મધુર નફાની મીઠી મૂંઝવણ..!
ડુંગળીના વેચાણમાં મળેલો બે રૂપિયાનો નફો ક્યાં વાપરવો એની અવઢવમાં છે આ ખેડૂત !
વ્યંગ -ભરત વૈષ્ણવ
પહેલાંના સમયમાં ખેતી ઉત્તમ ગણાતી હતી. વેપાર મધ્યમ અને નોકરીને કનિષ્ઠ ગણવામાં આવતી હતી. હવે આ અગ્રતા ક્રમ ઉલ્ટાઈ ગયો છે. નોકરી કરનારને સરકારના જમાઈનો દરજ્જો મળ્યો છે. સંસ્કૃતમાં જમાઈને સસરાની કુંડળીમાં પડેલ દસમો ગ્રહ કહે છે. સૂર્ય,મંગળ,બુધ, ગુરૂ, શુક્ર કે શનિ સુધ્ધાં સસરાનું કાંઇ સીધી રીતે ઉખાડી શકતા નથી . આઇમીન, બગાડી શકતા નથી. આ ગ્રહો વક્રી કે માર્ગી ચાલે ચાલતા હોય છે, પણ જમાઈ હંમેશાં ત્રાંસો ચાલે છે! ગ્રહો તો ક્યારેક ખાડામાં હોય, પણ જમાઈ દારૂ પીને રોજ રાતે ખાડામાં પડતો હોય એવું પણ બને! શનિની અઢી વરસની ઢૈયા કે વધુમાં વધુ સાડા સાત વરસની પનોતી હોય છે. જમાઈરૂપી પનોતી શાશ્ર્વત હોય છે. ગ્રહોના યોગથી રાજયોગ- ગજકેસરી યોગ બને છે. સસરા માટે જમાઇ કાયમ માટે ભિક્ષુકયોગનું નિર્માણ કરે છે. ચોરની મા કોઠીમાં મોં નાખી રોવે તેમ સસરો જમાઇ શોધીને માથા પટકે છે.
ખેતી કરવી એ લોઢાના ચણા ચાવવા જેવું દુષ્કર કામ છે. સિંચાઈની પૂરતી સગવડ ન હોવાથી ખેડૂતો વરસમાં ખરીફ એટલે કે ચોમાસું પાક જ લઇ શકે છે. બાકી તો ખેડૂતોએ તબલા વાદન કરવાનું…
અમેરિકા કે બીજા દેશોની માફક આપણે ત્યાં મોટાં ખેતરો નથી. ખેડૂતને પેઢી દર પેઢી વારસામાં ખેતરનો વીઘો ગૂંઠો અને જતે દિવસે વાર જેટલી જમીન મળે છે. ભવિષ્યમાં સોયની અણી જેટલી ખેતીની જમીન મળવાની શક્યતા નકારી શકાય નહીં. સોયની અણી જેટલી જમીનમાં પણ ખેડૂતો ત્રણ પાક લેશે- બોરવેલ પણ કરશે અથવા ફાર્મહાઉસ બનાવશે!
ખાતર, બિયારણ, મજૂરી,ડિઝલ, જંતુનાશક દવાના ભાવોમાં અસહ્ય વધારો થતો રહે છે. ખેતપેદાશના પોષણક્ષમ ભાવો ન મળવાના કારણે ખેડૂતો પાસે માત્ર લંગોટી બચી કદાચ ભવિષ્યમાં દિગમ્બરાવસ્થા જેવી ઉચ્ચતમ લબ્ધિ પ્રાપ્ત થાય.
ખાનગી શરાફ પાસેથી લીધેલી ઉછીની રકમના વ્યાજના ખપ્પરમાં ખેડૂત હોમાતો જાય છે. આટલું અધૂરું હોય તેમ આપણે દાઝ્યા પર ડામ કે ઘાવ પર નમક લગાવવાના બદલે એસિડ લગાવી એને જગતનો ‘તાત’ કહીએ છીએ. જગતનો તાત ચીંથરેહાલ અને જગતના લાલ અદાણી – અંબાણી ચિકકાર સંપત્તિમાં આળોટે!
ખેડૂતો પાકની વાવણી દેખાદેખીમાં કરે છે. આ વરસે જીરા,કપાસ, મગફળી ,ડુંગળીના ભાવ વધારે છે તો ગાડરિયા પ્રવાહની જેમ જમીન અનુકૂળ હોય કે ન હોય બધા ડુંગળી, કપાસ, મગફળી, જીરાનું વાવેતર કરે. બીજા વરસે તેની માગ કરતાં પુરવઠો વધી જવાથી ભાવો ઘટી જાય ત્યારે માથે ફાળિયું મૂકીને રોવાનો વારો આવે. ખેતી આકાશી અને પનોતી પાતાળી હોય છે!
