મગજ મંથન : જીવનમાં સફળ થવા માટે બે શક્તિની જરૂર પડે એક સહનશક્તિ ને બીજી સમજશક્તિ
-વિઠ્ઠલ વઘાસિયા
રોજબરોજની ભાગદોડથી તમારું ગુસ્સે થવું સ્વાભાવિક છે. શક્ય છે કે એ દરમિયાન તમારા વર્તનથી નાના બાળકથી માંડીને વૃદ્ધો સુધી કોઈને તો દુ:ખ થયું હોય. તમે જાતે જ સ્વીકારો કે તમારાથી ભૂલ થઈ છે. જેવી તમારી ભૂલ સ્વીકારશો, તમારું વર્તન સંયમિત થઈ જશે. તમને તમારી સહનશીલતાનો અનુભવ થશે. તમારી પ્રતિક્રિયા જવાબ ન આપે.
ક્યારેક એવું બને કે તમે ઘરમાં જાઓ ત્યારે તમારો પુત્ર રડતો હોય. એના કકળાટના કારણે ઘરમાં ઘોંઘાટ થઈ ગયો હોય કે અવ્યવસ્થા સર્જાઈ હોય. આ સમયમાં તમારે પ્રતિક્રિયા તો આપવી પડશે. તમારી પ્રતિક્રિયાથી કોઈને એમ ન લાગે કે તમે એમને જવાબ આપી રહ્યા છો. એમને સહનશીલતાની ભેટ આપો.
ઘણી વખત એવું થાય છે કે ઘરેથી નીકળતી વખતે તમને ભીડભાડ, ઊબડખાબડ રસ્તા, ટ્રાફિક, નિયમોનો ભંગ કરતા લોકોને જોઈને ગુસ્સો આવતો હોય. આજે આ તમામ પરિસ્થિતિ વિરુદ્ધ તમે તમારી જાતને સહનશીલતાની ભેટ આપો. એવું પણ બને કે તમારી પોતાને આપેલી ભેટથી અન્યને ફાયદો થશે. વિશ્ર્વાસ કરો, વિશ્ર્વાસ જીતો.
ઘર હોય કે ઑફિસ અન્ય પર અધિકાર જતાવવાનો પ્રયત્ન ન કરો. કોઈને પણ જબરદસ્તીથી તમારી વાત માનવા મજબૂર ન કરો. તમારી આ સહનશીલતા લોકોનો વિશ્ર્વાસ જીતવા માટે મદદગાર સાબિત થશે.
રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ ક્યારેય અંગ્રેજોને પોતાની વાત માનવા દબાણ ર્ક્યું ન હતું. એમણે માત્ર લોકોને આઝાદી મેળવવા જાગરૂક કર્યા અને લોકોનો વિશ્ર્વાસ જીત્યો.
Also read: મગજ મંથન : દેશની પ્રગતિની સાથે વ્યસનીઓ પણ ‘પ્રગતિ’ના પંથે!
ઑફિસમાં પણ સહનશીલ રહો. ઑફિસમાં તમારી સહનશીલતા લોકો માટે કેટલી મોટી ભેટ સાબિત થઈ શકે છે. કામનો બોજ ગમે તેટલો હોય, પણ તેનાથી પરેશાન ન થાવ અને તીવ્ર પ્રતિક્રિયા ન આપો. આજે તમારું કામ વ્યવસ્થિત રીતે પૂરું કરવા માટે યોજના બનાવો. જરૂરિયાતના હિસાબે તમારા કામને પ્રાથમિકતા આપો, તેનાથી ઘણો ફાયદો થશે.
મૌનને દૂર કરો. કામની વ્યસ્તતાના કારણે તમે તમારી ભાવનાઓ અન્ય લોકો સુધી પહોંચાડી શકતા નથી. આવું મૌન અવિશ્ર્વાસ ઊભો કરે છે. આજે માત્ર પરિવાર જ નહીં, પાડોશીઓ અને મિત્રો વચ્ચે રહેલી મૌનની દીવાલ તોડી નાખો.
આજે એવી વાતો કરો જેમાં તમે તમારી લાગણીઓ વ્યક્ત કરવામાં તકલીફ અનુભવતા હો. જોકે સહનશીલતા અહીં પણ જરૂરી છે. ખાસ કરીને લોકોનો અભિપ્રાય સાંભળતી વખતે તો ખાસ સહનશીલતા જરૂરી છે. એમને માન આપવાનું ન ભૂલો. વ્યવસ્થાનું સન્માન કરો. તમારી આસપાસની દરેક વસ્તુ કે વ્યવસ્થા તમારા મત પ્રમાણે હોય તેવું શક્ય નથી. આવા સમયે અવ્યવસ્થાને કારણે ગુસ્સે થવાનું છોડી દો, કારણ કે તમે એકલા બધાને બદલી શકો તેમ નથી. તમે ખરેખર અવ્યવસ્થા બદલવા માગતો હો તો તેને બદલવાની શરૂઆત કરો. તમારામાં રહેલી સહનશીલતાને પારખીને લોકો તમને જરૂર મદદ કરશે. જોકે તેના માટે તમારે અન્યના વિચારો સાંભળવાની દરકાર રાખવી પડશે, જેમાં પણ સહનશીલતાની જરૂર પડશે.
સહનશીલતાની ચર્ચા થાય ત્યારે આપણા કાન ઊંચા થઈ જાય છે. આપણે વિચારીએ છીએ કે શું આપણાથી અન્યાય, દમન, ભ્રષ્ટાચાર અને આતંકવાદ પ્રત્યે સહનશીલ બનવાની તરફેણ તો નથી કરવામાં આવતીને! તેનો આપણે અસ્વીકાર કરી દઈએ તો પણ સહનશીલતાનું મહત્ત્વનું પાસું ઊભરે છે.
સહનશીલતાનું બૌદ્ધિક પાસું સૌથી મહત્ત્વપૂર્ણ છે. આપણે પોતાની સમજ અનુસાર જે સત્યને પામવાનો દાવો કરીએ છીએ તે અધૂરું જ હોય છે. સમગ્ર સત્ય કોઈના પણ હાથમાં આવતું નથી. ભૌતિક વિજ્ઞાન પણ કોઈ સત્ય અંતિમ હોવાનો દાવો કરતું નથી તેથી બૌદ્ધિક રૂપે વિપરીત વિચાર પ્રત્યે સહનશીલ હોવું જેટલું પ્રજાતંત્રની સફળતા માટે અનિવાર્ય છે તેના
કરતાં પણ વધારે જ્ઞાનના વિકાસ માટે અનિવાર્ય છે.