ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસીનું આકસ્મિક મોત: હવે શું?
રઈસી વિવાદાસ્પદ હોવા છતાં લોકપ્રિય નેતા હતા. એમના આકસ્મિક મોત માટે ઈઝરાયલ -અમેરિકા તરફ આંગળી ચીંધાઈ રહી છે એ જે રીતે રઈસીના ઉત્તરાધિકારી કોણ બનશે એની ચર્ચા પણ ગરમ છે.
પ્રાસંગિક – અમૂલ દવે
તાજેતરમાં ઇરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસી ઈરાનના અઝરબૈજાનના ભૂપ્રદેશમાં કમનસીબે એક હેલિકૉપ્ટર દુર્ઘટનામાં મૃત્યુ પામ્યા.
ચોંકાવનારી વાત એ છે કે ત્રણ હેલિકૉપ્ટર સાથે ઉડ્યાં, પરંતુ બીજાં બે હેલિકૉપ્ટરને કંઈ થયું નહીં, ને ફક્ત પ્રમુખ રઈસી, ઈરાનના વિદેશ પ્રધાન અમૂીર અબ્દુલ્લાહિયાન જે હેલિકૉપ્ટરમાં સાથે હતા એ જ તૂટી પડ્યું
પ્રમુખ ઈબ્રાહિમ રઈસીવાળા હેલિકૉપ્ટરના અકસ્માત પછી દેશની રાષ્ટ્રીય સુરક્ષા પરિષદ (SNSC) એ ટોચના નેતાઓની બેઠક બોલાવી. ઈરાનના પ્રમુખ ઈબ્રાહિમ રઈસી, વિદેશ મંત્રી હુસૈન અમીર-અબ્દુલ્લાયાન, પૂર્વ અઝરબૈજાનના ગવર્નર મલેક રહેમતી, પૂર્વ અઝરબૈજાનમાં ઈરાનના સર્વોચ્ચ નેતાના પ્રતિનિધિ આયાતુલ્લા મોહમ્મદ અલી-હાશેમ પણ અકસ્માતગ્રસ્ત હેલિકૉપ્ટરમાં સવાર હતા.
હવે આ માત્ર અકસ્માત હતો કે ભાંગફોડ હતી એની લાંબી ચર્ચા શરૂ થઈ ગઈ છે. અનેક લોકો આને ઈઝરાયલ અને અમેરિકાનું કાવતરુ ગણાવે છે, પરંતુ આ બંને દેશે આ વાતને રદિયો આપ્યો છે.
ઈરાનના સર્વેસર્વા એવા પ્રમુખના આઘાતજનક નિધનથી ઈરાનમાં મોટો શૂન્યાવકાશ સર્જાયો છે. રઈસી ઈરાનના ૮૫ વર્ષના સુપ્રીમ લીડર આયાતોલ્લાહ અલ ખોમૈનીના અનુગામી બનશે એવી અટકળો થતી હતી, પરંતુ હવે તો ખોમૈનીના અનુગામીને શોધવાને બદલે રઈસીના અનુગામીને શોધવા ચૂંટણી કરાવવી પડશે.
રઈસી રૂઢિચુસ્ત નેતા હતા અને સર્વોચ્ચ નેતા ખોમૈનીના વિશ્ર્વાસુ હતા. રઈસીના ૨૦૨૧ના વિજય પછી ઈસ્લામિક પ્રજાસત્તાક ઈરાના દરેક ભાગમાં રૂઢિચુસ્તોનું પ્રભુત્વ જમાવ્યું હતું. ન્યાયતંત્રના ૬૩ વષર્ના ભૂતપૂર્વ વડા રઈસી હસન રૂહાનીના અનુગામી બન્યા હતા. જોકે રઈસીનો વિજય વિવાદાસ્પદ રહ્યો હતો. અનેક જાણીતા વિનીત અને મવાળ ઉમેદવારો પર ચૂંટણી લડવા પર એ વખતે પ્રતિબંધ મુકાયો હતો. તદુપરાંત મોટા ભાગના મતદારોએ મતદાન કર્યું જ નહોતું. માંડ ૫૦ મતદાન થયું હતું.
રઈસી સત્તા પર આવ્યા ત્યારે ઈરાનની સામે અનેક પડકારો હતા. ઈરાન સામે આર્થિક સમસ્યાઓ હતી. પ્રાદેશિક તંગદિલીનો સામનો કરવો પડ્યો હતો અને મહાસત્તા સાથેની અણુ-ડિલની વાતચીત ખોરંભે પડી હતી. ૨૦૨૨માં આખા ઈરાનમાં સરકાર વિરોધી દેખાવો થયા હતા. ૧૯૮૦ના દાયકાના રાજકીય કેદીઓને સામૂહિક દેહાંત દંડ આપવામાં આવ્યો એ માટે ત્યાંના નાગરિકો તથા માનવ અધિકારના ચળવળકારો રઈસીને જવાબદાર માને છે.
