રોબોટે આપઘાત કર્યો… ના હોય!
વ્યંગ – ભરત વૈષ્ણવ
‘અંતે એ લક્ષ્યાંક સિદ્ધ કરવામાં સફળ રહ્યો. જો કે સફળતા જોવા માટે એ ક્ષર દેહે જીવતો ન રહ્યો!.’
એક પંચાતિયાએ પ્લાસ્ટિકના કાગળમાં રહેલા મસાલા- માવાને મસળતાં મસળતાં કહ્યું. રોટલી કે ભાખરી બનાવવા આટલો ગૃહિણીઓ લોટ મસળતી નથી. મસાલાના પડિકાં પરનો દોરો દુશાસને જેમ દ્રૌપદીના ચીર હરેલા તેમ સાલાના પડિકાં પરનો દોરો ખોલ્યો. મસાલો ખોલીને સોપારીના એક કટકાને વચ્ચેથી તોડ્યો. મોટા કટકાને દાંત ખોતરતાં ખોતરતાં મોઢામાં ધકેલ્યો. ટેસ્ટ ન આવ્યો. પાછો મસાલો મસળ્યો.
‘આપઘાત કરનાર છોકરો છે કે છોકરી?’ વરલી મટકાના આંકડા લેતા પંચાતિયાએ પૂછ્યું. પછી પ્રથમ પંચાતિયાના હાથમાં રહેલ મસાલામાંથી બે સોપારી લીધી સોપારીને હથેળીમાં મસળી. ફૂંક મારી તમાકુ દૂર કરી. તમાકુવાળી સોપારી ખાવાથી મસાલાની લત પડી જાય. પંચાતિયો મહી્ પડી મહાસુખ માણવા ઇચ્છતો હતો અને પાણીમાં પડવા છતાં કોરોકટ રહેવા માગતો હતો..
‘એ છોકરો પણ ન હતો અને છોકરી પણ ન હતો.’ પ્રથમ પંચાતિયો ઉવાચ.
‘આપઘાત કરનાર થર્ડ જેન્ડર હતો?’ ત્રીજા પંચાતિયાએ નાકના ફોયણામાં આંગળી ખોલી સ્વચ્છ નાક મિશનનો આરંભ કરતા પૂછ્યું. એ નોનબાયોલોજિકલ હશે!’ ચોથાએ ચાવીથી કાન ખોતરતાં મમરો મૂકયો.
ભલે હોય પણ એણે. આપઘાત શા માટે કર્યો?’ ત્રીજા પંચાતિયાએ નાક સ્વચ્છતા મિશન સંપન્ન કરી કારણ પૂછ્યું.
‘આર્થિક સંકડામણ હશે? બીજું શું હોય? આઝાદીના અમૃતકાળમાં આસમાને પહોંચેલી મોંઘવારીમાં પરિવારના બે છેડા ભેગા થાય છે? ’ શર્ટના ફાટેલા છેડાવાળા પાંચમા પંચાતિયાએ જિહ્નાવગુ કારણ રજૂ કર્યું.
‘સાહેબ, આજકાલ છોકરા – છોકરી વચ્ચે પ્રેમ થાય છે. બંને પરણેલા હોય. છૂટાછેડા લીધા સિવાય સાથ સાથ રહી ન શકે એટલે બંને હાથે દુપટ્ટાના છેડા બાંધી સાથે જીવી ન શકાય તો સાથે મરી શકાય એવી ‘એક દુજે કે લીએ’ ની સિચ્યુએશનમાં કેટલાંય વાસુ-સપના કેનાલમાં ઝંપલાવી જિંદગીનો અંત લાવે જ છેને!’ બીજો પંચાતિયો પેનિક પિક્ચર વધારે જોતો હતો.
‘અરે, દેવું થઇ ગયું હશે. દેવાના ખપ્પરમાં ફસાયેલ વ્યાજ પર વ્યાજના ચક્કરમાં મૂળ રકમ કરતાં ત્રણ ગણી રકમ ચૂકવે તો પણ પેલા રાક્ષસોના ખપ્પર ખાલી રહે. પછી બાપડો આપઘાત ન કરે તો શું કરે?’ વ્યાજના વિષચક્રમાં ફસાયેલ ચોથા પંચાતિયાએ કારણ રજૂ કર્યું.
‘મરનાર નક્કી પતિ, પત્ની અને વો’ના ચક્કરમાં ફસાયેલ હશે. એક મ્યાનમાં ત્રણ તલવાર ખોસવા જાય તો આપઘાત જ કરવો પડેને? કોઇ પણ સ્ત્રી ‘વો’ની બબાલ ચલાવી ન ચાલે. કંકાસના અંતે કોઇકે આપઘાત કરી રસ્તો ખુલ્લો કરવો પડે.’ પ્રથમ પંચાતિયાએ સંભાવના વ્યક્ત કરી.
