ઈન્ટરવલ

લોકસાહિત્યના ઉત્તમ શોધક: ધૂળ ધોયા મેઘાણી

મેઘાણીની કૃતિઓ ગુજરાતી સાહિત્યના ભંડારને સમૃદ્ધ બનાવે છે.

મગજ મંથ -વિઠ્ઠલ વઘાસિયા

ઑગસ્ટ માસ આવે એટલે બે મૂર્ધન્ય સાહિત્યકારો યાદ આવે- ૨૪ ઑગસ્ટના રોજ જન્મેલા કવિ નર્મદ અને ૨૮ ઑગસ્ટના રોજ જન્મેલા ઝવેરચંદ મેઘાણી.

મેઘાણી સાહેબ સંઘર્ષમય જીવનના ૫૦ વર્ષ જેટલું ટૂંકું જીવન માંડ જીવ્યા તેમ છતાં અધધ આકાશને આંબે એવડાં લોકસાહિત્યનું સર્જન કરી ગયા. પિતાની બદલીના કારણે શિક્ષણ પણ અલગ અલગ જગ્યાએ લેવાનું બન્યું.કૌટુંબિક કારણોસર કલકત્તા જઈને નોકરી પણ કરવી પડી. ‘સૌરાષ્ટ્ર’ સાપ્તાહિકના તંત્રી મંડળમાં જોડાયા,ત્યાર પછી એમના પત્રકારત્વ તરીકેના જીવનની શરૂઆત થઈ.સત્યાગ્રહ ચળવળમાં જોડાવાને લીધે જેલવાસ પણ ભોગવવાનું બન્યું. ‘ફૂલછાબ’ માં જોડાયા.સાહિત્યનું સંપાદન કર્યું. સાહિત્ય પરિષદના પ્રમુખ પણ બન્યા. ‘રણજિતરામ સુવર્ણચંદ્રક’ અને ‘મહિડાં’ પારિતોષિક જેવા એવોર્ડથી સન્માનિત પણ થયા.

પિતાની ગીર પ્રદેશમાં નોકરી સબબ સૌરાષ્ટ્રની વનપ્રકૃતિ અને જનસંસ્કૃતિ સાથે સ્થપાયેલા ઘનિષ્ઠ સબંધને લીધે લોકસાહિત્ય પ્રત્યે આકર્ષણ જન્મ્યું. જેણે મેઘાણી સાહેબના વ્યક્તિત્વ અને સાહિત્ય માનસ ઘડવામાં મહત્ત્વનો ભાગ ભજવ્યો.કાવ્ય સર્જનની પ્રવૃત્તિનો પ્રારંભ તો શાળા – કોલેજના અભ્યાસ દરમિયાન જ થઈ ગયેલો, પરંતુ વ્યવસ્થિત લેખનની શરૂઆત ૧૯૨૨ થી થઈ.

વિવિધ સ્વરૂપે પાંગરેલી મેઘાણીની લેખન પ્રવૃત્તિમાં લોકસાહિત્યના સંશોધન અને સંપાદનની પ્રવૃત્તિ અતિ મહત્ત્વની હતી.ગુજરાતી સાહિત્યમાં લોકસાહિત્યને શિષ્ટ ભોગ્ય રૂપમાં રજૂ કરવાનું શ્રેય મેઘાણી સાહેબને જાય છે. સૌરાષ્ટ્રને ગામડે ગામડે ફરી એકલા હાથે ભેગા કરેલા લોકસાહિત્યનું સંપાદન એમણે સાહિત્યિક દ્રષ્ટિને મુખ્ય અને સામાજિક દ્રષ્ટિને ગૌણ રાખીને કર્યું છે.

