ઈન્ટરવલ

ફર્સ્ટ હન્ડ્રેડ ડેઝ

નવી ઇનિંગના પ્રથમ ૧૦૦ દિવસ નક્કી કરશે શેરબજારની ગતિ અને દિશા

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

મોદી ૩.૦ના પ્રથમ ૧૦૦ દિવસનું કાઉન્ટડાઉન શરૂ થઇ ગયું છે. સરકાર ક્યો પોર્ટફોલિયો કોને આપશે, એ સસ્પેન્સનો અંત આવી ગયો છે. ખાતાની ફાળવણી આમ તો તર્કસંગત અને ધારણાં મુજબની જ રહી છે અને એમાં કોઇ અચરજ પમાડે એવું તત્ત્વ હતું જ નહીં! કોઇ એ માટે ‘ઘરના જ ભૂવા અને ઘરના જ ડાકલાં’ જેવી કહેવતનો પ્રયોગ કરી શકે, પરંતુ ‘દરેક સિક્કાની બે બાજુ હોય છે’, એ પણ એક સમજવા જેવી કહેવત છે.

એની વે એક સસ્પેન્સ પુરું થઇ ગયું પરંતુ બીજું સસ્પેન્સ હજુ બાકી છે. સરકાર હવે શું કરશે, કેવા પગલાં લેશે? સંપૂર્ણ બહુમતી ના મળી હોવાથી નીતિ વિષયક પગલાં પર કેવી અસર પડશે અને મૂળ તો શેરબજારના રોકાણકારોએ હવે શું કરવું જોઈએ? આ સવાલોનું રહસ્ય હવે ધીમે ધીમે ખૂલશે. શેરબજારીયા અને અર્થનિષ્ણાતો તેના પર ચાંપતી નજર નાખીને બેઠા છે.

શેરબજારના નિરક્ષિકો, સ્થાનિક અને વિદેશી રોકાણકારો મોદી ૩.૦ના પ્રથમ ૧૦૦ દિવસના કાઉન્ટડાઉનમાં મોદી ૨.૦ની કામગીરી જેવી અપેક્ષા સેવી રહ્યા છે. માર્ક મોબિયસે તો એવી આગાહી પણ કરી છે, કે મોદી સરકરાને સ્પષ્ટ બહુમતી ના મળી હોવા છતાં સેન્સેક્સ આગમી પાંચ વર્ષ પહેલાં જ એક લાખનો આંકડો પાર કરી જશે.

જોકે, સત્તારૂઢ થતા વેંત સરકારે જાહેર કરેલા પગલાંથી અર્થનિષ્ણાતો પણ વિચારે ચઢ્યાં છે. કિસાન નિધિ યોજના અને પ્રધાન મંત્રી આવાસ યોજના સાથે તેમના ત્રીજા કાર્યકાળની શરૂઆત કરીને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શેરબજારના રોકાણકારોને ચર્ચાને ચકડોળે ચઢાવી દીધા છે કે, શું શેરબજારમાં મોદી ૨.૦ના કાર્યકાળનું પુનરાવર્તન જોવા મળશે ખરૂ?

તમામ કેન્દ્રીય મંત્રાલયોને તેમની ૧૦૦ દિવસની યોજનાઓને અંતિમ સ્વરૂપ આપવા માટે કહેવામાં આવ્યું છે. નવી સરકારના પ્રથમ ૧૦૦ દિવસ પર શેરબજારના સહભાગીઓ ચાંપતી નજર રાખશે. વર્ષ ૨૦૧૪માં જ્યારે મોદી પ્રથમ વખત જીત્યા હતા, ત્યારે પ્રથમ ૧૦૦ દિવસમાં સેન્સેક્સ ૯.૮ ટકા વધ્યો હતો, જ્યારે ૨૦૧૯માં આ સમયગાળા દરમિયાન ૬.૭૪ ટકાનો ઘટાડો જોવા મળ્યો હતો.

અગ્રણી માર્કેટ એનાલિસ્ટે જણાવ્યું હતું કે, ટૂંકા ગાળામાં કેબિનેટ પોર્ટફોલિયોની ફાળવણી અને કેન્દ્રીય બજેટ મુખ્ય ટ્રિગર્સ હોવાથી, અમે માનીએ છીએ કે ભૂતકાળની જેમ મોદી ૩.૦ સરકારના પ્રથમ ૧૦૦ દિવસ ઘણા ક્ષેત્રો માટે નિર્ણાયક હશે, કારણ કે તે વર્તમાન નીતિ માળખું નવું અથવા પુનરાવર્તિત જોઈ શકે છે. આ સંજોગોમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર, મેન્યુફેક્ચરિંગ, કેપિટલ ગુડ્સ અને પાવર (ખાસ કરીને રિન્યુએબલ એનર્જી) જેવાં ક્ષેત્રોને સરકાર તરફથી મૂડી ફાળવણીમાં વધારો થઇ શકે છે.

