ઈન્ટરવલ

માગ પુરવઠાનો સિદ્ધાંત અને ચોવક

કચ્છી ચોવક -કિશોર વ્યાસ

એક પ્રચલિત ચોવક છે: “જિજેં રાંકે ખડ ૫ મોંઘો ‘જિજેં’ એટલે વધારે ‘ખડ’ એક પશુઓનો ખાદ્ય પદાર્થ છે. ‘ખડ’ એટલે ખોડ પણ થાય અને સૂકાં ઘાસ માટે પણ એ શબ્દનો પ્રયોગ થાય છે. ‘પ’ અક્ષર એક આખા શબ્દ માટે વપરાયો છે જેનો અર્થ થાય છે: ‘પણ’! ‘મોંઘો’ એટલે ‘મોંઘું’ કે વધારે કિંમત. અર્થ એવો થાય છે કે, વસ્તુ ઓછી હોય અને તેના ભોક્તા વધારે! અહીં અર્થશાસ્ત્રના માગ અને પુરવઠાનો સિદ્ધાંત આપોઆપ વણાઈ જાય છે. જે વસ્તુનું પ્રમાણ ઓછું હોય અને વાપરનારા વધારે હોય તો તેના ભાવ ઊંચા જ રહેવાના!

ઘણાને કાચી કેરી બહુ ભાવતી હોય છે. પણ કાચી કેરીની ખટાસ કેટલું નુકસાન કરે છે, તે દર્શાવતી એક ચોવક છે: “જુકો કરે કેરી સે ન કરે વેરી ‘જુકો’ શબ્દનો અર્થ થાય છે ‘જે,’ ‘સે’નો અર્થ થાય છે ‘તે’ અને ‘વેરી’ એટલે દુશ્મન અર્થ સ્પષ્ટ છે: કાચી કેરી જેટલું નુકસાન કરે તેટલું તો દુશ્મન પણ ન કરે! અથવા દુશ્મનથી પણ કાચી કેરી વધારે ખતરનાક હોય છે. ‘ખટરસ’ આમ પણ સમાજમાં બદનામીનો જ રસ ગણાય છે. સમાજમાં જે ‘ખટરસીયા’ માણસો રહે છે, એ સમાજ માટે ‘વેરી’ સમાન હોય છે. જોયું? કેટકેટલા વ્યાપક અને ગૂઢ અર્થ ધરાવતી હોય છે ચોવકો!

ગુજરાતીમાં એક કહેવત છે કે “ધીરજનાં ફળ મીઠાંકે પછી “ઊતાવળે આંબા ન પાકે એજ અર્થ ધરાવતી ચોવકો છે કે, “જેંણા જા ફળ મીઠાં કે પછી “જેંણા સે જાડ તરૂડ મેં આમાં ન પચેં ‘જેંણા’ શબ્દ વપરાયો છે, જેનો અર્થ થાય છે: ધીરજ ‘જા’નો અર્થ થાય છે ‘ના’, ‘મીઠા’ એટલે ‘મિઠા’, બીજી ચોવકમાં ‘તરૂડ’ શબ્દ છે અને તેનો અર્થ થાય છે ઉતાવળ ‘આમાં’ એટલે કેરી કે આંબા ‘પચેં’નો અર્થ છે ‘પાકે’. પણ ચોવક જે કહેવા માગે છે તે અર્થ એ છે કે, કોઈ પણ કામ ઉતાવળ કરવા જતાં પૂરું થતું હશે, પરંતુ જરૂર તે ગુણવત્તા ગુમાવતું હશે, પરંતુ ધીરજ રાખીને કાર્ય કર્યું હોય તો તે ગુણવત્તાસભર બની રહે છે. કોઈ જબરદસ્તીથી કામ ન કરાય.
આવી રીતે ઉતાવળ કે, જોર જબરદસ્તી ન કરનાર માટે એક ચોવક છે: “જોર જો સાટો નાંય અર્થ છે: કામ કરો પણ ધીરજપૂર્વક, ઉતાવળ નથી પૂરું કરવાની અથવા તો “તમે આ કામ મારું કરી આપો એવો મારો જરા પણ દુરાગ્રહ નથી, પણ તમારાથી થાય તો જરૂર કરો. એ અંગે મારી કોઈ જબરદસ્તી નથી. ‘જોર’ એટલે ઉતાવળ અને ‘સાટો માંય’ એટલે જરૂર નથી.

કોઈપણ વ્યક્તિ તે કેવા પ્રકારનું વાચન પસંદ કરે છે અને તેના મિત્રો કેવા છે, તેના પરથી એ મૂલવાય છે. કારણ કે ચરિત્ર્ય પર, આચાર અને વિચારો પર વાંચન અને મિત્રોની સોબત, એ બન્નેની સારી અને ખરાબ અસર પડતી જ હોય છે, તેના માટે ચોવક છે: “ધાગી આમૂં સૂંઢો ફિટાય એક સૂંડલામાં રાખેલા આંબામાંના એકમાં પણ ‘દાગ’ કે ‘ચાંદી’ પડે તો એ એક સડતો જતો આંબો બધા આંબાને દાગ લગાડશે, બગાડશે! એવું જ વાંચન અને મિત્રોની સોબતનું છે.

મિત્રો ગુણીયલ રાખવા અને વાંચન ‘શિષ્ટ’ રાખવું! જો મિત્રો સારા હોય તો ક્યારેય દિલમાં ‘દાગ’ ન લાગે! સ્વાર્થ પેદા ન થાય. અર્પણની ભાવના સદાય રમતી રહે. અહીં ચોવકમાં ‘ધાગી’ શબ્દ છે તેનો અર્થ થાય છે, દાગ લાગેલો. ‘આમૂં’ એટલે આંબો ‘સૂઢો’નો અર્થ થાય છે સૂંડલો અને ‘ફિટાય’ એટલે બગાડે!

અર્પણની ભાવના નિયતને શુદ્ધ રાખે છે, અને જેની નિયત શુદ્ધ હોય તેનાં કામ કયારેય અટકતાં નથી! માણો આ ચોવક: “નીથ સુધ, તેંલા માંની ગુંધ “નીથ એટલે નિયત “સુધ એટલે શુદ્ધ, ‘માંની’ એટલે રોટલો અને ‘ગુંધ’ એટલે ઘણું! જેની નિયત શુદ્ધ હોય તેને ખાવાના સાંસાં ન પડે!

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button