મિલનની તડપ હોય અને તેડું આવે…
કચ્છી ચોવક -કિશોર વ્યાસ
એક ચોવક છે: “હલકો નાં હારી જો ભાવાર્થ થાય છે: નામથી જ બદનામ હોવું! ‘હલકો’ શબ્દનો અર્થ છે, બદનામ, ‘નાં’ એટલે નામ અને ‘હારી’નો અર્થ થાય છે હળ ચલાવનાર કે સાથી. ‘જો’ એટલે નો! કોઈ એવી અઘટિત કે અકલ્પનીય ઘટના બને એટલે નજર સામે હંમેશાં દેખાય તે ‘ચોર’ કે ‘ગુનેગાર’ કે ખોટું કામ કરનાર! શાહબુદ્દિન રાઠોડનો વનેચંદ યાદ છે? ગુનો કોઈપણ કરે પરંતુ સજા એને જ થાય! બસ એવું જ!
પતિ કે પ્રેમીને મળવા માટે કે તેની સાથેના મિલન માટે જેને આકંઠ તલપ લાગી હોય અને એવા તડપના દિવસોમાં પ્રિયપાત્રનું આવવાનું કે તેની પાસે બોલાવવાનું આમંત્રણ આવે ત્યારે એ સ્ત્રીના સોળેય કોઠે દિવા પ્રગટે અને બત્રીસ કોઠે વાન ઉજળો થઈ જાય… એ સ્થિતિને પ્રગટ કરતી એક ચોવક છે: “હિક઼ડી તાં ઉકોંઢ નેં તેં મેં આવઈ કોઠ ‘હિક઼ડી’ એટલે એક અને સાથે ‘તાં’ શબ્દ જોડાયેલો છે એટલે અર્થ થાય છે, ‘એકતો’ ‘ઉકાંઢ’ કચ્છીમાં એક સુંદર શબ્દ છે જેનો અર્થ થાય છે ‘મિલનની તડપ’. હવે આ એકાક્ષરી ત્રણ શબ્દોની મજા માણજો… ‘નેં’ એટલે અને, ‘તેં મેં’ એ બે એકાક્ષરી શબ્દો અહીં જોડાઈને અર્થ આકારે છે ‘તેંમાં’! ‘આવઈ’ નો અર્થ થાય છે ‘આવી’ અને કોઠ એટલે તેડું કે આમંત્રણ… ટૂંકમાં એમ કહી શકાય કે, જે વસ્તુ-સ્થિતિ જોઈતી હતી તે મળવાની શક્યતા ઊભી ગઈ!
સામાન્ય રીતે સારાં કાર્યો કર્યાં હોય અને સન્માનનીય વ્યક્તિ હોય તેની પ્રતિમાઓ મુકાતી હોય છે, જેથી અન્યોને પ્રેરણા મળે. પણ અહીં એક ચોવક મૂકું છું તેમાં પ્રતિમા (પૂતળાં)નો પ્રયોગ કેવા અર્થમાં કર્યો છે એ જો જો… “કરમજો પૂતરો, પ મિનીં આડફિરઈ! કોઈ અકર્મઠ વ્યક્તિની મજાક ઉડાવવી હોય તો આ ચોવકનો ઉપયોગ કરવામાં આવે છે. અર્થ એવો થાય છે કે, આમ તો એ કામ કરનારો પણ તેને બિલાડી આડી ફરી ગઈ, એટલે હાથ જોડીને બેસી રહ્યો છે! ‘કરમજો પૂતરો’ એટલે કર્મની પ્રતિમા. ‘પ’નો અર્થ છે પણ. ‘મિની’નો અર્થ થાય છે બિલાડી અને ‘આડ’ એટલે આડી ને ‘ફિરઈ’નો અર્થ થાય છે ‘ફરી’ (આડી ફરી)!
આમ તો એવું સ્પષ્ટપણે લાગે છે કે, આ એક ચોવકમાં બે ચોવક સમાયેલી છે. કોઈ કામમાં આળસ બદલ ટોણોં મારવો હોય તો કહી શકાય: “કરમજો પૂતરો અને કોઈ પણ બહાને કામન કરવાની વૃત્તિ ધરાવનાર વ્યક્તિને બહાનું આડું ધરવા માટે “મિનીં આડ ફિરઈ ચોવક બનીને આ ત્રણ શબ્દો પૂરતા બની રહે છે.
વાતમાં કંઈક તો તથ્ય હશે નહીં તો કહેવતો અને ચોવકો રચાય નહીં… ‘બિલાડીના પેટમાં ખીર ન રહે’ તેમ ‘સ્ત્રીના પેટમાં વાત ન રહે’! ચોવક એવી રચાઈ છે કે: “બાય઼ડી જે પેટમેં પુતર રે પ ગ઼ાલ ન રે ચોવક પરથી અર્થ તો એવો ફલિત થાય છે કે, સ્ત્રીના પેટમાં દીકરો રહે પણ કોઈ વાત ન રહે! આમ તો જોકે આટલું કહીને ચોવક ‘સ્ત્રી સહજ સ્વભાવ’નો જ પરિચય આપે છે. શબ્દોના અર્થ જોઈએ છે? ‘બાય઼ડી’ એટલે સ્ત્રી. ‘જે’નો અર્થ થાય છે: ના (સ્ત્રીના), ‘પુતર’ એટલે દીકરો અને ‘રે’ એટલે રહે (ટકી રહે) ‘પ’નો અર્થ થાય છે પણ. ચોવકમાં જે ‘ગ઼ાલ’ શબ્દ પ્રયોજવામાં આવ્યો છે તેનો અર્થ થાય છે.. વાત! ટૂંકમાં ચોવકને એટલું જ કહેવું છે કે, સ્ત્રીના પેટમાં વાત ન ટકે!