ઈન્ટરવલ

શોખ અને સ્કીલનો ગ્રાફ મળે એને કરિયર પોઇન્ટ કહેવાય

ઔર યે મૌસમ હંસીં… -દેવલ શાસ્ત્રી

તાજેતરમાં થયેલા એક અભ્યાસ મુજબ વર્ષ ૨૦૨૧માં ભારતમાંથી દુનિયાના નાનામોટા પાંત્રીસેક દેશોમાં લગભગ ચાર લાખ બાળકો અભ્યાસ માટે ગયા છે. આ બાળકો અભ્યાસ કરવા માટે ગયા છે કે ત્યાં સેટલ થવા એ પ્રશ્ર્નનો જવાબ દરેક ભારતીય પેરેન્ટસને ખબર છે. વર્ષ ૨૦૨૨માં વિદેશ જતાં વિદ્યાર્થીઓની સંખ્યા લગભગ આઠ લાખ આસપાસ પહોંચી હતી. સ્ટુડન્ટસને વિદેશ જવામાં રસ છે, એ ફક્ત ત્યાં સેટલ થવા માગે છે. વિશાળ સંખ્યામાં થઇ રહેલા વિદેશગમનના કારણો સમજવા માટે અસંખ્ય સંશોધન ચાલી રહ્યા છે. વ્યક્તિગત સ્વતંત્રતા, કારકિર્દી, વિશેષ અભ્યાસ, આર્થિક સંપન્નતા, સુખસગવડો, દેશી જોબ પોલિટિક્સથી મુક્તિ મેળવવા, નાનામોટા કામમાં મળતા એપ્રિશિએશન, મિત્રો સાથે ચડસાચડસી સહિત હજારો કારણો સંભવ છે. મહદઅંશે જ્યારે વિદ્યાર્થી વિદેશ જવાનું વિચારે છે ત્યારે ખબર નથી કે ત્યાં જઇને ભવિષ્યમાં શું કરવાનું છે. કુછ સમજે? સરળ શબ્દોમાં કારકિર્દી માટે જતાં નથી, કોઇપણ રીતે સેટલ થવા માટે જાય છે. શક્ય છે કે તેઓ જે દેશમાં જાય છે ત્યાં વેધર આપણને માફક હોતું નથી, ઘણા દેશોમાં ફૂડ પ્રોબ્લેમ છે. જે તે દેશોના કાયદા માફક આવે નહીં છતાં વિદેશ જવાનો મોહ વધતો જાય છે.
સૌથી દુખદાયી બાબત એ છે કે બાળકોને એ ખબર નથી કે ફાઇનલી વિદેશમાં જઇને શું પ્રાપ્ત કરશે. જુગાર જેવા ભવિષ્ય માટે વિદેશ મોકલાવાની પેરેન્ટસને ઘેલછા હોય છે. વિદેશ સ્થાયી થવા ઇચ્છતા હોય એના માટે નાનપણથી યોગ્ય પ્રોગ્રામની પસંદગી અને તે મુજબના વિઝન સાથે મોકલવામાં શું વાંધો છે? જો પહેલેથી જ પ્લાનિંગ કરવામાં આવે તો બાળકોના સંઘર્ષ ઓછા થઇ શકે.
બાળક વિદેશ જઇને ખર્ચેલા પચાસ લાખ કેવી રીતે કમાશે એ ચિંતાનું તેને પ્રેશર આપવા કરવા કરતાં બાળપણથી કરિયર સંબંધી તૈયારી કરાવવી જોઈએ.
