મસ્ત રહેવાનો વૈશ્ર્વિક ઇલાજ: નૃત્ય કરતાં રહો !
ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી
બાળકો માટે અને વાલીઓ માટે વેકેશન આવી રહ્યું છે. વેકેશનમાં ફરવા જવા સિવાય શું કરવું એ ચર્ચાનો વિષય છે. માણસ જાતની આધુનિક યુગમાં સૌથી ગંભીર સમસ્યા હોય તો એ છે તણાવ. તણાવને કારણે નાની-મોટી અનેક શારીરિક- માનસિક સમસ્યા ઊભી થતી હોય છે. આ સમસ્યાઓને રોકવી શક્ય નથી, પણ બીજા માર્ગ તરફ વાળવા માટે કળા સિવાય અન્ય કોઈ માર્ગ નથી. વ્યવસાયિક રીતે ઓફિસમાં કામકાજી મહિલાઓ પોતાના એક ધાર્યા નિયમિત કાર્યથી તથા સતત આઠ કલાક ઓછા શારીરિક હલનચલનથી બહાર નીકળવા, શાસ્ત્રીય નૃત્યોને પોતાના જીવનનું અભિન્ન અંગ બનાવી, શાસ્ત્રીય નૃત્ય શીખવાનુ ચલણ વધ્યું છે. આનાથી એ શારીરિક કસરત તંદુરસ્તીની સાથે સાથે ભારતીય કલા અને પરંપરાની સાથે જોડાવાનો લાભ મળવા લાગ્યો છે.
વિશ્ર્વભરમાં નૃત્ય અને સંગીતની મન તથા શરીર પર થતાં અભ્યાસ પરથી જાણવા મળ્યું છે કે તે તણાવ ઘટાડી શકે છે. ‘ન્યુયોર્ક યુનિવર્સિટી’માં નાના બાળકો પર સંગીત અને નૃત્યની અસરનો અભ્યાસ કરતાં જાણવા મળ્યું કે બાળકોમાં નવું શીખવા માટેની તડપ તથા ખુશીઓનું પ્રમાણ સામાન્ય બાળકો કરતાં વધારે જોવા મળ્યું હતું. કળા જ માણસને સુખનો અનુભવ કરાવી શકે છે.
ભારતીય પરંપરામાં નૃત્ય અને સંગીતનું ખાસ મહત્વ છે. જન્માષ્ટમીથી માંડીને હોળી સુધીના ઉત્સવો અને સિનેમા સહિતના પ્લેટફોર્મ પર નૃત્યને ખાસ મહત્ત્વ આપવામાં આવ્યું છે. નૃત્યમાં વ્યક્તિ માત્ર રજૂઆત કરતો નથી, પણ એ સંગીત અને સમૂહ સાથે તાલમેલ જમાવે છે. આપણા ગુજરાતીઓ જ્યાં જાય ત્યાં મોકો મળે તો ગરબા કરવામાં ક્યારેય કચાશ રાખતા નથી.
ભારતીય નૃત્યશૈલી શ્રેષ્ઠ છે એવું વાંચવું બધાને ગમે, પણ આપણા ક્લાસિકલ ડાન્સ વિશે શું જાણો છે કે ખબર છે એવું પૂછો એટલે ફ્યૂઝ ઊડી જાય…
ઇન્ડિયન ક્લાસિકલ ડાન્સ વિશે થોડું સમજવાની કોશિશમાં એટલું તો કહી શકાય કે એ આત્માને ઓળખવાનો માર્ગ છે. દરેકને ક્લાસિકલ ડાન્સ આવડવો જરૂરી નથી, પણ તેની સામાન્ય માહિતી દેવ- દેવીઓની સ્તુતિ સાથે આનંદ અને ભાવની અનુભૂતિ જરૂર કરાવે છે.
