અજબ ગજબની દુનિયા

હેન્રી શાસ્ત્રી
બજેટ 10 કરોડ, ખર્ચ શૂન્ય 150 – 200 કરોડનો પ્રોજેક્ટ હોય પણ વિલંબ થવાને કારણે કે અન્ય કોઈ કારણસર એ પૂરો થાય ત્યાં સુધીમાં 500 – 600 કરોડ અને ક્યારેક તો એથી પણ વધુ ખર્ચ થયો હોવાના અનેક કિસ્સા તમે વાંચ્યા – સાંભળ્યા હશે. આમાં સમયની બરબાદી તો અલગ.
ચેક રિપબ્લિક નામના દેશમાં 10 કરોડનું બજેટ એક બંધના બાંધકામ માટે નક્કી કરવામાં આવ્યું હતું, પણ છેલ્લા સાત વર્ષથી એક યા બીજા કારણસર પ્રોજેક્ટ અટવાઈ ગયો હતો. ‘બીવર’ તરીકે ઓળખાતા અને જમીન તેમજ જળમાં રહેતા તીણા દાંતવાળા સસલું અને ઉંદરના વર્ગના પ્રાણીએ ગજબની કમાલ કરી છે. આ પ્રાણી નદીના વહેણને અટકાવવા વૃક્ષની ડાળીઓની આડશ ઊભી કરવા માટે જાણીતું છે. જોગાનુજોગ, જે વિસ્તારમાં ચેક રિપબ્લિકના નાગરિકોને પાણીના વહેણની સમસ્યા હતી ત્યાં જ આઠ ‘બીવરોએ’ ‘સાથી હાથ બઢાના’ કોરસમાં ગાઈને માત્ર બે જ દિવસમાં બંધનું કામ પૂરું કર્યું અને રાતી પાઈ પણ ખર્ચ પેટે માગી નહીં. આમેય મૂંગું પ્રાણી, કૌભાંડમાં બિચારું શું સમજે?!
પ્રેમ વ્યક્ત કરવા પૈસા લાગે ગીતોમાં ભલે કહેવાતું હોય કે ‘પ્યાર કો ચાહિએ ક્યા એક નઝર એક નઝર’, આજના જમાનામાં પ્રેમ અને પૈસાને સીધો સંબંધ છે. મુરતિયાનો સ્વભાવ કે એના પરિવાર કરતાં એની ઈન્કમ, એની પ્રોપર્ટી અને પૈસા ઊભા કરી શકવાની એની ક્ષમતા અનુસાર પ્રેમ પરિણયમાં પરિણમે છે. ગયા શુક્રવારે વેલેન્ટાઈન્સ- ડે હતો ત્યારે આપવામાં આવેલી ચોકલેટ ગર્લફ્રેન્ડ માટે કેટલો ઊંડો પ્રેમ છે એ જ કેવળ નક્કી નહોતી કરતી. ચોકલેટ બનાવવા માટે વપરાતા કોકો બીન્સના ભાવ છાપરું ફાડીને ઉપરની દિશામાં ગયા હોવાથી ચોકલેટની ખરીદી બોયફ્રેન્ડનું ખિસ્સું કેટલું ઊંડું છે એ પણ નક્કી કરતી હતી.
2022માં કોકો બીન્સનો ભાવ બે હજાર ડૉલર ટન દીઠ હતો, જે આજની તારીખમાં વધી 10 હજાર ડૉલર પર પહોંચી ગયો છે. અનેક ચોકલેટ ઉત્પાદકોએ પ્રેમનો વિરહ સહન કરી શટર પાડી વેલેન્ટાઈન્સ – ડે નિમિત્તે ચોકલેટ તૈયાર કરવાનું માંડી વાળ્યું. આમેય આજે પ્રેમને દિલ સાથે ઓછો, દિલની આગળ રહેલા ખિસ્સા સાથે વધુ નિસ્બતનો જમાનો છે. બીકનો પણ વારસો હોય કોંક્રિટ જંગલોમાં રહેતા લોકોને સાપ કે કરોળિયાનો સામનો ભાગ્યે જ કરવો પડે છે. અલબત્ત, સાપ સામે ફેણ ફુલાવીને બેઠો છે કે કરોળિયો હાથ પર ચડી આવ્યો છે એવા વિચાર માત્રથી ધ્રુજારી છૂટી જતી હોય છે.
