વધુ પડતા કામઢા સમાજમાં વધતી જતી શુલ્ત્ઝ અવરની આવશ્યકતા
વિદેશ સચિવ તરીકેની સફળતા પછી શુલ્ત્ઝનું એક કલાકનું એકાંત ‘શુલ્ત્ઝ અવર’તરીકે જાણીતું થયું હતું
ફોકસ -રાજ ગોસ્વામી
અમેરિકાના ૪૦મા રાષ્ટ્રપતિ રોનાલ્ડ રીગનના કાર્યકાળ (૧૯૮૧-૧૯૮૯)ને ‘રીગન યુગ’ તરીકે યાદ રાખવામાં આવે છે. હોલિવૂડમાં એક સાધારણ કક્ષાના અભિનેતામાંથી એક પ્રભાવશાળી રાજનેતા બનેલા રીગને, ઘર આંગણે તો અમેરિકાને સક્ષમ બનાવવા માટે ઘણું કર્યું હતું, પરંતુ વૈશ્ર્વિક સ્તરે તેમણે એક એવી સિદ્ધિ હાંસલ કરી હતી, જેને દુનિયાનો ઈતિહાસ યાદ રાખે છે અને તે હતી શીત યુદ્ધની સમાપ્તિ.
બીજા વિશ્ર્વયુદ્ધની સમાપ્તિ (૧૯૪૫) પછી અમેરિકા અને સોવિયેત સંઘ વચ્ચે એક પ્રલંબ સંઘર્ષ શરૂ થયો હતો, જેમાં આખી દુનિયા બે છાવણીમાં વહેંચાઇ ગઈ હતી એટલું જ નહીં, દુનિયામાં ન્યુક્લિયર યુદ્ધનો ખતરો પણ વધી ગયો હતો. ઈતિહાસનો એ સૌથી અસલામત સમય હતો, પરંતુ ૧૯૯૧માં, સોવિયેત સંઘના વિભાજનની સાથે શીત યુદ્ધનો અંત આવ્યો હતો અને અમેરિકા એક માત્ર મહાશક્તિ તરીકે વિશ્ર્વ પટલ પર ઊભર્યું હતું. અમેરિકાએ આ સીમાચિહ્ન રીગનના નેતૃત્વમાં પાર કર્યું હતું.
ઈતિહાસમાં રીગનની આ સફળતા ઉચિત રીતે જ દર્જ થયેલી છે, પણ તેના હક્કદાર એ એકલા નહોતા. તેમની સાથે જ્યોર્જ શુલ્ત્ઝ નામના એક વિદેશ સચિવ હતા. તેમણે સમગ્ર કાર્યકાળ દરમિયાન રીગનનું વિદેશી નીતિ અને આંતરરાષ્ટ્રીય બાબતોમાં માર્ગદર્શન કર્યું હતું. શુલ્ત્ઝ ૧૦૦ વર્ષ જીવ્યા હતા. ૨૦૨૧માં તેમનું અવસાન થયું, ત્યારે વર્તમાન રાષ્ટ્રપતિ જો બાઈડને કહ્યું હતું, એ જેન્ટલમેન હતા, જનસેવાના માણસ હતા, તેમના વિચારો ઉદ્દાત હતા અને ઘણા બધા રાષ્ટ્રપતિઓ તેમની સલાહ લેતા હતા. મને એ સદભાગ્ય ના મળ્યું.
તે વખતે ધ વોલ સ્ટ્રીટ જર્નલ નામના જાણીતા સમાચારપત્રએ શુલ્ત્ઝને શ્રદ્ધાંજલિ આપતી વખતે લખ્યું હતું; “શુલ્ત્ઝના અનુગામીઓએ તેમની મુત્સદ્દીગીરીના ત્રણ પાસાઓને યાદ રાખવા પડશે. એક, તે જાણતા હતા કે રાજનીતિમાં લક્ષ્ય નક્કી કરવું, તેની વ્યૂહરચના ઘડવી અને તેના પર કામ કરવું જરૂરી છે. વિદેશ સચિવ બન્યા પછી તેમણે જાતને પૂછ્યું હતું- આપણે ક્યાં જવું છે, અને ત્યાં પહોંચવા માટે આપણી વ્યૂહરચના કેવી હોવી જોઈએ?
