વરસાદ આવે ને લાગે ચા પીવાની તલબ!
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
ગુજરાતમાં અસહ્ય ગરમી પડી રહી છે. આ ગરમીમાં ચા પીવાવાળાઓએ કદી ચાને દગો દીધો નથી. ચાની ખરી મજા જેની આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યા છીએ એ ચોમાસામાં હોય છે. ઠંડીમાં ચા હૂંફ આપે કે ઉનાળામાં આદતવશ ચા પીવાતી હોય છે. ચોમાસામાં પ્રકૃતિ સાથે ઓતપ્રોત થવા માટે ચા પીવાની સ્ફુરણા થતી હોય છે.
સ્કૂટરના જમાનામાં વરસાદ પડે અને પલળી જવાય ત્યારે રસ્તામાં સ્ટવના અવાજની સાથે ઉકળતી ચા કદાચ સૌથી ટેસ્ટી લાગતી હતી. ઈવન, મોંઘીદાટ કાર હોય કે રાહદારી, દરેક વ્યક્તિને વરસતા વરસાદમાં ચાનો નશો ચડતો હોય છે. ભારતના અનેક શહેરોમાં ચાની ખાસ દુકાનો છે જે અત્યંત ખ્યાતનામ હોય છે. ભારતમાં ચાની લારીઓ થકી લાખો લોકોને રોજગારી મળતી હશે. જો કે એવા અસંખ્ય લોકો પણ છે , જેમણે જીવનભર ચાનો આસ્વાદ માણ્યો નથી.
આપણો આ લેખ એમના માટે છે જેમને ચા વગર ચાલતું નથી. પચાસ સાઠ વર્ષનાઓને યાદ હશે કે બાળપણમાં દાદા- દાદી સાથે સ્ટીલના કપ-રકાબીમાં સડાકા બોલાવીને ચા પીવાના જલસાથી માંડીને કિંમતી કપ સુધીની એક યાદગાર યાત્રા માણી હશે. ગામડે મહેમાન બનીને જતાં ત્યારે સ્ટીલના કપ -રકાબીનો રિવાજ હતો. એક તો ચા ગરમ હોય અને રકાબીમાં રેડતા ફાવે નહીં. રકાબીની પ્રેક્ટિસ ના હોય એટલે બે ચાર ટીપાં કીડી મંકોડા માટે છોડવા પડતાં હતાં.
ચાની લારીની કથા પાછી અલગ જ છે. એક તરફ વરસાદ વરસી રહ્યો હોય ને વાતાવરણમાં ‘રિમઝિમ ગીરે સાવન’ જેવું એવરગ્રીન સોંગ મનમાં રમતું હોય ને અચાનક પ્રાઇમસનો અવાજ આવે એ પણ વરસાદમાં ગરમીનો અહેસાસ કરાવે છે. ચામાં પડતાં વરસાદના ટીપાં ફિલ્મી રોમાન્સ જેવા લાગતાં હોય છે.
વરસતા વરસાદમાં ચા પીવાની મજા જ કંઇ ઓર છે. ચોમાસામાં ભેજને લીધે પ્રાઇમસ સળગે નહીં એટલે એને રિપેર કરવામાં આવે, ચા બનાવનારના હાથ કાળા પડી ગયા હોય એવા ગંદા હાથની ચા કેવી રીતે પીધી હશે એ કલ્પના બહારનો વિષય છે.
મને આજ સુધી યાદ નથી કે મેં ચા માટે કદી કોઇને ના પાડી હોય. ઘણી વાર માર્કેટમાંથી ચા આવે, સાવ ગંદા પ્લાસ્ટિકના નાના કપમાં કાળી પડેલી ચાની ચુસ્કીઓ મારી છે. ચાની ચાહને કોણ ના પાડે? આજે પણ કોઈ કહે કે જિંદગીમાં ચા પીધી નથી એના માટે દેખીતો અહોભાવ થાય પણ મનમાં થાય કે ‘યે જીના ભી જીના હૈ, લલ્લુ?! ’
જિંદગીનું પહેલું આકર્ષણ, પહેલો પ્રેમ, એકતરફી નજરના મિલન માટે ચાની લારી આશ્રયસ્થાન હતું. પ્રેમની કથામાં એક ગ્લાસમાં બે ઘૂંટડા સાથે માર્યા હોય અને મનમાં મહોબ્બતના કેટકેટલા ફૂલ ખીલતા હતાં. કોલેજ કે ઓફિસ પાસેની ચાની લારી પર અસંખ્ય પ્રેમકથાઓ સર્જન પામી હશે ને પ્રાઇમસના તાપમાં ઓગળી પણ ગઇ હશે. આમ પણ કવિઓની કલ્પનાએ વરસાદના ટીપાંઓમાં આંસુઓની ખારાશને ઓગાળી દીધી છે.