ખાસ કરીને આપણા ગુજરાતી પેરેન્ટ્સને બાળક દશમા ધોરણ આવે ત્યારથી એક જ સ્વપ્ન હોય છે કે તેને યેનકેન પ્રકારે વિદેશ મોકલી આપવો. આ બાળકના શારીરિક અને માનસિક ક્ષમતાઓનું એસેસમેન્ટ થવું જોઈએ. બાળકનું સંપૂર્ણ એસેસમેન્ટ થાય પછી જે તે અનુકૂળ સબ્જેક્ટ પસંદ કરે, એ પછી કરિયર સિલેક્શન માટે વિચાર કરવો જોઈએ. જે વિષય પસંદ હોય એની વિકાસની તકો જે તે દેશમાં છે કે કેમ તેનો પણ અભ્યાસ કરવો જોઈએ. બાળક માટે કારકિર્દી અનુરૂપ પ્રોગ્રામ સિલેક્ટ થાય એ પછી યુનિવર્સિટી અથવા કોલેજ પસંદ કરવી જોઈએ, એ પછી દેશ નક્કી થાય. ખાસ કરીને ગુજરાતી પેરેન્ટસ શું કરે છે? ઉપર જણાવ્યાથી સાવ ઉંધું કરવામાં આવે છે. સગાં સંબંધી અથવા મિત્રો વધારે હોય એ દેશ પહેલો પસંદ કરવામાં આવે છે અને છેક છેલ્લે કોર્ષ પસંદ થાય છે. ફાઇનલી પરિણામ શું આવે? જ્યાં એડમિશન મળે એ કોઈ પણ કોલેજમાં એડમિશન લીધા પછી પ્રોગ્રામ નક્કી કરવામાં આવે છે અને અભ્યાસ કર્યા પછી જેવી મળે એવી નોકરી લઇને વર્ક વીઝા ફોકસ કરવાનો. ગમે તે નોકરી શોધીને સેટ થવાનું અને યેનકેન પ્રકારે સેટ થવાનું.
બાળકને એજ્યુકેશન પર્ફોર્મન્સ મુજબ યોગ્યતા માપવાની પ્રથા ફક્ત ભારતમાં જ છે. બાળકને ગ્રેડ અથવા ટકા લાવવા માટે જ અભ્યાસ કરાવવા હોઇએ એવી પ્રણાલિ પેઢીઓથી ચાલે છે. હાલના સમયમાં સરેરાશ સત્તાવીસથી ત્રીસ વર્ષની ઉંમરની આસપાસ લગ્ન થતાં હોય છે. આ હિસાબે દંપતીઓની પાંત્રીસ વર્ષની વયે તેમનું બાળક શાળામાં અભ્યાસ માટે પ્રવેશ કરે છે. નોકરી ધંધામાં વ્યસ્ત પેરેન્ટ્સ પાસે પૂરતો સમય હોતો નથી. ઘણા કેસમાં બાળકના દાદા-દાદી એજ્યુકેશનને લગતા નિર્ણય લેતાં હોય છે. બાળકના પેરેન્ટસ પોતાના માતાપિતાની નબળી નકલ કરીને એવું માને છે કે જે રીતે અમે ભણ્યા એ રીતે અમારા બાળકોએ ભણવું જોઈએ. આજથી ત્રણ દાયકા પહેલાં મોબાઈલનો પ્રભાવ હતો નહીં. આધુનિક સમયમાં મોબાઈલ તથા સોશિયલ મીડિયાની નાના બાળકો પર વ્યાપક અસરો છે. ત્રણ દાયકા પછી દુનિયા બદલાઈ ગઇ છે, એજ્યુકેશન ટ્રેન્ડ બદલાવા લાગ્યો છે. જો પેરેન્ટ્સ તથા પરિવારજનો હાલના ટ્રેન્ડને સમજી શકવા માટે અસમર્થ હોય તો લાયક વ્યક્તિની સલાહ લેવી જોઈએ.
બાળકોને વિદેશમાં સારી કારકિર્દી બનાવવી હોય તો શું ધ્યાનમાં લેવામાં આવે છે? ઇન્ટરનેશનલ એજ્યુકેશન સિસ્ટમમાં જે વિષયનો અભ્યાસ કરવો હોય એ વિષયમાં નિપુણતા માગવામાં આવે છે. વિદેશમાં જ્યાં વસવાટ કરવા માગે છે ત્યાંની સ્થાનિક અથવા અંગ્રેજી ભાષા પરનું પ્રભુત્વ ચકાસવામાં આવે છે, અંતે સારી યુનિવર્સિટીમાં સામાજિક પ્રદાન પણ જોવામાં આવે છે. જ્યારે એડમિશન પ્રોસેસ ચાલતો હોય ત્યારે બાળકના શોખ અંગે જાણકારી લેવામાં આવે છે. આ તમામ માહિતીઓના આધાર પરથી વિદ્યાર્થીને તેનાં ગમતાં ક્ષેત્ર સાથેની કનેક્ટિવિટી ચકાસવામાં આવે છે.
