સમગ્ર વિશ્ર્વમાં જોવા મળતા ‘શાંતિદૂત’ કબૂતરની અનોખી વાતો…
તસવીરની આરપાર -ભાટી એન.
કબૂતર સમગ્ર વિશ્ર્વમાં નિહાળવા મળતું ભોળું પક્ષી છે. જેનું શરીર પીંછાઓ વડે ઢંકાયેલું રહે છે. તેના મુખડા પર અણીદાર ચાંચ હોય છે. મુખ બે ચક્ષુઓ વડે ઘેરાયેલું અને જડબા દંતહીન હોય છે! કબૂતરમાં મુખ્યત્વે રાખોડી કે વિવિધ રંગોમાં સમૂહમાં જોવા મળે છે. કબૂતર કૂવા, મકાનના ઝરૂખા કે અવાવરૂ જગ્યામાં માળા બનાવે છે. શાંતિપ્રિય – નિર્દોષ પક્ષી કબૂતર સમૂહમાં ચણવાની ટેવને કારણે તે ઘૂ… ઘૂ… કરી મનોરંજન પૂરું પાડે છે. વિશ્ર્વભરમાં શાંતિનું પ્રતીક મનાતું નિર્દોષ પારેવડું (કબૂતર) પક્ષી હોલા કે પારવડાં તેના નજીકના સંબંધી છે! કબૂતર વૃક્ષારોહી પક્ષી છે. મનુષ્ય સાથેની તેની નિકટતા અને ગંદકી કરી મૂકવાની ટેવના કારણે કહેવત પડી છે કે ‘કૂવો વંઠ્યો કબૂતર પેઠું, ઘર વંઠ્યું ભગતડું પેઠું.’ કબૂતરના માળા સૂકી સળેકડી આડી-અવડી થોડા ઘણાં પીંછા પાથરી તૈયાર થાય છે. નર-માદા બંને માળો બનાવવામાં સહિયારો પુરુષાર્થ કરે છે.
કબૂતર બેઠા ઘાટનું ચાલવામાં ધીમું પણ ઊડવામાં ઝડપી પક્ષી છે. તેની ડોક ટૂંકી અને ચાંચ નાની અને શૃંગીય હોય છે. આ પક્ષીને આંખને ઉપલું અને નીચલું પોપચું ઉપરાંત પારદર્શક પટલરૂપે ત્રીજું પોપચું પણ હોય છે…! કબૂતરનો ખોરાક ઘઉં, ચોખા, જુવાર, બાજરી કઠોળ-દાળ સિંગદાણા ચણવાની સાથે ઘણીવાર ઝીણા કાંકરા પણ ગળે છે. અન્ન માર્ગમાં માંસલ પેષણી આવેલી હોય છે. પેષણીમાં દાણા ભરવામાં આ કાંકરા મદદરૂપ થાય છે…! મનુષ્યનો કબૂતર પાળવાના શોખના કારણે કબૂતરની અનેક પેટા જાતિઓ પેદા થઈ છે. કબૂતરનો માંસાહારી તરીકે અને ભૂતકાળમાં સંદેશાવાહક તરીકે ઉપયોગ થતો હતો. અકબર બાદશાહ પાસે સંદેશાવાહક માટે ૨૦,૦૦૦ કબૂતરો હતાં! પ્રથમ અને બીજા વિશ્ર્વ યુદ્ધમાં તેમનો ઉપયોગ થતોે હતો. સંદેશાવાહક બનાવા માટે ખાસ તાલીમ આપવામાં આવતી હતી. કેટલાક દેશોમાં કબૂતરને વેગથી ઊડવાની સ્પર્ધા પણ યોજાય છે. નર-માદાની ખાસ જોડીમાંથી ઈચ્છિત પ્રકારનાં કબૂતરોની પેટાજાતિઓ પેદા કરવામાં આવે છે. અલગ અલગ નામોથી ઓળખાય છે. ઉદા, ગિર્રેબાજ હવામાં ઉડતા ગુલાંટ ખાનારા કબૂતર; લક્કા – પૂંછડીના પીંછા પંખા પ્રમાણે ગોઠવનારી જાત; જેકોબિન – ડોકના પીંછા ઊભા કરી ચક્રાકાર ગોઠવનાર કબૂતર; શિરાજી પેટ આગળ સફેદ અને પીઠ ઉપર કાળો રંગ ધરાવનાર કબૂતર તે ઉપરાંત લોટન, બુદબુદા, તુરમાની જેવી અનેક પેટા જાતિઓ જોવા મળે છે. વાંકાનેરમાં રહેતા કબૂતરપ્રેમી પઢિયાર સુરજીભાઈના મકાનની છત ઉપર લાકડાના પાંજરા બનાવી ભિન્ન ભિન્ન ખાનામાં ૫૦ જેટલા પાલતુ કબૂતરો રાખ્યા છે. કબૂતરોમાં જંગલી કબૂતર રાખોડી સિવાયના બે પ્રકારના હોય છે. ફેન્સી કબૂતર અને હાઈફલાવર જેમાં ફેન્સી કબૂતર દેખાવમાં ખૂબ સુંદર હોય છે પણ આકાશમાં ઉચ્ચે બહુ ઊડી શકતા નથી બીજા હાઈ ફલાવર જે આકાશમાં ખૂબ ઊંચે ઉડવા માટે વખણાય છે. તે કલાકો સુધી આકાશમાં ઊડી શકે છે. તેની ઉડાન પ્રમાણે તેની કિંમત હોય છે. આ કબૂતરમાં અનેક જાતની નસલ આવે છે.
રાજસ્થાનના બાજરા કબૂતર વધારે વખણાય છે. હું તેની એક પેર ત્યાંથી લાવી તેના અન્ય બચ્ચાં થવાં લાગ્યાં છે. જ્યારે કેરલ રાજ્યની અંદર રેસિંગ કબૂતર મળે છે જે કબૂતર ૧૦૦૦ થી ૧૨૦૦ કિલોમીટરથી પણ ઘરે પરત ઊડીને આવવાની ક્ષમતા ધરાવે છે. કબૂતરની બ્રીડિંગની વાત કરીએ તો ઈંડાં મૂક્યા પછી ૧૮ દિવસે તેમાંથી બચ્ચાં નીકળે છે. અને એક મહિનાની અંદર બચ્ચા ચણતા અને ઉડતા શીખી જાય છે.
ભારતમાં ઘણાં બધા લોકોએ પોતાના વ્યવસાય તરીકે પણ અપનાવી સારી એવી કમાણી કરે છે. આપણી લાઈફ સ્ટાઈલ સાથે જોડાયેલ કબૂતર ધાર્મિક દૃષ્ટિએ સુપ્રભાતે ચણ નાખવાથી પુણ્ય પ્રાપ્ત થાય છે. અને ‘શાંતિદૂત’ તરીકે પણ આપણે બિરુદ આપ્યું છે. કબૂતર માટે ગીતો લખાયા છે. કબૂતર… જા… જા… જા…