ઈન્ટરવલ

શૅરબજાર અડીખમ ને મજબૂત બનશે

મતદાનનું પ્રમાણ, ફેડરલ મિનિટ્સ, કોર્પોરેટ પરિણામ અને એફઆઇઆઇનું વલણ મહત્ત્વનું પરિબળો

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

માની લઇએ કે આપણને રાજકારણમાં રસ નથી અને આપણે માત્ર શેરબજાર અને તેની સાથે સંકળાયેલી બાબતો અને ઘટનાઓમાં જ રસ છે. ઇન ધેેટ કેસ, લેટ મી ટેલ યુ, આપણાં ગૃહ પ્રધાન અમિત શાહ અને ખુદ વડા પ્રધાન મોદીએ તાજેતરમાં એવા મતલબના વિધાન કર્યા છે કે ચૂંટણી પરિણામની જાહેરાત બાદ શેરબજારમાં તેજીનો ઉછાળો આવશે! હવે કેપિટલ માર્કેટ રેગ્યુલેટર, ધી સિક્યુરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ના કાયદા અનુસાર આ સંવેદનશીલ વિધાન સામે કાર્યવાહી થવી જોઇએ કે નહીં તે તો બજાર નિયામક જ જાણે પરંતુ મુદ્દો એ છે કે આજની તારીખમાં ચૂંટણી પરિણામની બજાર પર ગંભીર અસર થશે.

આ જ કારણસર રોકાણકારોનું ધ્યાન હાલ લોકસભાની ચૂંટણીઓ પર જ મંડાયેલું છે. જોકે એ સિવાય પણ અન્ય પરિબળો છે અને આજે આપણે માત્ર આ સપ્તાહ પૂરતી જ શક્યતાદર્શક ચર્ચા કરીશું. ૧૮મી મેના રોજ પૂરા થયેલા વિસ્તૃત સપ્તાહમાં બજારે તાજેતરના નીચા સ્તરેથી ભારે રિકવરી દર્શાવી હતી અને બીજી બાજુ તીવ્ર વધતી જતી અસ્થિરતા છતાં બેન્ચમાર્ક ઇન્ડેક્સ નોંધપાત્ર વધ્યો હતો. ઇન્ડેક્સ હેવીવેઇટ્સ દ્વારા અપેક્ષા કરતાં વધુ સારી કમાણી, સકારાત્મક વૈશ્ર્વિક સંકેતો અને યુએસ આર્થિક ડેટાને પગલે ફેડરલ રિઝર્વ પાસેથી વ્યાજદરમાં ઘટાડા માટેની સતત આશા સેન્ટિમેન્ટને ટેકો આપી રહી છે. જોકે, રેટ કટના સમય અંગેની અનિશ્ર્ચિતતા યથાવત છે.

આ ઉપરાંત, વ્યાપક બજારોમાં મજબૂત મૂડ અને સામાન્ય ચૂંટણી પછીના મજબૂત આઉટલૂકની આશાએ પણ ખરીદીમાં રસ જળવાયો હતો. બજાર આ સપ્તાહે પોઝિટિવ ટોન સાથે મજબૂત થવાની ધારણા છે. રોકાણકારો એફઓએમસી મિનિટ્સ તેમજ ફેડ ચેરમેનની સ્પીચ પર ધ્યાન કેન્દ્રિત કરશે, લોકસભાની ચૂંટણીના તબક્કાઓ અને કોર્પોરેટ અર્નિંગ જેવા પરિબળો બજારને દિશા આપશે.

નિફ્ટી ૫૦ બેન્ચમાર્ક ૪૪૭ પોઈન્ટ્સ અથવા બે ટકા વધીને ૨૨,૫૦૨ પર અને સેન્સેક્સ ૧,૩૪૧.૫ પોઈન્ટ્સ અથવા ૧.૮૫ ટકા વધીને ૭૪,૦૦૬ પર બંધ થયો હતો, જ્યારે વ્યાપક બજારોએ બેન્ચમાર્ક કરતા સારી કામગીરી બજાવી હતી, જેમાં નિફ્ટી મિડકેપ-૧૦૦ ઇન્ડેક્સ ૪.૦૭ ટકા અને સ્મોલ કેપ-૧૦૦ ઇન્ડેક્સ ૫.૬૦ ટકા ઊછળ્યો હતો.

