ઈન્ટરવલ

આંકડા માયાજાળ કે દર્પણ?

જીડીપી સાથે જીએવીના ડેટા ચકાસવા પણ આવશ્યક!

કવર સ્ટોરી -નિલેશ વાઘેલા

આપણે પાછલા અંકમાં ભારતીય અર્થતંત્રની નક્કરતા અને તેના વિશે નાણાં મંત્રાલયથી માંડીને દેશની કેન્દ્રીય બેન્ક, રિઝર્વ બેન્ક દ્વારા રજૂ કરાયેલી વિગતો, હકીકતો, વિશ્ર્વાસ, વિશ્ર્લેષણ વિશે ચર્ચા કરી હતી. આજે એ જ દિશામાં થોડા વધુ આગળ વધીએ. ગ્લોબલ રેટિંગ એજન્સી મૂડીઝે ભારતીય અર્થતંત્રના વિકાસ માટેનો તેનો આગલો ૬.૧ ટકાનો અંદાજ સુધારીને ૬.૮ ટકા જાહેર કર્યો છે.

આ રેટિંગ એજન્સી માને છે કે ૨૦૨૩ના અપેક્ષાકૃત મજબૂત આર્થિક ડેટા અને વૈશ્ર્વિક સ્તરના સંકટના વાદળોે પણ વિખેરાઇ રહ્યાં છે તે જોતા ભારતીય અર્થતંત્રના વિકાસની ગતિ ઝડપી બની શકે છે.

એ બાબત નોંધવી રહી કે, ભારતીય અર્થતંત્રએ અપેક્ષાઓ કરતાં વધુ સારી કામગીરીનું પ્રદર્શન કરતા ૮.૪ ટકાના દરે વૃદ્ધિ (જીડીપી) નોંધાવી છે, જે અનુમાનિત ૬.૬ ટકાને અતિક્રમી ગઇ હોવાથી ઉપરછલ્લી નજરે અર્થતંત્રમાં ફૂલગુલાબી તેજી હોવાનું ચિત્ર ઉપસાવે છે. જોકે, કોઇપણ નિષ્કર્ષ પર આવતા પહેલા અમુક અર્થશાસ્ત્રીઓ આર્થિક આંકડાને બિલોરી કાચથી જોવા માગે છે.
કેટલાક અર્થશાસ્ત્રીઓ અનુસાર ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) અને ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) વચ્ચેના નોંધપાત્ર તફાવતે ચિંતા ઊભી કરી છે. નોંધવું રહ્યું કે, જીવીએ વૃદ્ધિ ૬.૫ ટકા છે. અર્થશાસ્ત્રીઓ ચેતવણી આપે છે કે જીડીપીના મોટા આંકડામાં સંતુલિત વૃદ્ધિને પ્રતિબિંબિત થતી નથી. તેમના મતે, કૃષિ ઊપજમાં ઘટાડો, ખાનગી ક્ષેત્રે અસમાન ક્ધઝ્મ્પ્શન અને જાહેર મૂડીરોકાણ પર વધેલી નિર્ભરતા ચિંતાના વિષયો છે.

અર્થશાસ્ત્રીઓની ૬.૬ ટકાની વૃદ્ધિની અપેક્ષાઓને અતિક્રમીને ભારતીય અર્થતંત્ર નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ક્વાર્ટરમાં ૮.૪ ટકાના જોરદાર દરે વૃદ્ધિ પામ્યું છે, જે છ ત્રિમાસિક ગાળાની ઊંચી સપાટી
દર્શાવે છે.

જોકે, આંકડાની માયાજાળમાં વધુ ઊંડા ઊતરતા અર્થશાસ્ત્રીઓ કહે છે કે આપણેે સપાટી પર દેખાતા વૃદ્ધિના આંકડા (હેડલાઇન ગ્રોથ)નું અર્થઘટન સાવચેતી સાથે કરવું જોઈએ.

ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ અને બીજા ક્વાર્ટર માટે હેડલાઇન જીડીપીના આંકડા અનુક્રમે ૭.૮ ટકા અને ૭.૬ ટકાથી વધીને અનુક્રમે ૮.૨ ટકા અને ૮.૧ ટકા કરવામાં આવ્યા છે. વધુમાં, બીજા આગોતરા અંદાજના આધારે, કેન્દ્ર હવે ભારતીય અર્થતંત્ર નાણાંવર્ષ ૨૦૨૪માં ૭.૬ ટકાના દરે વૃદ્ધિ પામશે તેવી અપેક્ષા રાખે છે, જે અગાઉના ૭.૩ ટકાના અંદાજ કરતાં વધુ છે. આ આંકડા એટલા પ્રોત્સાહક હતા કે તેની અસરે શેરબજારમાં ૧૨૦૦ પોઇન્ટનો જંગી ઉછાળો જોવા મળ્યો હતો.

