ગજવા ભણી આવતો અદ્રશ્ય હાથ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
સાયબર ક્રાઇમ. આપણે માનીએ કે ધારીએ એના કરતા અનેકગણો ભયાનક રાક્ષસ છે. સરકાર કે સલામતી એજન્સીઓ ગમે તેટલાં પગલાં ભરે પણ આ સાયબર ઠગ એમનાથી આગળને આગળ જ રહે છે. કારણ એટલું જ કે આમાં એકલદોકલ ગુનેગાર હોય છે. પણ પ્રમાણમાં ટકાવારીમાં ઓછા. આ લોકોની સિન્ડિકેટ હોય છે જેમાં સેંકડો-હજારો માણસો કૉમ્પ્યુટર કે મોબાઇલ ફોન થકી છેતરપિંડીના જ ગોરખધંધામાં ગળાડૂબ હોય છે.
આ ધંધામાં મૂડીરોકાણ અને જોખમના પ્રમાણમાં એટલી મોટી આવક છે કે સાયબર માફિયા અસ્તિત્વમાં આવી ગયા. આમાં નથી કોઇનું ખૂન કરવાનું, અપહરણ કરવાનું, લોહી કાઢવાનું, જોખમ લેવાનું કે પોતાનો ચહેરો સુધ્ધાં બતાડવાનો નથી. આટલા બધા લાભ અને દુનિયાની આખી વસતિને નિશાન બનાવી શકતા હોય ત્યારે ગુનાહિત વૃત્તિવાળા થોડા એનાથી દૂર રહી શકે.
સેંકડો અભણોએ કયારેક વિજ્ઞાની ધરતી પર પગ મૂકયો નથી, એવું સપનું ય જોયું નથી કે પાસપોર્ટ સુધ્ધાં કઢાવ્યો નથી. છતાં એમની આવક, એમના રૂપિયા વિદેશી ધરતી પર પહોંચી જાય છે. હા, ઘણાં અને મોટી રકમની ઠગીના પૈસાની કડી છેક બાઓલ, મ્યાંમાર અને કમ્બોડિયા સુધી નીકળી છે. આમાં ચીનની સંડોવણી ન હોય તો નવાઇ.
એક કોર્પોરેટ ગૃહની જેમ સાયબર ચીટિંગનો વેપલો થાય છે. એટલે જ તો હાલ ભારતમાં રોજ અંદાજે સાયબર ફ્રોડની આમ હજાર ફરિયાદ નોંધાવાય છે. આ સત્તાવાર આંકડો છે અને ન નોંધાયેલી ફરિયાદો તો પાછી અલગ. સાયબર ક્રાઇમનો ઉપાડો દિવસે-દિવસે વધતો જાય છે. બનાવટી ટ્રેડિંગ એપ, લોન એપ, ડેટિંગ એપ અને ગેમિંગ એપ ઠગાઇના હાથવગા શસ્ત્રો છે.
સત્તાવાર આંકડા મુજબ સૌથી લોકપ્રિય કે સામાન્ય ગણાતો ગુનો એટલે રેન્સમવેરથી પૈસા પડાવવા કે ખંડણી વસૂલવી. આના આંકડા અને રકમ આશ્ર્ચર્યજનક રીતે વધતા જાય છે. રેન્સમવેર ખંડણીની વિગતો જુઓ: ૨૦૨૦માં ૨,૫૫,૭૭૭ કેસ, ૨૦૨૧માં ૪,૫૨,૪૧૪ કેસ, ૨૦૨૨માં ૯,૫૬,૭૯૦ કેસ તો ૨૦૨૩માં ૧૫,૫૬,૨૧૫ કેસ અને ૨૦૨૪ના પહેલા ચાર મહિનામાં ૭,૪૦,૯૫૭ કેસ નોંધાઇ ચૂકયા છે.
અને ફરિયાદોમાં કેટલી રકમ હડપ થઇ ગઇ છે. માત્ર ૨૦૨૪ના ચાર મહિનાના આંકડા જ મોઢામાં આંગળાં નખાવી દેશે. ઓનલાઇન ટ્રેડિંગ ફ્રોડના ૨૦,૦૪૩ કેસમાં રૂ. ૧૪,૨૦૪ કરોડ, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડની ૬૬,૬૮૭ ફરિયાદમાં રૂ. ૨૨૨૬ કરોડ અને ડેટિંગ એપ ફ્રોડની ૧૦૨૫ ફરિયાદોમાં રૂ.૧૩૨ કરોડ ગુમાવાયાની સત્તાવાર નોંધ છે. આ કેસ અને રકમના સતત આસમાને પહોંચતા આંકડા કયાં જઇને અટકશે એ કોઇ કહી શકે એમ નથી.
આ બધી ફરિયાદોમાં આપણો સમાવેશ ન હોય કે રકમ ગુમાવવાનો વારો ન આવ્યો હોય તો એમ ન સમજી લેવું કે આપણે બહુ સ્માર્ટ છીએ. આપણો નંબર ગમે ત્યારે લાગી શકે છે. ઇન્ટરનેટ કનેક્ટલી મોબાઇલ ફોન, કૉમ્પ્યુટર કે લેપટોપમાંથી ગમે ત્યારે એક અદ્રશ્ય હાથ તમારા ગજવા ભણી આગળ વધી શકે છે.
સરકાર ભલે ઇન્ટરનેટની ૨G, ૩G, ૪G, કે પછી ૫G સ્પીડ લાવી પણ આ સાયબર ફ્રોડને રોકવાની ગતિ કે સજજતા એનામાં નથી. આ વાત માત્ર આપણા દેશની સરકારની નથી, એક એક દેશની સરકારની છે. એટલે કોઇએ નાટકના નાકના ટેરવા ચડાવવા નહીં હો.
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
શંકા કરો અને સલામત રહો. લાલચને બેવફા માશૂકાની જેમ કાયમ માટે અલવિદા કરી દો.