આપણે ત્યાં શું થાય છે? મોટેભાગે એજ્યુકેશનનો ઉપયોગ ફક્ત વિદેશ જવા માટે થવા લાગ્યો છે. વિદેશમાં એડમિશન લઇને જઇ શકાય એ માટે ભારતમાં અભ્યાસ કરે છે. ઘણા વિદ્યાર્થીઓ એવા પણ છે જેમને પોતાની મરજીનો અભ્યાસ કરવો છે પણ માર્ગદર્શન મળતું નથી.
બાળક માટે પચાસ લાખનો ખર્ચ કરીને મોકલતા પહેલાં કોઈ તપાસ કરવા તૈયાર નથી કે એ શું ભણવા જાય છે, બાળકનું એસેસમેન્ટ થવું જોઈએ કે તે જે કોર્ષ માટે જાય છે એ માટે યોગ્યતા ધરાવે છે કેમ. આ માટે બ્રેનોગ્રાફી અને સાઇકોલોજીકલ ટેસ્ટ હોય છે. તે ખરેખર ઇન્ટરનેશનલ એજ્યુકેશન માટે જાય છે ત્યારે વિદેશ જવા પ્રોપર તૈયાર કરવામાં આવે છે ખરો?
જ્યારે નવી શિક્ષણ પદ્ધતિનો પ્રારંભ થવા જઇ રહ્યો છે ત્યારે બાળકના કરિયર સંબંધી જાણકારી પ્રાપ્ત કરવાની શરૂઆત બાળપણથી કરવી જોઈએ. બાળકને જે તે વિષયના અભ્યાસ માટે યોગ્ય ઉંમરે તૈયાર કરવો જોઈએ. કમસેકમ આઠમા ધોરણથી તેની દશા અને દિશા અંગે તૈયારી કરાવવી જોઈએ. વિશ્ર્વમાં આઠમા ધોરણથી કરિયરની દિશા નક્કી થવા લાગે છે. નવી શિક્ષણ નીતિમાં આ બાબતનો ઉલ્લેખ છે.
આપણે ત્યાં બાળક માટે કરિયર એટલે ફક્ત જોબ મેળવવી એવું જ ખબર છે, વિદ્યાર્થીઓને ગમતી કરિયર અંગે ખબર જ નથી. તેના રોલ અંગે અભ્યાસ થવો જોઈએ. બાળક જોબ માટે સર્જાયો છે કે બિઝનેસ માટે તે પણ અભ્યાસ થવો જોઈએ, એ પછી તેની લાઇન માટે પસંદગી થવી જોઈએ. એકવાર દિશા નક્કી થાય પછી વધુ અભ્યાસ માટે વિદેશમાં શેની કારકિર્દી બનાવવી એ નક્કી થવું જોઈએ. આમ છતાં પેરેન્ટ્સ વિદેશ મોકલવાનો મોહ ધરાવે છે પણ કારકિર્દી ઘડવા માટે તૈયારી દાખવતા નથી.
જે રીતે બાળકની એકેડેમિક એક્ટિવિટી પર અભ્યાસ થવો જોઈએ, એ જ રીતે નોન એકેડેમિક એક્ટિવિટીનો પણ અભ્યાસ થવો જોઈએ. આ અભ્યાસ થકી બાળકની લાઇફ સ્કીલ જાણવા મળી શકે. લાઇફ સ્કીલ પરથી મ્યુઝિક, ફોટોગ્રાફી, પેઇન્ટિંગ, સ્કલ્પચર, સિનેમેટોગ્રાફી જેવા વિષયોમાં રહેલી ઉજળી તકો વિશે માહિતગાર કરી શકાય. બાળકની હેબિટ પર અભ્યાસ થવો જોઇએ. હેબિટ પર કોઈ અભ્યાસ કરતું નથી. વિદેશમાં એકલા વસવાટ વેળા હેબિટ મદદગાર થઇ શકે અથવા સમસ્યા ઊભી કરી શકે. કોઈ પણ કરિયર માટે બાળકની શારીરિક ક્ષમતા પણ જોવી જોઈએ, એ સાથે માનસિક ક્ષમતાનો અભ્યાસ થવો જોઈએ. મેડિટેશન, યોગા, સંવાદ, મૂલ્ય આધારિત પ્રવૃત્તિઓ થવી જોઈએ. બાળકને ડૉક્ટર બનાવતા પહેલાં તેની ક્ષમતા વિશે બૃહદ અભ્યાસ થવો જોઈએ.