આ વિષયમાં સંશોધન કરનારાઓનું તારણ છે કે બાળકોમાં પણ આવું જોવા મળે છે. સાવ નાની ઉંમરના શિશુઓ જેમને સાપ કે કરોળિયો શું કહેવાય એની જાણ સુધ્ધાં નથી હોતી એમને આ પ્રાણીઓનાં ચિત્રો દેખાડવામાં આવ્યાં ત્યારે એમની આંખની કીકીઓમાં ભય ડોકિયાં કરતો હોવાનું અનુમાન નીકળ્યું હતું. જોકે, વિચિત્ર વાત એ છે કે આ શિશુને ગેંડો, રીંછ કે અન્ય ભયાનક પ્રાણીઓનાં ફોટા દેખાડ્યા ત્યારે એમની આંખોમાં ડર નહોતો દેખાયો. 30 વર્ષ પહેલા આવેલી ‘બેબીઝડે આઉટ’ ફિલ્મમાં નવ મહિનાનું બાળક મહાકાય ગોરીલાને જોઈ ખીલખીલાટ કરે છે એવો સીન હતો. આનું તારણ એવું કાઢવામાં આવ્યું છે કે સાપ અને કરોળિયાનું માનવજીવન સાથેનું સહ અસ્તિત્વ છ કરોડ વર્ષ જૂનું હોવાથી ઉત્ક્રાંતિ દરમિયાન એ ડર કે ભય મગજમાં વણાઈ સ્થાયી થઈ ગયો હશે.
તકલીફો ધોઈ નાખવાનું વોશિંગ મશીન ‘ગમ ઔર ખુશી મેં ફર્ક ન મેહસૂસ હો જહાં, મૈં દિલ કો ઉસ મકામ પે લાતા ચલા ગયા’ પંક્તિમાં સાહિર લુધિયાનવીએ બહુ અદ્ભુત વાત કરી છે, પણ એ પંક્તિ વાંચવી અને માણવી સહેલી છે, જીવનમાં ઉતારવી બહુ અઘરી છે. વિષમતાથી વીંટળાયેલા રહેતા આજના માનવીના ચહેરા પર ખડખડાટ હાસ્ય તો ઈદના ચાંદ જેવું અલભ્ય બની ગયું છે કે શું એવો વિચાર આવી જાય છે.
યુગોસ્લોવિયામાંથી 1991માં છૂટા પડી સ્વતંત્ર દેશ બનેલા યુરોપિયન દેશ ક્રોએશિયામાં જીવનમાં રહેલી નેગેટિવિટી ભગાડવા એક લાફ્ટર મ્યુઝિયમ બનાવ્યું છે. ‘હા હા હાઉસ’ નામના મ્યુઝિયમમાં દાખલ થતાની સાથે તમારા પર સફેદ રંગનો ધુમાડો છોડવામાં આવે અને ત્યારબાદ એક વિશાળ વોશિંગ મશીનમાં તમારે દાખલ થવાનું , જ્યાં તમારી ચિંતા, પીડા, દુ:ખ વગેરે જે હોય એ બધા ધોવાઈ જાય. પછી સુમો રેસલિંગ રૂમ તેમજ કરાઓકે રૂમ જેવી તરકીબો તમારામાં રહેલા બાળકને બહાર લાવે. અને બાળકને તો ચિંતા શું કહેવાય એ ખબર જ ન હોય ને. હોસ્પિટલ અને શાળા સુધ્ધાં ‘લાફ્ટર થેરપી’ને પ્રાધાન્ય આપી રહી છે ત્યારે આવી કોશિશ કમાલની ન લાગે તો જ નવાઈ.
લ્યો કરો વાત! 68 વર્ષથી રણજી ટ્રોફી રમી રહેલી કેરળ ક્રિકેટ ટીમ બીજી વાર સ્પર્ધાની સેમી ફાઈનલમાં પ્રવેશી એમાં સચિન અને અઝહરુદ્દીનનું મહત્ત્વનું યોગદાન છે. ના, લખવામાં કોઈ ભૂલ નથી થઈ. તમારી સમજવામાં ભૂલ કદાચ થઈ હશે. જો તમે માની લીધું હોય કે કેરળની આગેકૂચમાં સચિન તેંડુલકર અને ભારતીય ટીમના માજી કેપ્ટન મોહમ્મદ અઝહરુદ્દીનનો હાથ છે તો તમે ખોટું સમજી બેઠા છો. કેરળના ખેલાડી છે ડાબોડી બેટ્સમેન સચિન બેબી જેનું નામ તેંડુલકર પરથી અને જમણેરી બેટ્સમેન મોહમ્મદ અઝહરુદ્દીનનું નામ માજી કર્ણધારના નામ પરથી પાડવામાં આવ્યું છે. માત્ર નામમાં સામ્ય છે, ટેલેન્ટમાં નહીં.