ઈન્ટરવલ

કવર સ્ટોરીઃ જાદુ જેનેરિક ડ્રગ્સનો…

નિલેશ વાઘેલા

અમેરિકાએ ટેરિફ ટેરરિઝમ શરૂ કર્યું છે ત્યારથી ભારતીય ઉદ્યોગ ક્ષેત્રે ખાસ કરીને આઇટી અને ફાર્મા સેગમેન્ટમાં નકારાત્મક અસર પડવાની ભીતિ ચર્ચાઇ રહી છે ત્યારે આપણે ટ્રમ્પના અણધાર્યા ટેરિફ ટોરપિડોની આડ આસર બાજુએ રાખીને, ભારતીય ઔષધ ક્ષેત્રના આગામી પાંચ વર્ષના રોડ મેપ પર નજર ફેરવીએ તો આ સેકટરના ભાવિનો કંઇક અંદાજ મેળવી શકાશે.

ઓષધ ક્ષેત્રના અભ્યાસ પરથી એક વાત ઉપસી આવી છે કે આગામી સમય જેનેરિક ડ્રગ્સનો રહેવાનો છે. ભારતના ફાર્માસ્યુટિકલ ઉદ્યોગએ તાજેતરના વર્ષોમાં નોંધપાત્ર વૃદ્ધિ જોઈ છે, ખાસ કરીને જેનેરિક દવાઓનું બજાર મુખ્ય ફાળો આપનાર તરીકે ઉભરી આવ્યું છે. સરકાર દ્વારા પણ આજકાલ જેનેરિક દવા વિશે જાગૃતિ માટે ખાસ અવેરનેસ કાર્યક્રમો અને પ્રસાર, પ્રચાર થતો જોવા મળે છે.

આ દવાઓમાં એ જ બધી સામગ્રી હોય છે, જે બ્રાન્ડેડ દવાઓમાં હોય છે પણ તે તેનાથી ઘણી ઓછી કિંમતે વેચાય છે. વ્યાજબી દરમાં આરોગ્યની કાળજી લેવાની વધતી જતી માગની સાથોસાથ સરકાર પણ ફાર્માસ્યુટિકલ ક્ષેત્રને સહયોગ આપી રહી છે, જેથી તેમના વિકાસ માટે તેઓ અનુકૂળ વાતાવરણ સર્જી શકાય.

સર્વેક્ષણ અભ્યાસને આધારે એક અહેવાલમાં ભારતીય ફાર્માસ્યુટિકલ બજારનું કદ વર્ષ 2030 સુધીમાં 130 બિલિયન ડોલર સુધી પહોંચવાનો અંદાજ રજૂ કરવામાં આવ્યો છે, જેમાં જેનેરિક દવા આ વૃદ્ધિમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ભારત વૈશ્વિક સ્તરે જેનરિક દવાનો સૌથી વધુ પુરવઠો પૂરો પાડે છે, વોલ્યુમની દ્રષ્ટિએ ભારત વૈશ્ર્વિક બજારનો લગભગ વીસ ટકા હિસ્સો ધરાવે છે, એવો દાવો ઇન્ડિયન બ્રાન્ડ ઇક્વિટી ફાઉન્ડેશન (આઇબીઇએફ)એ પોતાના અહેવાલમાં કર્યો છે.

ગરીબ લોકોને આરોગ્ય વિમો પૂરો પાડતી પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના (પીએમજેએવાય) જેવી સરકારી પહેલથી સસ્તી દવાઓને સરળતાથી મેળવી શકાય છે. ભારતનું મજબૂત ફાર્માસ્યુટિકલ ઉત્પાદક ક્ષેત્ર પણ હંમેશાં એ વાતની ખાતરી કરે છે કે, તેઓ ઉચ્ચ-ગુણવત્તાવાળી અને મૂલ્ય-અસરકારક (તુલનાત્મક ધોરણે બ્રાન્ડેડ દવા કરતા સસ્તી) દવાઓનો સ્થિર પૂરવઠો પૂરો પાડી શકે.

દેશનું નિયમનકારી માળખું પણ એ વાતની ખાતરી આપે છે કે, આ દવાઓ બ્રાન્ડેડ દવાઓ જેટલી જ સલામત અને અસરકારક ધોરણો પૂરા કરે. જેને પરિણામે સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય બજાર ભારત પર મોટેપાયે આધાર રાખે છે. આઇબીઇએફના આંકડા અનુસાર, 2021માં ભારતની નિકાસ મૂલ્યની દ્રષ્ટિએ 16 બિલિયન ડોલરે પહોંચી હતી, જે હવે 2030 સુધીમાં અનેકગણી મોટી હરણફાલ ભરશે.