એજ્યુકેશન સિસ્ટમમાં આપણે બાળકની ઉંમર સમજવી જોઈએ. કે. જી.થી સાતમા ધોરણ સુધી વેલ્યુ સમજતો હોય છે. તે ભવિષ્યનો શ્રેષ્ઠ નાગરિક બને એ માટે ધ્યાનમાં રાખીને અભ્યાસ કરાવવામાં આવે છે. આઠમાથી દશમા ધોરણ સુધી અભ્યાસનો જીવનનો હેતુ સમજવાની કોશિષ કરે છે. અગિયારમાથી કોલેજ દરમિયાન જે ભણ્યો છે એનું રિફ્લેક્શન જોવા મળે છે, આ તેનો પરફોર્મન્સ દર્શાવવાનો સમય છે. માસ્ટર્સ અભ્યાસ એ રિસર્ચ આધારિત છે. નવું શીખવાનો અને જાણવાનો સમય છે, જેમાં અભ્યાસ અને કરિયર વચ્ચેના બ્રીજ માટેનું ઘડતર થાય છે. વિદેશોમાં આ દરમિયાન પ્રોજેકટ કરવા પડતા હોય છે જે કોન્સેપ્ટ ભારતમાં શરૂ થયો છે. અભ્યાસ પછી તેની કરિયરની શરૂઆત થાય છે. ભારતીય પ્રણાલીમાં એક ફેઝમાંથી બીજા ફેઝમાં જવા માટે બાળકને તૈયાર કરવામાં આવતું નથી. સાચા શબ્દમાં કહીએ તો હજી પણ બાળશિક્ષણ અંગે પેરેન્ટસમાં જાગૃતિ પ્રારંભિક કક્ષાએ છે.
બાળકને અલગ અલગ ફેઝ માટે તૈયાર કરવું એટલે તેને ઉજ્જવળ ભવિષ્ય માટે તૈયાર કરવો. આપણે ત્યાં નવો કોન્સેપ્ટ આવ્યો છે, બાળપણથી કરિયર બિલ્ડીંગ માટે તૈયાર કરવાની વાત છે.
સમસ્યા એ છે કે બાળકની આસપાસ પેરેન્ટ્સ, ફેમિલી અને ફેમિલી ફ્રેન્ડ એક ઇકો સિસ્ટમ બનાવે છે. હાલમાં ન્યુક્લિયર ફેમિલી છે, એની પણ અલગ સમસ્યા છે. હજી ફેમિલી ઇફેક્ટના નિરાકરણ આવ્યા નથી ત્યાં સિંગલ પેરેન્ટનો યુગ શરૂ થયો છે. બાળકે આ બધા વચ્ચે કરિયર કેવી રીતે બનાવવી એ નક્કી કરી શક્તો નથી. બાળકને ગોવિંદાની રાજાબાબુ જેવી ફિલ્મની જેમ બધું એટ્રેક્ટિવ લાગે છે. બાળકને ખરેખર શેમાં રસ છે અને ક્યા વિષયમાં સ્કીલ છે એ કોણ નક્કી કરશે? હકીકતમાં પેરેન્ટ્સ એ પણ નથી સમજતા કે શોખ અલગ વસ્તુ છે અને સ્કીલ અલગ છે. જ્યાં શોખ અને સ્કીલનો ગ્રાફ મળે એ કરિયર પોઇન્ટ છે. ઘણીવાર આ ભેગા થતાં જ નથી, આ સંજોગોમાં આપણે શોખને કરિયર સમજી બેસીએ છીએ. પેરેન્ટસ માટે ક્રિટિકલ એવું કરિયર પોઈન્ટ શોધવું કેવી રીતે? જો પેરેન્ટ્સને લાગે કે તે સક્ષમ નથી