પ્રાસંગિક : હિન્દુ મંદિરો માટે લડી રહ્યા છે આપણા બે બૌદ્ધ પાડોશી દેશ… | મુંબઈ સમાચાર

પ્રાસંગિક : હિન્દુ મંદિરો માટે લડી રહ્યા છે આપણા બે બૌદ્ધ પાડોશી દેશ…

  • અમૂલ દવે

અંગ્રેજીમાં કહેવત છે કે when sacred stones strife, even temple egnites wars

અર્થાત્ જ્યારે પવિત્ર પથ્થરો ઝઘડો ઉભો કરે ત્યારે મંદિર પણ યુદ્ધની જ્વાળાઓ ભડકાવે….

આપણે જોયું છે કે જેરુસલેમમાં કોનું ધર્મસ્થાન છે એ માટે યહૂદીઓ અને મુસ્લિમો વર્ષોથી વિવાદ કરી રહ્યા છે. મુસ્લિમોનો દાવો છે કે અહીં અમારી અલ-અક્સા મસ્જિદ અને ડોમ છે. જ્યારે યહૂદીઓ માને છે કે આ એ પહેલાં બીજા ટેમ્પલના લોકેશન છે.

આવો જ વિવાદ અયોધ્યામાં જોવા મળ્યો હતો. મુસ્લિમ ત્યાં મસ્જિદ હોવાનો અને હિન્દુઓ ત્યાં રામ મંદિર હોવાનો દાવો કરતા હતા. જોકે બીજી તરફ, થાઈલેન્ડ અને કંબોડિયા વચ્ચેનો વિવાદ અનોખો છે. અહીં ધાર્મિક સ્થળ હિન્દુ મંદિર છે એ અંગે કોઈ સંદેહ કે વિવાદ નથી. હવે આવા બે મંદિર માટે બે બૌદ્ધ દેશ વચ્ચે લાંબા સમયથી અથડામણ અને અંતે યુદ્ધ થયું છે. આ યુદ્ધ પાછળનું બીજું કારણ વંશવાદ છે અને બંને દેશના રાજકારણીઓ લોકોની રાષ્ટ્રીય ભાવનાને ભડકાવી રહ્યા છે. થાઈલેન્ડ વિસ્તારની દૃષ્ટિએ કંબોડિયા કરતાં લગભગ 2.8 ગણો મોટો દેશ છે. કંબોડિયા ગરીબ દેશ છે અને તેની પાસે હવાઈ દળ જ નથી. જ્યારે થાઈલેન્ડ પાસે એફ-16 ફાઈટર જેટ, ડ્રોન અને બીજા હથિયારો છે. આ યુદ્ધમાં બે સુપરપાવર ચીન અને અમેરિકાનો પણ હાથ છે. કંબોડિયાને ચીનનો અને થાઈલેન્ડને અમેરિકાનો ટેકો છે. ચીને કંબોડિયામાં નૌકામથક ઊભું કર્યું છે. અમેરિકા, મલેશિયા અને ચીનની દરમિયાનગીરીને લીધે આ બે દેશ વચ્ચે યુદ્ધવિરામ થયો છે.

આ પણ વાંચો: માનસ મંથનઃ આજે કળિયુગમાં પ્રાસંગિક હોય એવાં ક્યાં વ્રત રાખી શકાય?

આ યુદ્ધવિરામ તકલાદી છે, કારણ કે તેના ભંગના દાવા-પ્રતિદાવા થઈ રહ્યા છે. મંદિર અને તેના આસપાસના ચાર કિલોમીટર વિસ્તાર અંગે આંતરરાષ્ટ્રીય અદાલતે કંબોડિયાની તરફેણમાં ચુકાદો આપી દીધો હોવા છતાં શક્તિશાળી થાઈલેન્ડ તેને માનવા તૈયાર નથી.

