અજબ ગજબની દુનિયા : દુકાનદાર લાઇસન્સ લાવિંગ એન્ડ લાવિંગ એન્ડ લાવિંગ

હેન્રી શાસ્ત્રી
આપણા દેશમાં 1950થી 1990 દરમિયાન લાઇસન્સ રાજ કે પરમિટ રાજ હતું. ભારતીય અર્થતંત્રના નિયમનના ઉદ્દેશથી શરૂ કરાયેલી આ વ્યવસ્થા અંગત લાભના હેતુથી બીભત્સ બની જતા લાઇસન્સ મેળવવા આકાશ પાતાળ એક કરવા જેવું મુશ્કેલ કામ હતું. હવે એવો દાવો કરવામાં આવે છે કે છેલ્લા 10 વર્ષમાં આપણા દેશમાં કારોબારમાં સુગમતા – ઈઝ ઓફ બિઝનેસને કારણે વેપારીઓએ પરમિટ મેળવવા પરસેવાથી નહાવું પડે એટલા આંટાફેરા અને આશીર્વાદ નથી કરવા પડતા. જોકે, તાજેતરમાં સોશિયલ મીડિયા પર વાયરલ થયેલી પોસ્ટમાં જણાવ્યા અનુસાર પુણેમાં ઘઉં દળવાની ઘંટીનો નાનકડો વ્યવસાય શરૂ કરવા માટે એક શખ્સને બે પાંચ નહીં, પૂરી 16 પરમિટ લેવી પડી હતી. નીતિન ધર્માવત નામના ફાઈનેન્શિયલ એનલિસ્ટે સોશિયલ મીડિયા પર એક ફોટોગ્રાફ મૂકી પરમિટની પીડા પ્રત્યે ધ્યાન દોર્યું છે. એમાં સાફ જોઈ શકાય છે કે ફ્રેમ કરેલી 16 તસવીર ટાંગવામાં આવી છે અને બાજુમાં ભારતના બંધારણની પ્રત લટકી રહી છે. ચક્કીનો વ્યવસાય શરૂ કરવા આવી જહેમત ઉઠાવવી પડતી હોય તો બીજા બિઝનેસમાં શું થતું હશે એ વિચારમાત્રથી થરથરી જવાય. સદનસીબે વાયરલ થયેલી આ પોસ્ટ પર સરકારની નજર પડી અને સમગ્ર મામલે ઘટતું કરવાનું આશ્વાસન આપ્યું છે.
ફિલ્મ ‘શોલે’માં જેમ મૌસીજીથી અકળાઈને ધર્મેન્દ્ર ‘મૌસી ગોઈંગ જેલ એન્ડ ચક્કી પિસિંગ એન્ડ પિસિંગ એન્ડ પિસિંગ’ કહે છે એમ આ શખ્સ માટે કહી શકાય ને કે દુકાનદાર લાઇસન્સ લાવિંગ એન્ડ લાવિંગ એન્ડ લાવિંગ. (રાહ જૂવો..અનંતકાળ સુધી! )
મા મુજે અપને આંચલ મેં છુપાલે
માનવ સમાજમાં પિતૃત્વ-માતૃત્વ સિદ્ધ કરવા ડીએનએ ટેસ્ટની મદદ લેવાનું ચલણ વધી ગયું છે, પણ જો આવી સમસ્યા પ્રાણી જગતમાં ઉદભવે તો શું થાય?
