ગુજરાતીનો દરિયા કિનારો પૂરતી સુરક્ષા વ્યવસ્થાનાં અભાવે સાવ રેઢો પડ્યો છે?
ગુજરાત ડાયરી -મનોજ મ. શુકલ
ગુજરાત રાજ્ય પાસે ૧૬૦૦ કિલોમીટરનો સમૃદ્ધ દરિયા કિનારો છે.પરંતુ તેનાં રક્ષણ કે સંરક્ષણ અંગે ગુજરાત સરકાર સંપૂર્ણ બેદરકારી દાખવી રહી છે એવું દેખાય છે.આનો પુરાવો એ છે કે ગુજરાત સરકારે તાજેતરમાં જ વિધાનસભામાં માહિતી આપી હતી કે છેલ્લા ૩ વર્ષમાં ગુજરાતના દરિયાઇ વિસ્તારમાંથી રૂ.૨૧૦૦૦/-કરોડથી પણ વધુ રકમનું ડ્રગ્સ પકડાયું છે. ગુજરાતના લાંબા અને સમૃદ્ધ દરિયા કિનારાના રક્ષણ માટે ગુજરાત મરીન પોલીસનું એક અલગ દળ અસ્તિત્વ ધરાવે છે, પરંતુ કમનસીબી એ છે કે એ દળ પાસે દરિયાનાં રક્ષણ માટે જરૂરી એવી બોટ જ પ્રાપ્ય નથી.આ અંગે ચોંકાવનારી વિગતો એવી છે કે ગુજરાતમાં ૨૨ મરીન પોલીસ સ્ટેશન છે અને તેમની પાસે કુલ ૩૦ પેટ્રોલીંગ બોટ છે.તે પૈકીની એક સળગી ગઈ છે એટલે હવે માત્ર ૨૯ બોટ સેવારત છે.
આ પૈકીની અડધોઅડધ સમારકામના અભાવે બંધ પડી છે.તેનુ કારણ એ છે કે તા.૧૫ મે થી તા.૩૧ જુલાઈ સુધીમાં સમારકામ કરાવવાનું હોય છે પરંતુ મેઇન્ટેસનો કોન્ટ્રાકટ જે કંપનીને અપાયો હતો તેની મુદત જુલાઈ -૨૦૨૨મા પુરી થઈ ગઈ હતી અને નવો કોન્ટ્રાકટ અપાયો નહોતો.આના પરીણામે આજે એવી સ્થિતિ છે કે નવા બંદર મરીન પોલીસ સ્ટેશનની ૩મા થી ૧બોટ કાર્યરત છે, સલાયા તથા હજીરા મરીન પોલીસની ૨ બોટ બંધ છે, સોમનાથ અને પોરબંદર મરીનની ૩માં થી ૨ બોટ બંધ છે,વાડીનાર અને ભાવનગરની ૨માં થી ૧ બોટ બંધ છે, જ્યારે પીપાવાવ મરીન પોલીસ સ્ટેશનની ૨બોટ છે અને બન્ને ચાલુ છે.દરિયાઈ જળસીમાની સુરક્ષા એ અત્યંત નાજુક અને સંવેદનશીલ મામલો છે અને તે અંગે ગુજરાત સરકાર સંપૂર્ણ સંવેદનહીન છે એવું નથી લાગતુ?
