ઈન્ટરવલ

અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી

આક્રમણ – અભ્યાસ – આકાંક્ષા
અલગ અંદાજના શાયર શકીલ બદાયૂંનીસાહેબ લખી ગયા છે કે ‘અપની આઝાદી કો હમ હરગીઝ મિટા સકતે નહીં, સર કટા સકતે હૈં લેકિન સર ઝુકા સકતે નહીં.’ સવા બે વર્ષથી મહાકાય રશિયન આક્રમણ અને અત્યાચાર સહન કરી રહેલા ટચૂકડા દેશ યુક્રેનના નાગરિકો આ પંક્તિના ભાવાર્થને બરાબર પચાવી ગયા છે. પંખીઓના કલરવ વચ્ચે જીવવા ટેવાયેલાં બાળકોને હવે ગોળીબાર અને બોમ્બમારાના અવાજની આદત પડી ગઈ છે. રશિયન આક્રમણમાં અનેક શાળા ઉધ્વસ્ત થઈ ગઈ છે. આજનો બાળક આવતી કાલનો નાગરિક છે એ ભાવનાને સમજતા યુક્રેન વાસીઓએ એક શહેરમાં અંડરગ્રાઉન્ડ સ્કૂલ બાંધી અભ્યાસ અવિરત રાખવાની કોશિશ કરી. આ પ્રયાસને આવકાર મળ્યા પછી તાજેતરમાં એક શહેરના સબ-વે સ્ટેશનોમાં વિદ્યાર્થીઓના વિદ્યાભ્યાસની વ્યવસ્થા કરવામાં આવી છે. અહીં ૨૦૦૦ બાળકો શિક્ષણ મેળવી રહ્યાં છે. અઠવાડિયામાં અમુક દિવસ આ નવતર શાળામાં શિક્ષણ મેળવ્યા પછી બાળકો માટે ઘરે બેઠા ઓનલાઈન ભણતરનો વિકલ્પ ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જનતાની આ જવાંમર્દી સામે રશિયાના પુતિનની બધા જ પ્રકારની કોશિશ પાણી ભરે છે.

શરીરને સાંભળો, સમસ્યાને સમજો
આજના દોરમાં સતત દોડભાગ કરતો માનવી શરીર પાસે મન ફાવે એવું અને એટલું કામ લઈ લે છે, પણ એ શરીરની ફરિયાદ કે જરૂરિયાત સાંભળવાની ફૂરસદ એની પાસે નથી. એની સામે આંખ આડા કાન કરવામાં આવે એવી પરિસ્થિતિ પણ જોવા મળે છે. શરીર એટલું સ્માર્ટ હોય છે કે કશું અજુગતું દેખાય એટલે ભયસૂચક ઘંટડી અવશ્ય વગાડે છે. જો કે, કમનસીબે મોટાભાગના લોકો એ સાંભળી નથી શકતા અને અણસાર આવે તોય અવગણના કરતા હોય છે. જાણીતી ફિલ્મ અભિનેત્રી શિલ્પા શેટ્ટીની બહેન શમિતા શેટ્ટીએ સોશિયલ મીડિયા વીડિયો શેર કરી પોતાની સર્જરીની વાત કરી અન્ય મહિલાઓને સાવધ રહેવા અપીલ કરી હતી.
એની વાત સાંભળીને સમજવા જેવી છે. શમિતા જણાવે છે કે ‘સમગ્ર નારીઓને મારી નમ્ર વિનંતી છે કે શરીરમાં કોઈ પણ પ્રકારનો દુખાવો થતો હોય તો બેદરકાર નહીં રહેતા. શરીરને સાંભળો અને સમસ્યાને સમજો. દરકાર રાખવાથી સંભવિત તકલીફથી ઊગરી જવાય છે.’

