અજબ ગજબની દુનિયા
હેન્રી શાસ્ત્રી
સાઈકલ છે કે ટાવર!
પબમાં દોસ્તારો સાથે બે – ચાર પેગ લગાવી ‘હું આમ કરી નાખીશને હું તેમ કરી નાખીશ’ એવી શેખી મારનારા સેંકડો મળી આવે, પણ ગટગટાવી લીધા પછી બોલેલું પાળી બતાવે એવા લાખો મેં એક હોય ખરા.
નિકોલસ બેરીઓઝ અને ડેવિડ પેરો નામના બે ફ્રેન્ચ મિત્રો ચિયર્સ કર્યા પછી અવનવી વાતોએ વળગ્યા અને નિકોલસ બોલી ગયો કે ‘આપણે વિશ્ર્વની સૌથી ઊંચી બાઇસિકલ (બે પૈડાંવાળી સાઇકલ) બનાવીએ તો?’ ડેવિડ ગાંજ્યો જાય એમ નહોતો. એક સિપ લઈ કહી દીધું કે ‘ગગનમાં ટમટમતા તારા સાથે વાત કરતી બાઇસિકલ.’
એ સમયે એમની વાત સાંભળનાર અન્ય લોકો ખડખડાટ હસી પડ્યા, પણ બંને મિત્રોએ વાત દિલ પર લઈ લીધી. દિવસો પસાર થતા ગયા એમ ટાવર જેવી સાઈકલ બનાવવાની ઈચ્છા વધુ ને વધુ મજબૂત બની ગઈ. પાંચ વર્ષની અથાક મહેનત અને અસંખ્ય વિઘ્નો પાર કરી પબમાં કરેલું ચિયર્સ હકીકત બની ગઈ. નિકોલસ અને ડેવિડ ૨૫ ફૂટ અને ૫ ઈંચ ઊંચી બેસીને હંકારી શકાય એવી સાઇકલ બનાવવામાં સફળ રહ્યા છે. અગાઉના સૌથી ઊંચી બાઈસિકલના વર્લ્ડ રેકોર્ડ કરતાં ફ્રેન્ચ મિત્રોની કમાલ ૧ ફૂટ, ૨ ઈંચ વધુ ઊંચાઈ ધરાવે છે. વીસેક કિલોમીટરની ઝડપે દોડતી આ બાઇસિકલ તૈયાર કરવામાં પોલાદ, મિશ્ર ધાતુ અને લાકડાનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ સફળતાથી મિત્રોને ચાનક ચડી છે અને હવે બેસીને ચલાવી શકાય એવી વિશ્ર્વની સૌથી નાના કદની (૮.૪ સેન્ટિમીટર) બાઈસિકલનો રેકોર્ડ તોડવા થનગની
રહ્યા છે.
છીંડાં શોધવા અને છીંડાં પૂરવા: મતિ એવી ગતિ
ભારતીય શેરબજારનું હર્ષદ મહેતાનું ઐતિહાસિક કૌભાંડ આપણી બેન્કિંગ વ્યવસ્થામાં રહેલા છીંડાં શોધી એમાંથી સ્વાર્થ સાધી લેવાનું અનન્ય ઉદાહરણ છે. છીંડું શોધવા જતા આખે આખી પોળ મળી આવે એ તો નસીબની વાત છે, પણ પછી એ પોળ પર આગળ વધવું કે એ છીંડાં પૂરી દેવા એ અંગત બાબત છે. મતિ એવી ગતિની વાત છે. લશ્કરી વ્યવસ્થા પર અઢળક ધન ખર્ચવા માટે જાણીતા ચીનમાં મિલિટરી હિસ્ટ્રીના એક શોખીન મહાશયને તાજેતરમાં છીંડું શોધતા પોળ લાધી હતી, પણ એ શખ્સે પોળમાં પહોળા થવાને બદલે એ છીંડાં પૂરી દેવાને પ્રાધાન્ય આપી સાચા દેશભક્તની મિસાલ કાયમ કરી છે. લશ્કરી સાહિત્ય એકઠું કરવાના શોખીન મહાશયે રસ્તે રઝળતા એક ડૉલરથી ઓછી કિંમતમાં ચાર પુસ્તક ખરીદ્યાં. એ પુસ્તક ગોપનીય લશ્કરી દસ્તાવેજ હતા. ધાર્યું હોત,
કુમતિ સુજી હોત તો એ પુસ્તકના બદલામાં તગડું બેન્ક બેલેન્સ એ મહાશય એકઠું કરી શક્યા હોત. પણ ના, એના હૈયામાં રામ, સોરી માઓત્સે તુંગ વસ્યા અને તેમણે લશ્કરી સત્તાવાળાઓને જાણ કરી એ ગોપનીય દસ્તાવેજો સુપરત કરી દીધા.
