ઓન-લાઇન ભાષા શીખવવાને નામે આતંકવાદનું શિક્ષણ
સાયબર સાવધાની -પ્રફુલ શાહ
ઇન્ટરનેટના આગમન બાદ ઘણું-ઘણું ઓનલાઇન શીખવાનું શકય અને સરળ બની ગયું છે. સંગીત, ધાર્મિક, સત્સંગ, ભાષાઓ શીખવી, અમુક રમત શીખવાથી લઇને અમુક પ્રવૃત્તિમાં સામેલ થઇ શકાય છે અને એ પણ ઘરના ઉંબરાની બહાર પગ મૂકયા વગર. આ સાથે વિવિધ બાબતો જાણવા, સમજવા અને શીખવાના શોખ પણ પૂરા થઇ શકે છે.
ખરેખર આ ઇન્ટરનેટનો ખૂબ મોટો આશીર્વાદ છે, પરંતુ દરેક સિક્કાની બે બાજુ હોય છે. એ જ રીતે ઓનલાઇન શિક્ષણને નામે ઘણીવાર ભળતા જ લફડામાં ભેરવાઇ જવાની ધાસ્તી રહે છે.
સાયબર ઠગી દ્વારા નીતનવી મોડસ ઓપરેન્ડીથી કાળી કમાણીની આવક ગુમાવી દેવી એ હવે રોજબરોજની બીના બની ગઇ છે, પરંતુ એનાથી ય વધુ જોખમ ઇન્ટરનેટ થકી ઊભા થયા છે.
કોઇકને ભાષા-કલા પ્રત્યેના શોખને લીધે બંગાળી શીખવી હોય, કોઇને ધંધાના વિકાસાર્થે ચાઇનીઝ ભાષા શીખવી હોય અને કોઇકને આરબ સંસ્કૃતિમાં ઊંડા ઉતરવા માટે અરબી ભાષા શીખવામાં દિલચસ્પી હોય તો આ બધે બધું ઓન-લાઇન શકય જ નહીં, એકદમ સરળ છે. આ સીધી, સાંસ્કૃતિક અને શૈક્ષણિક પ્રવૃત્તિમાં સામેલ થવાની ઝંખના કયારેક ભયંકર પરિણામ સુધી ઢસડીને લઇ જઇ શકે છે.
આવા એક આઘાતજનક કૌભાંડને અમુક સમય અગાઉ નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સીએ પકડી પાડયું હતું. ભાષા શીખવવાને નામે આતંકવાદીઓની ભરતીનું ષડયંત્ર ચાલતું હતું. એનઆઇએ દ્વારા ઇસ્લામિક સ્ટેટ (આઇ.એસ.)ની પ્રવૃત્તિ સંબંધી ૩૧સ્થળે દરોડા પડાયા હતા. ટેલિગ્રામ અને વૉટ્સએપ એપ જેવા દ્વારા ભારતીય યુવાનોને અરબી ભાષા શીખવવાના ઓઠા હેઠળ, કટ્ટરવાદી બનાવ્યા બાદ આતંકવાદમાં પલોટવાનો કારસો રચાયાનો દાવો કરાયો હતો.
અને આ કામગીરી એક-બે સ્થળેથી જ નહોતી ચાલતી. એન.આઇ.એ. તામિલનાડુ અને તેલંગણાના મળીને કુલ ૩૧ સ્થળે ત્રાટકયું હતું. આઇ.એસ.ના પીઠબળથી ચાલતી આ નિમણૂક ઝુંબેશને તોડી પાડવા માટે ચેન્નાઇના ત્રણ, કોઇમ્બતુરના ૨૨ અને તેલંગણામાં પાંચ સ્થળે દરોડા પડાયા હતા.
ધાર્મિક અભ્યાસ માટે અરબી ભાષા શીખવવાનો રૂપકડો ઉદ્દેશ આગળ ધરીને કટ્ટરવાદના પ્રચાર-પ્રસાર કરાતો હતો. આ કામગીરી કેટલા વ્યાપક પ્રમાણમાં ચાલતી હશે એનો અણસાર દરોડામાં જપ્ત થયેલી અધધ સામગ્રી પરથી મળી જાય, સ્વાભાવિક છે કે આમાં સંખ્યાબંધ ડિજિટલ ડિવાઇસ, મોબાઇલ ફોન, સિમકાર્ડ અને લેપટોપ જપ્ત થાય જ. આ ઉપરાંત ૧૮,૨૦૦ ડૉલર (આ રકમને ૮૩/૮૪ રૂપિયાથી ગુણી નાખો) અને રૂ. ૬૦ લાખ રોકડા જપ્ત કર્યાં હતા.
હવે કલ્પના કરી જુઓ કે ખરેખર કોઇ સાચુકલો અભ્યાસુવૃત્તિવાળો યુવાન આવા ગ્રૂપમાં જોડાયો હોય તો શી હાલત થાય? એન.આઇ.એ.ના હાથે લાગી જાય તો વહેલો મોડો નિર્દોષ છૂટી જ જાય પણ ત્યાં સુધી એના મન પર અને પરિવાર પર શું વીતે? આ કલ્પના જ કમકમાટી ઉપજાવનારી છે.
A.T.P. (ઑલ ટાઇમ પાસવર્ડ)
ઓનલાઇન એટલે ભોરિંગનો દર ફૂંકીફૂંકીને, શકય હોય તો, આગળ ન વધવું.