રઈસીનો જન્મ ઈરાનના બીજા નંબરના મોટા શહેર મશહાદમાં ૧૯૬૦માં થયો હતો. પિતા મૌલવી હતી અને રઈસી વય પાંચ વર્ષની હતી ત્યારે પિતાનું મરણ થયું હતું. ૧૫ વષની વયે મદરેસામાં અભ્યાસ શરૂ કર્યો હતો. વિદ્યાર્થી તરીકે પશ્ર્ચિમના દેશોના ટેકો ધરાવતા રાજા શાહ વિરુદ્ધના દેખાવમાં ભાગ લીધો હતો. શાહને ૧૯૭૯માં ઉથલાવામાં આવ્યા હતા. આ ઇસ્લામિક ક્રાંતિની આગેવાની આયાતુલ્લા ખોમૈની હતી. ક્રાંતિ પછી રઈસી ન્યાયતંત્રમાં જોડાયા હતા અને પ્રોઝિક્યુટર ભૂમિકા ભજવી હતી.
૧૯૮૧માં પ્રમુખ બનેલા આયાતૌલ્લા ખોમૈનીએ એમને ટ્રેનિંગ આપી હતી.રઈસ ૨૫ વર્ષના હતા ત્યારે તહેરાનમાં ડેપ્યુટી પ્રોઝિકયુટર બન્યા હતા. આ પોઝિશનમાં તેમણે ગુપ્ત ટ્રિબ્યુનલમાં એક જજ તરીકે કામગીરી બજાવી હતી. આ સમિતિમાં ચાર જજ હતા અને આ સમિતિ ‘ડેથ કમિટી’ તરીકે ઓળખાઈ હતી. ૮૦૦ જેટલા રાજકીય કેદીઓ તથા ૫૦૦૦ પુરુષ અને મહિલાઓને દેહાંતદંડની સજા આપી હતી.
ઈરાનમાં બુરખો પહેરવા સામેનો વિરોધ કરનાર મહિલાઓને પણ ફાંસીની સજા આપવામાં આવી હતી. આથી જ રઈસી ગુજરી ગયા ત્યારે ઈરાનના અમુક લોકો મનોમન ખુશ થયા હતા.
રઈસીએ અનેક ઉપલબ્ધિઓ પણ મેળવી હતી. રઈસીએ ચીનની મદદથી સુન્નીના આગેવાન દેશ સઉદી અરેબિયા સાથે સંબંધો માર્ચ ૨૦૨૩માં સુધારી લીધા હતા. રઈસીના શાસન હેઠળ જ ઈરાન મિસાઈલ ટેક્નોલોજી અને અણુ કાર્યક્રમમાં કાઠું કાઢ્યું હતું. ઈરાન પાસે ૧૪૨ કિલો ૬૦ ટકાની શુદ્ધતાનું યુરેનિયમ છે. રઈસીએ કરપ્શન સામે પણ યુદ્ધ છેડીને લોકપ્રિયતા મેળવી હતી. ચીન અને રશિયા સાથે મિત્રતા સ્થાપવામાં એમને મોટી સફળતા મળી હતી. તાજેતરમાં પાકિસ્તાનની મુલાકાત લઈને તેની સાથે ગુપ્ત ડીલ કરી હતી.
ઓક્ટોબર ૨૦૨૩માં હમાસે દક્ષિણ ઈઝરાયલમાં અભૂતપૂર્વ આતંકવાદી હુમલો કરીને અનેક ઈઝરાયલીઓને મારી નાખ્યા હતા અને ૧૦૦ જેટલાંને તો હજી બાનમાં પકડી રાખ્યા છે. ઈઝરાયલે આ હુમલાના વિરોધમાં ગાઝા પટ્ટીમાં જોરદાર આક્રમણ કરીને ૩૦,૦૦૦ જેટલા પેલેસ્ટાઈનવાસીઓને મારી નાખ્યા છે. આમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકો છે. પેલેસ્ટાઈનનું સૌથી મોટું ટેકેદાર જ ઈરાન છે. તે જ હમાસને, લેબેનોનમાં હેઝબુલ્લાને અને યમનમાં હૂથીને મદદ કરે છે. ઈઝરાયલે પેલેસ્ટાઈનમાં હવે રાફાહ પર હુમલો કરીને નવો મોરચો ખોલ્યો છે. ઈઝરાયલે વિસ્થાપિત પેલેસ્ટાઈન વાસીઓ જ્યાં આશરો લીધો હતો એ તંબુ પર હુમલો કર્યો હતો. આમાં ૪૫ નિર્દોષ નાગરિકોનાં મોત થયાં છે. આ હુમલાની ભારે આલોચના થઈ છે. ઈઝરાયલે સીરિયાના દમાસ્કસના રાજદૂતાલય પર હુમલો કરીને ઈરાનના ટોચના કમાન્ડરને મારી નાખ્યા એટલે ઈરાન ક્રોધે ભરાયું હતું. ઈરાને ૩૦૦ ડ્રોન અને મિસાઈલથી ઈઝરાયલ પર પ્રતીકાત્મક હુમલો કર્યો હતો. આ હુમલાને ઈઝરાયલે અમેરિકા અને ઈંગ્લેન્ડની મદદથી નાકામયાબ બનાવ્યો હતો. જોકે આને લીધે વર્ષોથી ઈરાન અને ઈઝરાયલ વચ્ચે ચાલતું કોલ્ડ વોર પ્રાદેશિક જંગમાં ફેરવાઈ જાય એવી શંકા ઊભી થઈ હતી.