ઝવેરચંદ મેઘાણી ગુજરાતી સાહિત્યના અગ્રગણ્ય લેખક અને કવિ હતા, જેમણે લોકસાહિત્ય, કાવ્ય, નવલકથા, લઘુ કથા, નાટક અને નિબંધના ક્ષેત્રમાં મહાન યોગદાન આપ્યું. એમનાં સાહિત્યમાં ગુજરાતી લોકજીવન, લોકગીતો, પૌરાણિક કથાઓ અને સંસ્કૃતિનું મહાન પ્રતિબિંબ જોવા મળે છે. મેઘાણીનું સાહિત્ય જીવનના વિવિધ પાસાઓને સ્પર્શે છે, જેમાં બલિદાન, વીરતા, પ્રેમ, માનવતાવાદ અને સંસ્કૃતિ ઉલ્લેખનીય છે. એમની લોકકથાઓ અને ગીતોમાં ખાસ કરીને શૌર્ય અને વીરતા જોવા મળે છે,જેનાથી એ ‘રાષ્ટ્રીય શાયર’ તરીકે પ્રખ્યાત થયા. મેઘાણીની કૃતિઓમાં રજૂ થયેલી ભાષા સરળ અને આકર્ષક છે. જે લોકોને સીધી સ્પર્શ કરે છે.એમનું સાહિત્ય સામાન્ય જનજીવનના સંઘર્ષો અને સવિશેષ સંવેદનાનાં ઉદાહરણો પૂરાં પાડે છે.ઝવેરચંદ મેઘાણીનું સાહિત્ય વિશ્ર્વ બહુવિધ રંગો અને વિષયોની રચનાથી ભરપૂર છે,જે એમના રચનાત્મક કારકિર્દીના તમામ પાસાઓને આવરી લે છે.મેઘાણી સાહેબે સાહિત્યના વિવિધ પ્રકારનું જીવંત સાહિત્ય સર્જન કર્યું.

‘ડોશીમાની વાતો’ (૧૯૨૩) લોકસાહિત્યના સંપાદનનું એમનું પહેલું પુસ્તક, પરંતુ એમને સાહિત્ય જગતમાં પ્રતિષ્ઠા અપાવી સૌરાષ્ટ્રની રસધાર’ ના પાંચ ભાગ (૧૯૨૩,૧૯૨૪, ૧૯૨૫, ૧૯૨૭ અને ૧૯૨૭) અને ‘સોરઠી બહારવટિયા’ના ત્રણ ભાગ (૧૯૨૭,૧૯૨૮ અને ૧૯૨૯)એ. ’સૌરાષ્ટ્રની રસધાર’માં જનસમાજનાં વેર અને પ્રેમની, બંધુતા અને ધિક્કારની, દગા અને દિલાવરીની કોમળ,કરુણ અને ભીષણ લાગણીઓવાળી સોએક વાર્તાઓનું સંપાદન છે. સંપાદિત લોક કથાઓના કથ્યરૂપને યથાતથ જાળવવાને બદલે એને અહીં ટૂંકી વાર્તાનો ઘાટ અપાયો છે.

‘સૌરાષ્ટ્રની રસધાર’ એમના જીવનકાળની શ્રેષ્ઠ કૃતિઓમાંથી એક છે,જેમાં એમણે સૌરાષ્ટ્રના લોકગીતો, કથાઓ અને લોકવાર્તાઓને ભેગા કરી અભ્યાસ કર્યો. એમણે લોકસાહિત્યને માત્ર એક જટિલ કાર્ય તરીકે નહીં, પરંતુ જીવન સામગ્રી તરીકે પ્રસ્તુત કર્યું. ‘સોરઠી બહારવટિયા’ માં પરિપૂર્ણ નહીં,પણ બહારવટિયાઓના કેટલાક જીવન પ્રસંગોને શક્ય એટલું દસ્તાવેજી રૂપ અપાયું છે. ‘કંકાવટી’ ભાગ – એક અને બે (૧૯૨૭,૧૯૨૮) પ્રસંગોની રસ ભરી રજૂઆત કથાઓને કાલ્પનિક રંગે રંગે છે.૪૬ વ્રત કથાઓનું લેખકના અન્ય સંપાદનો કરતાં વધુ શાસ્ત્રીય એવું સંપાદન છે. ‘દાદાજીની વાતો’(૧૯૨૭). ‘રંગ છે બારોટ’ (૧૯૪૫)ની બાળભોગ્ય વાર્તાઓમાં કેટલીક વાર્તાઓ પરીકથા સ્વરૂપની છે. ‘સોરઠી સંતો’ (૧૯૨૮) અને ‘પુરાતન જ્યોત’ (૧૯૩૮) બિનસાંપ્રદાયક લોકસંતોની જીવનકથાનાં સંપાદનો છે.

