ઈન્ટરવલ

આવા એસ.એમ.એસ. એટલે ઠગીનો ભોગ બનવા માટેનું આમંત્રણ

સાયબર સાવધાની -પ્રફુલ શાહ

તમારું વીજળીનું કનેકશન બે દિવસમાં કપાઈ જશે, એ ચાલુ રખાવવા માટે આપેલી લિન્ક પર ક્લિક કરો.

આપના કે.વાય.સી.માં સમસ્યા હોવાથી ડેબિટ કાર્ડ બ્લોક થઈ જશે. એ સમસ્યાના નિવારણ માટે આપેલ નંબર પર ફોન કરો.

આ સાથે મોકલેલો ઓટીપી અમારી સાથે શેઅર કરો નહિતર ક્રેડિટ કાર્ડ, તાત્કાલિક અસરથી બ્લૉક થઈ જશે.

આવા એસ.એમ.એસ. હજારોના મોબાઈલ ફોનમાં આવે છે. સ્વાભાવિકપણે આવો સંદેશો જોઈને માણસ અસ્વસ્થ થઈ જાય. પછી ફોન કરો તો અંગત વિગત પૂછે. ડેબિટ/ ક્રેડિટ કાર્ડનો નંબર બોલો, કાર્ડના પાછળનો ત્રણ આંકડાનો સીવીસી (અર્થાત્ કાર્ડ વેરિફિકેશન કોડ) આપો. જન્મદિન આપો, સરનામું બોલો.

આવા મેસેજને સાચા સમજીને જો ગંભીરતાથી લીધા તો આફતને આમંત્રણ આપી દીધું એમ સમજો. આ સમજાવટ કે ધાકધમકીથી અંગત માહિતી કઢાવનારા અચૂકપણે ઠગ હોય છે. આ સાયબર ફ્રોડ કલ્પનામાં ન આવે એટલું મોટું નુકસાન કરી બેસતા હોય છે.

એક સમયે એસ.એમ.એસ. અત્યંત સલામત ગણાતા હતા, પણ સ્પર્ધા વધતા બધા હરીફને આંકડામાં, ગ્રાહકોની સંખ્યામાં અને નફામાં વધારે રસ છે. ગ્રાહકોની સલામતી સાથે સમાધાન થાય છે.

એટલે વીજળી કંપની કે બૅંકના નામે મેસેજો આવે તો વીજળીના બિલ પર આપેલા કે બૅંકના નંબર પર ફોન કરીને ચોક્સાઈ થાય એ અનિવાર્ય છે. કદાચ ફોનથી સંપર્ક ન થાય કે કામ ન થાય તો વ્યક્તિગત જઈને પણ સચ્ચાઈ જાણી લેવી. મોટે ભાગે વીજળીના જોડાણ કે ડેબિટ-કાર્ડ આ રીતે બ્લૉક થતાં નથી. એ ખાસ ધ્યાનમાં રાખવું.

સવાલ થાય કે આપણા નામ કે નંબર બનાવટી મેસેજ મોકલનારા પાસે ક્યાંથી પહોંચ્યા? આપણે ઠેકઠેકાણે પોતાની વિગતો અને માહિતી આપવી પડે છે. ક્યાંકથી આ બધું જથ્થાબંધ ભાવે વેચાઈ જાય છે. વચ્ચે કરોડો ભારતીયોની આધાર કાર્ડની માહિતી ડાર્ક વેબ પર ઉપલબ્ધ થઈ ગઈ હતી. અત્યારે ડેટા સૌથી મોટી મિલકત છે. જે વેચનારને ભાગ્યે જ કોઈ મૂડીરોકાણ કરવાનું હોય છે કે જોખમ ઉઠાવવાનું હોય છે.

તમે પોતે આવા એસ.એમ.એસ.થી સાવધાન થઈ જાવ. વડીલો અને કિશોરોને સમજાવો કે આવા મોટા ભાગના મેસેજ એક જાળ છે, છેતરાવવાનું આમંત્રણ છે.

આવા મેસેજ આવે તો કરવું શું?

જાણકારી માટે વાંચી લેવા અને પછી ડિલિટ કરી નાખવાં. સાથે મસ્તીમાં ગણવું દેવ આનંદનું આ ગીત: હર ફિક્ર કો ધૂએ મેં ઉડાતા ચલા ગયા.

A.T.P.(ઑલ ટાઇમ પાસવર્ડ)
સાયબર ઠગીમાં વધુમાં વધુ છેતરપિંડીમાં એસ.એમ.એસ.ને હથિયાર તરીકે વપરાય છે. આ ખાસ યાદ રાખવું.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button