જો કોઈ અળવીતરાના હાથમાં આ પુસ્તકો આવી ગયાં હોત તો એના કેવા ગંભીર અને માઠાં પરિણામો ભોગવવા પડ્યા હોત એની કલ્પના જ કરવી અઘરી છે. આવા લોકો જ દેશની સાચી મૂડી છે.
ઓલ્યા હાથીશંકર ધમધમિયાને બોલાવો તો!
તમે જો ગુજરાતી માધ્યમમાં ભણ્યા હશો અને પરિવારમાં વાંચન પ્રીતિ હશે તો તમે હરિપ્રસાદ વ્યાસ લિખિત ‘બકોર પટેલ’ની વાર્તામાળા વાંચી હોવાની મજબૂત સંભાવના છે. બકોર પટેલ, પત્ની શકરી પટલાણી અને મિત્ર વર્તુળમાં વાઘજીભાઈ વકીલ, ડો. ઊંટડિયા અને એક હતા હાથીશંકર ધમધમિયા. વાર્તાઓમાં આ બધાં પ્રાણીઓ વચ્ચે સંવાદોની મજેદાર આપ- લે થતી. માનવ સમાજ તો પ્રાણીજગતને અબોલ ગણે છે , પણ વિજ્ઞાને શોધી કાઢ્યું છે કે માણસ ઉપરાંત હાથી સમાજમાં પણ નામથી બોલાવવાનો રિવાજ છે. ડોલ્ફિન અને પોપટ અવાજની નકલ કરી જાતભાઈને બોલાવે છે એ વાત વિજ્ઞાને સિદ્ધ કરી છે પણ ગજરાજ નકલ નથી કરતો, પણ ચોક્કસ ‘નામ’ વાપરી સાથીને બોલાવતા હોવાનું સંશોધન થયું છે. કેન્યાના જંગલોમાં આંતરરાષ્ટ્રીય સંશોધકોએ AI – આર્ટિફિશ્યલ ઈન્ટેલિજન્સની મદદથી હાથીના બે જૂથ વચ્ચે થયેલા સાદ – પ્રતિસાદનો અભ્યાસ કરી તારણ કાઢ્યું છે. આ સંશોધનથી સાબિત થયું છે કે ગજરાજ સમાજમાં અલગ અલગ અવાજથી હાથી અન્ય હાથીઓને બોલાવે તો છે જ, પણ તેમને સંબોધન થયેલા અવાજને ઓળખી જવાબ પણ આપે છે. પરિણામે હાથીશંકરનું કામ પડ્યું હોય ત્યારે ગજરાજ રાયનથી પહોંચી જતા. હા, જુનવાણી સ્વભાવની કોઈ હાથણી ’મદનિયાના બાપા, સાંભળો છો?’ એવું કહેતી હોય તો ખબર નથી.
નોકરી આપશો તો છોકરી આપશે
મુંબઈ વિશે બહુ જાણીતી કહેવત છે કે ‘આ શહેરમાં રોટલો મળી જાય પણ ઓટલો ના મળે.’ આજના બેરોજગારીના માહોલમાં નવી કહેવતએ જન્મ લીધો છે કે ‘છોકરી (ગર્લફ્રેન્ડ) મળી જાય પણ નોકરી ના મળે’ અને હા, મળી હોય તો નોકરી વિના છોકરી ઝાઝું ટકે નહીં. એવા પણ અનેક કિસ્સા છે , જેમાં નોકરી મળ્યા પછી સ્ટાફમાં સેટિંગ કરી છોકરી મેળવી લેવામાં આવી હોય. છોકરીનું પાકું કરતાં પહેલાં નોકરીનું પાકું કરવા કેવા ખેલ કરવા પડતા હોય છે એનો વાઈરલ થયેલો કિસ્સો જાણી પહેલા હસવું આવશે અને પછી સહેજ ઉદાસ થઈ જશો.