મહદઅંશે અસ્વચ્છ લારીઓ માટે હાઈજિન શબ્દ હતો નહિ. હાઈજિન વ્યાખ્યામાં તો લારી નેગેટિવ રિમાર્ક પણ લાવી ના શકે એવી હોય. નાનકડું પરિવાર ચાની લારીમાંથી રોજગાર મેળવતું હોય અને એકની એક ઉકાળેલી ચામાં દૂધ – ખાંડ અને આદું નાખીને ફક્ત ઉમેરા થતાં હોય. આમ છતાં વાતોનો તડકો જામ્યો હોય તો કાચના તૂટેલા કપમાં પણ ચા ટેસ્ટી લાગતી હતી.
બધાને યાદ હશે કે કોલેજ સમયમાં લારીની ચા પીવા કરતાં તેની ઉધારી વધારે ગમતી હતી. મહિને હિસાબ થાય અને પછી ગ્રૂપના પૈસા ચુકવાય. મહિનાના બાવન રૂપિયાનો હિસાબ કરવા બે- ત્રણ જણાની કમિટી બનતી. જેટલા ચાવાળાઓને ત્યાં અમારા એકાઉન્ટ રહ્યા હશે એ બધાના નામ રાજુ જ હતાં. દરેક દોસ્તોનું કોમન સ્ટેટમેન્ટ રહેતું: ‘રાજુની લારીએ મળીએ…’
ચાની લારી પર પહેલાં વ્હાઇટ કપ- રકાબી હતાં. સમય બદલાતા રકાબીનું અસ્તિત્વ ગાયબ થઈ ગયું. જો ઘરમાં બે ચાર રકાબીઓ પડી હોય તો વાઘ કે ચિત્તા જેવી લુપ્ત થતી પ્રજાતિની જેમ જાળવી રાખજો. લારી પર મળતી ચા માટે સમય જતાં કાચના ગ્લાસનું શાસન આવ્યું. લાંબો સમય કાચના ટ્રાન્સપરન્ટ ગ્લાસે રાજ્ય ભોગવ્યા પછી પ્લાસ્ટિકના કપ આવ્યા. લારી પર ચા પીવાની મજા તો કાચના ગ્લાસમાં હતી. એકના એક ગંદા પાણીમાં કપ ધોવામાં આવે ને તેને ગંદા કપડાંથી ગ્લાસને સાફ કરાતો છતાં ચા માટે હજાર ગુના માફ થતાં. એક જ એલ્યુમિનિયમની તપેલીમાં ચા ઉકળ્યા કરે. ચાનો સ્વાદ પણ આવતો ન હતો, છતાં જીવનભર ચા કરતાં ચાની લારીઓનું આકર્ષણ રહ્યું. ક્યારેક તો વાતોનો દોર લંબાવવા વેપારીઓને ત્યાં બે ત્રણ કપ વધારે ચા પણ પીનારાઓની ખોટ ન હતી.
ચીનમાં ચા માટે એક જાણીતી કથા છે. એક બૌદ્ધ સાધુ ધ્યાન કરવા પ્રયત્ન કરે પણ આંખો બંધ થઇ જાય મતલબ કે એને ઊંઘ આવી જતી. ધ્યાન ધરતી વેળા નિદ્રા પરેશાન કરતી હોવાની ઘટનાથી ગુસ્સો આવ્યો. આંખ જ બંધ ન થાય એ માટે આંખની પલક કાપીને ધરતી પર ફેંકી દીધી. આ પલકોમાંથી એક છોડ ઊગ્યો ,જે ચાના છોડ ’ તરીકે જાણીતો થયો, જેને પીવાથી ઊંઘ ઊડી જાય.
કેટલાક ઇતિહાસમાં ચા ૨૭૦૦ વર્ષ પહેલાં ચીનમાં સમ્રાટ શેન નોંગના સમયમાં પહેલીવાર બનાવવામાં આવી હોવાની કથા છે. આઠમી સદીમાં ચીનથી ચા જાપાન પહોંચી હતી. ચીનના પ્રવાસે ગયેલો પોર્ટુગીઝ જૈસ્પર ક્રૂઝ ચાને વર્ષ ૧૫૯૦માં યુરોપ લઇ ગયો.
ચીન સાથે દુનિયાનો વેપાર મુશ્કેલ થતાં અંગ્રેજ સરકારોએ આસામમાં અને અન્ય વિસ્તારોમાં ચાની ખેતીને પ્રોત્સાહન આપ્યું. આજે આ ભારતીય વિસ્તારો ચાના ઉત્પાદનમાં ચીન સાથે હરીફાઈ કરવા લાગ્યા.ધીમે ધીમે ભારતીય સાહસિકો જોડાતા ગયા અને આજે આઠસો ઉપરાંત ચાના બગીચા છે. અંદાજે દશેક લાખ લોકોને રોજગાર આપતું ભારત વિશ્ર્વમાં બીજા ક્રમે ચાનું ઉત્પાદન કરે છે.
ખેર, છોડો યે બેકાર ઈતિહાસ કી બાતોં કો..કહી બીત ન જાય યે ચાય કી રૈના…!
ધ એન્ડ
જવાબદારીઓથી છટકવા યાત્રા કરવાની જરૂર નથી પણ જીવનનો નૈસર્ગિક આનંદ માણી શકાય એ માટે યાત્રા કરવી જોઈએ.