વહેવાર એવો કરવો જે તહેવાર જેવો આનંદ આપે
કચ્છી ચોવક -કિશોર વ્યાસ
એક ચોવક છે: “વેસા ઘાત નેં વડો પાપ ‘વેસા શબ્દ છે. જેનો અર્થ થાય છે : વિશ્ર્વાસ. ‘ઘાત’ એટલે દગો. એ બન્ને શબ્દ ભેગા કરીએં તો તેનો અર્થ થાય છે.-વિશ્ર્વાસઘાત ‘ને’ એટલે અને ‘વડો’ શબ્દ પ્રયોજ્યો છે, જેનો અર્થ થાય છે: મોટો કે મોટું. ‘પાપ’ એટલે પાપ. ચોવકનો શબ્દાર્થ છે: વિશ્ર્વાસઘાત એ મોટું પાપ છે. મતલબ કે, કોઈએ આપણામાં મૂકેલા વિશ્ર્વાસનો ભંગ કરવો તેનાથી મોટું કોઈ પાપ નથી.
વ્યવહારમાં ખરા ઊતરવું એટલે એક મજાના તહેવાર ઉજવવા સમાન ગમતી ચોવક પ્રચલિત છે: “વેવાર ત તેવાર ‘વેવાર’ એટલે વ્યવહાર અને ‘ત’ એકાક્ષરી શબ્દ છે. તેનો અર્થ થાય છે. ‘એ’ ‘તેવાર’ શબ્દ એટલે તહેવાર! મતલબકે વ્યવહાર એ તહેવાર સમાન છે. ભાવાર્થ એવો છે કે, વ્યવહાર કરવામાં લોભ ન કરાય. વ્યક્તિની આબરુ કે પ્રતિષ્ઠા, જ્યાં વ્યવહાર કરવાનો છે. તેમની સાથેના સંબંધોની નિકટતા એ બધું વ્યવહાર કરતી વખતે ધ્યાનમાં રાખવાં જરૂરી છે. અને તો જ વ્યવહારની શોભા છે! વ્યવહાર કરનારની શોભા છે, એ શોભા એ જ એક પ્રકારનો તહેવાર છે!
વ્યવહારમાં એટલો પણ હાથ છૂટો ન રખાય કે જે પોતાને જ નુકસાનરૂપ બની જાય. જુઓ ચોવક પણ કહે છે કે “વેવાર જે અંતે ડીવાડો અન્ય શબ્દોના અર્થથી આપણે સૌ પરિચીત છીએં, ખરું ને? ‘ડીવાડો’ શબ્દ થોડો અજાણ્યો છે, જેનો અર્થ થાય છે, દેવાળું! જે વ્યવહારના અંતે દેવાળુ કાઢવા જેવું દુ:ખ થાય તેવો અને તેટલો વ્યવહાર ન કરવો જોઈએ. વ્યવહાર કર્યા પછી દિવાળી જેવો તહેવાર ઉજળતા હોઈએ તેવો હૃદયમાં આનંદ થવો જોઈએ.
એક અદ્ભુત ચોવક છે: “વીયાં સે જિંધગી જો નીયાં ‘વીયાં’ એટલે લગ્ન. ‘સે’ નો અર્થ અહીં ‘એ’ થાય છે. ‘જિંધગી’ એટલે જિન્દગી કે જીવન. ‘જો’નો અર્થ થાય છે. ‘નો’ અને ‘નીંયા’ એટલે… બોધ કે સમજ. કચ્છીમાં જો ની હસ્વ(નિ)ના પ્રયોગ સાથે થાય ‘નિયા’ લખાય તો તેનો અર્થ ઈન્સાફ કે ન્યાય થાય છે. અને ઉપર અનુસ્વાર સાથે ‘નીંયા’ લખાય તો તેનો અર્થ બોધ, પાઠ કે સમજ થાય છે. ચોવકનો શબ્દાર્થ છે: લગ્ન એ જિંદગીની મહત્ત્વની ઘટના છે! મહત્ત્વની બાબત છે. અને શબ્દોના અર્થ સમજતાં આપણે તેનો ભાવાર્થ પણ સમજી લીધો છે!
ગુજરાતીમાં એક કહેવત છે કે,‘વ્હેમનું ઓસડ ન હોય’. એવું જ એક ચોવક કહે છે: “વેમ જો ઓસડ નાંય ‘વેમ’ એટલે વ્હેમ ‘જો’નો અહીં અર્થ થાય છે: દવા ‘નાંય’ એટલે નથી. મતલબ કે દર્દ, વહેમની કોઈ દવા નથી હોતી! છે, વહેમનું એ દર્દ, જેની કોઈ દવા નથી.
કોઈ કર્યમાં નિષ્ફળતા મળે તેમાં કાર્ય કરનારનો જો દોષ ન હોય તો તેવી સ્થિતિને સ્પષ્ટ કરતી એક સુંદર ચોવક છે: ” વીતર વિણ છે તેંમેં સુંયાણી જો કેડો ડો અહીં ‘વીતર’ શબ્દનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેનો અર્થ થાય છે : સંતાન ‘વિણ ઠે’ એટલે વંઠે. ‘તેંમેં’ એટલે તેમાં ‘સુંયાણી’ એેટલે ‘સૂયાણી’ કે જે સ્ત્રીને પ્રસવ કરાવે. ‘જો’ એકાક્ષરી શબ્દનો અર્થ થાય છે. ના.ે ‘કેડો’ એટલે કેવો કે શાનો. ‘ડૉ’ નો અર્થ થાય છે: દોષ. સંતાન વંઠી જાય તેમાં સુવાવડ કરનાર સુયાણીનો શું દોષ? આ થયો ચોવકનો શબ્દાર્થ. અને ભાવાર્થ છે: કોઈ વિષમ પરિસ્થિતિ ઊભી થાય તેના માટે જવાબદાર ન હોવું!