ઉત્તર પ્રદેશના કાનપુર શહેરના પોલીસ સ્ટેશનમાં બકરીનું બચ્ચું કોનું એ સમસ્યાનો ઉકેલ જે રીતે આવ્યો એ જોઈ પોલીસ પણ હેરત પામી ગઈ અને બચ્ચા પર દાવો કરતી મહિલાની આંખોના ખૂણા ભીના થઈ ગયા. મામલો એવો હતો કે ચંદ્રા દેવી અને મીના કુમારી નામની બે મહિલા બકરીના બચ્ચા પર દાવો કરી રહી હતી. ચંદ્રા દેવીની બકરી સફેદ રંગની હતી જ્યારે મીના કુમારીની બકરીનો રંગ કાળો હતો. વિવાદમાં સપડાયેલું બચ્ચું શ્વેત – શ્યામ કોમ્બિનેશનનું હતું. બચ્ચું કોનું એનો કોઈ પુરાવો નહીં કે નહીં કોઈ સાક્ષી એવી પરિસ્થિતિમાં બચ્ચાની માને ઓળખવી કેમ? પોલીસ સ્ટેશનના હોશિયાર ઈન્સ્પેક્ટરે બંને સન્નારીઓની વાત સાંભળી એવો તોડ કાઢ્યો જે પોલીસ જગતમાં અનોખું ઉદાહરણ બની ગયો. બંને બકરીને પોલીસ સ્ટેશનના બે સામસામે ખૂણે બાંધીએ અને કહ્યું કે ‘બચ્ચાને છૂટું મૂકો. એ પોતાની મા પાસે જઈને એનું દૂધ પીશે.’ મહિલાઓ માની ગઈ. બચ્ચાને મૂક્યું અને થોડીકવાર આમતેમ નજર ફેરવી તરત સફેદ બકરી પાસે પહોંચી એનું દૂધ પીવા લાગ્યું. અત્યંત અઘરા સવાલનો સાચો જવાબ આસાનીથી મળી ગયો. હાજર લોકોના ચહેરા પર સ્મિત ઝળકતું હતું અને હથેળીઓ તાળી પાડી રહી હતી. હૃદય લોહીનું રક્તાભિસરણ કરતું અવયવ ખરું, પણ સાથે લાગણી – સ્નેહ – મમત્વનું કેન્દ્ર પણ ખરું ને!
પોતાનો જ વર્લ્ડ રેકોર્ડ તોડશે ચીન
વિશ્વના નામાંકિત દેશ સાથે વિશેષણ જોડવાની કોશિશ થાય તો ચીન ચોંકાવનારું એ પરફેક્ટ વિશેષણ છે.
તાજુબ કરી દેતી આ દેશની લેટેસ્ટ ઘટના છે ગ્વી જો પ્રાંતમાં આખરી ઓપ અપાઈ રહેલો હાંગ જો ગ્રાન્ડ કેન્યન બ્રિજ. પ્રાંતની બિપેન નદી પર બાંધવામાં આવી રહેલો પુલ 30 જૂને ખુલ્લો મૂકવામાં આવશે ત્યારે વિશ્વના સૌથી ઊંચાઈ પર અસ્તિત્વ ધરાવતા બ્રિજનો વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરશે.
2051 ફૂટની ઊંચાઈ પરનો આ બ્રિજ કેવળ એક ટેકનોલોજીની કમાલ કે ઊંચાઈનો વર્લ્ડ રેકોર્ડ નથી. બાવીસ હજાર ટન સ્ટીલ વાપરી બંધાયેલો આ બ્રિજ ચીનના એકાકી વિસ્તારોને સ્કૂલ, હૉસ્પિટલ અને માર્કેટ સુધી જોડવાનું લાખેણું કામ કરશે. આ વિસ્તારના લોકો ધબકતા અને ધમધમતા ચીની વિસ્તારના સંપર્કમાં આવશે અને એમનું જીવનધોરણ બદલાઈ જશે.
ટૂંકમાં આ બ્રિજ ક્રાંતિકારી સાબિત થવાની ક્ષમતા ધરાવે છે. પર્વતાચ્છાદિત પ્રાંત ગ્વી જો હેરતઅંગેજ બ્રિજ માટે પ્રખ્યાત છે. અસાધારણ ઊંચાઈએ પર બાંધવામાં આવેલા વિશ્વના 100 બ્રિજમાંથી 50 તો આ પ્રાંતમાં જ છે, બોલો!
