માર્ગ અને મકાન વિભાગનાં રોજબરોજનાં કામ અંગે કોને ફરિયાદ કરવી?
ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ
ગુજરાત રાજ્યની સ્થાપના બાદના ઈતિહાસમાં સરકારનો માર્ગ અને મકાન વિભાગ કોઈ મુખ્યમંત્રીએ પોતાના હસ્તક રાખ્યો હોય એવું લગભગ બન્યું નથી. પરંતુ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એમાં એક આગવા અપવાદ છે. તેઓએ આ અગત્યનો વિભાગ એમની બીજી ટર્મ શરૂ થઈ ત્યારથી પોતાની પાસે રાખ્યો છે. તેના કારણો એ હોઈ શકે કે (ક):-મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ વ્યવસાયે બિલ્ડર છે એટલે એમને આ વિષયમાં સમજ વધારે હોય (ખ):-રાજ્યના ઈન્ફ્રાસ્ટ્રક્ચરના વિકાસ પર વધુ ધ્યાન આપી શકાય તે માટે અને(૩):- વિશાળ બજેટ ધરાવતા આ વિભાગ દ્વારા પ્રજા હિતના વિવિધ કામ કરી શકાય
તે માટે.
મુખ્યમંત્રીની નિષ્ઠા અંગે કોઈ શંકા રાખવાનું કારણ જ નથી પણ સ્થિતિ એવી છે કે આ વિભાગનાં રોજબરોજનાં નાનામોટા પ્રશ્ર્નો અંગે રજૂઆત ક્યાં કરવી? તેનું કારણ એ છે કે મુખ્યમંત્રી પાસે ૧૮ ખાતા છે.
એટલે આ ખાતા પર તેઓ પૂરતું ધ્યાન ન આપી શકે એ સ્વાભાવિક વાત છે. વળી, મુખ્યમંત્રીને મળવું એ સંસદસભ્યો, ધારાસભ્યો માટે પણ અઘરું છે ત્યાં સામાન્ય નાગરિકની તો વાત જ શું કરવી? આ સંજોગોમાં રાજ્યનાં માર્ગ અને મકાન વિભાગનાં કામ કે કામના વિલંબ અંગે ઊભી થતી ફરિયાદ કે રજૂઆત માટે કોઈ રાજકીય વ્યવસ્થા જ નથી રહી. વળી મુખ્યમંત્રીએ રાજ્ય કક્ષાના કોઈ મંત્રીને પણ આ વિભાગની ફાળવણી નથી કરી. પરીણામે ગુજરાતના પાટનગરથી દૂરના જિલ્લાઓ માટે માર્ગ અને
મકાન વિભાગનાં કામ અંગે રજૂઆત કરવાનું કોઈ માધ્યમ જ નથી રહ્યું.
પુરુષોત્તમ રૂપાલાની ઉમેદવારીના કિસ્સામાં ભા.જ.પ.નો હાથ ઉપર રહ્યો છે
કેન્દ્રીય મંત્રી પુરુષોત્તમ રૂપાલાની રાજકોટ લોકસભાની બેઠક માટેની ઉમેદવારી રદ કરવા અંગે ગુજરાતના ક્ષત્રિય સમાજ તરફથી જે આંદોલનાત્મક અભિયાન ઉપાડાયું છે તેમાં પ્રથમ રાઉન્ડમાં ભા.જ.પ.નો હાથ ઉપર રહ્યો હોવાનું પ્રતીત થાય છે.ભા.જ.પ.નો આ આડકતરો વિજય પણ ગણી શકાય.આમ થવા પાછળનાં કારણો શું? એ પ્રશ્ર્નનો જવાબ એવો મળે છે કે (૧):-આ આખા પ્રકરણમાં પુરુષોત્તમ રૂપાલા અને પક્ષની નેતાગીરીએ બોલવા પર જબરદસ્ત સંયમ રાખ્યો છે(૨):-વૈચારિક રીતે સમગ્ર પક્ષ એક થઈને રૂપાલાની પડખે ઊભો રહ્યો(૩):-આ વૈચારિક લડાઈમાં ક્ષત્રિયોના પક્ષે સંખ્યા હતી પણ તેનો સરવાળો ન થયો.(૪):-ભા.જ.પ.ની લોખંડી શિસ્ત અહીં બહુ કામમાં આવી(૫):-ભા.જ.પ. તરફથી પોતાના સમાજને માન આપતો નિર્ણય આવશે એવી રાહમાં બેઠેલા ક્ષત્રિય સમાજને વિલંબ નીતિથી થકવી દઈને તે સમાજમાં બે તડાં પડાવવામાં ભા.જ.પ.સફળ રહ્યો(૬):-ગુજરાતની જનતાનો પ્રચંડ સમૂહ ભા.જ.પ.સાથે હોવાથી ક્ષત્રિયોના મત ગુમાવવા પડે તો ગુમાવીને પણ રૂપાલા અંગેનાં નિર્ણયમાં મક્કમ રહેવાનો નિર્ણય કરીને ભા.જ.પ.એ અન્ય સમાજોમાં પોતાની છાપ ઉજળી કરી છે.હવે રાજકોટની બેઠક માટે રૂપાલા ભા.જ.પ.ના સત્તાવાર અને આખરી ઉમેદવાર તરીકે નિશ્ર્ચિત થઈ ગયા છે ત્યારે ક્ષત્રિય સમાજ બીજા રાઉન્ડમાં શું વ્યૂહરચના ગોઠવે છે એ જોવું રસપ્રદ બની રહેશે.
