ઈન્ટરવલ

આ સ્કેમ છે પણ કેમ છે?!


પ્રફુલ શાહ

સ્કેમ – કૌભાંડ – ગોટાળા કે લાંચ-રૂશ્ર્વત અનૈતિક છે, અપરાધ છે અને પ્રજા-રાષ્ટ્ર સાથે છેતરપિંડી છે. સમાજ- લોકશાહી સાથે ઠગાઈ છે, ઉઘાડી લૂંટ છે, છતાં સ્કેમ અવિરત થતા રહે છે.

આ સ્કેમના મૂળ ક્યાં છે?

શા માટે એ દૂષણનાં વાયરસ ખત્મ થતા નથી? આ બધાના મૂળમાં છે સ્વાર્થ અને અનૈતિકતા. સામાન્ય માનવી પાસે સ્વાર્થ સાધવાની સત્તા હોતી નથી એટલે જ માનવ-જાતિના ઈતિહાસ પર દૃષ્ટિપાત કરીએ તો રાજકીય સત્તા અને નાણાં વચ્ચે અપવિત્ર- અનૈતિક સંબંધ સામે આવે છે. જોકે, રાજા- બાદશાહ-સમ્રાટ અને સુલ્તાનના કાળમાં આ સંબંધ ખોટો કે બદનામ નહોતો. કેમ? કારણ કે રાજ્ય રાજાની માલિકીનું ગણાતું હતું. એ પોતાના સિવાય કોઈના પ્રત્યે જવાબદાર નહોતો. માન્યતા એવી હતી કે રાજ્ય અને પ્રજાની ભલાઈની સૌથી વધુ સમજ રાજાને છે. આને પડકાર એટલે મોત કા દેશ નિકાલ.

સમયાંતરે સમાજ વ્યવસ્થા બદલાઈ. સમાજવાદ અને લોકશાહી શાસનમાં રાજ્ય અને એની સંપદા પર રાજા કે મહારાજાની માલિકી ન રહી. એ સંપૂર્ણ રાષ્ટ્ર અને એક-એક પ્રજાજનની સામૂહિક મિલકત બની ગઈ. એમાંય લોકતંત્રમાં તો શાસકો પ્રજાને જવાબ આપવા બંધાયેલા હતા. આદર્શ રીતે તો એક-એક નવા પૈસાનો ખર્ચનો હિસાબ આપવો પડે. વાણી, વર્તન અને વ્યવહાર એકદમ પારદર્શી રાખવા પડે- સરકારની મોટામાં મોટી અને એક માત્ર ફરજ એ છે કે પોતાને મત આપીને સત્તા સોંપનારી પ્રજા અને દેશના હિતને સર્વોચ્ચ પ્રાથમિકતા આપે.

જોકે, આ આદેશના પાલનમાં અવરોધરૂપ બન્યા માનવીના સ્વભાવ, લાલચ અને સત્તાની ભૂખ એટલે લોકશાહી શાસન વ્યવસ્થામાં જે સગાંવાદ અને પક્ષપાત તથા રાજકીય-આર્થિક ગેરરીતિનો નિષેધ છે. એ ફુલવા ફાલવા માંડ્યા. આમાં ભાગ્યે જ કોઈ દેશ, પક્ષ કે નેતા બાકાત હશે. સૌ પોતપોતાને મળેલી તક અને આવડતથી ગંગાને વધુને વધુ મેલી કરતાં રહ્યાં. નેતાએ ચૂંટણી લડવાથી માંડીને પક્ષના સંચાલન માટે મર્યાદાથી અનેકગણી રકમની જરૂર પડે એટલે લોભ, લાંચ કે ભ્રષ્ટાચારને થોભ રહેતો નથી. કમનસીબે ભ્રષ્ટાચાર એકલદોકલ કે અપવાદરૂપ કિસ્સાને બદલે સંસ્થાગત બની ગયો રાજકીય આકાઓએ અને લોકતંત્રના સંચાલનની અનૈતિક કિંમત બનાવી દીધી.

-પણ એ કિંમત ચુકવે છે કોણ?

અલબત્ત, પ્રજા. એના હકના, મહેનતના અને કમાણીમાંથી ચુકવાતા કરવેરામાંથી ભ્રષ્ટાચારીઓ તાગડધિન્ના કરે છે. આ એક કલ્પનાતીત દંભ છે. લોકતંત્રના નાટકના સંચાલક જેવા રાજકારણીઓ પોતાના પક્ષ, કદ અને સત્તા માટે કરોડો-અબજોના ગોટાળા કરે, અપરાધ કરે અને છતાં ખુલ્લેઆમ ફરતા રહે અને નિર્દોષ જનતા એની આકરી કિંમત ચુકવે, જેને પરિણામે ભૂખે પેટે સુવાનો, તરસ્યા રહેવાનો, અર્ધ-નગ્ન રહેવાનો, શિક્ષણથી વંચિત રહેવાનો, હકની સુવિધાઓ ભૂલી જવાથી લઈને અને અનેક મૂળભૂત અધિકાર આવી જાય.

