ઈન્ટરવલ

અજબ પ્રેમની ગજબ દુનિયા

હેન્રી શાસ્ત્રી

ના, ના, આટલે વરસે હવે મારે જીવતર પર થીગડું નથી દેવું!
રામનારાયણ વિ. પાઠક – ‘દ્વિરેફ’ની અવિસ્મરણીય વાર્તા ‘ખેમી’માં પ્રેમના સમર્પણની એક અદભુત ઊંચાઈ જોવા મળે છે. લેખકની વાર્તાનો અંતિમ હિસ્સો ટૂંકાવી તેમજ મોટાભાગની ભાષા જેમની તેમ રાખી વાચકોને સમર્પિત છે. વિરહમાં વ્યથા જ હોય એવું કોણે કીધું? એવા સવાલનો પ્રેમસ્વરૂપ જવાબ છે ખેમીની કથા.

કથાના અંતનો સાર:
વૈધવ્યનો શોક ખેમીના આખા જીવનમાં વ્યાપી ગયો હતો. તેને બીજું તો કાંઈ નહીં, પણ ધણી ધનિયો માનતાસોતો ગયો એનો શોક ઘણો થતો હતો. એથી તેના જીવને શું શું ખમવું પડશે તેની શંકાઓ થયા કરતી અને ઉપાય સૂઝતો નહોતો.

એક દિવસ ખેમીને ધનિયાની માનતાના વિચાર આવતા હતા ત્યાં એક બ્રાહ્મણને જોયો. ખેમીએ કહ્યું: મહારાજ, મારે સવાલ પૂછવો છે. કોઈનો ધણી માનતાસોતો મરી ગયો હોય, તેની વહુ માનતા કરે તો તેને પહોંચે કે ન પહોંચે? બરાબર જોજો , ‘મહારાજ.’ આંગળીના વેઢા ગણી મહારાજે કહ્યું: ‘હા.’
‘સારું મહારાજ.’ કહી ખેમી જતી હતી ત્યાં મહારાજે ફરી બોલાવી કહ્યું:
‘પણ નાતરે જાય તો ન પહોંચે.’

ખેમીએ હવે માનતા પૂરી કરવા પૈસા બચાવવા માંડ્યા. ખેમીનું સૌંદર્ય ઓછું થયું નહોતું. ઘણાએ તેને નાતરું કરવા કહેવરાવ્યું. તેણે સૌને એક જ જવાબ આપ્યો કે ધનિયાની માનતા પૂરી કર્યા વિના તેનાથી નાતરું ન કરાય. કોઈએ વળી માનતાના પૈસા રોકડા આપવા કહ્યું, પણ ખેમીએ પોતાની કમાણીથી જ માનતા પૂરી કરવાનો નિશ્ર્ચય જણાવ્યો. સાત વરસે ખેમીએ ધનિયાની માનતાઓ પૂરી કરી. ફરી એક વાર ઘરઘવા કહેણ આવ્યું તો તેણે જવાબ આપ્યો: ‘ના ના, આટલે વરસે મારે જીવતર પર થીગડું નથી દેવું!’

प्रेम म्हणजे प्रेम असतं,
तुमचं आणि आमचं अगदी ‘सेम’असतं!

નવ અક્ષરનો મંત્ર જેવી ઉપમા સાહિત્ય રસિકો પાસેથી મળી છે એવા મુખ્યત્વે મરાઠી ભાષામાં લખાણ કરનારા કવિશ્રી અને સાહિત્યકાર મંગેશ પાડગાંવકરએ પ્રેમ વિશે એક અદભુત કાવ્ય લખ્યું છે. ‘પ્રેમ એટલે પ્રેમ, તમને થાય એવો જ અમને થાય’ જેવા ભાવાર્થના આ કાવ્યની કેટલીક પંક્તિઓમાં વ્યાખ્યાવાળા પ્રેમને અનુભવ્યો જ નથી એવા લોકોના પ્રેમ વિશે કવિશ્રીએ અદભુત વાત કરી છે. કવિ લખે છે: (શબ્દાનુવાદ ટાળ્યો છે) ‘પ્રેમબ્રેમ જેવું કશું હોતું નથી – એ બધું તૂત છે એવું માનતા લોકો મળે છે અને એમાંથી જ એક જણ સવાલ કરે છે કે ‘અમે ક્યારેય પત્નીને ફરવા નથી લઈ ગયા. પાંચ બાળકો થઈ ગયા તોય પ્રેમ બ્રેમ ક્યારેય કર્યો જ નહીં. અમને કાંઈ આડું આવ્યું? પ્રેમ સિવાય અમને કાંઈ ઓછું આવ્યું?’ સવાલ કરનારને લાગ્યું કે મને વાત ગળે ઊતરી ગઈ. મેં એને માત્ર એટલું જ કહ્યું કે ‘પ્રેમ એટલે પ્રેમ, તારો અને મારો સેમ (સરખો) હોય.’ સૂક્ષ્મ ભાવ અને સ્થૂળ ભાવનો ભેદ કવિ અહીં સ્પષ્ટ કરે છે. આખું આયખું ઓછું પડે જેને માણવા એ પ્રેમ વિશે કવિશ્રી મૂઠીભર અક્ષરોમાં કેવો સાક્ષાત્કાર કરાવી દે છે?