ગઠબંધન સરકારને કારણે રોકાણકારો, ખાસ કરીને વિદેશી ફંડો અને ગ્લોબલ રિસર્ચ એજન્સીઓના નિરિક્ષકોને અમુક પ્રકારના પોપ્યુલિસ્ટ પગલાની ધારણાં રહી હોવા છતાં, આર્થિક વિકાસ સંદર્ભમાં નીતિ સાતત્યતા ત્રીજી ટર્મમાં ચાલુ રહેવી જોઇએ એવી પણ અપેક્ષા છે. આ સંદર્ભમાં રેલ્વે, સંરક્ષણ, પાવર અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર સહિત જાહેર ક્ષેત્રના એકમો માટેનો દૃષ્ટિકોણ બદલાશે એવું જણાતું નથી.

અહીં નોંધવું રહ્યું કે, કેબિનેટ મંત્રાલયના પોર્ટફોલિયોની ફાળવણી કરતી વખતે, પીએમ મોદીએ નિર્મલા સીતારામનને નાણા મંત્રાલય, રાજનાથ સિંહને સંરક્ષણ અને અશ્ર્વિની વૈષ્ણવ રેલવેનું નિયંત્રણ જાળવી રાખવા સાથે સાતત્ય પસંદ કર્યું છે. એવી અપેક્ષા રાખવામાં આવે છે કે એનડીએ સરકાર બેંકિંગ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન એનર્જી જેવા ઉદ્યોગોને પ્રાથમિકતા આપવાનું ચાલુ રાખશે, જે તેણે પ્રથમ અને બીજી મુદતમાં કર્યું હતું. પાછલી બે ટર્મમાં જે નીતિઓ બનાવવામાં આવી હતી અને લાગુ કરવામાં આવી હતી, ભવિષ્યમાં પણ તે ચાલુ રહે તેવી શક્યતા છે.

વિશ્ર્લેષક કહે છે કે, સરકારને અર્થતંત્રને આગળ લઈ જવા માટે ઈન્ફ્રા, મેન્યુફેક્ચરિંગ અને ટેક્નોલોજીનો વ્યાપક એજન્ડામાં પાછીપાની કરવી પડે એવી શક્યતા નથી, પરંતુ વિવાદાસ્પદ માળખાકીય સુધારામાં વિલંબ થઈ શકે છે. મોદી ૩.૦માં મેન્યુફેક્ચરિંગ અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં સાતત્યની સંભાવના છે. સંરક્ષણ સેગમેન્ટ પર પણ સરકાર ધ્યાન આપશે અને તેમાં વિરોધ કે અવરોધની સંભાવના નહિવત જણાઇ રહી છે. ચૂંટણીના પરિણામો પછી રોકાણકારો સ્પષ્ટપણે પીએસયુ સ્પેસના ક્ષેત્રો જેવા કે રેલવે, સંરક્ષણ, પાવર અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિશે સાવચેત છે જેનો અંદાજ એ હકીકત પરથી લગાવી શકાય છે કે આ ક્ષેત્રોમાંના તમામ મુખ્ય ક્ષેત્રો અને અગ્રણી કંપનીઓએ ચૂંટણીનાં પરિણામ પછીથી ખરાબ પ્રદર્શન કરવાનું શરૂ કર્યું છે. આઇટી, ક્ધઝ્યુમર, હેલ્થકેર, ઓટો, કેમિકલ અને ટેલિકોમ જેવા તટસ્થ ક્ષેત્રોમાં નીતિ વિષયક ટેકા અને વિકાસનો અવકાશ જણાય છે. સંક્ષિપ્તમાં રોકાણકારોની નજર સરકારની પહેલા ૧૦૦ દિવસની પોલિસી પર રહેશે અને તે પ્રમાણે જ બજારની વધઘટ જોવા મળશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
ઇન્ટરનૅશનલ રમી ચૂક્યા છે પાંચ ભારેખમ ક્રિકેટર નરેન્દ્ર મોદી ફરી એક વાર બન્યા વિશ્વના સૌથી લોકપ્રિય નેતા તારક મહેતાની સોનૂનું કમબેક લાંબા સમય સુધી બેસીને કામ કરવાની આડઅસર