ક્લાસિકલ ડાન્સ શબ્દ આવે એટલે ભરતનાટયમથી જ વાત શરૂ થાય. મૂળ તમિલનાડુની હિન્દુ ભક્તિમય ભરતનાટયમ નૃત્યશૈલીના મૂળિયાં ભરતમુનિના નાટ્યશાસ્ત્ર તથા નદીકેશવર દ્વારા રચિત “અભિનય દર્પણ સાથે જોડાયેલા છે. ભરતનાટયમ છેક ૧૯૩૦ સુધી માત્ર મંદિરમાં જ દેવદાસીઓ દ્વારા પ્રસ્તુત થતું. સંગતમાં વીણા, ગાયક અને મૃદંગના તાલ પર થાય, વાદકો અને ગાયક એકતરફ બેસે. આ બધાનું નેતૃત્વ નર્તકીના ગુરુ કરે. મૃદંગના તાલે પગને ઘુમતા રાખી નૃત્યના જોશમાં રાખી હાથ, ગળા અને ખભાના ઉપયોગ સાથે ઘણી બધી હસ્તમુદ્રા સાથે બે વેશભૂષા સાથે સળંગ બે કલાકનો પ્રયોગ કરતાં હોય.
કથક નૃત્ય ઉત્તર ભારતીય શૈલીનું નૃત્ય સત્તરમી સદીથી વિકાસ પામેલું છે. ક્લાસિકલ ડાન્સ શૈલીમાં ચક્કર ફરતા જુઓ એટલે સમજવું કે કથકનો પ્રયોગ છે. ચક્કર સાથે સુંદર શબ્દોની રચના કે જે ‘તોડા’ તરીકે ઓળખાય છે. રાધા અને કૃષ્ણ કથા પર થતાં આ નૃત્ય શૈલીમાં સ્ત્રી અને પુરૂષ ભાગ લઈ શકે છે. કથકમાં મુખ્ય જયપુર અને લખનઊ ઘરાના છે. જયપુરમાં પગનો સુંદર ઉપયોગ અને લખનઊ ઘરાનામાં હાવભાવ થકી અભિવ્યક્તિ વ્યક્ત થાય. કથકમાં જે ગતિએ નૃત્ય પ્રારંભ થયું હોય એના કરતાં ચાર ગણી ઝડપે પૂરું થાય. આ ડાન્સ કરવા સાથે માણવા માટે પણ એનર્જી જોઈએ.
કથક દરમિયાન વારંવાર તાળીઓ પાડીને કલાકારોને બિરદાવવામાં પણ આવે છે.
કથકલી નૃત્ય રાજાઓના અને ભાષાના વિવાદમાં પેદા થયું હોવાનું માનવામાં આવે છે. સત્તરમી સદીમાં કેરલના કોટારક્કરાના રાજાને પડોશી રાજ્ય સાથે સંસ્કૃત નૃત્યને લઈને વિવાદ થતાં સ્થાનિક ભાષામાં કથકલીનો ઉદય થયો. રામાયણ, મહાભારત, શિવપુરાણ, ભાગવત જેવા પવિત્ર ગ્રંથના કથાકનો દ્વારા બુરાઈ પર સત્યના વિજયને દર્શાવવામાં આવે છે. પ્રારંભમાં ચેંડા નામના ઢોલ દ્વારા તીવ્ર અવાજ પેદા કરીને યુદ્ધ મેદાનનો માહોલ તૈયાર કરવામાં આવે છે. આ નૃત્યમાં પુરૂષ અને સ્ત્રીની ભૂમિકા પુરૂષ જ ભજવતા હોય છે, પણ હવે સમય સાથે ફેરફાર થયા છે. કલાકારોના ભાવ સાથે ગાયક સનાતન કથાઓ આખી રાત્રિ સુધી પ્રસ્તુત કરતાં રહે છે. કથકલી માટે મેકઅપનો ત્રણ ચાર કલાક સમય લાગે છે. આ દરમિયાન મોટે ભાગે કલાકારે સૂઇ રહેવું પડે છે. મેકઅપ ઉપરાંત સાત આઠ કિલોનું કોસ્ચ્યુમનું વજન હોય છે. અનિષ્ટ તત્ત્વ માટે લાલ કે કાળો રંગ વપરાતો હોય છે.