બીજું, તેમને ખબર હતી કે વ્યૂહરચનામાં ચિંતનની જરૂર છે. તેનો અર્થ એ છે કે વિચાર અને વ્યવહાર (રીફ્લેક્શન અને એક્શન) વચ્ચેના વિરોધી તનાવનો સામનો કરવો. વિદેશ સચિવ તરીકે તેમને એટલા બધા નિર્ણયો કરવાના હોય કે મોટી બાબતો વિશે વિચારવાનો સમય જ ન મળે. એટલા માટે શુલ્ત્ઝે ‘સેટરડે સેમિનાર’ની રચના કરી હતી, જેમાં દરેક શનિવારે તેઓ નિષ્ણાતોના વિવિધ જૂથને તેમની સાથે કેટલાક કલાકો સુધી મહત્ત્વપૂર્ણ મુદ્દાઓના મુખ્ય પાસાઓ શોધવા માટે આમંત્રિત કરતા હતા.
જ્યોર્જ શુલ્ત્ઝની આટલી લાંબી ઓળખાણ આપવાનું કારણ શ્રદ્ધાંજલિનો બીજો હિસ્સો છે. રીગનના વિદેશ સચિવ તરીકે તેમની સફળતાનું રહસ્ય તેમની ‘ચિંતન પરંપરા’માં છે અને એ જ આપણા ખુદના જીવન અને વ્યવસાયમાં કામની બાબત છે.
શુલ્ત્ઝ નિષ્ણાત લોકોને મળે અને એમાં જે વિચારોનું આદાનપ્રદાન થાય, તે પછી એક કલાક માટે તેમની ઓફિસમાં એકલા પુરાઈ જતા. તેમણે તેમના સ્ટાફને સુચના આપી રાખી હતી કે ‘મારાં પત્ની અથવા રાષ્ટ્રપતિ’ને કામ હોય તો જ મારી પાસે આવવાનું, એ સિવાય ન તો કોઈએ અંદર આવવાનું કે ન તો મને કોઈ ફોન આપવાનો. એક કલાક સુધી શુલ્ત્ઝ ટેબલ પર કાગળ અને પેન લઈને વિદેશ નીતિના પેચીદા મામલાઓ પર ચિંતન કરતા.
શુલ્ત્ઝ ૯૬ વર્ષના હતા, ત્યારે એક પત્રકારને કહ્યું હતું કે, વિદેશ સચિવ તરીકે વ્યૂહાત્મક બાબતો પર વિચાર કરવા માટે પ્રતિ સપ્તાહ એક કલાક માટે એકાંતવાસ કરવા સિવાય તેમની પાસે બીજો કોઈ વિકલ્પ નહોતો. બાકી, એ ઓફિસમાં એક ક્ષણ માટે પણ નવરા પડતા નહોતા, સતત કોઈને કોઈ કામ આવતું જ જતું હતું.
વિદેશ સચિવ તરીકે તેમની સફળતા પછી શુલ્ત્ઝનું આ એક કલાકનું એકાંત ‘શુલ્ત્ઝ અવર’ (શુલ્ત્ઝનો કલાક) તરીકે જાણીતું થયું હતું. કોઈને એવો પ્રશ્ન થાય કે એક કલાક સુધી વિના વિક્ષેપ કામ કરવું એમાં શું ‘જાણીતા’ થવા જેવું હશે? તો તેનો જવાબ અમેરિકા સમાજની આધુનિક સંસ્કૃતિના સંદર્ભમાં શોધવો જોઈએ.
અમેરિકામાં ત્યારે (અને આજે પણ) લોકો ખુબ કામ કરતાં હતા. અમેરિકા ‘કામ કરતો દેશ’ કહેવાય છે. ૨૦૧૬ના એક સર્વેક્ષણમાં, લગભગ અડધા અમેરિકનો (૫૨%)એ જણાવ્યું હતું કે તેઓ સામાન્ય રીતે એક જ સમયે બે અથવા વધુ કામો કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ માત્ર ૧૧% અમેરિકનોએ કહ્યું કે તેમના જીવનની ઝડપી ગતિ તેમના સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહી છે. ૨૦૧૮ના સર્વેક્ષણમાં, ૬૦ ટકા વયના લોકોએ જણાવ્યું હતું કે તેઓ એટલા વ્યસ્ત છે કે જીવનનો આનંદ માણી શકતા નથી.