શેરબજારમાં રોકાણકારોની નજર કોર્પોરેટ કમાણી પર પણ રહેશે અને તેને આધારે શેરલક્ષી કામકાજ જોવા મળશે. માર્ચ ક્વાર્ટરના કોર્પોરેટ પરિણામની સીઝનનો અંત નજીક છે અને સાતમા સપ્તાહમાં લગભગ ૯૦૦ કંપનીઓ તેમની ત્રિમાસિક કમાણી જાહેર કરશે.

આમાંની મુખ્ય કંપનીઓમાંં ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન, ગ્રાસીમ ઇન્ડસ્ટ્રીઝ, પાવર ગ્રીડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, સન ફાર્માસ્યુટિકલ, આઇટીસી, હિન્દાલ્કો ઇન્ડસ્ટ્રીઝ, એનટીપીસી અને ડિવિસ લેબોરેટરીઝ પરિણામ રજૂ કરશે.

આ ઉપરાંત અરબિંદો ફાર્મા, ભેલ, ભારત ઈલેક્ટ્રોનિક્સ, બોશ, પેટ્રોનેટ એલએનજી, ઈન્ટરગ્લોબ એવિએશન, અશોક લેલેન્ડ, જુબિલન્ટ ફૂડવર્ક્સ, વન ૯૭ કોમ્યુનિકેશન્સ, એફએસએન ઈ-કોમર્સ વેન્ચર્સ, હોનાસા ક્ધઝ્યુમર, ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સ કંપની, ઈન્ડિયા સિમેન્ટ્સ, ઓઈલ ઈન્ડિયા, ગ્લેન્ડ ફાર્મા, ગ્લેનમાર્ક ફાર્માસ્યુટિકલ્સ, હિન્દુસ્તાન કોપર, મણપ્પુરમ ફાઇનાન્સ, નઝારા ટેક્નોલોજીસ, સુઝલોન એનર્જી અને યુનાઇટેડ સ્પિરિટ્સ પણ આ સપ્તાહે તેમની ત્રિમાસિક કમાણીની જાહેરાત કરશે.

અત્યાર સુધી જાહેર કરાયેલી કોર્પોરેટ કમાણી મોટાભાગે અપેક્ષાઓ સાથે સુસંગત છે જેમાં હકારાત્મક અને નકારાત્મક બાજુઓ પર કોઈ મોટું આશ્ર્ચર્ય સર્જાયું ના હોવાનું વિશ્ર્લેષકોએેે જણાવ્યું હતું.
વધુમાં, બજારના સહભાગીઓ ચાલુ સામાન્ય ચૂંટણીના બાકીના ત્રણ તબક્કાઓ અને તે તમામ તબક્કાઓમાં મતદારોના મતદાન પર પણ નજર રાખશે. ૧૯ એપ્રિલે પ્રથમ તબક્કા સાથે શરૂ થયેલું મતદાન અત્યાર સુધીમાં સાતમાંથી પાંચ તબક્કામાં થઈ ચૂક્યું છે. સોમવારે ૨૦ મેના રોજ, છ રાજ્યો અને બે કેન્દ્રશાસિત પ્રદેશની ૪૯ મતદારક્ષેત્રમાં મતદાન થયું છે, જ્યારે છઠ્ઠા તબક્કા માટે સાત રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની ૫૭ બેઠકો પર, શનિવારે ૨૫મી મેના રોજ મતદાન હાથ ધરવામાં આવશે.