આપણે જીડીપી અને જીવીએના આંકડા તપાસીએ તો તેમાં મોટો તફાવત જણાઇ રહ્યો છે. મિનિસ્ટ્રી ઓફ સ્ટેટિસ્ટિક્સ એન્ડ પ્રોગ્રામ ઈમ્પ્લીમેન્ટેશન દ્વારા બહાર પાડવામાં આવેલા આંકડા દસ વર્ષના ઊંચા તફાવત દર્શાવે છે જેને અર્થશાસ્ત્રીઓ વિરોધાભાસી માને છે.

અર્થશાસ્ત્રીઓ કહે છે કે ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ (જીડીપી) ઉપરાંત ગ્રોસ વેલ્યુ એડેડ (જીવીએ) છે, જે દેશનું અર્થતંત્ર કેટલું સારું પ્રદર્શન કરી રહ્યું છે તે સમજવામાં મદદ કરે છે. જીવીએ વસ્તુઓની સપ્લાય બાજુથી કામગીરીની ગણતરી કરવામાં મદદ કરે છે. સરળ શબ્દોમાં કહીએ તો, જીવીએ એ પરોક્ષ કર અને સબસિડી સિવાયનો જીડીપી
આંક છે.
અર્થશાસ્ત્રીઓની અપેક્ષાઓને અનુરૂપ, નાણાકીય વર્ષ ૨૦૨૪ના ત્રીજા ત્રિમાસિક સમયગાળામાં વાર્ષિક ધોરણે ભારતનો જીવીએ વૃદ્ધિદર ઘટીને ૬.૫ ટકા સ્તરે પહોંચ્યો છે. ભારતનો જીવીએ નાણાકીય વર્ષ ૨૦૨૪ના પ્રથમ ત્રિમાસિક સમયગાળામાં ૮.૨ ટકા સામે ત્રીજા ક્વાર્ટરમાં ધીમો પડ્યો છે અને બીજા ક્વાર્ટરમાં સુધારિત આંકડો ૭.૭ ટકાનો છે.

પાછલા આઠ ત્રિમાસિક ગાળામાં જીડીપી અને જીવીએ વચ્ચેનું અંતર સરેરાશ ૨૦ બેસિસ પોઇન્ટનું હતું, તે હવે આ વખતે ૧૯૦ બેસિસ પોઇન્ટ સુધી વિસ્તૃત થઈ ગયું છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે આગામી ક્વાર્ટરમાં આ તફાવત સામાન્ય થઇ જશે.

અર્થશાસ્ત્રીઓ કહે છે કે, આ તફાવત ચોખ્ખા પરોક્ષ કરની વૃદ્ધિમાં આવેલા મોટા ઉછાળાને આભારી હોઈ શકે છે. એક અન્ય ઇકોનોમિસ્ટે પણ એક નોંધમાં લખ્યું હતું કે, આઠ ટકાથી ઉપરના આંકડાને સાવધાની સાથે વાંચવો જોઈએ. તેમણે કહ્યું છે કે, જીવીએ સાથેના મોટા તફાવત, કૃષિ પ્રવૃત્તિમાં ઘટાડો અને (વપરાશ કરતાં અનેકગણા વધુ રોકાણ સાથે) બમણી ગતિની આર્થિક વૃદ્ધિને ધ્યાનમાં લઇએ તો આઠ ટકાના રિઅલ જીડીપી ડેટાને સાવધાની સાથે વાંચવો જોઇએ.

આર્થિક વૃદ્ધિમાં અસમાનતા જોવા મળે છે. ડિસેમ્બર ક્વાર્ટરમાં ભારતીય ઉદ્યોગોએ સારી કામગીરી બજાવી હતી, જેમાં ઉત્પાદન અને બાંધકામ ક્ષેત્ર વાર્ષિક ધોરણે અનુક્રમે ૧૧.૬ ટકા અને ૯.૫ ટકા વૃદ્ધિ પામ્યા હતા, જે જાહેર મૂડીરોકાણના ટેકાને પ્રતિબિંબિત કરે છે. ફાઇનાન્શિયલ, રિયલ એસ્ટેટ અને પ્રોફેશનલ સર્વિસિસ ઉપરાંત ટ્રેડ, હોટેલ, ટ્રાન્સપોર્ટ અને કોમ્યુનિકેશન સેગમેન્ટમાં રિકવરી જોવા મળતા સર્વિસ સેક્ટરે પણ સારું પ્રદર્શન કર્યું હતું. જો કે, આ બધાની સામે ભારતમાં ખાનગી વપરાશની વૃદ્ધિ ઇચ્છિત સ્તર કરતાં ઘણી પાછળ છે, જે ત્રીજા ક્વાર્ટરમાં ૩.૫ ટકા વધી છે.

