સદ્ભાવનાનાં મૂળિયાં મરી નથી પરવાર્યાં
મગજ મંથન -વિઠ્ઠલ વઘાસિયા
‘તમારું કર્મ સત્કર્મ હોય તો પણ એની પાછળ સાધુભાવ હોવો જોઈએ.’
– શ્રી કૃષ્ણ
સદ્ભાવના એટલે આપણે ભલે ગમે તે જાતિ, જ્ઞાતિ કે જુદી જુદી રાષ્ટ્રીયતાના હોઈએ પણ આપણી વચ્ચેનું આ અંતર હોવા છતાં,આપણામાં એક સામાન્ય ભાવ હોવો જોઈએ.એ ભાવ એટલે મનુષ્યતાનો ભાવ.મનુષ્ય મનુષ્યમાં અંતર તો છે જ પણ મૂળભૂત બાબતોમાં તે સમાન છે.એ જે સમાન ભાવ છે ત્યાં સુધી પહોંચવાને જ આપણે સદ્ભાવ માનીએ છીએ. સદ્ભાવ કહી શકાય.બધા પ્રકારનું અંતર હોવા છતાં કોઈક સંવાદ છે.અન્ય પ્રત્યે રોષનો કે દ્વેષનો અભાવ હોય એટલું જ નહીં બલકે અન્ય પ્રત્યે સદ્ભાવ અને સમભાવ હોય,તેટલા અંશે આપણે પરિસ્થિતિનું યોગ્ય મૂલ્યાંકન કરી શકીએ અને નિર્ણય લઈ શકીએ.જ્યાં અન્ય પ્રત્યે એટલે કે સહકાર્યકરો, મદદનીશો, કામદારો, ગ્રાહકો અને સમાજના અન્ય સભ્યો પ્રત્યે પણ સદ્ભાવ હશે, તેમનું હિત કરવાની ઈચ્છા હશે,ત્યાં કોઈ અલ્પકાલીન લાભ માટે દીર્ઘકાલીન લાભનો કે વ્યક્તિના લાભ માટે સમષ્ટિના લાભનો ભોગ અપાશે નહીં.ત્યારે પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આસપાસનો સદ્ભાવ પણ પ્રાપ્ત થશે અને સમૃદ્ધિનું વાતાવરણ જરૂર રચાશે. સદ્ભાવનાની પાછળ સાધુભાવ હોવો જોઈએ. સદ્ભાવનાની પાછળ શ્રેષ્ઠભાવ હોવો જોઈએ. કૃષ્ણ પણ એમ કહે છે કે તમારું કર્મ સત્કર્મ હોય તો પણ એની પાછળ સાધુભાવ હોવો જોઈએ.
આજે સર્વત્ર હિતની ભાવનાની ખોટ જોવા મળે છે.મોટાભાગે બધે સ્વાર્થ અને સંકુચિતતા જ જોવા મળે છે. બીજાના હિત કે જરૂરિયાત વિશેની ચિંતાનો, અને કાળજીનો અભાવ જોવા મળે છે.એટલું જ નહીં,પરંતુ પોતાના નાનકડા લાભ કે સગવડ માટે બીજાને ગમે તેવું નુકસાન થાય તો તેની પણ દરકાર કરવામાં નથી આવતી.માત્ર વ્યવહારિક કુનેહ અને કાવાદાવા કે દાવપેચ કરવાની આવડત સફળતા લાવે છે.એ માન્યતા જ ખોટી છે.શાસ્ત્ર તેની સાથે સંમત નથી અને આપણો પ્રત્યક્ષ અનુભવ પણ તેને પ્રમાણિત કરતો નથી.
