ઈન્ટરવલશેર બજાર

શેરબજારમાં હાહાકાર

ભયાનક ભૂકંપ પછીના આંચકા ચાલુ રહેશે!

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

લોકસભાની ચૂંટણીના રણમેદાનમાં લોકધારણાના ભંગથી આધાતમાં સરી પડેલા આખલાએ શેરબજારમાં વેચવાલીની સુનામી નોતરી હતી અને તેનો લાભ લઇને મંદીવાળો રિંછડો રોકાણકારોના ત્રીસ લાખ કરોડ રૂપિયા ઓહિયા કરી ગયો છે. મંગળવારના સત્રમાં બેન્ચમાર્ક સેન્સેક્સ ૬૦૦૦ પોઇન્ટથી મોટા કડાકા સાથે ભૂંકપનો આંચકો આપ્યા બાદ લગભગ ૨૦૦૦ પોઇન્ટ રિકવર થયો હતો, પરંતુ રોકાણકારોમાં ભય પેસી ગયો છે. સવાલ એ છે કે શું આજે પણ બજાર ગબડશે?

એનડીએને સરકારની રચના માટે આવશ્યક બહુમતી તો મળી ગઇ છે, પરંતુ સરકારની રચના અને ઘટકો અંગે બજારમાં જાતજાતની અટકળો થઇ રહી છે અને તેની અસર આજે બુધવારે પણ જોવા મળે એવી સંભાવના છે. બીજા બધા પરિબળોને બાજુએ મૂકીએ તો પણ વિદેશી સંસ્થાકીય રોકાણકારોનું વલણ બજારવની આગામી ચાલ માટે મહત્ત્વનું છે.

અગ્રણી ટેક્નિકલ એનાલિસ્ટ જણાવે છે કે, દૈનિક ચાર્ટ પર, નિફ્ટી ઇન્ડેક્સે એક જાયન્ટ રેડ કેન્ડલની રચના કરી છે જે બજારમાં ભારે નિરાશાવાદ સૂચવે છે અને મત ગણતરી તથા ચૂંટણી પરિણામની અસર આજે પણ ચાલુ રહેવાની શક્યતા છે. નિફ્ટી માટે તાત્કાલિક સપોર્ટ ૨૧,૬૦૦ પોઇન્ટ પર સ્થિત છે, જ્યારે ૨૨,૫૦૦ પોઇન્ટનું સ્તર મજબૂત અવરોધક સપાટી બનશે.

સ્થાનિક સંસ્થા હોય કે વિદેશી ફંડો, રોકાણકારોને સ્થિર અને મજબૂત સરકારની અપેક્ષા હોય છે. ભાજપની આગેવાની હેઠળની સરકાર સત્તારૂઢ થાય તો પણ તે ગઠબંધનવાળી અથવા તો કાખઘોડીવાળી સરકાર રહેવાની સંભાવના હોવાથી ભાજપ માટે વિવિધ એજેન્ડા પાર પાડવા કપરાં ચઢાણ બની રહેશે, એવું રાજકીય નિરિક્ષકો માને છે.

ઇલેકશન પરિણામમાં એવું જણાય છે કે ભાજપને સ્પષ્ટ બહુમતી ના મળી હોવાથી ટેકાવાળી સરકાર આવશે અને તેને પરિણામે મોદી સરકાર સત્તા પર આવશે તો પણ વિવિધ નીતિ વિષયક નિર્ણયો માટે સાથી પક્ષો પર અવલંબિત રહેવું પડશે. આને કારણે સરકારના કામકાજમાં અનિશ્ર્ચિતતા અને પોલિસી પેરાલિસિસ જેવી સ્થિતિ સર્જાઇ શકે છે, જે બજારના સ્વાસ્થ્ય માટે સારું નથી.

બજાર આ સંભાવનાઓ ધ્યાનમાં લઇને આગળ વધી રહ્યું છે અને આગળ જતાં આર્થિક વિકાસના કાર્યો સાથે કેટલાક દેશહિતના નિર્ણયો અમલમાં મૂકવામાં સરકારની સામે આવનારી અડચણોના અંદાજ સાથધે એકંદર વેચવાલીનું દબાણ વધી રહ્યું છે.

આ પરિસ્થિતિમાં વિદેશી ફંડોની અને ગ્લોબલ રેટિંગ એજન્સીઓની દૃષ્ટિએ ભારતીય શેરબજાર જોખમી બની ગયું હોવાથી તેના રેટિંગમાં ઘટાડો થઇ શકે છે. વિદેશી ફંડોની વેચવાલી વધુ તીવ્ર બની શકે છે. બજારના નિષ્ણાતો અનુસાર આની સૌથી ખરાબ અસર જાહેર ક્ષેત્રના એકમો અને કેપિટલ ગુડ્સ શેરો પર પડી શકે છે. જ્યારે સરકારે મજબૂરીમાં પ્રજાલક્ષી પગલાં લેવા પડશે, એવી અટકળોને આધારે એફએમસીજી શેરોમાં લેવાલી વધી શકે છે.