હવે્ આ ખોટ કઈ રીતે ભરપાઈ થશે ?
આ પ્રશ્ર્નની સાથે એમ પણ પુછાય રહ્યું છે કે રઈસીના અનુગામી કોણ બનશે ?
ઈરાનના ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબરને દેશના હંગામી પ્રમુખ બનાવવામાં આવ્યા છે. ૫૦ દિવસમાં ફરીથી ચૂંટણી કરાવવાની. રઇસીના હેલિકૉપ્ટર ક્રેશ પછી ઈરાનના ટોચના નેતાઓની ઈમરજન્સી બેઠક યોજાઈ એમાં, યુનાઈટેડ સ્ટેટ્સ દ્વારા મંજૂર કરાયેલા એક શક્તિશાળી રાજ્ય-માલિકીના ફાઉન્ડેશનના અધ્યક્ષ મોહમ્મદ મોખબરને તેમના પ્રથમ ઉપપ્રમુખ તરીકે નિયુક્ત કર્યા. મોહમ્મદ મોખબરે વર્ષો સુધી આયતુલ્લા અલી ખોમૈનીના આદેશ પર બાંધવામાં આવેલા ફાઉન્ડેશનનું નેતૃત્વ કર્યું હતું. મોખબરને ૨૦૦૭માં સર્વોચ્ચ નેતા આયાતુલ્લાહ અલી ખોમૈની દ્વારા આ પદ પર નિયુક્ત કરવામાં આવ્યા હતા. મોખબર આયાતુલ્લા અલી ખોમૈનીની નજીકના છે.
ઉપરાષ્ટ્રપતિ મોહમ્મદ મોખબર ઇરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી પછી બીજા સૌથી મોટા રાજનેતા છે જેમનો વહીવટ પર નિયંત્રણ છે. મોહમ્મદ મોખબર ડેઝફુલી ૮ ઓગસ્ટ ૨૦૨૧ થી ઈરાનના ૭મા અને વર્તમાન પ્રથમ ઉપરાષ્ટ્રપતિ છે. એ અગાઉ સિના બેંકના બોર્ડના અધ્યક્ષ અને ખુઝેસ્તાન પ્રાંતના ડેપ્યુટી ગવર્નર હતા. એમની પાસે મેનેજમેન્ટમાં ડોક્ટરેટની ડિગ્રી પણ છે. એણે મેનેજમેન્ટમાં એમએ પણ કર્યું છે.
જુલાઇ ૨૦૧૦માં યુરોપિયન યુનિયને આયાતુલ્લા અલી ખોમૈની સાથે મોહમ્મદ મોખબરને “પરમાણુ અથવા બેલિસ્ટિક મિસાઇલ પ્રવૃત્તિઓમાં કથિત સંડોવણી માટે પ્રતિબંધો લાદતી વ્યક્તિઓ અને સંસ્થાઓની સૂચિમાં ઉમેર્યા. બે વર્ષ પછી આ મંજૂરીએ ઉલ્લેખિત સૂચિમાંથી મોહમ્મદ મોખબરને દૂર કર્યા. ઈબ્રાહિમ રઇસીની જેમ મોહમ્મદ મોખબર પણ કટ્ટરવાદી તરીકે ઓળખાય છે.
રઈસીના અવસાનથી પ્રમુખ બનવા માટે સત્તાવિગ્રહ શરૂ થશે. એ પણ જોવાનું રહે છે કે ચૂંટણીમાં મવૌલ અને પ્રગતિશીલ વિચારો ધરાવતા નેતાઓને ભાગ લેવાની છૂટ અપાય છે કે નહીં. હજી બધી કમાન સર્વોચ્ચ નેતા ખોમૈનીના હાથમાં હોવાથી રઈસીના સ્થાને કોઈ કટ્ટરવાદી અને રૂઢિચુસ્ત નેતા પ્રમુખ બને એ નિશ્ર્ચિત છે. ખોમૈનીના પુત્ર મોજતબા પણ પ્રમુખપદની રેસમાં આવી શકે. જોકે એમને વહીવટી અનુભવ નથી. ચૂંટણી ૨૮ જૂને થવાની છે.