ગાંધીજીએ સાઉથ આફ્રિકામાં ફિનિક્સમાં આશ્રમ બનાવ્યો,ત્યારે તેમનું પ્રિય ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ,’ ગાવામાં આવતું હતું. સાઉથ આફ્રિકાના જ એમના એક સાથી હતા. તેમણે ગાંધીજીને એમ કહ્યું કે, આપણે એકવાર ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ની જગ્યાએ ‘ક્રિસ્તાનજન તો તેને રે કહીએ’ ગાઈને જોઈએ તો કેવું રહેશે? ગાંધીજીને આ વિચાર ગમી ગયો. તેમને થયું કે એ રીતે પણ ગાવું જોઈએ. રાજમોહન ગાંધીએ ગાંધીજીની બાયોગ્રાફીના પુસ્તકમાં આ પ્રસંગ ખૂબ માર્મિક રીતે લખ્યો છે. તેમણે એમ લખ્યું છે કે બહુ ઓછા લોકોએ નોંધ લીધી છે કે ગાંધીજીના અંતિમ દિવસો સુધી આ ભજન ‘વૈષ્ણવ જન તો તેને રે કહીએ’ ફક્ત એમ જ નહીં પરંતુ બે વધુ સંસ્કરણોમાં ગવાતું હતું.એક તો ‘ક્રિસ્તાનજન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે’ અને ‘મુસ્લિમ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે.’ ભલે આપ કોઈપણ હો,દરેક પરંપરામાં હિંસા તો છે જ. હિંદુ પરંપરામાં સહિષ્ણુતાની,અને ઈસ્લામ પરંપરામાં હિંસાની એવું કંઈ નથી.મનુષ્યની બધી જ પરંપરામાં હિંસા છે, અનાચાર છે, યુદ્ધ છે. પરંતુ આ બધી પરંપરાઓ પછી મનુષ્ય હકીકતે શીખવા શું માગે છે? ખરી બાબત એ છે કે કોઈ પણ પરંપરાની સાર્થકતા તો એમાં જ છે કે જેનાથી આપણને સામાન્ય વ્યક્તિની તકલીફ સમજવાનો બોધ થાય. બીજાની પીડા આપણે કેટલી સમજી શકીએ છીએ તે અગત્યનું છે.પોતાની પીડા તો આપણે બધા જાણીએ છીએ અને એના દુ:ખડા તો આપણે રોઈયે જ છીએ.સમાજના પીડિત લોકો સુધી તમે કેટલા પહોંચો છો,એ મૂળ પ્રશ્ર્ન છે.એ સદ્ભાવના છે.
સદ્ભાવનાની આખી પ્રક્રિયા શું છે ? મનુષ્ય સમાજમાં સાથે રહે છે એ સહઅસ્તિત્વનો મુદ્દો છે? આ તો પરસ્પરાવલંબનની વાત છે.પર્યાવરણની અંદર રહીને મનુષ્યએ અંદર અંદર પરસ્પર પોતાનું વાતાવરણ કેવું ઊભું કરવું જોઈએ એ મૂળ પ્રશ્ર્ન છે. એ વાતાવરણ સારી રીતે પાંગરે એ માટે આપણે સામાજિક સદ્ભાવનાની જરૂર છે. આ પાયાની વાત આપણે સ્વીકારવી પડશે.સહઅસ્તિત્વ અને પરસ્પરાવલંબનને સમજવાની કોશિશ પશ્ર્ચિમી સમાજે પણ કરી છે પણ ત્યાં વ્યક્તિને છૂટો પાડી દીધો છે.તે પર્યાવરણ અને વાતાવરણનો એક હિસ્સો નથી.એ વ્યક્તિ તરીકે સ્વતંત્ર રહેવા માગે છે અને એમાંથી આ મોટી ગરબડ ઊભી થઈ છે.રાજ્ય શું કરે છે,બંધારણ શું કરે છે,કાયદો શું કરે છે,એમ બધા કહે છે પણ સદીઓ પહેલાના મનુષ્યને આમાંથી કોઈની જરૂર નથી પડી.
