યુન સુક યેઓલે
શાસકો એક વાર સત્તા પર આવે ત્યાર બાદ એમને સિંહાસન છોડવું નથી હોતું એ સનાતન સત્ય છે. આ શાસકો સ્વર્ગના ઈન્દ્રની ઓછા પુણ્યે રાજા તો બની જાય છે, પરંતુ કોઈ ઋષિમુનિ (વિરોધ પક્ષના નેતા) તપ કરે તો એમનું સિંહાસન ઈન્દ્રની જેમ ડોલવા માંડે પછી આ સત્તાધીશો શામ, દામ. દંડ કે ભેદ દ્વારા પોતાનું સામ્રાજ્ય ટકાવવાના પ્રયાસો કરે છે.
અલાહાબાદ કોર્ટમાં ચૂંટણી રદ કરતા ચુકાદા અને જયપ્રકાશ નારાયણના આંદોલનને લીધે ચોમેરથી ઘેરાયેલા શ્રીમતી ગાંધીએ એમના પુત્રની ચોકડીની સલાહ માનીને ૧૯૭૫થી ૧૯૭૭ સુધી ૨૧ મહિના સુધી કટોકટી લાદી હતી.
ત્યાર બાદ યોજાયેલી સામાન્ય ચૂંટણીમાં ઈંદિરા ગાંધી અને કોંગ્રેસ ચૂંટણી હારી ગઈ. મોરારજી દેસાઈ ૮૧ વર્ષની ઉંમરે વડા પ્રધાન બન્યા. જોકે જનતા પક્ષ તૂટી ગયો અને ઈંદિરા ગાંધીએ પાછું યશસ્વી પુનરાગમન કર્યું. આમ છતાં કટોકટી માટે માફી માગવા છતાં આ કાળી ટીલી હજી કાઁગ્રેસના માથા પર ચોંટેલી જ છે.
દક્ષિણ કોરિયાના પ્રમુખ યુન સુક યેઓલે આવી જ હિમાલય જેવડી મોટી ભૂલ કરી તેમાં એમના પર જ તવાઈ આવી છે. એમની સામે મહાભિયોગ (ઈમ્પિચમેન્ટ)ની દરખાસ્ત સંસદમાં મંજૂર થઈ છે અને પ્રમુખ તરીકેની એમની સત્તા છીનવાઈ ગઈ છે. લોકશાહીને ધર્મ માનતા કોરિયનોએ એમને બરાબરનો પાઠ શીખવાડ્યો છે.
એસેમ્બલીમાં વિરોધ પક્ષની બહુમતીથી પોતાનું ધાર્યું ન થતા યૂન સુકે દેશમાં લશ્કરી શાસન ત્રીજી ડિસેમ્બરે લાદ્યું તો ખરું, પણ વિરોધ પક્ષ અને જનતાના વિરોધને લીધે છ કલાકમાં એમની ‘લશ્કરી શાસનની’ આ હિલચાલનું સુરસુરીયું થઈ ગયું.
સંસદે લશ્કરી શાસનને રદ કર્યું એટલું જ નહીં, એમની સામે મહાભિયોગની દરખાસ્ત મંજૂર કરાવી. સંસદમાં એમની ૨૦૪-૮૫ મતથી હાર થઈ.
સાઉથ કોરિયામાં ૧૪ ડિસેમ્બરે પ્રમુખ યૂન સુક-સોલ વિરુદ્ધ મહાભિયોગ પ્રસ્તાવ પસાર કરવામાં આવ્યો.
સંસદે યૂન સામે મહાભિયોગ પ્રસ્તાવ પસાર કર્યા બાદ પ્રમુખની સત્તા તાત્કાલિક ધોરણે સ્થગિત કરી દેવામાં આવી છે. હવે વડાપ્રધાન હાન ડક-સૂ કાર્યકારી પ્રમુખ તરીકે ફરજ બજાવશે.
