ઈન્ટરવલ

સહિષ્ણુતામાં સમાયું સૌનું સુખ

‘દુ:ખ તો નકશીદાર જીવનશિલ્પ કંડારનારું ટાંકણું છે.’

મગજ મંથનન -વિઠ્ઠલ વઘાસિયા

આપણી આસપાસના કેટલાય મૂક પદાર્થોનું જીવન સંગીત જો આપણે ધ્યાનથી સાંભળીશું તો એમાંથી સહિષ્ણુતાનો મહિમા અસરકારક રીતે પ્રગટતો અનુભવવા મળશે.

જે આરસપહાણ સહિષ્ણુ બનીને શિલ્પીના તીક્ષ્ણ ટાંકણાના ઘા સહન કરે છે એ પથ્થર એક દિવસ ભગવાનની પ્રતિમા બની જગત માટે પૂજનીય – વંદનીય બની જાય છે.જે માટી કુંભારના પગ તળે ખુંદાય છે અને નિભાડાનો આકરો તાપ સહન કરે છે એ જ માટી એક દિવસ ઘડો બનીને લોકોની તૃષા છીપાવવામાં ઉપયોગી બને છે. જે પુષ્પની પાંખડીઓ પીસાય છે, નીચોવાઈ જાય છે એ જ પુષ્પ અત્તરનું સ્થાન પામી વ્યક્તિને મહેકાવી શકે છે. જે લાકડું કઠિયારાની કુહાડીના ઘા અને સુથારના રંધાની પીડા સહન કરે છે એ જ લાકડું ફર્નિચર બનીને અનેક વ્યક્તિઓનાં ઘરને શોભાવી શકે છે.
હવે ધારો કે આ પથ્થર,માટી,પુષ્પ અને વૃક્ષ જરાય સહન જ કરતા ન હોત તો એમનું લોક વ્યવહારમાં કોઈ મહત્ત્વનું સ્થાન હોત ખરું? આ મૂક પદાર્થો એમની જીવન શૈલી દ્વારા બહુ સ્પષ્ટ સંદેશ આપે છે કે મૂલ્ય – મહત્ત્વ પામવું હોય તો સહન કર્યા સિવાય કોઈ વિકલ્પ નથી.

દુન્યવી જગતમાં જીવનમાં આવી પડતા કુદરતી કે માનવસર્જિત દુ:ખમાં સરેરાશ માનવી અસહિષ્ણુ બનીને ભાંગી પડતો હોય છે. નાસીપાસ થઈને નિરાશ બની જતો હોય છે.આ નિરાશાના જ એક ભાગરૂપે એ પ્રભુને ફરિયાદ પણ કરી બેસે છે કે, ‘પ્રભુ મને જ આટલાં બેહદ દુ:ખો કેમ ? મારી સાથે જ આવું કેમ ?’ તો વળી ઘણીવાર મિત્રો અથવા સમવયસ્કો સાથે હૈયાવરાળ ઠાલવતો હોય છે કે, ‘બસ હવે તો આ દુ:ખો બેહદ થઈ રહ્યાં છે. તકલીફોની કોઈ સીમા નથી.’ જો આપણે દુ:ખો પ્રત્યે અસહિષ્ણુતાનો આ અભિગમ બદલી નાખીએ તો ફરિયાદો કે હૈયાવરાળનો અવકાશ જ ન રહે. દરેક પ્રકારનાં દુ:ખ સામે અપનાવવા જેવો અભિગમ એ છે કે દુ:ખ તો નકશીદાર જીવનશિલ્પ કંડારનાર ટાંકણું છે.જીવનમાં ઉદ્ભવતા પડકારો સામે સુસજ્જ બનાવનાર શિક્ષક છે.

ચૌદ વર્ષનો વનવાસ પૂર્ણ કરીને લંકાવિજય સાથે જ્યારે રામચંદ્રજી ભગવાન અયોધ્યામાં પધાર્યા ત્યારે રાજ પરિવારથી લઈને સમગ્ર અયોધ્યાવાસી પ્રજાજનોનો ઉમંગ હૈયે સમાતો ન હતો, પરંતુ એમાં એક અપવાદ હતો રાજમાતા કૈકેયીનો. એ મનોમન અપરાધ ભાવથી પીડાતાં હતાં કે આ સમગ્ર ઘટનાનું મૂળ હું છું. મેં ભરત માટે રાજગાદી માગી, જેથી રામને વનવાસનાં દુ:ખો સહન કરવા પડ્યાં. સીતાના અપહરણની આપત્તિ વેઠવી પડી. આથી એ ક્યાંય જાહેરમાં ન આવ્યાં.