રાજકીય પક્ષો અને નેતાઓ ખુલ્લેઆમ દાન લેતા નથી. જે સરેઆમ વ્હાઈટમાં લેવાય છે એની પાછળ પણ દબાણની પ્રયુક્તિ અજમાવાય છે. ભારત હોય કે પાકિસ્તાન, અમેરિકા હોય કે ચીન કે સોમાલિયા, કાગડા તો બધે જ કાળા છે. નેતાજીના વહાલા-દવલા- સગલાને કાનૂની સાથે ગેરકાનૂની ફાયદા ય મળે. હોબાળો મચે તો આ નેતાઓ પહેલો લૂલો બચાવ કરે. મીડિયાને ખરીદી લે, દબડાવે. નાછૂટકે તપાસ પંચનાં નાટકો ખેલે. આ પંચ લાંબો સમય લઈ લે. પછી સરકાર એનો અહેવાલ દબાવી રાખે કાં ફગાવી દે. કદાચ રીપીટ, કદાચ મામલો કોર્ટ સુધી પહોંચે તો વરસોનાં વરસ નીકળી જાય. ત્યાં સુધીમાં નેતાજી વિપક્ષ છોડીને સરકારી છાવણીમાં બિરાજમાન થઈ ગયા હોય. આ એક એવું વોશિંગ મશીન, જે એનાં બધા પાપ ધોઈ નાખે. કૌભાંડ કે ભ્રષ્ટાચાર બદલ આંગળીના વેઢે ગણી શકાય એટલા બદનામ નેતાઓને સજા થઈ હશે. આ શર્મનાક હકીકત જ આપણા પર થોપી દેવાયેલી શરમિંદગી છે. ભ્રષ્ટાચાર આચરવાના કે લાંચ આપવા-લેવાના નિતનવા તુક્કા જાણીએ તો આ બદમાશોની કલ્પના-શક્તિ પર માન ઉપજે, પણ હકીકતમાં આ એમની સર્જનાત્મકતા કે કલ્પનાશીલતા નથી. એ તો અપરાધ કરીને બચી જવાના હથકંડા છે.

રાષ્ટ્રની સંપત્તિ પ્રજાની છે. નેતાએ તો એનું સુચારુ સંચાલન કરવાનું હોય. ખરા અર્થમાં તો એ દેશમાં રહેલા જનતાના ધનનો ચોકીદાર છે, પણ બીબાઢાળ બાનીમાં કહી શકાય કે મોટાભાગના ચોકીદાર ‘વાડ જ ચિભડાં ગળે’ જેવાં વરવા પ્રતીક બની જાય છે. રાજાશાહી, સામ્યવાદ, સમાજવાદ અને લોકશાહી વ્યવસ્થાની માટીમાં બધે જ ખાયકી કરનારા ખલનાયકો ઊગી નીકળ્યાં અને ખૂબ ફુલ્યા-ફાલ્યા. શું કોઈ વ્યવસ્થા પૂરેપૂરી સલામત નથી? વાંક માત્ર વ્યવસ્થા કે તંત્રનો છે? ના, વ્યવસ્થાના સુચારુ સંચાલન માટે બંધારણ અને કાયદા હોય છે, પરંતુ કાળા માથાના માનવીના સ્વાર્થ, લાલચ અને શૈતાની દિમાગ બધા નિયમોને ઘોળીને પી જાય છે. નેતાઓ ધનવાન અને પ્રજા ગરીબ બનતી રહે છે.

અહીં આ કોલમમાં દુનિયાભરના રાજકારણીઓ અમલદારો- સત્તાના દલાલો અને ઉદ્યોગપતિઓએ પ્રજાના પૈસા પચાવીને આચરેલી પાપલીલાઓ વિશે જાણીશું. એમના પ્રપંચને પર્દાફાશ કરીશું અને એમના અસલી ચહેરા ઓળખીશું. શું થશે આ કવાયતથી? કદાચ, હા, કદાચ આપણી સમજદારી વધશે, સાચા-ખોટાની પરખ વધુ ધારદાર બનશે અને આ પ્રક્રિયા થકી વધુ ઈમાનદાર અને ઓછા બેઈમાનને પસંદ કરીશું.

આ આશાનો યજ્ઞ બહેતરની શક્યતાની શોધ ભણી લઈ જશે. મગજ બહેર મારી જાય એવાં કૌભાંડ, ગોટાળા અને સ્કેમની દુનિયામાં આવકાર છે આપનું. મુખવટાની પાછળ થાઈલેન્ડમાં ઉચ્ચ સ્તરીય ભ્રષ્ટાચાર માટેનો શબ્દ છે: ‘જીન મુઔંગ’ એનો મતલબ રાષ્ટ્ર-ભક્ષણ. ખરેખર ભ્રષ્ટાચારીઓ જ રાષ્ટ્રને ભરખી જાય છે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button