લોઢું ગરમ હોય ત્યારે જ તેને ટીપાય
કચ્છી ચોવક -કિશોર વ્યાસ
ગુજરાતીમાં એક પ્રચલિત કહેવત છે કે, ‘વાંઢો હોય એ પોતાની સગાઈ કરે’ એજ કહેવત કચ્છીમાં ચોવક સ્વરૂપે આ રીતે કહેવાય છે: ‘વાંઢો પિંઢજી સગાઈ કરે’ વાંઢાનો અર્થ તો આપ સૌ જાણો છો. ‘પિંઢજી શબ્દનો અર્થ થાય છે: પોતાની ‘સગાઈ’ એટલે સગપણ અને ‘કરે’ એટલે….કરે!’ શબ્દાર્થ તો સ્પષ્ટ થઈ ગયો પણ ચોવક જે કહેવા માગે છે તે એ છે કે: દરેક વ્યક્તિ સૌ પહેલાં પોતાનો સ્વાર્થ સાધે! પોતાને શું લાભ કે ફાયદો થવાનો છે, એવું પહેલાં વિચારે.
એક બહુ સરસ ચોવક છે: ‘વેલ મેં વિટાર નવે’ પ્રથમ શબ્દ છે: ‘વેલ મેં’, બે શબ્દોના એ સમૂહનો અર્થ થાય છે: વ્હાલાઓમાં કે સ્વજનોમાં ‘વેલ’નો પ્રયોગ બહુવચન તરીકે થયો છે. ‘વિટાર’ એટલે વટાળ રે રમત થાય. ‘નવે’ એકાક્ષરી બે શબ્દોનો એ સમૂહ છે, અર્થ થાય છે: ન હોય શબ્દાર્થ મુજબ ચોવકનો અર્થ થાય છે: સ્વજનો સાથે કોઈ છેતરામણી રમત ન હોય! પરંતુ હકીકતમાં ચોવક એમ કહેવા માગે છે કે, ‘કોઈ એવી બાબત કે જે અસર ન કરે!’
આપણે ઘણી વખત બોલતાં હોઈએ છીએ કે, ‘આ તો મોટાઓની વાતો છે, આપણને સમજ ન પડે.’ એ એમને જ સમજાય. એજ અર્થમાં કચ્છી ચોવક પ્રચલિત થઈ છે: ‘વડે જ્યું ગાલીયૂં વડે કે ખબર’ પહેલા બે શબ્દ સાથે લેવાથી અર્થ સરળ બનશે. ‘વડેં જ્યું’ એટલે કે મોટાઓની ‘ગાલીયૂં’નો અર્થ થાય છે: વાતો ‘કે’ એટલે ‘ને’ કે તેમને જ. ‘ખબર’ એટલે ખબર હોવી. મતલબ કે, મોટાઓની વાતો મોટાઓને જ સમજાય. બીજા અર્થમાં આ ચોવક કોઈને જવાબ આપવાનું ટાળવા માટે પણ વાપરી શકાય છે. અથવા તો આપણે સમજ્યા હોઈએ પરંતુ અન્ય કોઈને કહેવાની જરૂર ન જણાય. અથવા તો, જેલી કે સાંભળેલી વાત કોઈથી છાની રાખવાની હોય! વળી, ચોવકનો ભાવાર્થ એવો થાય છે કે, ‘અમૂક વાતો’ જે જાણકાર હોય તેજ વ્યક્તિ સમજી શકે!
બીજી પણ એક રસપ્રદ ચોવકની યાદ આવી રહી છે. ચોવક છે: ‘વડેં ઘરેં જા પોલા વાંસ’ યાદ આવે છે એક ગુજરાતી કહેવત: ઘેર ઘેર માટીના ચૂલા! ખેર! આપણે શબ્દોના અર્થ જોઈને ચોવક શું કહેવા માગે છે, તે સમજવાની કોશિશ કરીએ. પહેલો શબ્દ છે: ‘વડેં’ એટલે કે મોટા. ‘ઘરેં જા’ એ બે અલગ અલગ શબ્દોનો સમૂહ છે અને તેનો અર્થ સાથે જ સમજવો જરૂરી છે. અર્થ થાય છે: ઘરો ના. ‘જા’ એટલે ના. ‘પોલા’ એટલે ‘પોલા’, વાંસ એટલે વાંસ શબ્દાર્થ થાય છે: મોટા ઘરના પણ વાંસ પોલા હોય છે! ડુંગરા દૂરથી રળિયામણાં. ભાવાર્થ સમજવા આ ગુજરાતી કહેવત અહીં મૂકી છે. જેવું દેખાય તેવું ખરેખર ન હોવું, હકીકત કંઈક જુદી જ હોવી આ છે,આ ચોવકનો ભાવાર્થ!
સમય વરતે સાવધાન! એ ગુજરાતી ભાષાની બહુ અર્થી કહેવત છે, જે ચોવકમાં આ રીતે રૂપાંરિત થઈ છે:
‘લો તપલ વે તડેં ધક હણાંજે’ ‘લો’ શબ્દથી ચોવક શરૂ થાય છે જેનો અર્થ થાય છે: લોઢું ‘તપલ’ એટલે કે ગરમ ‘વે’નો અર્થ થાય છે: હોય ‘તડે’ એટલે ત્યારે ‘ધક’નો અર્થ થાય છે. ‘ઘા’ અને ‘હણાંજે’ એટલે મારવો જોઈએ. શબ્દાર્થ સરળ થઈ ગયો, ખરુંને? લોઢું ગરમ હોય ત્યારે જ તેને ટીપી શકાય! પણ આ સાત શબ્દો ધરાવતી ચોવક સો જેટલા ભાવાર્થ પોતાનામાં છુપાવે છે. આપણે અહીં એક જ ભાવાર્થ જોઈશું: જેવો સમય હોય તે મુજબ કામ કરવું જોઈએ. ‘વા વાય તે પ્રમાણે પીઠ રખાય’ એવો જ અર્થ થયો ને? લોખંડને પણ જો કોઈ આકાર આપવો હોય તો તેને અગ્નિમાં તપાવવું પડે છે. અને ત્યાર પછી જ લુહાર તેને આકાર આપવા ઘા મારવાનું કે ટીપવાનું શરૂ કરે છે!