શૃંગાર રસ – ફાગુ કાવ્યો
ગુજરાતી સાહિત્યમાં એક સ્વરૂપ ફાગુનું છે. ફાગુમાં વસંત વર્ણન આવે છે. વસંતની સાથે શૃંગાર જોડાયેલો છે. વસંતનું આગમન થતાં પ્રેમીજનો માટે વિરહ મુશ્કેલ થઈ જાય છે. ફાગુ કાવ્યમાં આ વિરહ અને અંતે મિલન વર્ણવાય છે. વસંત વર્ણનનો વિશિષ્ટ કાવ્યપ્રકાર ફાગુ તરીકે ઓળખાય છે. વસંત વર્ણન નિમિત્તે શૃંગાર રસની નિષ્પત્તિ માટે ફાગુકાવ્યો લખાયાં છે. ‘વસંતવિલાસ’મધ્યકાલીન ગુજરાતી સાહિત્યનું એક ઉત્તમ ફાગુકાવ્ય છે. જો કે, એના કર્તાનું નામ સ્પષ્ટ રીતે મળતું નથી. ‘વસંતવિલાસ’ ફાગુની વિશેષતા એ છે કે એમાં કાવ્યનાં નાયક-નાયિકા તરીકે કોઈ એક યુગલ નથી, પરંતુ અનેક યુગલ છે. સરસ્વતી સ્તવનથી કાવ્યનું મંગલાચરણ થાય છે અને પછી વસંત વર્ણન આરંભાય છે. નાયિકાઓ, સુંદરીઓનાં દેહ સૌન્દર્યને તેમજ તેમના શૃંગારમંડનને કવિ અલંકારિક રીતે વર્ણવે છે. વનના સૌંદર્યને નિરખતી વિરહિણીની તીવ્ર મનોવેદના, એના પ્રલાપ, એને થતા શુભ શુકન, પછી પ્રિયતમનું આગમન, એના પ્રેમવિલાસો અને નાયિકાની ભ્રમરને સંબોધીને ઉચ્ચારાયેલી અન્યોક્તિઓ આ સર્વ કાવ્યના શૃંગારરસને ઉઠાવ આપે છે. કાવ્યમાં પ્રેમક્રીડા માટે સજ્જ બનતી સુંદરીના શણગારોનું તેમજ એના અંગલાવણ્યનું અને એની વિવિધ લીલાઓનું વર્ણન વાચકને મુગ્ધ કરે છે.

(ઉપરોક્ત માહિતી વિવિધ સ્રોતમાંથી સંકલિત કરી લેવામાં આવી છે.)

પ્રેમની મોસમ ન હોય, પ્રેમપત્રની હોય!

સેક્સની ભાવના વિનાનો પ્રેમ ન જ હોય એવુંય નથી. આવા પ્રેમની પાંગરવાની કોઈ ઉંમર નથી હોતી. જો કે, હૃદયનો પ્રેમ અને જાતીય ઈચ્છાઓનો સમાગમ થાય એ પ્રેમ મોટેભાગે યુવાનીમાં પાંગરતો હોય છે. ટૂંકમાં પ્રેમની કોઈ મોસમ ન હોય, પ્રેમપત્રોની હોય. અંતરમાં (હૃદયમાં) એકમેક માટે તલસાટ હોય પણ અંતરથી (૨૦૦ – ૫૦૦ કિલોમીટર દૂર) જન્મેલો વિરહ હોય એ સામાન્ય રીતે પ્રેમપત્રોની મોસમ માનવામાં આવે છે. વિદેશમાં થયેલા એક અભ્યાસ અનુસાર ૧૯મી અને ૨૦મી સદીમાં અઢળક પ્રેમ પત્રો લખાયા છે. યુએસમાં કેટલાંક વર્ષો પહેલા કરવામાં આવેલા સંશોધન અનુસાર બે વિશ્ર્વયુદ્ધ (૧૯૧૪ થી ૧૯૧૮ અને ૧૯૩૯ થી ૧૯૪૫) દરમિયાન વિશ્ર્વમાં સૌથી વધુ પ્રેમપત્રો લખાયા ને મોકલવામાં આવ્યા. એ સમયે એકબીજાના સંપર્કમાં રહેવા માટે વધુ સાધન સગવડ નહોતી. ટેલિફોન પણ એક જણસ હતી. ભય, અનિશ્ર્ચિતતા અને શંકાનાં વાદળો વચ્ચે ઘેરાયેલા માણસ પાસે પ્રેમની અભિવ્યક્તિ માટે કાગળ પત્ર ઉત્તમ સાધન હતું. આવા લવલેટર લખવા ખાસ લેટરપેડ લેવામાં આવતા અને એને માટે એક અલાયદી ફાઉન્ટન પેન રાખવામાં આવતી,જેનાથી લખવાની વાત તો દૂર રહી એને સ્પર્શવાની પણ છૂટ નહોતી.