ડુંગળીની જ વાત કરીએ તો ડુંગળી સમારવા જતાં ભલભલા નિષ્ઠુર હૃદયની આંખમાંય પાણી આવી જાય છે. સાચ્ચું ન રડતા લોકો રડવા માટે ગ્લિસરીન લગાડીને પલપલિયા પાડે છે. ડુંગળીને ગરીબોની કસ્તૂરી કહે છે. ચમડી છૂટે પણ દમડી ન છૂટે તેવા માણસો ડુંગળીનું ફોતરું પણ છોડતા નથી. ડુંગળી પ્રકૃતિ તામસિક ગણાય છે. ડુંગળીના પડ પરથી તેની તીખાશનો અંદાજ આવતો નથી.
આપણે ખેડૂતોની આવક બમણી કરવાનો ઢોલ તૂટે નહીં ત્યાં લગી વગાડીએ છીએ. ‘કિસાન સન્માન’ના નામે મહિનાના પ૫૦/- રૂપિયા કિસાનના હાથમાં પકડાવીએ છીએ, જે ઊંટ આગળ જીરું મુકવા બરાબર ગણાય. ૨૦૨૨માં ખેડૂતોની આવક બમણી ન થઇ, પરંતુ ખેતી કરવાનો ખર્ચ બમણો થઇ ગયો. શુકર મનાવો કે કાંઇક તો બમણું થયું.. ખેડૂતોને ડબલ માર અબ કી બાર!.
બિચારો બાપડો ફાટેલી ધોતી, જમીનના ચાસ જેવા ચહેરા પર ખાડાવાળો અકાળે વૃદ્ધ થયેલો ખેડૂત ‘નિકાહ’ ફિલ્મનું આ ગીત ગાય છે. ‘દિલ કે અરમાન આંસુઓમેં બહ ગયે, હમ કિસાની કર કે ગરીબ બન ગયે..!’
વચ્ચે એક સમય એવો હતો કે ડુંગળી ખેડૂતોને માલામાલ કરી દેતી હતી, પરંતુ આજે વિપરીત પરિસ્થિતિ સર્જાય છે. વર્તમાન સમયમાં ડુંગળીના ખેડૂતો માલામાલ નહીં પણ કંગાળ થઈ રહ્યા હોવાનું સામે આવ્યું છે, જેમાં ડુંગળીનો પાક લણવા માટેનો ખર્ચ પણ નથી નીકળતો.
જામકંડોરણા તાલુકાના રાયડી ગામના ખેડૂતે તૈયાર થયેલા ડુંગળીના મોલને ઘેટાં-બકરાઓને ચરવા માટે ખુલ્લુું મૂકી દીધું હતું. જૂનાગઢ જિલ્લાના જામકા ગામના ખેડૂત જ્યારે યાર્ડમાં ૫,૮૨૧ કિલોગ્રામ ડુંગળી વેચી અને તેના જે પૈસા હાથમાં આવ્યાં તે જોઈને તેમની આંખમાં પાણી આવી ગયા.ત્રણ મહિનાની તનતોડ મહેનત બાદ નફો તો દૂરની વાત કિલોગ્રામ દીઠ માંડ ૩૫ પૈસા મળ્યા, જ્યારે બીજી ખેપમાં તેમને રૂા. ૭૦ હજારનું નુકસાન થયું.આ જ ગામના બીજા ખેડૂતની હાલત ‘આવ ભાઇ હરખા આપણે બેય સરખા’ જેવી થઇ. કેટલાક ખેડૂત ખેતરમાં જ ‘રોટાવેટર’ (જમીન ખેડાણ માટેનું એક પ્રકારનું યંત્ર) ફેરવી દેવા મજબૂર બની ગયા છે..ખેડૂતોની અવદશા જોઇને કવિ પ્રદીપનું આ ગીત યાદ આવે કે ‘દેખ તેરે સંસાર કી હાલત ક્યા હોઇ કિસાન, કિતના બદલ ગયા બાજાર, કિતના બદલ ગયા બાજાર! ’
આ પણ સાંભળી લો કે સોલાપુર જિલ્લાના એક ગામના રાજેન્દ્ર તુકારામ ચવ્હાણે ડુંગળીના દસ થેલા વેચ્યા હતા અને યાર્ડમાં લઈ જવા, ચડાવવા-ઉતરાવવા અને તોલમાપના ખર્ચને બાદ કર્યા બાદ તેમને બે રૂપિયાનો ચેક આપવામાં આવ્યો હતો... આ બે રૂપિયાનો ચેક વટાવવા માટે એમણે યાર્ડમાં પાછા આવવું પડશે તે લટકામાં!
ખેડૂતને આટલા બધા રૂપિયા ક્યારે અને કયાં વાપરવા તેની ‘મીઠી’ મૂંઝવણ થઇ છે.
અમારી સલાહ એ છે કે ભાઉ, સ્વિસ બેંકમાં ચૂપચાપ જમા કરાવી દે, નહીંતર ઇડી, સીબીઆઈ, ઇન્કમ ટેકસ તને ધમરોળી નાખશે !