‘શુલ્ત્ઝ અવર’નો વિચાર એવા લોકોને આકર્ષક લાગ્યો હતો જે ખુબ દોડધામ કરતા હતા અને જીવનની અગત્યની બાબતો પર શાંતિથી વિચાર કરવા માટે સક્ષમ નહોતા. એમોસ ત્વેરસ્કી નામના એક મનોવિજ્ઞાનિકે ગંભીર કામો કરવામાં નવરાશ કેટલી જરૂરી છે તેને સમજાવવા માટે કહ્યું હતું,”ઉત્તમ રીતે સંશોધન કરવાનું રહસ્ય કંઈક અંશે નવરાપણામાં છે. તમે જો કલાકોને વેડફી ના શકતા હો, તો તમે વર્ષોને વેડફો છો.
એમોસ એમ કહેવા માંગતા હતા કે સતત કામ કરતા રહેવાના બદલે વચ્ચે થોડો સમય કશું કર્યા વગર જ જવા દઈએ, તો મનની કાર્યક્ષમતા વધે છે અને સમગ્ર રીતે કામની ગુણવત્તામાં ઉમેરો કરો છે. અમેરિકામાં કામનો સમય અઠવાડિયામાં ગણાય છે, મહિનામાં નહીં. એક અઠવાડિયામાં ૧૬૮ કલાક હોય છે. તેનો અર્થ એ થયો કે તેમાંથી ઓછામાં ઓછો એક કલાક એકાંતને સમર્પિત કરવાથી મોટો ફરક પડી શકે છે.
મનુષ્ય સ્વાભાવિક રીતે સામાજિક પ્રાણી હોવા છતાં, આપણને ક્યારેક એકલા રહેવાની જરૂર પડે છે. ખાસ કરીને તમે કામ પર આખા અઠવાડિયા દરમિયાન સતત લોકોથી ઘેરાયેલા રહેતા હો. એક ‘શુલ્ત્ઝ અવર’ તમને વ્યસ્ત સપ્તાહ દરમિયાન પોતાને માટે એક નિશ્ર્ચિત ક્ષણ આપી શકે છે.
એક જમાનામાં જ્યારે સમાજ સીમિત હતો અને એકબીજા સાથે સંપર્કનાં સાધનો મર્યાદિત હતાં, ત્યારે આપણે એકાંતની ઘૃણા કરતા હતા અને લોકો એકબીજાને વધુને વધુ હળેમળે તે માટે પ્રોત્સાહિત કરતા હતા. આજે ટેકનોલોજી અને અન્ય સુવિધાઓના કારણે સામાજિકરણ એટલું વધી ગયું છે કે હવે આપણે એકાંતને શોધી રહ્યા છીએ. આપણે સતત લોકોથી, ફોન કોલ્સથી, સોશિયલ મીડિયાથી, મેસેજિંગથી, ઈન્ટરનેટથી, ટેલિવિઝનથી ઘેરાયેલા રહીએ છીએ. એમાં આપણા એકાંતનો ખુડદો બોલાઈ ગયો છે. આપણે જાતને એકલી પડવા દેતા નથી.
આધુનિક જીવનની આપણી મોટાભાગની વ્યાધિઓ, જેવી કે- સ્ટ્રેસ, અનિદ્રા, ઈર્ષ્યા, દેખાદેખી, ચીડચીડિયાપણું, એન્ગઝાઈટી, આત્મસન્માનનો અભાવ, ઓવર સોશિઅલાઇઝેશનમાંથી પેદા થાય છે. આપણને એમ લાગે છે કે હું વધારે ઉપલબ્ધ હોઈશ તો જ મારું મહત્ત્વ વધશે, પરંતુ અલગ અલગ અભ્યાસ એવું કહે છે જે વ્યક્તિ એકાંતને માણી શકતી નથી તે તેના સોશિઅલાઇઝેશનમાં નબળી પુરવાર થાય છે અને અંતત: તેનું મહત્ત્વ ઘટે છે. અને એટલે જ તે વ્યાધિઓનો ભોગ બને છે.
નેધરલેન્ડમાં ‘નિક્સેન’ નામની એક ધારણા છે. તેનો શબ્દશ: અર્થ થાય છે, નવરા બેસી રહેવું. નેધરલેન્ડ સૌથી સુખી દેશોમાં ગણાય છે તેનું એક કારણ તેમની આ કોઈ હેતુ વગર નવરા બેસીને આજુબાજુનો માહોલ જોતા રહેવાની ટેવ છે. તેનાથી નેધરલેન્ડવાસીઓ તેમનો સ્ટ્રેસ અને તનાવ ઓછો કરે છે.
જે એકાંતમાં ખુશ છે, તે જ સંગતમાં ખુશી વહેંચવા સક્ષમ હોય છે. જે સંગતમાં ખુશી શોધે છે, તે એકાંતમાં પીડાય છે.