ઈન્ટરવલ

બદનામ થઈને નિકસને સત્તા છોડી પણ સજાથી બચી ગયા!

પ્રફુલ શાહ

વિવાદ અને વિરોધ વચ્ચે બીજીવાર પ્રમુખ બની ગયેલા રિચાર્ડ નિકસન માટે અજંપો અને આંચકો રાહ જોતા હતા. એક પછી એક સાથી છોડી ગયા, ગુના કબૂલી લીધા. આમાં એકદમ ઘરના અને ખાસ ગણાતા જૉન ડીને મોટો વિસ્ફોટ કરી દીધો.

જૉન ડીન વ્હાઈટ હાઉસના વકીલ હતા. આમ પડદા પાછળની વ્યક્તિ પણ, પરંતુ વૉટરગેટમાં એફ.બી.આઈ.ની તપાસમાં એમની પહોંચ હતી અથવા એવી ગેરબંધારણીય સત્તા અપાઈ હતી જે પર્દાફાશ થતા જૉન ડીન છાપે ચમક્યા હતા. આ જેન્ટલમેન વ્હાઈટ હાઉસના એ સહયોગીઓમાં હતા જેમને શરૂઆતમાં કૉંગ્રેસ સમક્ષ જુબાની અપાતા રોકાયા હતા. આમ કરવા માટે નિક્સને પોતાના ‘એક્ઝિક્યુટિવ પ્રિવિલેજ’નો (દૂર) ઉપયોગ કર્યો હતો. ડીન વ્હાઈટ હાઉસની વૉટરગેટ બ્રેક-ઈનની તપાસના અધ્યક્ષ પણ હતા, પરંતુ આ કૌભાંડમાં વ્હાઈટ હાઉસની સંડોવણી ઓછી કરતો ખોટો અહેવાલ આપવાનો નનૈયો ભણી દેવાથી તેમની હકાલપટ્ટી કરી દેવાઈ હતી.

નિક્સને તોરમાં આવીને જૉન ડીનને વ્હાઈટ હાઉસમાંથી તગેડી તો મૂકયા પણ હવે આ છૂટ્ટો થયેલો ઘોડો ક્યાં જાય કે શું કરે એનો ઉચાટ થતો હતો. એ જ વર્ષના જૂન મહિનામાં જૉન ડીને સેનેટ વૉટરગેટ કમિટી સમક્ષ 245 પાનાનું નિવેદન સાત કલાક સુધી આપ્યું. આમાં ઘણાં ધડાકા થયા. આમાં સૌથી મોટી કબૂલાત એ હતી કે વૉટરગેટની કામગીરી કરવા માટે મેં અને પ્રમુખ નિક્સને 35 વખત ચર્ચા કરી હતી. બીજો વિસ્ફોટ એ થયો કે કેવી રીતે નિક્સન અને તેના વ્હાઈટ હાઉસના સાથીદારોએ વૉટરગેટના મામલાને દાબી દેવા જૉને ખાસ તો એમાં વ્હાઈટ હાઉસની સંડોવણીના પુરાવાનો નાશ કર્યો હતો.

આમાં નિક્સન ફસાયા પણ જૉન ડીનને સીધી જેલ થઈ. આ સાથે એક બાબત નીચે ઘાટ્ટી લાલ લાઈન દોરાઈ ગઈ કે વૉટરગેટ કૌભાંડમાં તપાસને નામે એક પક્ષપૂર્ણ તમાશો જ હાથ ધરાયો હતો. જૉન ડીનના કબૂલાતથી લાગેલી આગમાં પેટ્રોલ છાંટ્યું એલેકઝાંડર બટરફિલ્ડે. વ્હાઈટ હાઉસમાં કામ કરતા બટરફિલ્ડે ગવાહી આપી કે નિક્સનની ઑફિસમાં થતી એક-એક વાતચીતનું ગુપ્ત રીતે રેકોર્ડિંગ થતું હતું, જેની માત્ર ગણ્યાગાંઠ્યા માણસોને જ જાણકારી હતી.

સ્વાભાવિકપણે સેનેટ કમિટીએ એ ટેપની માગણી કરી કારણ કે એ અત્યંત મહત્ત્વપૂર્ણ પુરાવા બની શકે. નિક્સને ટેપ સોંપવાનો ઉગ્ર વિરોધ જ ન કર્યો બલકે એમ કરવું એ પોતાનો એક્ઝિક્યુટિવ પ્રિવિલેજ અર્થાત્ વિશેષાધિકાર હોવાનો ફાંકોય માર્યો. ત્યારબાદ એટર્ની જનરલ ઈલિયટ રિચાર્ડસન પર દબાવ લાવ્યા કે આવી માંગણી કરનારા સ્પેશિયલ પ્રોસિક્યુટર આર્ચીબાલ્ડ કૉક્સને આ વૉટરગેટ ખટલામાંથી કાઢી મૂકો. નિક્સનનો સમય ખરાબ, બહુ ખરાબ ચાલતો હતો એટલે આર્ચીબાલ્ડ કૉક્સે એના આદેશને તાબે થવાને બદલે હોદ્દા પરથી રાજીનામું
આપી દીધું.

અંતત દેશની સર્વોચ્ચ અદાલત મેદાનમાં આવી અને રેકોર્ડિંગની ટેપ સોંપી દેવા માટે નિક્સન પર દબાણ લવાયું. નિક્સન કળણમાં ફસાઈ ચૂક્યા હતા. એમાંથી બહાર નીકળવાના હવાતિયાંથી વધુને વધુ અંદર ખૂંપતા જતા હતા.