ખત લિખ દે સાંવરિયા કે નામ બાબુ

હિન્દી ફિલ્મમાં પ્રેમ કથા – લવ સ્ટોરી સૌથી સફળ રસાયણ સાબિત થયું છે. ૧૯૬૦ – ૭૦ – ૮૦ના દાયકામાં જ્યારે પોસ્ટમેન બાબુ – ડાકિયા બાબુ ક્ધયા માટે મોસાળની મિરાત અને કુમાર માટે પ્રેમિકાના પાલવ જેવું મહત્ત્વ ધરાવતા એવા સમયમાં ચિત્રપટમાં ડાકિયા બાબુ અને ડાક (ટપાલી અને પ્રેમ પત્ર)ની હાજરીથી ફિલ્મની વાર્તાને રોમેન્ટિક સ્પર્શ મળતો. ગીતકારોએ ‘યે મેરા પ્રેમપત્ર પઢકર કે તુમ નારાઝના હોના’ (ફિલ્મ ‘સંગમ’: હસરત જયપુરી) લખ્યું છે તો નાયિકા શિક્ષણના અભાવે કે શરમાળ સ્વભાવને લીધે ટપાલી ભાઈને પ્રેમીને સંબોધીને પત્ર લખવા કહે છે કે ‘ખત લિખ દે સાંવરિયા કે નામ બાબુ, કોરે કાગજ પે લિખ દે સલામ બાબુ, વો જાન જાયેંગે, પેહચાન જાયેંગે, કૈસે હોતી હૈ સુબહ સે શામ બાબુ’ (ફિલ્મ ‘આયે દિન બહાર કે’ – આનંદ બક્ષી). આ ઉપરાંત શરમાળ નાયિકા પ્રેમી પાસે જ પ્રેમ પત્ર લખાવે એવો અનન્ય કિસ્સો પણ છે: ‘ગુમ હૈ કિસી કે પ્યાર મેં દિલ સુબહ – ઓ – શામ, પર તુમ્હેં લિખ નહીં પાઉં મૈં ઉસકા નામ’ ( ફિલ્મ ‘રામપુર કા લક્ષ્મણ’- મજરૂહ સુલતાનપુરી). ‘સંગમ’નો પ્રેમ પત્ર તો ગેરસમજનું પ્રતીક છે જે આખી વાર્તાને અનોખો વળાંક આપી દે છે.

પ્રેમ તો સીડી છે…
પ્રેમ તો એક સીડી છે. ઉપર પણ ચડી શકાય અને નીચે પણ ઊતરી શકાય. દોષ સીડીનો નથી, જવાબદારી સીડીની નથી. સીડી તો તટસ્થ છે. ઉપર કે નીચે તો માણસ જાય છે. પ્રેમ પૈસાને પણ કરી શકાય, પ્રેમ કામુકતા પણ બની શકે અને દિશા બદલાય તો પ્રેમ જગતની, પદાર્થની પાર પણ લઈ જાય. પ્રેમને પ્રજ્ઞાપૂર્વક સમજો. પ્રેમની સંભાવનાઓને જાણો. પ્રેમને જ પ્રેમ કરો અને એ પ્રેમ ધીરે ધીરે પ્રાર્થનામાં પરિણમશે. ટકોરા મારીએ તો દ્વાર ખૂલે છે. આપણે એ જ પ્રાપ્ત કરીએ છીએ જેને આપણે શોધીએ છીએ. – ઓશો

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button