કથકલીમાં હનુમાનજીનો અદભુત મેકઅપ કરવામાં આવે છે. ચહેરાનો ઉપરનો ભાગ કાળા રંગે તથા નીચે લાલ રંગ હોય. નાક પર લીલો રંગ, હોઠ કાળા, આંખો આસપાસ કાળો રંગ તેમજ કપાળ પર બે લાલ ટપકા સાથે વિશિષ્ટ મુઘટ પહેરાવી વિકરાળ સ્વરૂપ દર્શાવવામાં આવે છે.
રાવણ જેવા વિદ્વાન પણ અભિમાની માટે ખાસ મેકઅપ થાય છે. ઉપર વળતી મૂછ પર સફેદ કિનારી, અને ચમકદાર રંગોના મુકુટ હોય છે. ધાર્મિક ફિલ્મોમાં કથકલીના મેકઅપની ઘણી અસરો જોવા મળે છે. નેવુંના દાયકા સુધી વિલનોના વિશિષ્ટ દેખાવ પણ આવી ક્લાસિકલ શૈલીને આભારી હતી. લોકમાનસ પર કથકલીના ચહેરા, મેકઅપ તથા મુખૌટાની ઘણી અસર છે.
ઓરિસ્સા રાજ્યની ઓળખ એટલે ઓડીસી નૃત્ય. આ નૃત્ય મહદઅંશે મહિલાઓ તથા પુરુષો રજૂ કરતાં હોય છે. ઓડિસી નૃત્યમાં વિવિધ મુદ્રાના ભાવ અત્યંત જીવંત હોય છે. આ કારણે ભારતીય ટેમ્પલ આર્કિટેકમાં ઓડીસી હાવભાવ અને ભંગિકાઓનો સ્થાપત્યોમાં ઉપયોગ થાય છે. આ રીતે આંધ્ર પ્રદેશના કુચિપુડિ ગામમાં સત્તરમી સદીમાં આ નૃત્યશૈલીની શરૂઆત સિધ્યેન્દ્ર યોગીની નૃત્ય નાટિકા ‘ભામા કલાપમ’થી થઈ હતી. ગામના બ્રાહ્મણ છોકરાઓને આ નૃત્ય શીખવવામાં આવ્યું હતું. મૂળ નાટિકા ભગવાન કૃષ્ણના ઈર્ષાળુ પત્ની સત્યભામાની કથા પર આધારિત હતી. ૧૭૮૫માં ગોલકોંડાના નવાબને પસંદ પડતાં ગામને બ્રાહ્મણોને દાન કરી દીધું હતું. કુચિપુડિ નૃત્યમાં નર્તક જ ગાયન અને સંવાદ રજૂ કરતાં હોય છે, તમામ પાત્ર પુરુષો જ ભજવતા હોય છે, પણ હવે કુચિપુડિ નૃત્યમાં સ્ત્રીઓ પણ ઉત્સાહભેર ભાગ લે છે. વેદો ઉપરાંત અગ્નિપુરાણ, માર્કંંડેય પુરાણ, વિષ્ણુ પુરાણ કે ભાગવત પુરાણમાં નૃત્યના ઉલ્લેખ સાથે ભગવાન શિવ, મહાકાળી, ગણપતિ તથા શ્રીકૃષ્ણના જીવનઆનંદમાં નૃત્ય છે. સ્વર્ગમાં ચોસઠ અપ્સરાઓની કથાઓ પણ પુરવાર કરે છે કે એ બધી નૃત્યોમાં અત્યંત કુશળ હતી.
ભગવાન શિવ તથા પાર્વતી થકી શેષનાગ મણિ દ્વારા પ્રકાશિત કરતાં આ વિસ્તાર મણિપુર તરીકે જાણીતો બન્યો. ત્યાં જે નૃત્ય સર્જાયા એ ‘મણિપુરી નૃત્ય’ તરીકે વિશ્ર્વપ્રસિદ્ધ છે.
ભગવાન શિવજી રાજકુમાર ખંભા તરીકે અને પાર્વતીજી થઇબો તરીકે જન્મ લીધો. એમણે પાછલા જન્મોને યાદ કરીને જે નૃત્ય કર્યું હતું તે ‘લાઇહરાઓબા’ તરીકે પ્રચલિત બન્યું, જેનો અર્થ થાય કે જે નૃત્ય કરવાથી દેવતાઓમાં પણ પ્રસન્નતા થઈ હતી. શુભ પ્રસંગોમાં આ નૃત્યનો આનંદ સ્થાનિક લોકો લે છે, શૈવ પરંપરા સાથે વૈષ્ણવ સમાજ રાસ માણે છે. મણિપુરમાં છ પ્રકારના રાસ થાય છે. મહારાસ, વસંતરાસ, કુંજુરાસ, નિત્યરાસ, ગોપરાસ અને ઉલખુરાસ….