પ્રમુખ યૂને ત્રણ ડિસેમ્બરની રાત્રે દેશમાં લશ્કરી કાયદો લાગુ કર્યો. ભારે વિરોધ બાદ એણે ૬ કલાકમાં જ પોતાનો નિર્ણય પાછો ખેંચી લીધો હતો. યૂનના આ પગલાં બાદ એમને સાઉથ કોરિયામાં ભારે વિરોધનો સામનો કરવો પડી રહ્યો હતો.
ગયે અઠવાડિયે પણ એમને હટાવવા માટે મહાભિયોગ પ્રસ્તાવ લાવવામાં આવ્યો હતો, પરંતુ યુનના સંસદસભ્યોએ એમાં ભાગ ન લેતાં કોરમ થઈ નહોતી. મહાભિયોગની દરખાસ્ત માટે ૩૦૦માંથી ૨૦૦ સભ્ય હાજર જોઈએ એવો નિયમ છે.
આથી યુનને જીવનદાન મળ્યું હતું, પરંતુ એ ક્ષણજીવી નીવડ્યું. વિરોધ પક્ષે બીજી વાર આ પ્રસ્તાવ મૂક્યો અને આ વખતે યુનના સાંસદોએ પણ એમાં ફરજિયાત હાજર રહેવું પડ્યું હતું.
યૂન સામેના મહાભિયોગનો પ્રસ્તાવ મંજૂર થતાં વિરોધીઓએ સંસદની બહાર જોરદાર ઉજવણી કરી. કોરિયન પોપ ગીતની ધુને ડાન્સ કરી રહ્યા હતા.
મહાભિયોગ પ્રસ્તાવ પસાર થયા બાદ હવે યુનને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. અદાલતની બંધારણીય ખંડપીઠ નવ જજની બનેલી છે. આમાંથી ૬ જજ પ્રમુખ વિરુદ્ધ ચુકાદો આપે તો જ આગળની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે. મહાભિયોગની શરૂઆત થયાના ૬૦ દિવસની અંદર ચૂંટણી યોજવી જરૂરી છે.
સાઉથ કોરિયાની સંસદમાં કુલ ૩૦૦ બેઠક છે. આ વર્ષની શરૂઆતમાં યોજાયેલી ચૂંટણીમાં જનતાએ વિરોધ પક્ષ ડેમોક્રેટિક પાર્ટી ઓફ કોરિયા (ડીપીકે)ને મજબૂત જનાદેશ આપ્યો. સત્તાધારી પીપલ પાવરને માત્ર ૧૦૮ સીટ મળી છે, જ્યારે વિપક્ષી પાર્ટી ડીપીકેને ૧૭૦ સીટ મળી.
એમની પત્ની અનેક વિવાદોમાં સપડાયેલા હોવાને લીધે અને ખુદ પોતે અને એમના સાથીદારો ભ્રટાચારમાં સંડોવાયેલા હોવાથી રાષ્ટ્રપતિ યોલની છબી ખરાબ રીતે ખરડાઈ હતી. હાલમાં પ્રમુખની લોકપ્રિયતા લગભગ ૧૭% છે, જે દેશના બીજા તમામ હરીફો કરતાં ઓછી છે.
એમના અને વિરોધ પક્ષના હરીફ લી જે-મ્યુન્ગના અભિગમ અને વ્યક્તિત્ત્વમાં જમીન-આસમાનનો ફરક છે. લોકો યુનની માનસિક સમતુલા સામે જ સવાલો કરે છે. હકીકતમાં માશર્લ લોના ફિયાસ્કા બાદ એમણે સામે ચાલીને રાજીનામું આપવું જોઈતું હતુંં, પરંતુ સત્તાની લાલસાને લીધે એમ ન કર્યું લાગે છે કે અંતમાં જેલમાં ગયા બાદ જ એમની શાન ઠેકાણે આવશે.
બીજી બાજુ વિપક્ષના લી અનુભવી નેતા છે. યુન તો કોઈ પણ પદનો અનુભવ લીધા વિના સીધા પ્રમુખ બની બેઠા છે. એ ધનાઢય કુટુંબમાંથી આવે છે, જ્યારે લીએ પોતાની કરિયરની શરૂઆત કારખાનાના શ્રમિક તરીકે કરી હતી. યુન પબ્લિક પ્રોસીક્યુટર રહ્યા છે અને એમણે બે ભૂતપૂર્વ પ્રમુખોને સત્તાનો દુરુપયોગ માટે જેલમાં મોકલ્યા હતા.