ઉત્તર ભારતની કોઈ હેલ્થ કેર કંપનીની સીઈઓએ નોકરી માટેની અરજીની એક તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે. નોકરી માટેની અરજીના ફોર્મમાં એક સવાલ એવો હતો કે ‘નોકરી માટે તમે યોગ્ય ઉમેદવાર શું કામ છો એ જણાવો’. અરજદાર યુવાને જવાબમાં દિમાગ વાપરી કામ સંબંધી મહત્ત્વની વિગતો જણાવ્યા બાદ દિલ ખુલ્લું મૂકીને જણાવ્યું કે જો એને આ નોકરી નહીં મળે તો નાનપણથી જ જેની સાથે સ્નેહના તાંતણે બંધાઈ ગયો છે એની સાથે લગ્ન નહીં કરી શકે. વાત એમ છે કે ક્ધયાના પિતાએ સાફ શબ્દોમાં કહી દીધું છે કે નોકરી કરતો હોઈશ તો મારી છોકરી સાથે લગ્ન કરવા દઈશ. ટૂંકમાં છોકરી મેળવવા નોકરી મેળવવી એ શરત છે.
માત્ર ગણતર નહીં ભણતર પણ જોઈએ
બિલ ગેટ્સ, સ્ટીવ જોબ્સ, ધીરુભાઈ અંબાણીનાં ઉદાહરણો આપી એમ કહેવાતું હોય છે કે જીવનમાં સફળ થવા ‘ભણતર નહીં પણ ગણતર હોવું જોઈએ.’ મતલબ કે હાથમાં મોટી ડિગ્રીનું સર્ટિફિકેટ ન હોય તો પણ વ્યવહારુ જ્ઞાન અને વૈચારિક ચપળતાથી સક્સેસ મેળવી શકાય છે.
જોકે, હવે સમય બદલાઈ ગયો છે. એપ્લિકેશન ઓફ નોલેજ (શીખેલી બાબતો અમલમાં મૂકવાની આવડત) સાથે ભણતરની પ્રતિષ્ઠિત ડિગ્રીનો આગ્રહ રાખવામાં આવે છે. ટેકનોલોજી માટે ખ્યાતનામ, પણ ટ્રાફિક માટે કુખ્યાત બેંગલુરુની મહિલાનો કિસ્સો એનું આગવું ઉદાહરણ છે.
આવડતના જોરે સ્ટાર્ટઅપમાં નોકરી મેળવનાર મહિલાના કામથી સાહેબ લોકો
ખુશ હતા, પણ દામ આપવામાં રાજી નહોતા. સાનમાં સમજી ગયેલી મહિલાએ નોકરી છોડી દીધી. નામના ધરાવતી યુનિવર્સિટીમાં એડમિશન લીધું અને ડિગ્રી મેળવી એ
જ કંપનીમાં ફરી નોકરીએ લાગી. ફરક
એ હતો કે ડિગ્રીના સર્ટિફિકેટના જોરે
તેને અગાઉ કરતાં અઢી ગણો વધુ પગાર
ઓફર થયો. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલી આ સ્ટોરી વિશે ‘પ્રેરણાદાયક
કથા’ જેવી અઢળક પ્રતિક્રિયા આવી. એક
જણે લખ્યું કે ‘આ એક સક્સેસ સ્ટોરી
છે, પણ ઉમેદવારની લાયકાત એની
આવડત નહીં, પણ એની પાસે રહેલી
પ્રતિષ્ઠિત યુનિવર્સિટીનીડિગ્રીના જોરે થાય છે એ વાત થોડી ખટકે છે.’
વાત સાચી છે, પણ જમાના બદલ
ગયા હૈ.
લ્યો કરો વાત!
માનવ વસતિમાં સમાંતર સમાજની રચના કરનારા સોશિયલ મીડિયાએ હવે રાજકારણમાં પગપેસારો વધાર્યો છે. જનતાને પ્રભાવિત કર્યા બાદ
રાજકીય ઉમેદવારીમાં એની કમાલ જોવા મળી છે. બ્રિટન, ફ્રાન્સ અને
યુએસએના ઈલેક્શનમાં સોશિયલ મીડિયાના યોગદાનની વાતો હજી જૂની થાય ત્યાં યુરોપિયન પાર્લામેન્ટની ચૂંટણીમાં રાજકારણ સાથે સ્નાન
સૂતકનો સંબંધ નહીં ધરાવતા ઉમેદવારો ચૂંટાઈ આવ્યા છે. યુરોપિયન
યુનિયનના સભ્ય સાયપ્રસ દેશનો ફિડીયસ પનાયોટુ ચૂંટણીમાં વિજયી થયો છે. રાજકારણનો કોઈ અનુભવ નહીં ધરાવતો ફિડીયસ યુટ્યુબર છે ૨૬ લાખ ફોલોઅર્સ ધરાવે છે અને ભારતમાં પ્રતિબંધિત ‘ટિકટોક’ પર પણ ધૂમ મચાવે છે.