એક ફોન ઉપાડવાની ભૂલ પડી રૂપિયા ૮ કરોડમાં
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
સાયબર ફ્રોડના રાક્ષસોના વ્યાપ, પહોંચ, મર્યાદા અને ક્રૂરતાની કોઇ સીમા રહી નથી. આ અદૃશ્ય લોકો ધર્મ, જાતિ, સ્ત્રી, પુરુષ, બાળક, અબળા, સબળા, નબળા સહિતના કોઇ ભેદભાવ રાખ્યા વગર દે ધનાધન છેતરપિંડી કરતા રહે છે.
રાજસ્થાનના ઝુંઝનુંના પિલાનીના એક મહિલાનો કિસ્સો વિચારતા મૂકી છે કે આપણે કેટલાં ભયંકર સમયમાં જીવી રહ્યાં છીએ. આ ૫૭ વર્ષની મહિલાની ભૂલ શું? વિચારીએ એક અજાણ્યા નંબર પરથી આવેલો ફોન ઉપાડી લીધો. અને એની કેટલી મોટી આર્થિક અને માનસિક કિંમત ચૂકવવી પડી એ કલ્પના બહારની બાબત છે.
આ યાતના પ્રકરણનો આરંભ થયો ૨૦૨૩ના ઑક્ટોબરમાં તેમને એક ફોન આવ્યો. ફોન કરનારે જણાવ્યું કે “આપના આધાર કાર્ડ પર અન્ય એક મોબાઇલ ફોન નંબર ચાલે છે. આ નંબર થકી ગેરકાયદે જાહેરખબર અને ત્રાસ ફેલાવતા-ડરામણા મેસેજ મોકલાતા હોવાથી ઇન્ડિયન પિનલ કોડના કાયદા મુજબ મુંબઇ પોલીસે કાર્યવાહી હાથ ધરવી પડી છે.
આ બાનુને બરાબર ખબર કે પોતે કયારેય બીજો મોબાઇલ ફોન કે સિમકાર્ડ લીધા જ નથી. તો પોતાના આધાર કાર્ડ પરથી કોઇ બીજાએ સિમકાર્ડ લીધું હશે? એ કેવી રીતે બની શકે?
વધુ સવાલો વિચારે કે એના તર્કબદ્ધ જવાબ મળે એ અગાઉ મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચના નામે વધુ એક ફોન આવ્યો. તેમને સૂચના અપાઇ કે સ્કાઇપ દ્વારા ઑનલાઇન મીટિંગ પર આવો. આ વીડિયો મીટિંગમાં પોતાને ક્રાઇમ બ્રાંચના સબ-ઇન્સ્પેક્ટર ગણાવનારા શખસે મોટો આંચકો આપ્યો, “આપના માટે મુશ્કેલી વધી ગઇ છે. આપના નંબર થકી મની લોન્ડરિંગ થયું છે. આમાં રૂ. ૨૦ લાખની લેવડદેવડ થઇ છે. અને હવે આ મામલો ઇડી (એન્ફોર્સમેન્ટ ડિરેકટોરેટ) તપાસ કરશે.
સ્વાભાવિક છે કે આવું બધું સાંભળીને કોઇ પણ ગભરાઇ જાય. આ મહિલા પણ બિચારી ઘાંઘી થઇ ગઇ. સામેના પોલીસવાળાએ સહાનુભૂતિ બતાવતાં કહ્યું કે તમે અમુકતમુક રકમ ટ્રાન્સફર કરો તો તમને તકલીફ પડવા નહીં દઇએ.
મુંબઇ પોલીસ, મની લોન્ડરિંગ, ઇ.ડી. અને ૨૦ લાખ જેવા શબ્દો જ દુ:સ્વપ્ન જેવા લાગ્યા એને. એ તો બિચારી સામેથી કહેવાતું ગયું. એમ, આપેલા બૅન્ક ખાતામાં ધડાધડ મોટી મોટી રકમ ટ્રાન્સફર કરવા માંડી. એક તબક્કે ખાતરી અપાઇ કે આ બધી રકમ ડિપોઝિટ તરીકે છે અને ૨૦૨૪ની ૧૨મી ફેબ્રુઆરીએ આપને ઑનલાઇન જ પાછી મળી જશે.
લેકિન, ક્ધિતુ, પરંતુ, બટ ત્યાં સુધી આ મહિલાએ ૨૪ વાર રકમ ટ્રાન્સફર કરી હતી અને એ પણ રૂ. સાત કરોડ અને ૬૭ લાખ પૂરા. એમાંય છેલ્લાં ૮૦ લાખ તો બૅન્કમાંથી લોન તરીકે ઉધાર લઇને ચૂકવ્યા હતા.
અંતે ૧૨મી ફેબ્રુઆરી આવી, પણ રકમ તો ઠીક એક નવો ફદિયો ય પાછો ન આવ્યો. ૧૫મી ફેબ્રુઆરી પછી તો ફોન કરનારાઓના ફોન જ બંધ થઇ ગયા. વાત પોલીસ સુધી પહોંચી અને મુંબઇના ચાર જણા વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને તપાસ હાથ ધરાઇ, પણ એ બાનુ આ ઘટના પછી કોઇની સામે આવતા નથી.
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
અજાણ્યા નંબર પરથી આવેલો ફોન ઉપાડીને કોઇને ફાયદો થતો નથી. નુકસાન કે માર્કેટિંગના માથાના દુ:ખાવાની ૧૦૧ ટકા ગેરેન્ટી છે. હવે નક્કી આપણે કરવાનું કે ફોન ઉપાડવો કે નહીં?