ત્યારનો સમાજ ‘ફેસ ટુ ફેસ’ સમાજ હતો.મારો દીકરો જે રીતે મને સમજાવે છે એ રીતે હું મારા પિતાજીને નહોતો સમજાવી શકતો. એ આમન્યાનો સવાલ હતો.મારે આમન્યા જાળવવી જ જોઈએ એવો એ વખતે વિવેક રહેતો.એમાં ચૂક થઈ હોય અને આપણે અંધશ્રદ્ધા કે જડતામાં ભરાઈ ગયા હોઈએ તો એવા સમાજને જડતાથી મુક્ત કરવા ક્રાંતિની જરૂર પડે છે અને વિચાર ક્રાંતિથી જ થઈ શકે.એ રીતે આપણે સમાજનું અર્થઘટન કરવાનું છે.પશ્ર્ચિમ કરતાં પૂર્વની વિચારધારા એ રીતે જુદી છે કે માણસ માણસ સાથે ફક્ત બજારથી જોડાતો નથી.મનુષ્ય મનુષ્યને પરસ્પરનો ભાવ એકબીજા સાથે જોડે છે.ગાંધીજીએ શેની મથામણ કરેલી ? એ શેના માટે ઊભા થયા હતા? હિન્દ સ્વરાજમાં એમણે લખ્યું છે કે પરસ્પરાવલંબન સમજનાર મનુષ્ય જે દિવસે હરીફાઈમાં પડ્યો તે દિવસે વ્યક્તિ વ્યક્તિ છૂટી થઈ ગઈ.એટલે જ આપણે ત્યાં કૃષિ સભ્યતાની સાથે ખાનગી માલિકીનો પ્રશ્ર્ન ઊભો થયો છે.એ પહેલા મનુષ્ય જાતિમાં કોઈ દિવસ ખાનગી માલિકીનો પ્રશ્ર્ન નહોતો. કૃષિ સભ્યતા અહિંસક સમાજ સંગઠનની પહેલી રચના છે.એની અંદર ખાનગી માલિકીની બાબત આવી અને લોકો એમ કહેવા લાગ્યા, ‘આટલી જમીનનો ટુકડો મારો છે.’ જ્યારે મારું તારું શરૂ થયું ત્યારે મનુષ્યને એમ પણ થયું કે ધારો કે મારો પાડોશી આવીને મારી પર હુમલો કરીને મારી જમીન લઈ જશે તો મારે શું કરવું? ખેડૂતો તલવાર લઈને એકબીજા સાથે યુદ્ધ ના કરી શકે એટલે બધા ખેડૂતોએ ડહાપણનું કામ કર્યું અને એક માણસને બોલાવ્યો અને તેને કહ્યું કે,‘ભાઈ અમે તારી પૂજા અર્ચના કરશું.તારા માથે મુગટ પહેરાવશું.તને અમે રાજા કહીશું પણ તું અમને સાચવજે. અમારી ખાનગી સંપત્તિ કોઈ પડાવવા આવે તો તો અમારી સંપત્તિનું રક્ષણ કરજે.’ એ રીતે રાજાની પદ્ધતિ ઊભી થઈ એટલે કે ખાનગી સંપત્તિની સુરક્ષા માટે, વ્યક્તિગત જાનમાલની સુરક્ષા માટે રાજ્યને જવાબદાર ઠેરવવાનું કામ કૃષિ સભ્યતામાંથી આવ્યું અને પછી એનું જે વરવું સ્વરૂપ થયું અને એમાં જે સામાજિક સદ્ભાવનાનો હ્રાસ થયો તે આપણે સમજવાનું છે.