જેનેરિક દવાઓની કિંમત 85 ટકા જેટલી સસ્તી હોય છે. જેનેરિક દવાનો સૌથી મોટો ફાયદો, તેના અત્યંત વ્યાજબી ભાવ છે. બ્રાન્ડેડ દવાઓ સાથે સંકળાયેલા પ્રારંભિક સંશોધન તથા વિકાસ ખર્ચ ઉત્પાદકોએ કરવાનો રહેતો નથી, તેથી તેઓ નોંધપાત્ર રીતે ઓછી કિંમતે દવાઓ ઓફર કરી શકે છે. નેશનલ ફાર્માસ્યુટિકલ પ્રાઇઝીંગ ઓથોરિટી (એનપીપીએ) અનુસાર, આ દવાઓની કિંમત 85 ટકા જેટલી ઓછી આંકી શકાય છે, જેનાથી તે મોટી જનસંખ્યા સુધી પહોંચી શકે.

સરકારના પ્રોત્સાહન અને વધતી જાગૃતિનો લાભ જેનેરિક દવાના ઉત્પાદક ઉદ્યોગોને પણ સારો લાભ મળી રહ્યો છે. ભારતના ફાર્માસ્યુટિકલ ક્ષેત્રની મજબૂત ઉત્પાદન ક્ષમતાઓ અને સહાયક સરકારી નીતિઓ દ્વારા સતત વિકાસ પામી રહ્યું છે.

જેનેરિક દવાઓ વધતા આરોગ્ય સંભાળ ખર્ચ માટે એક સસ્તો ઉકેલ પૂરો પાડે છે, જેનાથી ગ્રાહકો અને આરોગ્ય સંભાળ પ્રણાલી બંનેને ફાયદો થાય છે. જેમ જેમ ભારત આંતરરાષ્ટ્રીય સ્તરે ગ્લોબલ લીડર તરીકે પોતાનું સ્થાન મજબૂત કરી રહ્યું છે, તેમ-તેમ બજાર વધુ વિસ્તરવાની અપેક્ષા છે.

એક નોંધપાત્ર સિદ્ધિમાં, ગયા નાણાકીય વર્ષ 2025માં ભારતમાંથી ફાર્માસ્યુટિકલ નિકાસ 30 બિલિયન ડોલરને વટાવી ગઈ છે અને તેમાં અમેરિકા દેશના ફાર્મા નિકાસના એક તૃતીયાંશ કરતાં વધુ હિસ્સા સાથે મુખ્ય બજાર રહ્યું છે.

સત્તાવાર વેપાર ડેટા અનુસાર, નાણાકીય વર્ષ 2025માં ફાર્માસ્યુટિકલ નિકાસ 30,467.32 મિલિયન ડોલર સુધી પહોંચી હતી, જે નાણાકીય વર્ષ 2024માં 27,851.70 મિલિયન ડોલર કરતા નવ ટકાથી વધુનો વધારો દર્શાવે છે.

અહેવાલમાં જણાવાયું છે કે દેશ નવ ટકાના ફાર્મા નિકાસ વૃદ્ધિદર સાથે, જેનેરિક દવાઓનો વિશ્ર્વનો સૌથી મોટો સપ્લાયર પણ બની ગયો છે. આ વૃદ્ધિદર વૈશ્ર્વિક સરેરાશ કરતા લગભગ બમણો છે.

ઉપલબ્ધ ડેટા અનુસાર, માર્ચ મહિનામાં, વાર્ષિક તુલનાત્મક ધોરણે ફાર્મા નિકાસ 30 ટકાથી વધુના વધારા સાથે 3,681.51 મિલિયન ડોલરના સ્તરે પહોંચી હતી, જે ગયા નાણાકીય વર્ષના સમાન મહિનામાં 2,805.71 મિલિયન ડોલરની સપાટીએ રહી હતી.

અમેરિકામાં નિકાસ (મૂલ્યની દ્રષ્ટિએ) નાણાકીય વર્ષ 2025માં 14.29 ટકા વધીને 8,953.37 મિલિયન જોલર નોંધાઇ છે. ગયા નાણાકીય વર્ષમાં ભારતની ફાર્મા નિકાસમાં ટોચના અન્ય દેશો યુકે, બ્રાઝિલ, ફ્રાન્સ અને દક્ષિણ આફ્રિકા હતા.