કારતક મહિનાની પૂર્ણિમા પર શ્રી કૃષ્ણ ભગવાને રાધા અને ગોપીઓને રાસ રમવાનું વચન આપેલું છે. મહારાસ આ વિષય પર ઇન્ટરેસ્ટિંગ કથા ધરાવે છે. ભગવાનને સાથે જોતાં રાધા અને ગોપીઓમાં થોડું અભિમાન આવે છે. અચાનક શ્રી કૃષ્ણ ગાયબ થઈ જાય છે ત્યારે પોતાની ભૂલ સમજાતાં ગોપીઓ ભગવાનને શોધે છે. અંતે ભગવાન સાથે મિલન થતાં રાસની રમઝટ થાય છે… વિરહથી મિલનની છાંટ મહારાસ નૃત્યમાં છે.
મણિપુરી શૈલીમાં વસંતરાસ નૃત્ય મહારાસ કરતાં વિરુદ્ધ કથાકન ધરાવે છે. રાધાને પરેશાન કરવા ભગવાન ચંદ્રબાલી સાથે રાસ રમે છે. રાધા ગુસ્સે થઇને ભગવાને આપેલી પ્રેમની નિશાની જેવા જાંબલી દુપટ્ટાને ફેંકી ચાલ્યા જાય છે. ભગવાન કરતાં ભક્તો મોટા એ ન્યાયે ભગવાન રાધાને મનાવે છે અને વસંતરાસ રમાય છે. મણિપુરીમાં રાધાની વેશભૂષામાં ડાર્ક કલર સાથે સ્થાનિક ભરતકામ હોય છે, કૃષ્ણનો મુકુટ મોરના પીછાં વાળો હોય છે.
ભાગવત મેલ નાટક હોય કે પ્રાચીન કાળમાં ફક્ત દેવદાસીઓ દ્વારા તામિલનાડુના શિવમંદિરોમાં થતાં કુરવંજી નૃત્ય જેવા નૃત્ય ખાસ જાણીતા નથી. એ જ રીતે કેરેલા માં સ્ત્રીઓ દ્વારા થતું શૃંગાર અને ભક્તિનું સંયોજન એટલે મોહિની આટમ્ સહિત ચાકિયાર કૂથ, કુડી આટમ, પાઠકમ્, કૃષ્ણાટમ્, રામનાટમ્ થુલ્લમ જેવા કેરાલાના ઓછા જાણીતા નૃત્ય વિશે માહિતી જાણીએ તો ભારતીય સંસ્કૃતિની વિવિધતા સમજી શકાય અને વેકેશનનો યથાર્થ ઉપયોગ કર્યાનો સંતોષ મળે.
ધ એન્ડ:
નૃત્યશાસ્ત્રમાં ત્રણ પ્રકારની નાયિકાનો ઉદભવ તેના મનના ભાવ, સમય અને સંજોગો મુજબ રચાયા છે. પહેલી સ્વીયા પ્રકારની નાયિકા હોય ,જેમાં નાયકને દરેક સંજોગોમાં વફાદાર હોય. બીજા પ્રકારની નાયિકા એટલે પરકિયા, જેનો નાયક હોવા છતાં બીજા નાયક માટે અનુરાગ હોઇ શકે અને ત્રીજો પ્રકાર એટલે સામાન્યા, જે કોઇની નથી, તેના મનને ઓળખવું પણ મુશ્કેલ છે. આ બધી નાયિકાઓના પાછા પેટા પ્રકારો છે. આમ પણ નાયિકાઓનાં મનને સંસારમાં કોણ ઓળખી શક્યું છે? !
( ડો શરદ પંડ્યા- ભરતનાટ્યમ નૃત્ય કલાકાર)