પેટ કરાવે વેઠ, નહીં કોઈ મીનમેખ
પેટનો ખાડો પૂરવા માણસ કોઈ પણ ખાડામાં ઊતરવા તૈયાર થઈ જતો હોય છે. ઓટલા વિના ચાલે, પણ રોટલાનો વેંત તો કરવો જ પડે. એમાં મીનમેખ ન થાય. સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા એક વીડિયોમાં મૂછનો દોરો હજી માંડ ફૂટ્યો હશે એવો તરુણ જે કરી રહ્યો છે એ જોઈ અશક્ય શબ્દમાંથી ‘અ’ કઈ રીતે દૂર કરી શકાય એ સમજાય છે.
આ વીડિયોમાં મજૂરી કરતો તરુણ અત્યંત ચપળતાથી માથા પર એક પછી એક એમ બે ડઝનને માથે બે (૨૬) ઈંટ ગોઠવી દે છે. એનું અચરજ શમે એ પહેલાં મુકાદમ બીજી બે ઈંટ ગોઠવી દેતા તરુણના માથે ૨૮ ઈંટનો બોજો આવે છે , જે યોગ્ય જગ્યાએ મૂકી બીજી ૨૮ ઈંટનો ભાર વેંઢાર વા તરુણ સજજ છે.
પેટ કરાવે ‘વેઠ’ એ આનું નામ , કારણ કે આટલું વજન માથા કે મગજ માટે સમસ્યા સર્જી શકે છે અને ઇંટ પડી તો ગંભીર ઈજા પણ થઈ શકે છે. જવાબદારી બોજ બની જતા વાર નથી લાગતી. વીડિયો જોનારાઓની એક આંખમાં તરુણની હિંમત માટે આદર ડોકિયાં કરતો હશે,જ્યારે બીજી આંખ લાગણીથી ભીની બની ગઈ હશે. જરૂરિયાત અને લાચારીને પાકા બહેનપણાં છે ખરેખર !

‘આત્માનાં લગ્ન’ માટે આમંત્રણ
શિક્ષણ, સાયન્સ અને સમજણની ત્રિરાશિ જીવન વિકાસમાં મહત્ત્વની ભૂમિકા ભજવે છે એવી માન્યતા છે. મહદઅંશે એ સાચી પણ છે. જો કે, આ અજબ દુનિયામાં એવી ગજબ ઘટના બનતી હોય છે કે મગજ ચકરાવે ચડી જાય. વિદ્યા- વિજ્ઞાન ને વહેમનો ગજબનાક ત્રિકોણ અચરજ-આઘાત ને અવિશ્ર્વાસ ઊભા કરી દે છે. ૮૩ ટકા સાક્ષરતા દર ધરાવતા કર્ણાટકના પુત્તુર ગામના એક પરિવારે ૩૦ વર્ષ પહેલા શિશુ અવસ્થામાં મૃત્યુ પામેલી પુત્રીને પરણાવવા જાહેરખબર આપી છે , જે ચર્ચાનો વિષય બની છે. વાત એમ છે કે પરિવાર પારાવાર પરેશાની અનુભવી રહ્યો છે. એના માટે કુંવારી દીકરીનું મૃત્યુ અને એનો ‘ભટકતો આત્મા’ જવાબદાર હોવાના વહેમના વમળમાં ફસાયો છે. પુત્રીના આત્માની શાંતિ માટે એનાં લગ્ન કરાવી દેવા એવું પરિવારને પઢાવી દેવામાં આવ્યું છે. એના માટે ૩૦ વર્ષ પહેલા મૃત્યુ પામેલા યુવકની તલાશ છે. જાહેરખબરમાં જણાવાયું છે કે ૩૦ વર્ષ પહેલાં મૃત્યુ પામેલી ક્ધયા માટે ૩૦ વર્ષ પહેલાં અવસાન પામેલા મુરતિયાની જરૂર છે. સંબંધિતોએ ‘આત્માનાં લગ્ન’ માટે અહીં આપેલા નંબર પર સંપર્ક કરવો.’ જો કે, એ જ ઉંમરનો અને એ જ જ્ઞાતિનો ઉમેદવાર ન મળી રહ્યો હોવાથી પરિવાર દુ:ખી દુ:ખી થઈ ગયો છે. વિજ્ઞાન અને વિદ્યા વચ્ચે વહેમ કંઈ રીતે ઘૂસી જતો હશે?!