ચોંકી જવાય એવી વાત તો એ છે કે વિશ્વના સૌથી ઊંચાઈ પરના બ્રિજનો પોતાનો જ વિશ્વવિક્રમ એકથી વધુ વાર તોડ્યો છે. આ વર્ષે લાગલગાટ ત્રીજી વાર વર્લ્ડ રેકોર્ડ પોતાના નામે કરશે. 2003માં 1000 ફૂટ કરતા વધુ ઊંચાઈ પર લટકતો પહેલો બ્રિજ ગ્વી જો પ્રાંતમાં તૈયાર થયો. ત્યારબાદ 2016માં 1854 ફૂટની ઊંચાઈ પર કમાલ દેખાડી અને હવે હેટ- ટ્રિક પૂરી થશે.
ટૉઈલેટ બ્રશ: એક ટૅરિફ કથા
આજની તારીખમાં વિશ્વ સમસ્તનો ચર્ચાનો હોટ ટોપિક છે ‘ટૅરિફ ટૅરિફ ઔર ટૅરિફ’. એમાંય યુએસ – ચીન જે રીતે બાંયો ચડાવતા જાય છે એ જોતા ટૅરિફ શબ્દ ટેરિફિક બની જશે તો નવાઈ નહીં લાગે. ચીનમાં તો ટ્રમ્પ એ હદે મજાકનો વિષય બન્યો છે કે અમેરિકનો પણ એ જોઈ હસવું ખાળી નહીં શકતા હોય. આ ટૅરિફ યુદ્ધને પગલે ડોનલ્ડ ટ્રમ્પની ફજેતી કરતા ચીની બનાવટના ટૉઈલેટ બ્રશની ડિમાન્ડ ખૂબ વધી જતા એના વેચાણના આંકડા જેટ ગતિએ વધી રહ્યા છે. જોકે, પીળા રંગનું ટૉઈલેટ બ્રશ નવી પ્રોડક્ટ નથી. ટ્રમ્પ પહેલીવાર પ્રેસિડેન્ટ બન્યા ત્યારે ચીની કંપનીએ બંને દેશમાં ટ્રમ્પની લોકપ્રિયતા વટાવી લેવાના આશય સાથે વિવિધ પ્રોડક્ટ બનાવી હતી. આજે ચિત્ર ઘણું બદલાઈ ગયું છે.
ટ્રમ્પએ ટૅરિફના ડુંગર ખડક્યા હોવાથી ચીનાઓ યુએસ પ્રેસિડેન્ટની હાંસી ઉડાવવા આ રમૂજી લાગતા ટૉઈલેટ બ્રશ મોટા પાયે ખરીદી રહ્યા છે.
લ્યો કરો વાત!
ભારતના જેપનીઝ રાજદૂતે બિહારનું પરંપરાગત ખાણું ‘લિટ્ટી ચોખા’ ખાઈને વખાણ્યું એટલે અનેક લોકોને આ ડિશ ટ્રાય કરવાની ઈચ્છા થઈ આવી. જોકે, ‘લિટ્ટી ચોખા’માં ચોખાનું નામોનિશાન નથી. એ બનાવવામાં ઘઉંનો લોટ, સત્તુ (શેકેલા ચણાનો પાઉડર) રીંગણ અથવા બટેટાનો પણ ઉપયોગ થાય છે. આવી જ એક ખાસિયત આંધ્ર પ્રદેશની છે, નામ છે ડિબ્બા રોટી. નોનવેજ વાનગીઓ માટે પ્રખ્યાત હૈદરાબાદમાં 100 ટકા શાકાહારી ગણાતી ડિબ્બા રોટી સવારના નાસ્તામાં કે સાંજે લાઈટ ડિશ તરીકે લેવાય છે. સાઉથ ઇન્ડિયનોના ઢોસા કે આપણા હાંડવાને મળતી આવતી આ આઈટમ ટેસ્ટ કરવા જેવી છે.
આપણ વાંચો: તસવીરની આરપાર : લીલામાંથી લાલ થાય મરચું તો રસોઈનો શહેનશાહ કહેવાય…