અમેરિકાના કંબોડિયાના ભૂતપૂર્વ રાજદૂત ચાર્લ્સ રે કહે છે તેમ બંને દેશને પર્વત પર રહેલાં મંદિરો માટે લડાઈ કરીને કશું મળવાનું નથી. જો આંતરરાષ્ટ્રીય નિરીક્ષકો નહીં રાખવામાં આવે તો યુદ્ધ ફરી ફાટી નીકળશે.

થાઇલેન્ડ અને કંબોડિયા વચ્ચે એક દાયકાથી વધુ સમયથી ચાલી રહેલા સરહદ વિવાદ અંતે ભયંકર યુદ્ધમાં ફેરવાઈ ગયો. બંને દેશો એકબીજા સામે અત્યાર સુધીનું સૌથી ઘાતક યુદ્ધ થયું, જેમાં ઓછામાં ઓછા 14 લોકો માર્યા ગયા . અગ્નિ એશિયાના દેશો વચ્ચે મેના અંતમાં એક અથડામણમાં કંબોડિયન સૈનિકનું મોત થયા પછી તણાવ વધી ગયો હતો.

આ પણ વાંચો: પ્રાસંગિક : વિશ્વશાંતિના બે વિલનની વિદાયની ઘડી ગણાઈ રહી છે…

તાજેતરનો સંઘર્ષ 28 મેના રોજ શરૂ થયો હતો, જ્યારે થાઈલેન્ડ સેના સાથે સરહદ પર થયેલી અથડામણમાં એક કંબોડિયન સૈનિકનું મોત થયું હતું. બંને પક્ષોએ ગોળીબાર સ્વબચાવમાં કરવાનો દાવો કર્યો હતો. થાઈલેન્ડનાં તત્કાલીન વડા પ્રધાન પટોંગટાર્ન શિનાવાત્રા અને ભૂતપૂર્વ કંબોડિયન નેતા હુન સેન વચ્ચે લીક થયેલા ફોન કોલથી થાઈલેન્ડમાં રાજકીય ઊથલપાથલ મચી ગઈ હતી. શિનાવાત્રાના પિતા હુનના મિત્ર હતા. શિનાવાત્રાએ એમાં પોતાના દેશના લશ્કરી જનરલ અંગે ફરિયાદ કરી હતી. અંકલ હુને જાણીબુઝીને આ ઓડિયો લીક કરતાં અદાલતે શિનાવાત્રાને સસ્પેન્ડ કર્યા હતા.

બે લડનારા દેશ અને લાઓસના સામાન્ય પ્રદેશ જેવા એમરલ્ડ ટ્રાઈએન્ગલમાં લેન્ડમાઇન વિસ્ફોટ થયો હતો, જેમાં પાંચ થાઈ સૈનિકો ઘાયલ થયા હતા. થાઈલેન્ડે યુએસ ઋ-16 ફાઇટર જેટનો ઉપયોગ કરીને કંબોડિયામાં હવાઈ હુમલો કર્યો હતો, જેમાં ઓછામાં ઓછા 11 નાગરિક માર્યા ગયા હતા અને ડઝનેક ઘાયલ થયા હતા. થાઇલેન્ડે કહ્યું છે કે, તાજેતરના સંઘર્ષમાં તેના ઓછામાં ઓછા 13 નાગરિકો અને એક સૈનિકનું મોત થયું છે, જ્યારે 14 સૈનિકો અને 32 નાગરિકો ઘાયલ થયા છે..

આ પણ વાંચો: પ્રાસંગિક : દોસ્ત દોસ્ત ના રહા… હવે પુતિન વર્સીસ ટ્રમ્પ !

શું છે આ મંદિર વિવાદ?

થાઈલેન્ડ અને કંબોડિયા 817 કિમી (508 માઇલ) જમીન સરહદ ધરાવે છે. બંને દેશોએ એક સદીથી વધુ સમયથી સરહદ પર વિવિધ અસીમિત બિંદુ પર સાર્વભૌમત્વનો વિવાદ કર્યો છે. 2008માં, બંને દેશ વચ્ચે 11મી સદીના એક હિન્દુ મંદિર પર વિવાદ થયો હતો, જેના કારણે વર્ષો સુધી અથડામણ થઈ હતી અને ઓછામાં ઓછા 12 મૃત્યુ થયાં હતાં, જેમાં 2011માં એક અઠવાડિયા સુધી ચાલેલા ફાયિરંગનો પણ સમાવેશ થાય છે. થાઇલેન્ડ અને કંબોડિયાનો ઇતિહાસ લાંબા સમયથી ખમેર સામ્રાજ્ય (કંબોડિયા) અને સિયામ સામ્રાજ્ય (થાઇલેન્ડ) વચ્ચેના સંઘર્ષો સાથે જોડાયેલો છે.