મંત્રી ઋષિકેશ પટેલ ને હરિલાલ પટેલ સમૂહ લગ્નમાં ગયાને ક્ષોભકારક સ્થિતિમાં મુકાયા
ચૂંટણી પ્રચારની લ્હાયમાં કોક વાર ઉમેદવાર અને ટેકેદાર કેવાં ભેરવાઈ જવાય છે તેનો અનુભવ ગુજરાત સરકારનાં આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ અને લોકસભાની મહેસાણા બેઠકના ભા.જ.પ.ના ઉમેદવાર હરિલાલ પટેલને થયો. બન્યુ એવું કે ગત રવિવારે સવારે વિસનગર ખાતે ઠાકોર ક્ષત્રિય સમાજનાં ૧૦૯ દંપતીઓનો સમૂહ લગ્નોત્સવ યોજાયો હતો. તેમાં હાજરી આપવા ઋષિકેશ પટેલ અને હરિલાલ પટેલ પહોંચી ગયા.આ સમારંભમાં મહેસાણાના કૉંગ્રેસના ઉમેદવારો રામાજી ઠાકોર પણ ઉપસ્થિત હતા.અહીં બહુચરાજીના પૂર્વ ધારાસભ્ય ભરતજી ઠાકોરે પ્રવચન કરતાં જુસ્સામાં આવી જઈને કહ્યું કે “અહીં આપણે કૉંગ્રેસના લોકસભાના ઉમેદવાર રામાજી ઠાકોરને પાઘડી પહેરાવી છે.આ પાઘડીની લાજ આપણે રાખવાની છે.આપણે સૌએ રામાજી ઠાકોરને જીતાડવાના છે.તો સૌ બન્ને હાથ ઊંચા કરીને મારી વાતને ટેકો આપો. અને આશ્ર્ચર્યની વાત તો એ છે કે ભરતજીની અપિલ સાંભળીને કાર્યક્રમમાં ઉપસ્થિત સૌએ બે હાથ ઉપર કરીને ભરતજી ઠાકોરની વાતને સમૂહમાં અનુમોદન આપ્યું. માત્ર ઋષિકેશ પટેલ અને હરિલાલ પટેલે હાથ ઉંચા ન કર્યા અને ક્ષોભજનક સ્થિતિમાં બેસી રહ્યા.અલબત્ત, એ બન્નેએ પણ પૂરી રાજકીય પરિપકવતા વાપરીને સંયમ દાખવ્યો.‘ધરમ કરતા ધાડ પડી’ એ કહેવત આ પ્રસંગે યાદ આવે હોં!
કૉંગ્રેસનાં લોકસભાની બેઠકનાં ઉમેદવાર ઋત્વિક મકવાણા ભૂવાઓ સાથે ધૂણ્યા!