પ્રથમ કાવ્ય સંગ્રહ ‘વેણીનાં ફૂલ’ (૧૯૨૮) પછી તો કાવ્ય યાત્રા ૧૯૪૪ સુધી ચાલી. ‘કિલ્લોલ’ (૧૯૨૯), ‘સિંધૂડો’ (૧૯૩૦), ‘કોઈનો લાડકવાયો’ (૧૯૩૧), ‘યુગવંદના’ (૧૯૩૫), ‘બાપુનાં પારણાં’ (૧૯૪૩) અને ‘રવીન્દ્રવીણા’ (૧૯૪૪) જેવાં કાવ્ય સંગ્રહો પ્રસિદ્ધ થયા.મેઘાણીના કાવ્યોમાં પ્રેમ, વીરતા અને સામાજિક પરિવર્તનના મુદ્દાઓનો ઉદ્ભવ થતો જોવા મળે છે. મેઘાણીની નવલકથાઓમાં સામાન્ય લોકોનો સંઘર્ષ, તેમનો ધર્મ અને સામાજિક મૂલ્યોને આવરી લીધાં છે.લઘુ કથાઓ સંક્ષિપ્ત અને મર્મસ્પર્શી છે. એમનો લઘુ કથા સંગ્રહ ‘બોર્ડિંગ હાઉસ’ એ લોકજીવનના વિવિધ પાસાંઓને સ્પર્શતી લઘુ કથા છે, જેમાં શ્રેષ્ઠત્વ અને સમજણનું ગૌરવ જોવાં મળે છે. મેઘાણીનાં નાટકોમાં સમાજનાં વિવિધ સ્તરો તેમજ સમાજમાં પ્રવર્તતી સમસ્યાઓ અને સમાધાનના પ્રયત્નો દર્શાવવામાં આવ્યા છે. નિબંધોમાં પણ મેઘાણીનું જબરું યોગદાન રહેવા પામ્યું છે.‘ચિત્રકથાઓ’ એમનો ખૂબ જ લોકપ્રિય નિબંધ સંગ્રહ છે.

આમ મેઘાણી ગુજરાત તેમજ ભારતના કવિ, પત્રકાર, લોકસાહિત્યકાર, સમાજ સુધારક, સ્વાતંત્ર્ય સેનાની, નવલકથાકાર, વાર્તાકાર,લોકસાહિત્યના સંશોધક, સંપાદક, વિવેચક તેમજ અનુવાદક હતા. એમનો સાહિત્યિક વારસો આજે પણ જીવંત છે. એમની કૃતિઓ ગુજરાતી સાહિત્યના ભંડારને સમૃદ્ધ બનાવે છે અને એમના દ્વારા પ્રસ્તુત થયેલ સંસ્કૃતિનાં મૂલ્યો અને આદર્શો ગુજરાતની વિવિધ પેઢીઓ માટે પ્રેરણાસ્ત્રોત રહ્યા છે. આમ મેઘાણીના જીવન અને સર્જનનું દોહન કરીએ તો એમણે ગુજરાતી સાહિત્યને વૈવિધ્ય અને સમૃદ્ધિનું વરદાન રૂપી દાન આપ્યું છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button