‘આપઘાત કરનાર ખતરો કે ખેલાડી જ હશે? એ ભાઉએ કોઇની જમીનનું ગબન કરેલ હશે! હમણાં એક અધિકારીએ એક ગામની તમામ જમીન હડપી લીધી છે. બસ,આવું કારનામું કર્યું હશે એટલે જિંદગીથી રાજીનામું આપવું પડ્યું.’ ત્રીજા પંચાતિયાએ લેન્ડ ગ્રેબિંગ થિયરી રજૂ કરી.
‘આપઘાત કરનાર રંગીલો શ્યામ હશે. સહકર્મીણી સાથે કશુંક ખોટું કર્યું હશે.આબરુ તાર તાર થઇ જવાની બીકથી મોત વહાલું કર્યું હશે.’ બીજા પંચાતિયાએ શક્યતા વર્ણવી.
‘આપઘાત કરનારનો દીકરો કે દીકરી ડ્રગ્ઝના કારોબારમાં સંડોવાયેલાં હશે. પોલીસ, મીડિયા, ડ્રગ્ઝ કારોબારીએ પરિવારની પરેશાની વધારી હશે. એટલે સામૂહિક આપઘાત કર્યો હશે.’ પ્રથમ પંચાતિયાએ સબળ કારણ પેશ કર્યું.
‘આપઘાત કરનાર બાલકબુદ્ધિ રાજકારણી હશે!’ બેલબુધ્ધિ પંચાતિયાંએ પંચ માર્યો.
‘આપઘાત કોણે કર્યો? એ અમીર હતો? એ ગરીબ હતો? એ નશેડી હતો? સંન્યાસી હતો? લંપટ હતો? ફેક બાબા હતો ?
પંચાતિયાઓ પાણી વલોવીને આપઘાતનાં કારણનું માખણ નિતારી શક્યા નહીં. અનેક લોકો આપઘાત કરે છે.નદી કે કેનાલમાં ઝંપલાવે છે. ગળે ફાંસો લગાવે છે. જીવતા શરીરને આગમાં હોમી દે છે,ઈત્યાદિ -ઈત્યાદિ… આપઘાતના કેટકેટલા તરીકા છે!
જિંદગીથી હારી જાય. સ્ટ્રેસ કે વિફળતાથી હારીને માણસ મોતને મીઠું કરે. બાકી, આ મોહમયી દુનિયા કોને છોડવી હોય છે?
આવા આપઘાત પુરાણ વચ્ચે તમે કદી સાંભળ્યું છે કે રોબોટ આપઘાત કરે? રોબોટ તો મશીન છે. મશીનને ઇમોશન ન હોય. મશીન સેન્ટિમેન્ટલ ફૂલ ન હોય. રોબોટ તો કુલ હોય! રોબોટ અને એ પણ આપધાત કરે?
જી હા, તાજેતરમાં આવું થયું છે દક્ષિણ કોરિયાના ગુમી સિટીમાં એક રોબોટ ગુમી સિટી કાઉન્સિલ માટે કામ કરતો હતો. રોબો સરકારી કર્મચારી હતો. જો કે, સરકારી કર્મચારી પણ રોબો જેવા જડ હોય છે. રોબો કયૂટ અને મશીનસમ (પુરુષને હેન્ડસમ કહેવાય તો મશીનને મશીનસમ જ કહેવાયને ?! ) હશે.અલબત, ઘણા સરકારી કર્મચારીઓ રોબોની જેમ જનતા સાથે નિષ્ઠુર વર્તન કરે છે.
હવે જાણી લો, રોબોના આપઘાતનું કારણ કારણ… જાણી હસવાની સખત છૂટ છે! એક તો રોબો અને પાછો સરકારી કર્મચારી. એણે કામના વધુ પડતાં ભારણને કારણે અસ્તિત્વ લોપ કર્યો! (અલબત, કામના બોજાના કારણે સરકારી બાબુઓએ આત્મહત્યા નથી કરતા ! )
આપઘાત કરતાં પહેલાં એ ગોળ ફરવા લાગેલો. પછી એ ચક્કર ખાઈને ફ્લોર પર ઢળી પડ્યો. તેના સ્પેર પાર્ટસ બિલ્ડિંગના પહેલા અને બીજા માળ વચ્ચેથી મળેલા. ગુમી શહેર પહેલી વાર રોબોના આપઘાતથી શોકસાગરમાં ગરકાવ થયેલ.
રોબોના આપઘાત પછી તેના અગ્નિસંસ્કાર કરેલા કે સુપુર્દે ખાક કરેલા એની ખબર નથી. શોકસભા કે શ્રદ્ધાંજલિ સભા યોજાયેલી કે કેમ તેની ખબર નથી.
હા, રમેશ પારેખે એક કાગડો મરી ગયો નામની જાણીતી કવિતા લખેલી. હવે કોઇ કવિ રોબોએ આપઘાત કર્યો તેની શોકપ્રસશ્તિ કવિતા લખવી રહી.
કોઈ ન લખે તો કોઈ રોબો-કવિ પાસે લખાવીએ!