અજબ ગજબની દુનિયા: જાણો દુનિયાભરની અવનવી વાતો
હેન્રી શાસ્ત્રી
પિયા મિલન કો જાના…
પ્રેમ શાશ્ર્વત ભાવના છે. પ્રેમિકાનાં મિલન માટે તરસતા હૈયા માટે ૮૫ વર્ષ પહેલાં પંકજ મલિકના સ્વરમાં ‘પિયા મિલન કો જાના, જગ કી લાજ, મન કી મૌજ, દોનોં કો નિભાના’ રજૂ થયું હતું. આજે અરિજિત સિંહ એન્ડ કંપનીના ગીતના શબ્દો, એની સ્વરરચના બદલાયાં છે, પણ મિલન માટેની એ તડપ ને એ તરસ અકબંધ છે. માણસ જ નહીં, અન્ય પ્રાણીઓમાં પણ પ્રેમની સરિતા કે ઘૂઘવતા સાગરનાં દૃષ્ટાંત જોવા મળે છે.
દિવાળી દરમિયાન જોની નામનો વાઘ ૩૦ દિવસમાં ૩૦૦ કિલોમીટર અભિસારણ (પ્રેમિકાને મળવાનો પ્રવાસ) કરી મહારાષ્ટ્રના નાંદેડથી તેલંગાણા સુંવાળો સહવાસ મેળવવા પહોંચી ગયો હતો. થલ (જમીન) પછી જલનાં પ્રાણી હમ્પબેક વ્હેલએ ‘હમ તેરે બિન અબ રહ નહીં સકતે’ ગણગણી ત્રણ સમુંદર પાર કરી પાત્ર મેળવવા સાઉથ અમેરિકાના કોલંબિયાથી આફ્રિકાના ઝાંઝીબાર સુધીની ૧૩ હજાર કિલોમીટર જળયાત્રા કરી.
પ્રાણી વિશ્ર્વની અજબ દુનિયાની ગજબ ઘટનાઓનો અભ્યાસ કરતાં વૈજ્ઞાનિકોએ આ અવનવી ઘટના જગત સામે મૂકી છે. ૨૩ વર્ષ પહેલાં માદા હમ્પબેક વ્હેલએ બ્રાઝિલથી મડાગાસ્કર સુધીનું ૯૮૦૦ કિલોમીટરનું અંતર કાપી ‘બસ એક સનમ ચાહીયે, આશિકી કે લિયે’ની ભાવના ઉજાગર કરી હતી. ૧૩ હજાર કિલોમીટરનું અંતર કાપનાર વ્હેલ નર છે. તો શું પ્રેમની ઉત્કટતા માદા કરતા નરમાં વધુ હોય છે?
વિચારવા જેવું ખરું!
એક જ વાર જમજો, બે હજારની પ્લેટ છે!
સોશિયલ મીડિયાના જમાનામાં હવે લગ્નની કંકોતરીના રિવાજની બાદબાકી થઈ ગઈ છે. હા, સેમ્પલની કે શુકનની બાર – પંદર છાપવામાં આવે છે ખરી.
ઉત્તર ભારતના એક લગ્નની સોશિયલ મીડિયામાં વાયરલ થયેલી ત્રણ કાર્ડ ધરાવતી કંકોતરી રમૂજનો વિષય બની છે. આમંત્રણ આપતાં RSVP માટે ‘રિશ્તેદાર સારે વહી પકાઉ’ આવું લખી હાંસી ઉડાડવામાં આવી છે. મામા-મામીની બાજુમાં લખવામાં આવ્યું છે કે ‘મામેરું આ લોકો કરવાના હોવાથી તેમનાં નામ સૌથી ઉપર રાખ્યાં છે.’ કાયમ નારાજ રહેતા ફુઆ અને ફોઈ માટે ‘કંકાસના ઘરેલુ નિષ્ણાત’ એવી વ્યાખ્યા કરવામાં આવી છે.
મહત્ત્વની સૂચના હેઠળ એવી રજૂઆત કરવામાં આવી છે કે ‘કોઈ ગિફ્ટ આપવી નહીં. ‘ગૂગલ પે’ અથવા રોકડા જ આપવા.’
કાર્ડના બીજા હિસ્સામાં જણાવ્યું છે કે ‘લગ્નમાં જરૂરથી પધારજો, કારણ કે તમે નહીં આવો તો લગ્નના જમણવારની બદનામી કોણ કરશે?’ થોભો, હજી હસવાનું બાકી છે.
વર-વધૂના નામની બદલે ‘શર્માજી કી લડકી’ (પઢાઈ મેં તેજ) અને ‘ગોપાલજી કા લડકા’ (બી. ટેક. કરકે દુકાન સંભાલતા હુઆ) એવું લખવામાં આવ્યું છે. હાઈલાઈટ હવે આવે છે: રિસેપ્શનના આમંત્રણ નીચે લખવામાં આવ્યું છે કે ‘જરૂર જમીને જજો, પણ એક જ વાર – પ્લેટ બે હજાર રૂપિયામાં પડી છે.’ આવું કાર્ડ વાંચ્યા પછી લગ્નમાં કેટલા લોકો જશે એ અટકળનો વિષય છે. જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન પ્રેમગીતમાં જાવેદ અખ્તરે અત્યંત મુલાયમ પંક્તિઓ લખી છે: ‘ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન, જબ પ્યાર કરે કોઈ તો દેખે કેવલ મન.’ યુએસએના ફિલાડેલ્ફિયા શહેરમાં રહેતાં ૧૦૦ વર્ષના દાદાજી બર્ની લિટમન અને ૧૦૨ વર્ષનાં માર્જોરી દાદીમા આ પંક્તિઓ જીવી જાણ્યાં છે. આયુષ્યની સદી વટાવ્યા પછી ૨૦૨ વર્ષની સંયુક્ત ઉંમર ધરાવતા દાદા-દાદી પ્રભુતામાં પગલાં માંડી પ્રેમની દુનિયામાં અને ‘ગિનેસ બુક ઑફ વર્લ્ડ રેકોર્ડસ’ માં અંકિત થઈ ગયાં છે. મિસ્ટર બર્ની અને મિસિસ માર્જોરી પરિણીત હતાં, પણ ૬૦ વર્ષના વૈવાહિક જીવન પછી દાદા અને દાદીમાએ પોતપોતાના જીવનસાથી ગુમાવી દીધા.