ખાનગી સંપત્તિ પછીનો બીજો મુદ્દો છે વ્યક્તિગત સ્વતંત્રતાનો.એને માટે તો આખો પશ્ર્ચિમી સમાજ ઝઝૂમ્યો છે.વ્યક્તિ સ્વતંત્રતામાં માનવી એવું માનતો થયો કે હું મારી સ્વતંત્રતા સંપૂર્ણપણે ભોગવીશ.બીજાની સ્વતંત્રતાને નુકસાન નહીં પહોંચાડું.હું એક એવા તંત્રની રચના કરીશ.જે તંત્ર રાજ્યનો એક ભાગ હોય.વ્યક્તિ પર દેખરેખ રાખવાનું કામ તંત્ર કરે.મનુષ્ય મુક્ત છે.મનુષ્ય મુક્ત રીતે ગમે તે કરે એની માટે છૂટ હોવી જોઈએ.આવી સ્વતંત્રતા માટે લડી લડીને આપણે એવા આરે પહોંચ્યા છીએ કે જેની અંદર આપણે ‘ગે લિબર્ટી’ સુધી પહોંચી ગયા છીએ.આપણે એમ માનીએ છીએ કે મનુષ્યને કંઈ પણ નક્કી કરવામાં એની વ્યક્તિગત સ્વતંત્રતા હોવી જોઈએ અને એમાં સમાજને કશું કહેવાપણું રહેતું નથી.આ પરિસ્થિતિ પશ્ર્ચિમી સમાજે આપણી સામે અહીં સુધી લાવીને મૂકી દીધી છે.
પશ્ર્ચિમી સમાજમાં બધું ખરાબ છે તેવું આપણે કહી ન શકીએ.ગાંધીજીએ પણ એ સ્વીકાર્યું છે.તેઓ પહેલી વખત વિદ્યાર્થી તરીકે લંડન ગયા અને ત્યાર પછી પણ જ્યારે ઇંગ્લેન્ડ ગયા ત્યારે ત્યાંની શહેરી વ્યવસ્થાથી એટલા બધા તેઓ પ્રભાવિત હતા કે કલકત્તા કૉંગ્રેસની અંદર જાજરૂ સાફ કરવાનું કામ તેઓ આખો વખત હિન્દુસ્તાનમાં રહ્યા હોત તો પણ એમને ના આવડ્યું હોત એ ત્યાં જોઈ આવેલા કે ત્યાં કેટલી ચોખ્ખા હોય છે.
પશ્ર્ચિમની સંસ્કૃતિ એ જ્ઞાનની સંસ્કૃતિ છે.આપણી સંસ્કૃતિ એ ભક્તિની સંસ્કૃતિ છે, પરંતુ આપણે ભક્તિ કરતાં અંધવિશ્ર્વાસ તરફ વધુ જતા રહ્યા છીએ, એ જરા મુશ્કેલી છે.આપણે ઈતિહાસમાંથી એ શીખ્યા છીએ કે પ્રેમ બળથી જીવનારો સમાજ જ શ્રેષ્ઠ છે.પ્રેમ બળથી જીવનારા સમાજની લાગણીઓ મુખરિત થઈ હોય તો તે સંત સમાજ દ્વારા થઈ છે. એ માટે કબીરને, તુલસીને અને ગાંધીને યાદ કરવા પડે. ગાંધીને તો આપણે માનીએ છીએ કે પારદર્શક વ્યક્તિત્વ હતું. પણ કબીર પણ કેવો પારદર્શક હશે એ વિચારવા જેવું છે.કબીરની નિર્ભીકતા કેટલી બધી ! એ કેવો પારદર્શી માણસ હશે કે તે બંને કોમને ખખડાવી શકતો હતો.તમે એની ઊંચાઈનો તો વિચાર કરો ! એ સમાજમાં હિન્દુ – મુસ્લિમના ઝઘડા નહોતા એવું તો છે જ નહીં,કારણકે કબીરનું વિપુલ સાહિત્ય આ બંને કોમને ભેગાં કરવા માટે અને બંનેને લપડાક મારવા માટેનું છે.બંને કોમ માટેની કબીરની વાતો એ સમાજની અંદર પેસી ગયેલી જડતાની ગતિશીલ ક્રાંતિ છે.એને સમાજ સાંખે છે એ પરથી લાગે છે કે સદ્ભાવનાનાં મૂળિયાં મરી નથી પરવાર્યાં.સુકાઈ નથી ગયાં.સમાજની જડતા સામે ક્રાંતિ લાવનારા પારદર્શી વ્યક્તિત્વો સમાજમાં થાય છે અને ખાસ કરીને ભક્તિ માર્ગની અંદર સંત પરંપરામાં દેશમાં પુષ્કળ એવું કામ થયું છે.