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીનો માહોલ હજુ જોઈએ એવો જામ્યો નથી.તેને કારણે ઉમેદવારોએ વધારે મહેનત કરવી પડે એવું છે.એમાં પણ કૉંગ્રેસના ઉમેદવારોએ તો એકલા હાથે અને પોતાની પ્રતિષ્ઠા પર લડવાનું છે! કારણ કે પક્ષનું સંગઠન તેમને ખભે ઉપાડીને ફેરવે એવી કોઈ સ્થિતિ નથી.આ સંજોગોમાં કૉંગ્રેસી ઉમેદવારોએ કેવા કેવા નુસખા અજમાવવા પડે છે તેનો એક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે.વાત જાણે એમ બની કે સુરેન્દ્રનગર લોકસભાની બેઠકના ઉમેદવાર ઋત્વિક સવસી મકવાણા તાજેતરમાં પોતાના પ્રચાર માટે જિલ્લાનાં ગ્રામ વિસ્તારમાં પ્રવાસે નીકળ્યા હતા. ત્યાં એક ગામમાં ભૂવા ધુણતા હતા. સ્વાભાવિક રીતે ભૂવા ધુણતા હોય ત્યાં માનવ સમૂહ તો હોય જ એટલે મકવાણા ત્યાં પ્રચાર માટે પહોંચી ગયા! લોકોને આકર્ષિત અને રાજી કરવા ઋત્વિક મકવાણા પણ ધુણવા માંડ્યા અને એ પ્રક્રિયાના ભાગરૂપે પોતાના વાંસામાં જ લોખંડની ચેઈન પણ બે – ત્રણ વાર ફટકારી લીધી.આ જોઈને ભૂવાઓ રાજી રાજી થઈ ગયા અને ઋત્વિજ મકવાણાને આશીર્વાદ આપ્યા. આ વિધિ સૂચવે છે કે લોકશાહીમાં યોજાતી ચૂંટણીમાં ઉમેદવારોએ લોકોને રીઝવવા ઘણું બધું કરવું પડે છે.
ચૂંટણીમાં ગુજરાતમાં જંગી મતદાન કરાવવા સામે ભા.જ.પ.ને ત્રણ મોટા વિઘ્નો નડશે?
ગુજરાત ભા.જ.પ.ના પ્રમુખ સી.આર.પાટીલે ૨૦૨૪ની લોકસભાની ચૂંટણી માટે એવું સ્વપ્ન સેવ્યું છે કે ગુજરાતની લોકસભાની દરેક બેઠક પર ભારતીય જનતા પક્ષનો ઉમેદવાર પાંચ લાખથી પણ વધુ મતની સરસાઇથી જીતવો જોઈએ.પાટીલનું આ સ્વપ્ન પક્ષના કાર્યકરો માટે તો નિશ્ર્ચિત આજ્ઞા અને અનીવાર્ય લક્ષ્યાંક બની ગયું છે અને એ માટે કાર્યકર્તાઓ અત્યારથી જ તનતોડ મહેનત પણ કરી રહ્યા છે.પરંતુ આ લક્ષ્યાંકને પાર પાડવા સામે ભા.જ.પ.ના કાર્યકર્તાઓને ત્રણ વિઘ્નો નડશે એવો ભય સતાવી સૌને રહ્યો છે.આ ત્રણ વિઘ્નો એટલે તા.૭મી મે’ના યોજનાર ચૂંટણીના દિવસે (૧):-પડનાર સંભવિત અતિશય ગરમી (૨):-સ્કૂલ-કોલેજમાં વેકેશન અને (૩):-લોકોની એવી વિશ્ર્વાસ ભરી માન્યતા છે કે નરેન્દ્ર મોદી તો જંગી બહુમતીથી જીતી જ જવાનાં છે તો આપણાં એક મતથી એમાં શું ફેર પડશે? આ ત્રણેય સંભવિત વિઘ્નો અંગેની ચિંતા સાચી પણ છે.તેનો ઉપાય શોધવામાં પણ કાર્યકર્તાઓ લાગી ગયા છે. અતિશય ગરમી માટે તો વાહનની વ્યવસ્થા થઈ જાય પણ વેકેશનમાં લોકોને બહાર જતા અટકાવવા એ જરા અઘરી બાબત છે અને લોકોની માન્યતા સામે પક્ષના સ્વપ્નની સમજ આપીને લોકોને મતદાન તરફ વાળવા મહેનત માગી લેતું કામ છે.આ બધામાંથી પાર ઊતરવા ગુજરાત ભા.જ.પ.ના કાર્યકર્તાઓ તનતોડ મહેનત કરી રહ્યા છે એ તો સાવ સાચું છે હોં!