ભગવાન રામચંદ્રજીને અણસાર આવી ગયો હતો.આથી અભિવાદન સમારોહ બાદ એ સામેથી શોધ કરી માતા કૈકેયીનાં ચરણે નમ્યા.કૈકેયીએ રડતાં રડતાં પોતાની અપરાધ લાગણી વ્યક્ત કરી ત્યારે રામચંદ્રજી ભગવાને ઉત્તર આપ્યો, ‘માતાજી, તમારા કારણે મને દુ:ખ નથી મળ્યું.બલકે જીવનના અનેક મહાન લાભ થયા છે.’ ભગવાને ઉમેર્યું કે, ‘મા, રાવણ – કુંભકર્ણ જેવા મહા બલેશ્ર્વર શત્રુઓને પરાસ્ત કરી અશક્ય જેવો વિજય મેળવ્યો. સેવાની મૂર્તિ પરમ ભક્ત હનુમાનજી અને વાનર સેનાનો પરિચય થયો. એમની તાકાત અને મદદથી હું લંકા પર વિજય મેળવી શક્યો. એથી દુનિયામાં મારી ખ્યાતિ ફેલાઈ. આ તમારા કારણે થયું. બાકી જો હું અયોધ્યામાં જ બેસી રહ્યો હોત તો આ શક્ય ક્યાંથી બનત ?’

આવો અદભુત અભિગમ ત્યાં જ હોય કે જ્યાં દુ:ખ પ્રત્યે સહિષ્ણુતા હોય. પારિવારિક જીવનમાં પણ નાની -મોટી સ્વભાવગત વિસંગતતાઓ જોવા મળે છે. આવી વિસંગતતાઓને સહી લેવી એ જ પારિવારિક જીવનના સુખની ગુરુચાવી છે. એક જ પરિવારમાં ભાઈ – ભાઈ વચ્ચે કે ભાઈ – બહેન વચ્ચે એકસરખો સ્વભાવ નથી હોતો. સૌના ગમા – અણગમા, રુચિ – અરુચિ,ભાવ – પ્રતિભાવ અલગ અલગ રહેવાના. આવા સમયે પરસ્પર વિરુદ્ધ સ્વભાવ ધરાવનારને ચલાવી લેવાની સહિષ્ણુતા દાખવવી પડે. વિરુદ્ધ સ્વભાવ ધરાવનાર સામે આક્રોશ કરવાથી કે નાસીપાસ થવાથી સંવાદિતા તૂટે. એના બદલે એને મન પર ન લેતાં એને હસી કાઢતા ગૌણ કરતા રહેવું જોઈએ.

આવું જ કંઈક વિચારોની વાતમાં જોવા મળે છે.આપણે સામાજિક – ધાર્મિક ક્ષેત્રે સક્રિય હોઈએ ત્યારે વૈચારિક મતભેદોનો સામનો કરવાના અનેક પ્રસંગો બનતા હોય છે.ભિન્ન વિચાર સમયે અસહિષ્ણુ બનવાથી બાજી બગડતી હોય છે. ભિન્ન વિચારો ધરાવનારની વાતમાં જેટલું તથ્ય સભર હોય તેટલી બાબતોનો આદર કરીએ. વૈચારિક મતભેદો દૂર થાય એમ દેખાતું જ ન હોય તો પણ આપણી અભિવ્યક્તિમાં સૌજન્ય રાખીએ. અસહિષ્ણુ બનીને ગમે તેમ ન બોલીએ કે ન વર્તીએ. આ સમયે અસહિષ્ણુ બનીને બોલનાર વ્યક્તિ પોતે જ પોતાની કિંમત કોડીની કરતી હોય છે, એ યાદ રાખીએ.

ભિન્ન વિચારોની અસહિષ્ણુતનો એક પ્રસંગ છે:
રાજમાર્ગ પરથી અનુયાયીઓ સાથે જઈ રહેલ ધર્મગુરુની સામે એમના કટર વિરોધી સંપ્રદાયનો અનુયાયી આવી રહ્યો હતો.માર્ગ બદલીને જવાય એવી કોઈ શક્યતા નહોતી.તેથી એ ભાઈ આગળ તો વધ્યો, પરંતુ તીવ્ર વૈચારિક અસહિષ્ણુતા – ઘૃણાથી એ મોટેથી બોલ્યો: ‘અરર ? તમારું મોઢું જોવાથી મારે નર્કે જવું પડશે.’ ધર્મગુરુએ જરાય વિચલિત થયા વિના એને પૂછ્યું કે, ‘તારું મુખ જોનાર ક્યાં જાય?’ ‘સ્વર્ગે’ પેલાએ અભિમાનથી જવાબ આપ્યો. ધર્મગુરુએ સ્મિત કરતા કહ્યું, ‘તો પછી હું સ્વર્ગે જઈશ એ નક્કી.’ પોતે ગોથું ખાઈ ગયાનો ખ્યાલ પેલા ભાઈને આવી ગયો. તેથી એ બોલ્યો, ‘પણ હું તમને બદદુઆ આપું છું કે તમે નર્કે જ જશો.’ ધર્મગુરુએ સૌજન્યથી છલકાતો ઉત્તર આપ્યો કે, ‘જો તારી બદદુઆથી પરિણામ બદલાઈ શકતું હોય તો મારી દુઆથી પણ પરિણામ બદલાઈ શકે. તેથી હું તને દુઆ – આશીર્વાદ આપું છું કે મારું મુખ જોવા છતાંય તું સ્વર્ગે જ જજે!.’

આસપાસ ઉપસ્થિત લોકોના મનમાં પેલી વ્યક્તિની છાપ હઠાગ્રહી અસભ્ય તરીકે અંકિત થઈ, જ્યારે ધર્મગુરુની છાપ ઉમદા સ્વરૂપે અંકિત થઈ.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button