ચૂંટણી પંચના જણાવ્યા અનુસાર, સામાન્ય ચૂંટણીના પ્રથમ ચાર તબક્કામાં કુલ મતદાન ૬૬.૯૫ ટકા રહ્યું હતું, જ્યારે ૧૯ એપ્રિલે પ્રથમ તબક્કામાં ૬૬.૧૪ ટકા મતદાન નોંધાયું હતું, બીજા તબક્કામાં ૨૬ એપ્રિલે ૬૬.૭૧ ટકા મતદાન નોંધાયું હતું. ત્રીજા તબક્કામાં સાતમી મેના રોજ ૬૫.૬૮ ટકા અને ચોથા તબક્કામાં ૧૩ મેના રોજ ૬૯.૧૬ ટકા મતદાન નોંધાયું હતું.

દરમિયાન, મે મહિના માટે એચએસબીસી મેન્યુફેક્ચરિંગ અને સર્વિસિસ પીએમઆઇ ફ્લેશ ડેટા ૨૩ મેના રોજ રિલીઝ થશે. એપ્રિલમાં, મેન્યુફેક્ચરિંગ પીએમઆઇ માર્ચમાં ૫૯.૧ની સામે ૫૮.૮ પર લપસ્યો હતો, જ્યારે સર્વિસ પીએમઆઇ એ જ સમયગાળા દરમિયાન ૬૧.૨ની સામે ૬૦.૮ સુધી નીચે આવ્યો હતો. વધુમાં ૧૭ મેના રોજ પૂરા થયેલા સપ્તાહ માટે વિદેશી હૂંડિયામણ અનામત ૨૪ મેના રોજ બહાર પાડવામાં આવશે.

વૈશ્ર્વિક મોરચે, તમામ રોકાણકારોનું ધ્યાન ફેડરલ રિઝર્વના અધ્યક્ષ જેરોમ પોવેલની સ્પીચ બાદ, આ મહિનાની શરૂઆતમાં ૨૨ મેના રોજ આયોજિત નાણાકીય નીતિની મીટિંગની એફઓએમસી મિનિટ્સ પર રહેશે. નોંધવું રહ્યું કે, ૧૪ મેના રોજની સ્પીચમાં પોવેલે પુનરોચ્ચાર કર્યો હતો કે, ફુગાવામાં ઘટાડો તેમની અપેક્ષા કરતાં ધીમો રહ્યો છે અને તે દર્શાવે છે કે બેન્ચમાર્ક વ્યાજ દરો વિસ્તૃત અવધિ માટે ઊંચા સ્તરે ટકેલા રહેવાની શક્યતા છે. ટૂંકમાં ફેડરલ આગળ જતાં દરમાં વધારો કરશે તેવી અપેક્ષા નથી.

એપ્રિલ ૨૦૨૪માં, યુએસ ફુગાવો અગાઉના મહિનાના ૩.૫ ટકાની સામે ૩.૪ ટકા પર આવ્યો હતો, જે હજુ પણ ફેડરલ રિઝર્વના બે ટકાના લક્ષ્યાંકથી ઘણો વધારે છે. છેલ્લી એફઓએમસી મીટિંગમાં, ફેડરલે સતત છઠ્ઠી વખત વ્યાજ દર ૫.૨૫-૫.૫ ટકા પર જાળવી રાખ્યો હતો. આમ વિશ્ર્વભરના ઇક્વિટી ઇન્વેસ્ટર્સ અને હેજ ફંડોની નજર વ્યાજ દર ઘટાડવાની સમયરેખાના સંદર્ભના સંકેતો પર રહેશે. વધુમાં, બજારના સહભાગીઓ જોબ ડેટા, ન્યુ હોમ સેલ ડેટાને પણ ટ્રેક કરશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ છે દુનિયાની સૌથી મોંઘી ઘડિયાળ, કિંમત એટલી કે… સાદા વાસણોને નૉન સ્ટીક બનાવવા છે? વહુ સાથે આવી છે Nita Ambaniની Bonding, આ રીતે Isha Ambaniએ લૂંટી મહેફિલ… આવું છે અંબાણી પરિવારના ખાનદાની હારનું કલેક્શન, જોઈને આંખો પહોળી થઈ જશે…