યુન અમેરિકાના ચૂંટાયેલા પ્રમુખ ટ્રમ્પની જેમ મહિલા સમાનતાના વિરોધી છે. બીજી બાજુ લી લિબરલ નેતા છે. મજદૂરોના વકીલ તરીકે કામ કર્યું હતું. યુન એક રૂઢિચુસ્ત નેતા તો લી મુક્ત વિચારસરણી ધરાવતા નેતા છે.
જે દેશ પોતાના ઈતિહાસમાંથી બોધપાઠ લેતો નથી એનું વારંવાર પતન થાય છે. કોરિયાના લોકોએ લોકશાહી પ્રત્યે વફાદારી જાહેર કરીને સિદ્ધ કર્યું છે કે પ્રજા જૂની ભૂલોનું પુનરાવર્તન કરવા માગતા નથી. અગાઉ ઉત્તર અને દક્ષિણ કોરિયા એક જ દેશ હતો.
બીજા વિશ્ર્વયુદ્ધ વખતે જાપાનનો કોરિયા પર કબજો હતો. જાપાનની હાર થતાં ૧૫મી ઓગસ્ટ, ૧૯૪૫એ આ દેશ આઝાદ થયો. તેના બે ભાગલા પડ્યા. દક્ષિણ કોરિયા પર અમેરિકાએ અને ઉત્તર કોરિયા પર એ વખતના સોવિયેત સંઘે કબજો જમાવ્યો. અમેરિકાએ સિંગમાન રીને સત્તા સોંપી ત્યાર બાદ ઉત્તર કોરિયાએ ચીન અને રશિયાની મદદથી દક્ષિણ કોરિયા પર હુમલો કર્યો.
ઉત્તર કોરિયાએ ઘણા પ્રદેશો પર કબજો જમાવ્યો, પરંતુ દક્ષિણ કોરિયાએ અમેરિકાની મદદથી આ પ્રદેશો પાછા મેળવ્યા અને તે ચીન સુધી પહોંચી ગયું. અંતે અમેરિકાએ ચીન સાથે સમાધાન કરીને ઉત્તર કોરિયાને તેના પ્રદેશો પાછા આપ્યા. આ યુદ્ધમાં ૩૦ લાખ લોકોનાં મૃત્યુ થયા હતા.
હાલમાં ઉત્તર કોરિયામાં સરમુખત્યારશાહી છે. કિમ ઉન જોન્ગના પરિવાર ત્યાં બાવન વર્ષથી રાજ કરે છે. આ દેશના લોકો ભૂખમરાથી પીડાય છે. કોરિયામાં લશ્કરના જનરલ પાર્ક ચુન્ગે ૧૯૬૧માં સત્તા કબજે કરી. એમણે ૧૯૭૯ સુધી સરમુખત્યાર તરીકે રાજ કર્યું.
Also Read – સાયબર સાવધાની : ડરવાનું નહિ, સાચા મિત્રો કે કુટુંબીજનો સાથે બધું શેર કરો
પ્રજા પર અગણિત સીતમ અને જુલમ કર્યા. ૧૯૭૯માં તેમના જ સુરક્ષા ચોકિયાત એમની હત્યા કરી. ૧૯૭૭માં કોરિયામાં સાચી લોકશાહીની સ્થાપના થઈ.
આ તરફ, દક્ષિણ કોરિયાના લોકોએ જૂના અનુભવોમાંથી પાઠ લઈને જ લશ્કરી શાસનનો વિરોધ કર્યો. આ લોકો પોતાની પડોશના ઉત્તર કોરિયાના સરમુખત્યારના શાસનમાં લોકોના કેવા બેહાલ છે એ સારી રીતે જાણે છે. આ દેશ સારી રીતે જાણે છે કે મળેલી સમૃદ્ધિ જાળવવા લોકશાહીનું જતન કરવું અતિ આવશ્યક છે.