તો ક્ધસલ્ટન્ટ પાસે જવામાં શરમ રાખવી જોઈએ નહીં. આમ પણ પચાસ લાખ ખર્ચ કરીને વિદેશ મોકલીએ છીએ તો થોડા હજાર ખર્ચીને સાચી સલાહ અને જાણકારી મેળવી શકાય. એક અભ્યાસ મુજબ મધ્યમ વર્ગના પેરેન્ટસ બાળકને ગ્રેજ્યુએટ કરતાં સુધી ત્રીસેક લાખનો ખર્ચ કરે છે, ધનિક વર્ગ માટે પચાસેક લાખ ખર્ચ થાય છે. શિક્ષણ ખર્ચાળ લાગતું હોય તો બાળકની સારી કરિયર માટે યોગ્ય વ્યક્તિની સલાહ લેવી જોઈએ. ક્ધસલ્ટન્ટ મેથડ પશ્ર્વિમમાંથી આવી, હજી એશિયન દેશોમાં પ્રારંભિક તબક્કામાં છે. આજે પણ બાળકોનો શિક્ષણ પરત્વેનો અભિગમ સિલેબસ પૂરતો જ છે. ભારતમાં સમસ્યા એ છે કે ક્ધસલ્ટન્ટ એ સ્પેશિયલ ચિલ્ડ્રન માટે હતાં, હવે જો પોતાના સંતાન માટે અમલ કરવાની વાત આવે તો સમાજનો ડર અને ઇગો વચ્ચે આવે છે. હકીકતમાં સરકાર એવું માને છે કે પ્રતિ અઢીસો વિદ્યાર્થીઓએ એક ક્ધસલ્ટન્ટ હોવો જોઈએ જે કરિયર માટે ગાઇડ કરે અને બીજો ક્ધસલ્ટન્ટ માનસિક સમસ્યાઓમાં બાળવિકાસ માટે મદદરૂપ બને. માણસ પોતાના બાળકોને શ્રેષ્ઠ શાળામાં ભણવા મૂકે છે ત્યારે આ ક્ધસલ્ટન્ટની લાયકાત અંગે વિગતો ય પૂછતો નથી.
આપણી શૈક્ષણિક પ્રણાલિમાં એવું માનવામાં આવે છે કે કોચિંગ ફક્ત સ્પોર્ટ્સ એક્ટિવિટી પૂરતું મર્યાદિત છે, સામાન્ય જીવનમાં કોચની જરૂર નથી. પેરેન્ટ્સ, શૈક્ષણિક સંસ્થાઓ તથા વડીલોએ એવું માની લીધું છે કે મને બધું આવડે છે. આપણી નાસમજની બહુ મોટી કિંમત ચુકવી રહ્યા છીએ. છેલ્લાં ૨૫ વર્ષમાં ૧૪,૫૦,૦૦૦ બાળકોએ આત્મહત્યા કરી છે, એમાં મુખ્ય કારણો શું છે? પેરેન્ટ્સની અપેક્ષાઓ, નિષ્ફળતાનો ડર, તણાવ, હતાશા જેવા જગજાહેર કારણો જ છે. આ લેખ પૂરો વાંચશો એ દરમિયાન એકાદ આત્મહત્યા માટે પ્રયાસ થયો હશે. છેલ્લા કેટલાક સમયથી છાપાઓમાં વાંચવા મળે છે કે કોટામાં આત્મહત્યાનું પ્રમાણ વધતું જાય છે. કોટામાં સરકારે એવો નિયમ કરવો પડ્યો કે પંખો વીસ કિલો કરતાં વધારે વજન ઝીલી શકવો જોઈએ નહીં. આ નિયમ હાસ્યાસ્પદ લાગે પણ પરિસ્થિતિ ગંભીર છે એનો અહેસાસ થવો જોઈએ.