સંક્ષિપ્તમાં હવે બજારની નજર નવી સરકારની રચના કેવી થાય છે અને સરકારના આગામી પાંચ વર્ષ માટેના રોડમેપ પર ધ્યાન કેન્દ્રિત કરવાનું શરૂ કરશે. સરકારની સ્થિરતાનો વિશ્ર્વાસ ઊભો ના થાય ત્યાં સુધી અફડાતફડી અને ઊથલપાથલને નકારી ના શકાય.

આ ઉપરાંત સાતમી જૂને થનારી રિઝર્વ બેન્કની ત્રણ-દિવસીય મોનેટરી પોલિસી કમિટીની બેઠકનું પરિણામ પણ બજાર માટે મહત્ત્વનું છે. ફુગાવાનું સ્તર જોતાં વ્યાજ દરમાં વહેલી રાહતની સંભાવના ઓછી જણાઇ રહી છે. અર્થનિરિક્ષકો અનુસાર વર્તમાન વર્ષના અંતિમ ત્રિમાસિકમાં રિપોઝિશન (રિપો) રેટમાં કપાત અમલમાં મૂકવામાં આવે એવી શક્યતા છે. ટૂંકમાં રિઝર્વ બેન્ક ઓફ ઈન્ડિયા (આરબીઆઈ)ની મોનિટરી પોલિસી કમિટિ (એમપીસી)ની આ સપ્તાહે મળનારી બેઠકમાં વ્યાજ
દર યથાવત રહેવાની શકયતા વ્યકત કરવામાં આવી
રહી છે.

મોટાભાગના નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે નીતિ દરો યથાવત રહેશે અને ધ્યાન મુખ્યત્વે આરબીઆઈ ગવર્નરની ટિપ્પણી પર રહેશે. તેમના મતે ફુગાવાનું સ્તર જોતાં મધ્યસ્થ બેન્ક વ્યાજ દરમાં ઘટાડો કરવામાં ઉતાવળ કરે એવી કોઇ સંભાવના નથી.

પીએમઆઈ ડેટાના સંકેતો પણ બજારના સેન્ટિમેન્ટ પર અસર કરશે. વિદેશી સંસ્થાકીય રોકાણકારોની પ્રવૃત્તિ પણ આગળ જતા મુખ્ય પરિબળ બની રહેશે. મોટા ભાગના નિષ્ણાતો અપેક્ષા રાખે છે કે અમેરિકાના વ્યાજ દરો ઊંચા હોવા છતાં, વિદેશી ફંડો પાછલા બે મહિનામાં તેમના નોંધપાત્ર આઉટફ્લો પછી, સંભવિત રાજકીય સ્થિરતા, મજબૂત આર્થિક વૃદ્ધિ અને ભારતમાં એકંદરે મેનેજેબલ ફુગાવાના સ્તરને ધ્યાનમાં રાખીને ભારતીય શેરબજારમાં પાછાં ફરશે.

વિદેશી સંસ્થાકીય રોકાણકારોએ મે મહિનામાં રોકડ સેગમેન્ટમાં રૂ. ૪૨,૨૧૪ કરોડનું ચોખ્ખું વેચાણ કર્યું છે, જે જૂન ૨૦૨૨ પછીનું સૌથી વધુ માસિક વેચાણ છે.

એફઆઇઆઇએ ચાઇનીઝ શેરોમાં ખરીદી ડાઇવર્ટ કરી હતી અને યુએસ બોન્ડ યીલ્ડમાં વધારો (૪.૫ ટકાના દરે વેપાર) થવાને કારણે પણ ભારતીય શેરબજારમાંથી નાણાં પાછાં ખેંચ્યા હતા. જો કે, સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોએ તે જ મહિના દરમિયાન રૂ. ૫૫,૭૩૩ કરોડના મૂલ્યના શેર ખરીદીને એફઆઇઆઇ આઉટફ્લોની સંપૂર્ણ ભરપાઈ કરી, જે હકીકતમાં બજાર માટે મુખ્ય સહાયક પરિબળ તરીકે કામ કરી રહ્યું છે.

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
સાચી રીતે નહાવાની રીત જાણો છો? એક કિડની પર કેટલા સમય જીવી શકાય? જાણો Experts શું કહે છે… Waterproof મેકઅપ આ રીતે કરો આજે દેવસુતી એકાદશી પર કરો આ ઉપાય અને મેળવો મા લક્ષ્મીની કૃપા…