દરમિયાન, એક અહેવાલમાં જણાવાયું હતું કે નાણાકીય વર્ષ 2026માં સ્થાનિક ફાર્માસ્યુટિકલ્સ બજાર વાર્ષિક ધોરણે આઠથી નવ ટકાના દરે વધવાની ધારણા છે. આ અહેવાલમાં જણાવાયું છે કે નાણાકીય વર્ષ 2025 માટે આ ક્ષેત્રમાં વૃદ્ધિ દર વર્ષે 7.5-8.0 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2024માં વાર્ષિક ધોરણે 6.5 ટકા અને નાણાકીય વર્ષ 2023માં વાર્ષિક ધોરણે 9.9 ટકા વૃદ્ધિ નોંધાઇ હતી.

ફેબ્રુઆરીમાં, ફાર્મા બજારે વાર્ષિક ધોરણે 7.5 ટકાની આવક નોંધાવી હતી. આ વૃદ્ધિ કિંમતમાં વૃદ્ધિ (5.2 ટકા વાર્ષિક ધોરણે) અને નવા લોન્ચ (2.4 ટકા વાર્ષિક ધોરણે) દ્વારા પ્રેરિત હતી, જ્યારે વોલ્યુમ વૃદ્ધિ વાર્ષિક ધોરણે નકારાત્મક 0.2 ટકા જેવી મંદ રહી હોવાનું અહેવાલમાં જણાવાયું છે. આ ક્ષેત્રે નાણાકીય વર્ષ 2025માં માર્ચ, 2025 સુધીમાં સરેરાશ 7.3 ટકા વૃદ્ધિ નોંધાવી હતી. ભાવ વૃદ્ધિ 5.50 ટકા રહી હતી, જ્યારે નવી લોન્ચ અને વોલ્યુમ વૃદ્ધિ 2.70 ટકા જેટલી રહી હતી.

ભારતની ફાર્મા નિકાસ ત્રીસ અબજ ડૉલરને વટાવી ગઈ

એક નોંધપાત્ર સિદ્ધિમાં, ગયા નાણાકીય વર્ષ 2025માં ભારતમાંથી ફાર્માસ્યુટિકલ નિકાસ 30 બિલિયન ડોલરને વટાવી ગઈ છે અને તેમાં અમેરિકા દેશના ફાર્મા નિકાસના એક તૃતીયાંશ કરતાં વધુ હિસ્સા સાથે મુખ્ય બજાર રહ્યું છે. નાણાકીય વર્ષ 2026માં સ્થાનિક ફાર્માસ્યુટિકલ્સ બજાર વાર્ષિક ધોરણે આઠથી નવ ટકાના દરે વધવાની ધારણા છે.

સત્તાવાર આંકડાકીય માહિતી અનુસાર, નાણાકીય વર્ષ 2025માં ફાર્માસ્યુટિકલ નિકાસ 30,467.32 મિલિયન ડોલર સુધી પહોંચી હતી, જે નાણાકીય વર્ષ 2024માં 27,851.70 મિલિયન ડોલર કરતા નવ ટકાથી વધુનો વધારો દર્શાવે છે. અહેવાલમાં જણાવાયું છે કે દેશ નવ ટકાના ફાર્મા નિકાસ વૃદ્ધિ દર સાથે, જેનરિક દવાઓનો વિશ્વનો સૌથી મોટો સપ્લાયર પણ બની ગયો છે. આ વૃદ્ધિદર વૈશ્વિક સરેરાશ કરતા લગભગ બમણો છે.

આ પણ વાંચો…કવર સ્ટોરીઃ ડ્રેગનને ડરાવાની ડોનલ્ડની દમદાટીથી ભારતને શું લાભ?

Nilesh Waghela

વાણિજ્ય પત્રકારત્વ ક્ષેત્રમાં ૩૫ વર્ષથી કાર્યરત વરિષ્ઠ પત્રકાર, અંગ્રેજી, હિન્દી અને ગુજરાતીમાં મુંબઇથી પ્રકાશિત થનારા ટોચના અખબારોમાં નિયમિત કોલમ, ટીવી, રેડિયો, ડિજિટલ અને સર્વ પ્રકારના માધ્યમોમાં વાણિજ્ય ક્ષેત્રના તમામ વિભાગોમાં લેખન.

સંબંધિત લેખો

Back to top button