મજબૂત મનની માયરા ૮ વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનાર સૌથી નાની મુંબઈકર
વિશેષ -વૈદેહી મોદી
મારી દીકરી ફક્ત આઠ વર્ષની છે એટલે થોડોક ડર લાગવો સ્વાભાવિક છે, પરંતુ આપણી ઇમેજિનેશન કરતાં, પણ બાળકો વધારે મજબૂત અને મક્કમ મનોબળ ધરાવતા હોય છે. આ શબ્દો છે એ દીકરીના પપ્પાના જેણે ફક્ત આઠ વર્ષની ઉંમરમાં માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કર્યો.
મુંબઈના મીરારોડમાં રહેતી માયરા રામાવત, ૮ વર્ષની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરનાર સૌથી નાની મુંબઈકર બની છે. ૨૨મી ઑક્ટોબર ૨૦૨૩ના રોજ સવારે ૧૧ વાગ્યે ૫,૩૬૪ મીટર (૧૭,૫૯૮ ફૂટ)ની ઊંચાઈ પર માયરાએ રાષ્ટ્ર ધ્વજ ફરકાવ્યો હતો. માયરાની આ સફર આજથી છ મહિના પહેલા શરૂ થઇ. માયરાને મોબાઇલમાં ટ્રેકિંગના વીડિયો જોવાની આદત હતી અને તે ઘણીવાર તેના માતા -પિતાને કહેતી હતી કે મારે પણ આવી રીતે ટ્રેકિંગ કરવું છે. જો કે તેના પિતા આ બાબતને હસીને ટાળી દેતા હતા. આ સમય દરમિયાન એકવાર માયરા તેના માતા પિતા સાથે કાશ્મીર ફરવા ગઇ જ્યાં તેણે ગેરેજવેલીમાં ઘણા ઉત્સાહ સાથે ટ્રેકિંગ કર્યું અને તેના થોડા સમય બાદ જ સાઉથમાં મુન્નાર જવાનું થયું ત્યાં પણ માયરાએ તેની ઉંમરના બાળકો કરતા ખૂબજ સારું ટ્રેકિંગ કર્યું આ જોઇને તેના પિતાને વિશ્ર્વાસ આવ્યો કે માયરા ટ્રેકિંગ કરી શકે છે.માયરાને આટલી નાની ઉંમરે માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ સર કરવાની ઈચ્છા થઈ માયરાના પિતા અને દાદા તો માની ગયા, પરંતુ માયરાની માતા અને દાદીને ડર હતો કે કંઇ થઇ જશે કે કંઇ વાગી જશે. તેમ છતાં માયરાના પિતા કૃતિષભાઇએ માયરાના સ્વપ્નને સાકાર કરવા માટે ઘરના તમામ સભ્યોને મનાવી લીધા અને પછી શરૂ થઇ એક એવી સફર જે સાકાર થાય તો ઇતિહાસ બની જાય, પરંતુ તેના માટે મહેનતની સાથે સાથે મનોબળ મક્કમ હોવું ખૂબજ જ જરૂરી હતું. સૌ પહેલા તો કૃતિષભાઇએ માયરાની સ્કૂલમાં જઇને વાત કરી જો કે, તેમને સ્કૂલમાંથી સપોર્ટ કર્યો, પરંતુ સ્કૂલને માઉન્ટ એવરેસ્ટ સર કરવા માટેના બેઝ કેમ્પ વિશે વધારે માહિતી નહોતી. અને માઉન્ટ સર કરવા માટેનો સૌથી સારો સમય ઓક્ટોબરથી નવેમ્બરનો હોય છે અને તેજ સમયે માયરાની પરીક્ષા આવતી હતી ત્યારે સ્કૂલે માયરાની ફર્સ્ટ પરીક્ષાના આધારે ફાઇનલ પરીક્ષા આપવાની અનુમતિ આપી દીધી જેના કારણે માયરાનાં માતા-પિતાનો ઘણો ભાર ઓછો થઇ ગયો.
ઘરના સભ્યો અને સ્કૂલ બાદ હવે શરૂ કરવાની હતી માયરાની ટ્રેનિંગ કે જે સૌથી ટફ અને સૌથી વધારે સમય માંગી લે તેવી બાબત હતી. માયરાની માતાએ માયરાનું ડાયટ નક્કી કર્યું અને માયરાના પિતાએ માયરાના મોર્નિંગ વોક, રનિંગ, યોગા ક્લાસ, જોગિંગ, સ્વીમિંગ, ડાન્સ ક્લાસ શરૂ કરાવ્યા જેમાં કૃતિષભાઇએ માયરા નાની હોવાના કારણે તેની સાથે દરેક ક્લાસમાં જવું જરૂરી હતું. આથી તેમણે તેમના બોસને વાત કરી અને તેમના બોસે તેમણે તરત જ વર્ક ફ્રોમ હોમની સુવિધા આપી તેમજ ટાઇમિંગ પણ સેટ કરી આપ્યા આથી કૃતિષ ભાઇ હંમેશાં માયરાની સાથે રહી શકતા હતા. આ તમામ કલાસીસ કરાવવાનું મુખ્ય કારણ એ પણ હતું કે આટલી ઊંચાઇ પર જવાનું હતું ત્યારે માયરાની ફિટનેસ પણ એટલી જ મહત્ત્વની હતી. અને અંદાજે પાંચેક મહિનાની ટ્રેનિંગ બાદ એ સમય આવ્યો કે જ્યારે એવરેસ્ટ માટે નીકળવાનું હતું.