એકલવાયું જીવન જીવતાં દાદા-દાદી વડીલો માટેના કમ્યુનિટી સેન્ટરમાં રહેવા આવ્યાં. પોતપોતાની એકલતા ટાળવા હમઉમ્ર અને સમદુખિયા વચ્ચે મનમેળાપ થાય એ સ્વાભાવિક હતું. મૈત્રી પ્રીતિમાં પરિણમી અને પ્રેમનું રૂપાંતર પરિણયમાં થયું. ‘જીવન મેં પિયા તેરા સાથ રહે, હાથો મેં તેરે મેરા હાથ રહે’નો સાક્ષાત્કાર જીવનમાં થાય એ મિલનની ઉચ્ચ ક્ષણ હોય છે.
સ્યુસાઈડ હોમ્સ: ધરતીમાતા રક્ષા કરશે શ્રદ્ધા – અંધશ્રદ્ધા વચ્ચે એટલી પાતળી રેખા હોય છે કે સીમા ઉલ્લંઘન થયું હોવાનો ખ્યાલ પણ નથી આવતો. સાઉથ અમેરિકા (બ્રાઝિલ, આર્જેન્ટિના, મેક્સિકો ઇત્યાદિ)ના બોલિવિયા નામના દેશના સૌથી વધુ વસતિ ધરાવતા એલ આલ્તો (EI ALTO) શહેરની તાજેતરની ઘટના એના પર સર્ચ લાઈટ ધરવાનું કામ કરે છે.
વાત એમ છે કે પર્વતીય વિસ્તારમાં વસેલા આ શહેરને ક્લાઈમેટ ચેન્જ અને એને પગલે પડતા ધોધમાર વરસાદની એટલી ખરાબ અસર થઈ છે કે અનેક રહેવાસીઓનાં ખડક પરનાં ઘર નીચેની જમીન ધીરે ધીરે સરકી રહી છે. આખેઆખા ઘર ખીણમાં ધબાય નમ: થવાના ભયની લટકતી તલવાર વચ્ચે લોકો જીવે છે. આ કારણસર એમનાં ઘર ‘સ્યુસાઈડ હોમ્સ’ – આત્મઘાતી ઘર તરીકે ઓળખાય છે.
સ્થાનિક રહેવાસીઓ ધરતી માતાની દેવી તરીકે પૂજા-અર્ચના કરે છે. શહેરના મેયર સંભવિત જીવલેણ જોખમ જાણતા હોવાથી રહેવાસીઓને સ્થળાંતર કરવા સમજાવી રહ્યા છે, પણ પ્રજા ટસની મસ થવા તૈયાર નથી. આંગણામાં અગ્નિ પ્રગટાવી ધરતી માતાને અર્ઘ્ય આપી સાફ સાફ શબ્દોમાં કહી દે છે કે ‘અમે અહીંથી હલવાના નથી. જમીન ધસી નહીં પડે, કારણ કે અમે એની સેવામાં સમર્પિત છીએ. અમને ખાતરી છે કે ધરતીમાતા અમારું રક્ષણ કરશે.’
આને કહેવાય જબરી શ્રદ્ધાલ્યો કરો વાત!
ક્રિકેટ ઑક્શન આંકડાથી આંખો અંજાઈ ગઈ હોય તો આ વાંચો. ગયા અઠવાડિયે અમેરિકામાં જુઆન સોટો નામના બેઝબોલ ખેલાડીને ૧૫ વર્ષ માટે ૭૬૫ મિલિયન ડૉલર (૬૩ અબજ ૫૦ કરોડ રૂપિયા)ની કિંમતે ‘ખરીદવામાં’ આવ્યો. અમેરિકામાં બાસ્કેટબોલની રમતમાં પણ આવા અઢળક પૈસા મળે છે. જેસન ટેટમ નામના ખેલાડી સાથે પાંચ
વર્ષ માટે ૨૮૫ મિલિયન ડોલર (આશરે ૨૩ અબજ ૬૦ કરોડ રૂપિયા) આપી કૉન્ટ્રેક્ટ કરવામાં આવ્યો છે.
આ વર્ષની ફૂટબોલ સિઝનમાં ફૂટબોલ પ્લેયર લિયોનલ મેસીને ૨૦.૪ મિલિયન ડૉલર ચૂકવવામાં આવ્યા. મેસીએ સિઝનમાં ૨૦ ગોલ કર્યા જેનો અર્થ એ થયો કે એક ગોલ કરવાના એક મિલિયન ડૉલર (૧૦ લાખ ડૉલર) મળ્યા…!