ગુજરાતનાં કલાક્ષેત્રે અત્યારે માહોલ સાવ જુદો અને આઘાતજનક બની ગયો છે
ગુજરાતનાં રાજકારણમાં જેમ નવા દ્રશ્યો જોવા મળે છે એ રીતે અત્યારે ગુજરાતના રંગમંચલક્ષી કલાનાં ક્ષેત્રનો માહોલ પણ સાવ જુદો ને આઘાતજનક બની ગયો છે.આ અંગે વાત જાણે એમ છે કે ગુજરાતનાં લોકસાહિત્યના યુવાન,લોકપ્રિય અને તેજસ્વી કલાકાર રાજભા ગઢવી અને પાલીતાણાના કોઈ રામભા ગઢવી વચ્ચે થયેલી ટેલિફોનીક વાતચીતનો ઓડિયો આજકાલ ગુજરાતમાં ભારે વાઈરલ થયો છે.આ ઓડિયોમાં કોઈ પ્રવીણદાન ગઢવીનો નામોલ્લેખ પણ થયો છે અને એ પ્રવીણદાને રાજભાને ફોન કરીને અગાઉ ખૂબ ગાળો આપેલી એવી પણ વાતો સાંભળવા મળી.આ રાજભા અને રામભા વચ્ચે થયેલી ટેલિફોનીક વાતચીત તાર સ્વરે થતી સંભાળાય છે અને તેમાં દેવીપુત્રોને શોભે એવી વાણી કે વિવેકનો સદંતર અભાવ જણાય છે.રામભા ગઢવી આમાં બીભત્સ શબ્દોનો ઉપયોગ એકથી વધુ વાર કરે છે એવું સંભળાયું છે! કલાક્ષેત્રમાં કીર્તિ ને કલદાર કમાયેલો ઉંચા ગજાનો કલાકાર રાજભા આવા વિવાદમાં સપડાય એ મોટી કમનસીબી છે! તેમના પુરોગામી ભીખુદાન ગઢવી,લાખાભાઇ ગઢવી, રામભાઇ ગઢવી અને બચુભાઈ ગઢવી જેવા કલાકારોએ ડાયરાના સ્ટેજ પર ૩૦- ૪૦-૫૦ વર્ષ પસાર કર્યા પણ કોઈ દિવસ એક પણ વિવાદમાં નથી આવ્યા.આ સંસ્કાર વારસો જો નવી પેઢી ન સાચવી શકે તો એ ગુજરાતનાં કલાક્ષેત્રની કમનસીબી જ ગણવી રહી, બીજુ શું?
બનાસકાંઠામાં કોંગ્રેસી ઉમેદવાર ગેનીબહેન ઠાકોર આક્રમક પ્રચાર કરી રહ્યા છે
ગુજરાતમાં કોંગ્રેસે લોકસભાની ચૂંટણી માટે જે ઉમેદવારો જાહેર કર્યા છે તે પૈકીના એક ઉમેદવાર બનાસકાંઠાનાં ગેનીબેન ઠાકોર છે.હાલ ધારાસભ્ય તરીકે પણ સેવા આપતા આ ગેનીબહેન પોતાનો પ્રચાર બહુ આકર્ષક અને આક્રમક તરીકે કરે છે. કોઈકવાર કોક વિસ્તારમાં સાડીના છેડાથી ગળા સુધી લાજ કાઢીને સભાને સંબોધે છે અને પુત્રવધૂ તરીકે મત માંગે છે તો કોક જગ્યાએ બહેન બનીને ભાઈઓ પાસે વીરપસલીરૂપે મત માંગે છે.હમણાં વળી ગરીબ કોંગ્રેસના
આર્થિક રીતે રાંક ઉમેદવાર તરીકે ચૂંટણીની ડિપોઝિટ ભરવા માટે લોકો પાસે ચાંદલો માંગે છે.આ માટે સોશિયલ મીડિયામાં ક્યુ.આર.કોડ વાયરલ કર્યો છે.ગેનીબેન ઠાકોર ખૂબ ચતુરાઈપૂર્વક ઉમેદવારી કરવા માટેની ડિપોઝિટ ભરવા માટે લોકો પાસેથી ચાંદલા સ્વરૂપે રૂ.૧૧/-થી શરૂ કરીને યથાશક્તિ રકમ આપવા લોકોને વિનંતી કરે છે. ગેનીબહેન લોકો દ્વારા આપવામાં આવેલા ચાંદલારૂપી લોકફાળામાથી ડિપોઝિટ ભરીને ચૂંટણી લડશે એવી પણ જાહેરાત કરી છે. ગેનીબહેનનો આ પ્રયોગ બનાસકાંઠા લોકસભા વિસ્તારના સોશિયલ મીડિયામાં આકર્ષણ અને ચર્ચાનો વિષય બની ગયો છે. દૂરથી અત્યારે એવું જણાય છે કે ગનીબહેન ઠાકોરને કોઈ સારા પ્રચાર સહાયક મળી ગયા છે કે જે ગનીબહેનની ઉમેદવારીને વિવિધ સ્વરૂપે લોકો સુધી પહોંચાડવાનો પ્રયત્ન કરે છે.જો કે ગનીબહેને પ્રચારની શરૂઆત બહુ વહેલી કરી દીધી છે.આગળ જતાં હાંફી કે થાકી ન જાય તો સારું.