યાત્રાની શરૂઆત થઇ કાઠમંડુના સૌથી ખતરનાક એરપોર્ટ લુકલા પહોંચ્યા જ્યાંથી તેમણે જવાનું હતું રામેછાપ સુધી જે માયરાના
માઉન્ટના સફરની શરૂઆત હતી. લુકલાથી રામેછાપના પહોંચવા માટે ૫ કલાકની સડક યાત્રા કરી અને આ શરૂઆતની યાત્રાથી જ અંદાજ આવી ગયો હતો કે આગળની સફર કેટલી કષ્ટદાયી હશે. જો કે માયરાનું મનોબળ ખૂબજ મજબૂત હતું. માયરાની આ સફર ૧૩૫ કિલોમીટરની હતી તેમાં પણ -૧૫ ડિગ્રી તાપમાન કે જ્યાં સાદું પાણી પણ બરફ સ્વરૂપે મળે. અને રહેવા માટે ટી હાઉસ તરીકે ઓળખાતા ૧૨*૧૨ના નાના લાકડાના બોક્સ કે જેમાં બાથરૂમની પણ વ્યવસ્થા ના હોય ત્યારે નહાવાનું તો અમે વિચારી જ નહોતા શકતા તેમજ જમવા માટે ફક્ત દાળ ભાત કે પછી એવો આહાર મળે કે જેમાં ના તો મીઠું હોય કે પછી ના તો કોઇ મસાલો, પરંતુ જમવું જરૂરી હતું એટલે જમતા હતા. અને વીજળી જેવું તો કંઈ જોવા જ ના મળે ત્યારે કોઇપણ સંજોગોમાં અમારે સાંજે સાત વાગે અમારી યાત્રાને અમે જ્યાં પણ પહોંચીએ ત્યાં રોકવી પડે. ક્રુતિષભાઇ જણાવે છે કે અમે રોજ આઠથી નવ કલાકની સફર ખેડતા હતા. શક્ય ત્યાં સુધી સાંજ પડે અમે કોઇ પણ રહેણાંક વિસ્તારમાં પહોંચવાનો ટારગેટ રાખતા જેથી કરીને સૂવાની વ્યવસ્થા થઇ શકે.
ટ્રેક દરમિયાન, માયરાને બે વાર બ્રેકડાઉન થયા અને તે ખૂબ રડતી હતી કારણ કે સીધું અને સખત ચડાણ હવે માયરાને ડરાવી રહ્યું હતું. જેના કારણે બેઝ કેમ્પ પહોંચવાના એક દિવસ પહેલા ગોરક્ષેપ ગામમાં માયરા બીમાર પડી. તેને રાત્રે ખૂબ તાવ આવ્યો અને ઉલ્ટી થવા લાગી જેમ જેમ અમે ઊંચાઈએ પહોંચતા ગયા તેમ તેમ હવામાં ઓક્સિજનનું સ્તર પણ ખૂબ જ ઓછું થવા લાગ્યું હતું આથી તેને રાત્રે શ્ર્વાસ લેવામાં પણ તકલીફ પડવા લાગી હતી. જો કે એટલી હવે ફક્ત ચાર કલાકનો જ રસ્તો બાકી હતો અને માયરાની માતાએ જાણે મોરચો સંભાળ્યો, માયરાની માતાએ માયરાને એ તમામ બાબતો યાદ કરાવી જે તે ઘરે કહેતી હતી. કે તેને બાળકો માટે પ્રેરણા બનવું છે, તેના દાદા-દાદીને કહેવું છે કે બાળકો પણ બધું જ કરી શકે છે. માયરાની માતાએ પોતાના શબ્દોથી ફરી માયરામાં સ્ફૂર્તિ ભરી દીધી અને એમ પણ આપણા ગુજરાતીઓની ગૃહિણી આખા ઘરને સંભાળી લે તો એક દીકરીને તો સંભાળી જ શકે. અને પછી માયરાએ ટોચ પર પહોંચવા માટેની છેલ્લી સફર શરૂ કરી અને ૨૨ ઓક્ટોબરના રોજ સવારે ૧૧ના સુમારે એવરેસ્ટ બેઝ કેમ્પ પર પહોંચ્યા.
૧૨ દિવસની આ યાત્રા બાદ જ્યારે માયરા અને તેનાં માતા-પિતા બેઝ કેમ્પ પરથી નીચે પહોંચ્યાં ત્યારે સૌ પહેલા તેઓ કલાક સુધી નહાયા કારણકે તેમને છેલ્લા બાર દિવસથી ક્યાંય નહાવાનો મેળ નહોતો પડ્યો અને પછી તેઓ ધરાઇને ઇન્ડિયન ફૂડ જમ્યા. જ્યારે માયરા તેના ઘરે પહોંચ્યા ત્યારે તેનું ગ્રાન્ડ વેલકમ કરવામાં આવ્યું હતું.
માઉન્ટ એવરેસ્ટ બેઝ કેમ્પ પહોંચેલી માયરાનું સ્વપ્ન ૨૫ વર્ષની ઉંમર સુધીમાં માઉન્ટ એવરેસ્ટ સર કરવાનું છે. માયરા જણાવે છે કે અમે બાળકો છીએ પરંતુ અમને કોઇનાથી ઓછા આકવાની ભૂલ ના કરશો.