ગ્રોસ ફિક્સ્ડ કેપિટલ ફોર્મેશન, અથવા ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટે ત્રીજા ક્વાર્ટરમાં ૧૦.૬ ટકાની વૃદ્ધિને આગળ ધપાવવાનું ચાલુ રાખ્યું. બીજા ક્વાર્ટરમાં આંકડો ૧૧.૬ ટકા હતો. નબળા ચોમાસાને કારણે કૃષિ જીવીએની વૃદ્ધિ ત્રીજા ક્વાર્ટરમાં ૦.૮ ટકા સંકોચાઈ હતી, જે બીજા ક્વાર્ટરમાં ૧.૬ ટકાથી ઘટી હતી.

નોમુરાના અર્થશાસ્ત્રીઓએ કહ્યું છે કે ભારતની આર્થિક વૃદ્ધિ સ્થિતિસ્થાપક બની રહેશે. જો કે, જો કોઈ કોર જીડીપીને ધ્યાનમાં લે છે, જે કિંમતી ચીજવસ્તુઓ, વિસંગતતાઓ અને ઇન્વેન્ટરીઝ (અસ્થિર ઘટકો)ને બાદ કરતા જીડીપી છે, તો ભારતની અંતર્ગત વૃદ્ધિ બીજા ક્વાર્ટરમાં ૪.૭ ટકાથી ત્રીજા ક્વાર્ટરમાં ધીમી પડીને ચાર ટકા થઈ ગઈ છે.

નોમુરાના અર્થશાસ્ત્રીઓ સોનલ વર્મા અને ઔરોદીપ નંદીએ એક નોંધમાં લખ્યું છે કે, ચોથા ક્વાર્ટરના જીડીપી વૃદ્ધિના ડેટા શ્રેષ્ઠ હોવા છતાં તેનું મજબૂત વૃદ્ધિના પુરાવા તરીકે અર્થઘટન કરવું જોઈએ નહીં. કોર જીડીપી વૃદ્ધિ અને જીવીએ વૃદ્ધિમાં મંથરતા સૂચવે છે કે વૃદ્ધિ અસમાન રહી છે. તેઓ નોંધે છે કે ભારતીય અર્થતંત્રને મુખ્યત્વે મજબૂત જાહેર મૂડીરોકાણ વૃદ્ધિ દ્વારા સમર્થન મળતું રહ્યું છે, જ્યારે ખાનગી વપરાશ અને ખાનગી મૂડીરોકાણ નીચું રહ્યું છે. મધ્યમગાળામાં રોકાણ વૃદ્ધિના સાતત્ય માટે વપરાશ વૃદ્ધિની મજબૂતી આવશ્યક શરત છે. જોકે વૈશ્ર્વિક ભૌગોલિક રાજનૈતિક તણાવમાં વધારો અને બાહ્ય માગ ધીમી પડવાથી બાહ્ય ક્ષેત્ર માટેના જોખમમાં વધારો થઈ શકે છે.

ભારત જી-૨૦માં ઝડપી ગતિએ વિકસતું અર્થતંત્ર બનશે

વૈશ્ર્વિક રેટિંગ એજન્સી મૂડીઝે એવો આશાવાદ વ્યક્ત કર્યો છે કે ભારત જી-૨૦ દેશોમાં સૌથી ઝડપી ગતિએ વિકસતું અર્થતંત્ર બની રહેશે. વર્ષ ૨૦૨૪ના આઉટલુક રિપોર્ટમાં મૂડીઝ ઇન્વેસ્ટર સર્વિસે જણાવ્યું હતું કે વૈશ્વિક પડકારો ઘટી રહ્યા છે ત્યારે ભારતીય અર્થતંત્ર આરામથી સાતેક ટકા જેટલો આર્થિક વૃદ્ધિદર નોંધાવવા માટે સક્ષમ રહેશે. વર્ષ ૨૦૨૫ માટે આર્થિક વૃદ્ધિદરનો અંદાજ ૬.૪% છે. વર્ષ ૨૦૨૪ માટે પહેલા મૂડીઝે ૬.૧ ટકાનું અનુમાન દર્શાવ્યું છે.થ
વર્ષ ૨૦૨૪ કેટલાક જી-૨૦ દેશો માટે ચૂંટણીનું વર્ષ બની રહેશે. જેમાં ભારત, ઇન્ડોનેશિયા, મેક્સિકો, સાઉથ આફ્રિકા, યુકે અને યુએસ સામેલ છે. આ વર્ષે ચૂંટાયેલા લીડર્સ આગામી ચારથી પાંચ વર્ષ માટે સ્થાનિક અને વિદેશી પોલિસીને પ્રભાવિત કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. એજન્સીએ જણાવ્યું હતું કે ખાનગી ઔદ્યોગિક મૂડી ખર્ચ મંદ રહ્યો છે પરંતુ મેન્યુફેક્ચરિંગ ઇન્ડસ્ટ્રીને વેગ આપવા માટે સરકારની પીએલઆઇ સ્કીમને લઇને રોકાણકારોની પ્રતિક્રિયા બાદ તેમાં વધારો થઇ શકે છે.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button