ઈન્ટરવલ

સસ્તી ફલાઇટ ટિકિટ મેળવવાની લાલચે તોડ્યા સેંકડોના સપના

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

ગૂગલ, ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપ પર એકની એક ઑફર મળે તો સામાન્ય માણસ એને સાચી માનતો થઇ જાય. એમાંય એનો મોટો ફાયદો દાઢ સળકયા વગર ન જ રહે.

આ કાલ્પનિક નહીં પણ વાસ્તવિક વર્ણન છે. હકીકતમાં કોઇને ખબર નહોતી કે આ બધા સોશિયલ મીડિયા પર પૈસા ચૂકવીને જાહેરખબર અપાઇ હતી. અલબત્ત, સોશિયલ મીડિયાએ ઑફર કે એની જાહેરખબર આપનારાની સચ્ચાઇની ચકાસણી કરી હોત તો ઘણાં છેતરપિંડીનો ભોગ બનતા બચી ગયા હોત અને તેમણે મોટી રકમ ગુમાવવાનો વારો આવ્યો નહોત. સાથોસાથ તેમને અમુક પ્રોગ્રામ કે સપનાનો કચ્ચરઘાણ ન વળી ગયો હોત.

હકીકતમાં એક કોલ સેન્ટર દ્વારા સસ્તા ભાવની એર ટિકિટ આપવાની ઑફરને લીધે ઘણાં લાલચમાં આવી ગયા હતા. આ રીતે માત્ર ભારત જ નહીં, અમેરિકા અને કેનેડા સહિતના દેશના નાગરિકોએ ટિકિટ બુક કરાવી હતી.

ટિકિટ કેવી રીતે બુક થઇ એ સમજવા જેવું છે. કોઇ પણ સોશિયલ મીડિયાની જાહેરખબર તમે વાંચો તો વિવિધ સ્થળ અને દેશની વિમાનની ટિકિટના ઓછા ભાવ જાણીને મોઢામાં પાણી આવી જાય. તમે કોઇ પણ ટિકિટ બુક કરાવો એટલે ઘરે ટિકિટ આવી જાય. સાથોસાથ એર-ટિકિટનું બિલ પણ આવી જાય. ટિકિટ જોઇને કોણ બિલ ન ભરે! પૈસા ચૂકવ્યા બાદ તમે સસ્તામાં એર-ટિકિટ મેળવી લીધાના હરખ સાથે ફલાઇટ ઉડવાના દિવસની મીઠી પ્રતીક્ષા કરો. પછી એવું બને કે આ કોલ સેન્ટર તરફથી તમારા મેઇલના જવાબ ન મળે. મોબાઇલ ફોન ન ઉપાડાય. બધા સંપર્ક સંપૂર્ણપણે કટ-ઑફ થઇ જાય.

સમય આવ્યે ખબર પડે કે મોકલાયેલી એર-ટિકિટ નકલી હતી. એના પર વિમાનમાં ઉડવા તો ઠીક એરપોર્ટની અંદર પગ મૂકવા ય ન મળે. સસ્તાની લાલચમાં મોટી રકમ ગુમાવવાનો વારો આવ્યો.
હવે શું થઇ શકે? માત્ર પોલીસમાં ફરિયાદ. મુંબઇ પોલીસની ક્રાઇમ બ્રાંચે અંધેરીના મરોલમાં દરોડો પાડીને એક બોગસ કોલ સેન્ટર પકડી પાડ્યું હતું. ત્યાંથી ૨૮ લેપટોપ, ૪૦ મોબાઇલ ફોન, બે રાઉટર અને અમુક દસ્તાવેજો સહિત રૂ. ૭.૨૫ લાખની માલમતા જપ્ત કરી હતી. સાથોસાથ એક મહિલા સહિત તેર આરોપીની ધરપકડ થઇ હતી.
ત્યારબાદ સહાર પોલીસ સ્ટેશનમાં આઇ.પી.સી.ની કલમ ૪૨૦, ૪૧૯, ૪૬૫, ૪૬૮, ૪૦૧, ૩૪, ૧૨૦ (બ), ૬૬ (ક), ૬૬ (ડ) અને આઇ.ટી.એક્ટ હેઠળ કેસ નોંધાયો હતો.
આવા કેસમાં પોલીસે શું કર્યું કે અદાલતમાં અંતે શું ચુકાદો આવ્યો એ પછીની વાત છે, પણ છેતરાયેલામાંથી કેટલાંક અભ્યાસ માટે, પર્યટન માટે, ઇન્ટરવ્યૂ માટે, સંબંધીને મળવા માટે, વેપાર ધંધા માટે કે હનીમૂન માટે જવાના હશે. એમના સપના ચકનાચૂર થઇ ગયા. પ્રોગ્રામ પર પાણી ફરી વળ્યું.

તો કરવું શું? કોઇ સંસ્થા કે વ્યક્તિ બધી એરલાઇનની ટિકિટ સસ્તામાં આપી શકે? સંબંધિત એર-લાઇનની વેબસાઇટ પર ક્રોસ ચેક કર્યું? મોટાભાગના નથી કરતા.

ઓ.ટી.પી.
(ઑલ ટાઇમ પાસવર્ડ)
નો લંચ ઇઝ ફ્રી. દુનિયામાં કંઇ જ મફત કે સસ્તું હોતું નથી. આ યાદ રહે તો સાયબર ઠગથી બચી શકાય, મહદ્ અંશે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…