ભક્તિ, શક્તિ ને પ્રેમનો ત્રિવેણી સંગમ સમો વિશ્ર્વવિખ્યાત ‘તરણેતરનો મેળો’
તસવીરની આરપાર -ભાટી એન.
ચોમાસામાં ખાસ કરી શ્રાવણ, ભાદરવા માસમાં મેળાની મોસમ છલકે છે! હૃદયાનુભૂતિને શાતા આપવા માટેનું મનોરંજન જનગણ મનને પાવનકારી બનાવી લોક પ્રીતિની રસનિષ્પતિની અભિવ્યક્તિ થાય. મેળાની ધૂપસુગંધ જનસામાન્યમાં ઈશ્ર્વર ભક્તિ, પ્રેમ ભક્તિ, સંસ્કૃતિ ભક્તિ વેશભૂષા ભક્તિના કર્તવ્ય પ્રેમનું ચેતો વિસ્તારમાં વલોણું થાય છે! મેળાની રસતૃપ્તિ માનવીના અભિન્ન અંગમાં ટહુકા કરી લોકભાષાના ચરખામાં તેજસ્વિતા, ઓજસ્વિતાનો પ્રકાશ પુંજ પ્રજ્વલિત થાય છે. સાહિત્યિક, સાંસ્કૃતિક, આધ્યાત્મિક, ભક્તિ-શક્તિ અને સૌંદર્યનો ત્રિવેણી સંગમ છે. ત્રિનેત્રેશ્ર્વર મહાદેવ.
લોકભાષામાં બોલવું સુગમ પડે એટલે લોકબોલીમાં તરણેતરથી પ્રચલિત છે. ત્યાં જગ વિખ્યાત “તરણેતરનો મેળો જન સામાન્યનું પ્રતિનિધિત્વ કરે છે! આ મેળો સપ્તરંગી મેઘધનુષ્ય ચીતરે છે. તેની રંગભીની મુલાકાત અંતરાત્માથી સાક્ષી ભાવે માણીએ.
‘તરણેતરનો મેળો’ શું પ્રેમ ભક્તિનો મેળો છે…!? ‘જી હા!’ આ મેળો યૌવનના હિલોળામાં કોઈનો સંગાથ ઝંખે છે…! તેમાં પણ ચાર આંખ્યું ભેગી થાય એટલે મરકમરક હસતા મસ્તીમાં લાગણીની છોળે ઝૂલતા ચાર… ચાર… દિવસ સુધી આ મેળામાં મહાલે છે. સાથે હરેફરે છે. તેથી યુવાન છોકરા-છોકરી વચ્ચે સામાજિક સંપર્ક તાજો થાય છે…! સૌરાષ્ટ્રની આ ભૂમિમાં રંગ વૈવિધ્યભર્યા વેશ પરિધાન અહીં નીરખવા મળે છે…! લોક સંસ્કૃતિના પ્રતીક સમા લોકકળા અને લોક સાહિત્યના અહીં દર્શન થાય છે. તરણેતરનો આ વિશાળ લોકમેળો લોકજીવનને આનંદ પ્રમોદથી મઘમઘતું બનાવી સાધકોને આધ્યાત્મિક આનંદ આપે છે. ભૌતિકવાદીઓને સૌંદર્યાનુભૂતિ કરાવી દૈહિક સુખ આપે છે. આ મેળો ભક્તિ, શક્તિ અને સૌંદર્યનો ત્રિવેણી સંગમ છે. લોકઊર્મિની અભિવ્યક્તિનું સહિયારું સ્થાન છે. ભરવાડ, રબારી, કોળી કોમનાં સ્ત્રી-પુરુષોના રાસમાં દાંડિયારાસ, હુડોરાસ, ટિટોડો જેવાં લોક નૃત્યો સંગાથે જોડિયા પાવા ને ઢોલના સંગાથે મેળાની મોજ માણે છે.
“હાલો જુવાનિયા તરણેતરને મેળે જો. તરણેતરિયો મેળો જોવાની જુગતિ.
સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા નેશનલ હાઈવેથી તરણેતર મહાદેવનો મેળો નજીક થાય છે. ભાદરવા સુદ-૩થી ભાદરવા સુદ ૬ સુધી મેળો ભરાય છે. આ મેળામાં ઋષિપંચમીના દિવસે ગંગા પ્રગટે છે…! અને કૂંડમાં સ્નાન કરવાથી બધા પાપ નાશ પામે છે તેવી લોકોમાં શ્રદ્ધા છે, વિશ્ર્વાસ છે. બીજી માન્યતા એવી છે કે અહીં દ્રુપદનગરી હતી. પાંડવો અરણ્યમાં ગુપ્તવેશે રહેતા હતા. આજે મંદિર ફરતા કુંડ છે, તેમાં ઊભા રહી અર્જુને મત્સય-વેધ કર્યો હતો અને દ્રૌપદીને વર્યા હતા. અહીં ગાઢ અરણ્ય હતું…! ઋષિમુનિઓ તપ કરતા હતા. ઋષિઓના તપોબળથી ઋષિપંચમીના દિવસે ગંગા આ કુંડમાં પ્રગટ થતાં. તેમાં સ્નાન કરવા માટે અનેક સિદ્ધ ઋષિમુનિઓ આવતા. આ કલાત્મક મંદિર ચૌદમી સદીમાં સોમપુરા શિલ્પીઓએ કળાત્મક શૈલીમાં બનાવેલું છે. એટલે કે જેમાં ફુલવેલ, ફ્રિહેન્ડ ડિઝાઈન કાબિલે તારિફ છે. સૌરાષ્ટ્રની સુપ્રસિદ્ધ જગ્યા પાળિયાદની જગ્યાના મહંતના વરદ્હસ્તે બાવન ગજની ધજા ચડાવવામાં આવે છે. આ મેળાનું પ્રતીક સમાન ભરત ભરેલી કલાત્મક છત્રીઓ, શણગારેલ બળદ ગાડા, અશ્ર્વ હરીફાઈ ને ગ્રામીણ ઓલિમ્પિકનું આયોજન થાય છે. ઋષિપંચમીના દિવસે ગુજરાતના મુખ્ય મંત્રી આવે છે અને મેળો માણે છે ને દર્શન પૂજન કરે છે. આ મેળામાં ફઝત ફાળકા, મોતના કૂવા, સરકસને વિવિધ સ્ટોલો હોય છે. આ મેળામાં ચાર દિવસમાં લાખો શ્રદ્ધાળુઓ પ્રેમભીનો મેળો માણવા આવે છે.