આ દરમિયાન ડેમોક્રેટિક પાર્ટીની બહુમતી ધરાવતા સંસદના ગૃહમાં પ્રમુખ રિચાર્ડ નિક્સન વિરુદ્ધ ઈમ્પિચમેન્ટ અર્થાત્ મહાભિયોગની કામગીરી શરૂ કરવાની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ હતી. હવે નિક્સનના પતનની ઊલટી ગણતરી શરૂ થઈ ચૂકી હતી. આખરે ત્રણ ટેપ જાહેર થઈ ગઈ. આમાં દીવા જેમ સ્પષ્ટ થઈ ગયું કે વૉટરગેટમાં ઘૂસણખોરીને છાવરવાના પ્રયાસમાં નિક્સન એકસો એક ટકા સંડોવાયેલા હતા.

હવે નિક્સનની રિપબ્લિકન પાર્ટી પાસે ય કોઈ વિકલ્પ બચ્યા નહોતા. એમના જ પક્ષે શબ્દો છાવર્યા વગર સ્પષ્ટ કરી દીધું કે રિપબ્લિકન પાર્ટી પોતાના પ્રમુખ વિરુદ્ધના મહાભિયોગને સમર્થન આપશે.

બસ, ખેલ ખતમ. મહાભિયોગની કાર્યવાહીના આરંભ અગાઉ 1974ની આઠમી ઑગસ્ટે પ્રમુખ રિચાર્ડ નિક્સને રાજીનામું ધરી દેતા કારણ આપ્યું કે હવે શાસન ચલાવવા માટે મારી પાસે પર્યાપ્ત રાજકીય ટેકો નથી. નિક્સને તો ભૂંડા હાલમાં વ્હાઈટ હાઉસમાંથી વિદાય લીધી પણ અમેરિકન વ્યવસ્થાને હચમચાવી નાખી અને એની પોલંપોલ ઉઘાડી પાડી દીધી. વ્હાઈટ હાઉસ, એફબીઆઈ સેનેટ, નૈતિક્તા, ન્યાયતંત્ર જેવા ઘણાં સ્તંભને ભારે ઘસારો પહોંચ્યો. એટલું જ નહિ ‘ગેટ’ શબ્દ માત્ર અમેરિકામાં જ નહિ, દુનિયાભરમાં કૌભાંડનો પર્યાય બની ગયો. યાદ કરો વધુ એક પ્રમુખ બિલ ક્લિન્ટનના વાસનાકાંડને અપાયેલું નામ: મોનિકાગેટ.

અમેરિકી રાજકારણી માટે શરમનાક અને પત્રકારત્વ માટે ગૌરવ સમાન વૉટરગેટકાંડમાં રિચાર્ડ નિક્સનને કંઈ ન થયું. એ જ વરસના સપ્ટેમ્બરમાં ચૂંટાયેલા નવા રાષ્ટ્રપતિ જેરાલ્ડ આર. ફોર્ડે પોતાના બદનામ પુરોગામી નિક્સનને સંપૂર્ણ અને બિનશરતી માફી આપી દીધી. આ માણસે વૉટરગેટમાં ઘૂસણખોરીને મંજૂરી આપી હતી પછી એના કવરઅપમાં સંડોવાયા હતા, એટર્ની જનરલ, સી.બી.આઈ. અને એફ.બી.આઈ. પર તપાસ બંધ કરવાનું દબાણ લાવ્યા હતા. આટલું ઓછું હોય તેમણે પોતાના વિરોધીઓ અને ટીકાકારોને નમાવવા-ડરાવવાના ભરપૂર પ્રયાસો ય કર્યા હોવાનું બહાર આવ્યું હતું.

જરા કલ્પના કરો કે વૉટરગેટ હોટલના વોચમેનને શંકા ન ગઈ હોત અને મોટા ઘૂસણખોરો પકડાયા ન હોત તો આ મહાપાપ જીવનભર અંધારામાં જ ધરબાયેલું રહી ગયું હોત. આ સાથે અમેરિકામાં પ્રમુખ, સરકાર અને વહીવટીતંત્ર પર ખુલ્લેઆમ અને બેબાકપણે શંકા કરવાની-સવાલો પૂછવાની પ્રથાનો આરંભ થયો. અને કપટી, ભ્રષ્ટ અને તકસાધુ શાસક ભલે તેટલા શક્તિશાળી હોય પણ સતર્ક, જાગૃત, સ્વતંત્ર અને નિષ્પક્ષ અખબારી જગત રાષ્ટ્ર, લોકશાહી, સમાજ અને પ્રજા માટે કેટલી મહત્ત્વની અને ઉદ્ધારકની ભૂમિકા ભજવી શકે છે એ ઊડીને બહાર આવ્યું.

અમેરિકી ઈતિહાસના કલંકસમાન વૉટરગેટ કૌભાંડે દુનિયાભરના પત્રકારત્વ માટે અંધારામાં ઝબુકતી દીવાદાંડીની ગરજ સારી, એ બદલ થેન્ક યુ વૉટરગેટ, નિકસન એન્ડ અમેરિકન પ્રેસ.

ઈતિ વૉટરગેટ કૌભાંડ. આવતા અઠવાડિયે કરીશું ભારતનાં એક અકલ્પ્ય અને હજી ભેદ બની રહેલા કૌભાંડના ઊંડાણમાં ઉતરવાની શરૂઆત.

આપણ વાંચો:  પશ્ચિમ એશિયામાં હવે તૂર્કી વિરુદ્ધ ઈરાન

મુખવટાની પાછળ
આઈ નોસ્ત્રી ગવર્નાન્તી સોનો વેન્દુતી-અર્થાત્ અમારી સરકાર વેચાઈ ગઈ છે.
-ઈટાલિયન નાગરિકે રોમની દીવાલ પર વ્યક્ત કરેલી દુ:ખ-પીડા

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button