મારવાનું કારણ એ હોઈ શકે કે ટામેટામાં લગભગ ૯૫ ટકા હિસ્સો પાણીનો છે. ભલે ટામેટાંં મારીને વિરોધ પ્રદર્શિત કરવામાં આવતો હોય પણ પિત્ઝા કે ઇટાલિયન ડીશમાં ટોમેટો કેચ અપ વગર સ્વાદનો જલસો રખડી જાય.

ઘણાંને ટામેટાંં ખાવાની તલપ થતી હોય એવી વ્યક્તિઓને ભોજનમાં ટામેટાંં વગર ચાલે જ નહીં એમને ટોમેટોફેગિયાની માનસિક સમસ્યા તરીકે ઓળખવામાં આવે છે. ખાસ કરીને પ્રેગ્નન્સી દરમિયાન મહિલાઓ શરીરમાં આયર્નની ઊણપ છે એવું માનવા લાગે ત્યારે તેને ટામેટામાં સોલ્યુશન મળે છે.

જો કે એક અભ્યાસ મુજબ એવું માનવામાં આવે છે કે બીમાર વ્યક્તિને ટામેટાંં આપવામાં આવે તો એને જલદી સ્વસ્થ થઈ જશે એવો ભાવ ફક્ત ટામેટાંં દર્શનની થતો હોય છે. જે ભોજનમાં ટામેટાંંનો વપરાશ થયો હોય એ સ્વાદિષ્ટ પણ લાગે છે તેથી ટામેટાવાળું ભોજન જમવાની તલપ થવા લાગે છે.

ટામેટાંંની પસંદગી કરનારાઓમાં પણ વિવિધતા છે, કાચા ટામેટાંં નોન વેજ જેવા લાગવાની ભાવના થકી તિરસ્કાર કરનારાઓ શાકભાજીમાં એનો સહર્ષ સ્વીકાર કરે છે. ટામેટાની કથામાં અસંખ્ય ટવીસ્ટ હોય એવું લાગે છે, પણ આપણે ટામેટાની મજા માણીએ.

ધ એન્ડ :
જગતમાં એક પ્રશ્ર્ન થતો હોય છે કે પોષકતત્ત્વો મેળવવા છાલ સાથે ફળ કે શાકભાજી ખાવી કે ફર્ટિલાઇઝરની અસર ઘટાડવા છાલ કાઢી નાખવી ?
ફરી કદાચ એકાદ સુપ્રીમ કોર્ટના ચુકાદા માટે તૈયાર રહો !

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button