અંતિમયાત્રામાં ફેશનદાદીમાનું લેસન
૯૪ વર્ષનાં દાદીમા સોશિયલ મીડિયા પર છવાઈ ગયાં છે. સવા કરોડ ચાહકો ધરાવતા અમેરિકાના કનેક્ટિકટ રાજ્યના રહેવાસી શ્રીમતી લીલીયન ડ્રોનિઆકે કલ્પના ન કરી શકાય એવા કારણસર અફાટ લોકપ્રિયતા મેળવી છે. ઢળતી ઉંમરે યુવાનોને આકર્ષણ થાય એવા ફેશનના વીડિયોમાં દાદીમા સિલ્વર કલરના ચિતરામણવાળું બ્લેક સ્વેટર અને લાંબા પેન્ટ પહેરી ડાન્સ કરતા નજરે પડે છે. સાથે સોનેરી ફ્રેમના ચશ્મા અને સ્વેટર સાથે મેચિંગ બ્લેક પર્સ અને સૌથી વધુ ધ્યાન ખેંચતા ડિસ્કો બોલના આકારના ઈયરરિંગ્સ સાથે ડાન્સ કરી રહ્યાં છે. રખે એવું સમજતા કે કોઈ જબરદસ્ત પાર્ટી માટે આ તૈયારી છે. આ તો પોતાની પ્યારી સખીનીઅંતિમયાત્રા માટેનો ડ્રેસ છે, જેનેએમણે ‘આઉટફિટ ઓફ ધ ફ્યૂનરલ’ (અંતિમયાત્રા માટેનો પહેરવેશ) એવું નામ આપ્યું છે. દિવંગત સખીને ગમતી સમજાવટ કરી હોવાનો ખુલાસો પણ એમણે કર્યો છે. દાદીમાના આ ગેટઅપ પર અનેક લોકો ઓવારી ગયા છે. એક યુવાન સ્ત્રીએ પ્રતિક્રિયા આપી કે ૯૦ વર્ષની થાઉં ત્યારે એમના જેવો મારો સ્વભાવ હોય તો મને બહુ ગમશે. એક મહિલાએ તો દાદીમાના ઓવારણાં લઈ ‘મારી અંતિમયાત્રામાં તમારે આવા જ ઉત્સાહ સાથે આવવાનું છે’ એવું આમંત્રણ પણ પાઠવી દીધું છે.
આને કહેવાય ઉંમર ઘડપણની, ઉમંગ યુવાનીનો !

લ્યો કરો વાત!
સાંસારિક જીવન વધુ સરળ અને સુગમ બનાવવા પુરુષ પરણેતર લાવતો હોય છે. યુરોપ અને એશિયામાં વહેંચાયેલા અઝરબૈજાનમાં તો દેશ ચલાવવામાં સરળતા રહે એ માટે પ્રેસિડેન્ટ ઇલ્હામ એલિયેવએ પત્નીને જ વાઈસ પ્રેસિડેન્ટ બનાવી છે. આજની તારીખમાં વિશ્ર્વનો આ એકમાત્ર દેશ છે જેના રાષ્ટ્રપતિ અને ઉપરાષ્ટ્રપતિ એક જ ઘરમાં રહે છે.અઝરબૈજાનમાં અગાઉ વાઈસ પ્રેસિડેન્ટનું પદ જ નહોતું. મિસ્ટર એલિયેવએ જનહિતમાં પદ ઊભું કરી ઘરવાળીને બેસાડી દીધી છે. અગાઉ આર્જેન્ટિનામાં (જુઆન પેરોન – ઈઝાબેલ પેરોન) અને નિકારાગુઆ (ડેનિયલ ઓર્ટેગા – રોઝારિયો ઓર્ટેગા)માં પતિ અને પત્ની દેશના પ્રથમ બે સર્વોચ્ચ હોદ્દા પર બિરાજમાન હોય એવું બન્યું હતું.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
આ અભિનેત્રીઓએ પણ લગ્ન માટે સ્વીકાર્યો છે મુસ્લિમ ધર્મ શું આ ડ્રાયફ્રૂટ ખાવાથી વધે છે કોલેસ્ટ્રોલ? ચાલો જાણીએ હકીકત… દહીં સાથે ક્યારેય નહી ખાવી જોઇએ આ ચીજ, સ્વાસ્થ્યને થાય છે નુક્સાન તમારા Mobilephoneમાં પણ દેખાય છે આ સાઈન તો સાવધાન…