વધારે પડતી મહેચ્છાઓ માટે પેરેન્ટસ અને પરિવારો ઘણે અંશે જવાબદાર છે. આપણી આસપાસ નજર કરશો તો જથ્થાબંધ પેરેન્ટસ જોવા મળે છે કે જેમનાં અધુરાં સ્વપ્ન સંતાનો પાસે પૂરાં કરાવવાં છે. જે સ્વયં પ્રાપ્ત કરી શક્યા નથી એનો ભાર બાળકો પર નાખે છે. બાળકની ક્ષમતા તપાસવી તો જોઈએ, ફક્ત સગવડ આપવાથી ધાર્યું પરિણામ મળતું નથી. ઘણાં પેરેન્ટસ જે પોતે છે એવી જ કારકિર્દી સંતાન ઘડે એ અપેક્ષા રાખે છે. ડોકટરના સંતાન ડોક્ટર થવા જરૂરી નથી. કેટલાક પેરેન્ટસ એવું માને છે કે વિશ્ર્વના સર્વોત્તમ છે, કારણ કે તેઓ ક્યારેય બાળકને લડતા પણ નથી, ટોકતા નથી. બાળકને જે મન થાય એ કરવા દે છે, જે સૌથી જોખમી પેરેન્ટસ છે. આ પેરેન્ટસ બાળક સફળ થાય તો ક્રેડિટ લેવા આતુર છે કે અમે છૂટ આપી હતી અને નિષ્ફળ થાય તો પણ જવાબદારીમાંથી હાથ ખંખેરીને કહી દે છે કે અમે તો ક્યારેક દખલ કરી જ નથી. હકીકતમાં પેરેન્ટસ બાળક સાથે જોડાયેલો હોવો જોઈએ, બાળકની જરૂરિયાત અને ક્ષમતા સમજતો હોવો જોઈએ. હકીકતમાં લાખો વર્કશોપ થવા છતાં પેરેન્ટિગ વિષયમાં આજે પણ જ્વાળામુખી પર બેઠા હોઇએ એવું લાગે છે.
સામાન્ય રીતે ભારતીય બાળક પાસે સાયન્સ, કોમર્સ અને આર્ટસમાં કરિયર બનાવવાની તક હોય છે. સાયન્સ અને કોમર્સમાં કોર અને એપ્લાઇડ સબ્જેક્ટ હોય તથા આર્ટસમાં લિબરલ તથા ક્રિએટિવ આર્ટસ હોય છે. આ ત્રણેય મુખ્ય વિષયોમાં ઊંડા ઉતરીને છણાવટ કરો તો ખબર પડે કે વિશ્ર્વમાં અંદાજે ૧૪,૦૦૦ કરતાં વધારે શૈક્ષણિક અને કરિયર બનાવવાની તકો છે. વિદેશમાં એ તક આવીને ઊભી રહે છે અને આપણા બાળકો વિષયને સમજી શક્તા નથી. ઘણા કેસમાં વિદેશ જવાના મોહમાં અજાણ્યા વિષયમાં એડમિશન લેતાં હોય છે. બાળક કેનેડા જેવા દેશમાં જવાના મોહમાં ગ્રેજ્યુએટ થયા પછી ડિપ્લોમા કોર્સ પસંદ કરે તો પેરેન્ટસે ચિંતા કરવી જોઈએ. આ તો બારમા પછી દશમું ભણવાની વાત થઇ. બાળકોને વિદેશ મોકલવા જોઈએ પણ જિંદગી માણી શકે, ગમતું ભોગવી શકે અને ખુલ્લા આસમાનમાં ઊડી શકે એ રીતે તૈયાર કરવા જોઈએ. વિદેશમાં હોય કે કોટા ગયો હોય પણ રાત પડતાં હતાશાથી એકલો એકલો રડી પડે અને તમે કશું કરી જ ના શકો એ પહેલાં થોડા જાગવાની જરૂર છે. ભગવાનને ખાતર જાગો…
ધ એન્ડ : ખ્યાતનામ સાહિત્યકાર ભિષ્મ સાહનીના પ્રસિદ્ધ પુસ્તક ‘નીલુ, નીલીમા, નિલોફર’ના વિમોચન પ્રસંગે તેમના દીકરી કલ્પનાએ એક વાત કહી હતી કે ભિષ્મ સાહની જે કંઇ પણ લખે તે તેમના પત્નીને સંભળાવે. તેમના પત્ની તેમના પ્રથમ વાચક અને પ્રખર આલોચક, ભિષ્મ તેમના પત્નીના અભિપ્રાયની નાના બાળકની જેમ રાહ જુએ. તેમના પત્ની ઓકે કરે તો જ હાશ થાય અને પછી જ પ્રકાશિત થાય.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
મા લક્ષ્મીના આ નામ જપો, પૈસાથી છલકાઈ જશે તિજોરી… આ Blood Groupના લોકો હોય છે ખૂબ જ સુંદર, જોઈ લો તમારું બ્લડ ગ્રુપ તો નથી ને? જાણો શા માટે તિબેટ ઉપરથી પ્લેન ઉડતા નથી એક મહિનામાં પેટ પરથી ચરબીના થર ઉતારી દેશે આ એક વસ્તુ…