1907માં, જ્યારે કંબોડિયા ફ્રેન્ચ શાસન હેઠળ હતું, ત્યારે બંને દેશ વચ્ચે 817 કિલોમીટર લાંબી સરહદ બનાવવામાં આવી હતી. થાઇલેન્ડે આનો વિરોધ કર્યો, કારણ કે નકશામાં કંબોડિયાના ભાગમાં પ્રીહ વિહિયર (પ્રિય વિહાર) મંદિર દર્શાવવામાં આવ્યું હતું, આજ સમયે, થાઇલેન્ડમાં તા મુએન થોમ મંદિર બતાવવામાં આવ્યું હતું, જ્યારે કંબોડિયા તેને પોતાનું માને છે.

આ પણ વાંચો: પ્રાસંગિક : આધુનિક યુદ્ધમાં ખરું ‘ડોન’ તો છે ડ્રોન!

તે થાઈ બાજુએ આવેલું છે, પરંતુ કંબોડિયા તેને પોતાનો ઐતિહાસિક ભાગ ગણાવે છે, કારણ કે તે ખમેર સામ્રાજ્ય દરમિયાન બનાવવામાં આવ્યું હતું. ખમેર સામ્રાજ્ય કંબોડિયાની એક શક્તિશાળી અને પ્રભાવશાળી સભ્યતા હતી જે 9મી થી 15મી સદી સુધી ચાલી હતી. આ સામ્રાજ્ય કંબોડિયાના ઘણા ભાગો તેમ જ લાઓસ, થાઇલેન્ડ અને વિયેતનામ પર શાસન કરતું હતું.

કોર્ટે 1962માં ચુકાદો આપ્યો કે મંદિર કંબોડિયાનું છે. કોર્ટે થાઇલેન્ડને તેના સૈનિકો પાછા ખેંચવાનો આદેશ આપ્યો. ત્યારબાદ થાઇલેન્ડે આ સ્વીકાર્યું, પરંતુ આસપાસની જમીન પર વિવાદ ચાલુ રાખ્યો.

હેરિટેજ સાઇટનો મોભો મળતા ભડકો

કોર્ટે 2013માં ચુકાદાને સ્પષ્ટ કર્યો અને કહ્યું કે ફક્ત મંદિર જ નહીં, પરંતુ તેની આસપાસનો વિસ્તાર પણ કંબોડિયાનો છે. થાઇલેન્ડને ત્યાંથી તેની સેના સંપૂર્ણપણે પાછી ખેંચી લેવાનું પણ કહેવામાં આવ્યું. ખાટલે મોટીખોડ એ છે કે થાઇલેન્ડના લોકો અને નેતાઓ એ સ્વીકારવા તૈયાર નથી કે કંબોડિયા જેવા નાના અને ગરીબ દેશ સામે અમારે અપમાનિત થઈને પીછેહઠ કરવી પડે છે. આ અપમાનની લાગણીને લીધે જ વારંવાર અથડામણ અને યુદ્ધ થાય છે.

Amul Dave

પત્રકારત્વમાં 40 વર્ષનો અનુભવ ધરાવે છે. તેમણે રમતગમત, રાજકારણ, ધર્મ, જ્યોતિષ ઈત્યાદિ વિષય પર લોકપ્રિય કટાર લખી છે. રાજકારણ તેમનો મનગમતો વિષય છે અને આંતરરાષ્ટ્રીય રાજકારણમાં તેમની હથોટી છે.

સંબંધિત લેખો

Back to top button