ઈન્ટરવલ

મહિલાઓ માટે સાડી બેંકને બદલે પુરૂષો માટે લેંધા- સદરા બેંક શરૂ કરો

ફોકસ -ભરત વૈષ્ણવ

વડોદરામાં બિન નિવાસી ભારતીય મહિલા અને સ્થાનિક માનુનીઓએ એકત્ર થઇ નૂતન અને અભિનવ કહી શકાય તેવી સાડી બેંકની સ્થાપના કરી છે.તેના નીતિ-નિયમો , કાયદા બાય લોઝ અખબારમાં પ્રગટ થયેલ નથી. કદાચ કીટી પાર્ટીમાં વાનગીની સુગંધ કે હાઉસીની રમત દરમિયાન ફૂરસદ મળે ત્યારે તૈયાર કરાઇ રહ્યા હશે!! માનુનીના મનનો તાગ કોણ પામી શકયું છે??( જવાબ – કોઇ પણ નહીં! ખુદ ભગવાન પણ નહીં !!)

આપણે ત્યાં ધકકાબેંક, નવરીબજાર બેંક, થનગનભૂષણ બેંક,(અંધ)ભકતબેંક, સહકારી બેંક, સરકારી બેંક, બ્લડ બેંક, એકઝીમ બેંક, અર્બન બેંક, રૂરલ બેંક એગ્રિકલ્ચર બેંક- નાબાર્ડ,ગોબર બેંક, વિકી ડોનર બેંક, બ્રેસ્ટ મિલ્ક બેંક, ઓર્ગન બેંક અને રીઝર્વ બેંક કાર્યરત છે.( આ સિવાય બેંક હોય તો લિસ્ટમાં ઉમેરી લેવા અમારો હુકમ છે)!!

આપણને બરોડાની સાડી બેંકમાં રસ પડે તે સ્વાભાવિક છે. હું અને અમારો એવરગ્રિન રાજુ રદી સાડી બેંકમાં પહોંચી ગયા.સાડી બેંકની બહાર બોર્ડ માર્ડ મારેલ કે વડોદરા કે અન્ય સ્થળોએ અમારી શાખ ન હોવાથી કોઇ શાખા નથી!! પુરુષોને અડધી કિંમતે સાડીએ પૂરી પાડવામાં આવશે!! સાડી બદલવાનો સમય બેંકની સગવડ મુજબનો જ રહેશે!!

ઓવર ટુ સાડી બેંક બરોડા
એક સ્લીમ મહિલા સાડી બેંકમાંથી કશુંક બબડતીબબડતી ભંભોટીયા સ્ટવની જેમ બહાર નીકળી!!

હાય , મિસ કે મિસિસ .. અમે અભિવાદન કર્યું. ( કોઇ પણ પરણેલી કે વયસ્કા ( વયસ્કનો મહિલા સૂચક શબ્દ, અરે ડયુડ સમજા કરો.)
અરે, ભાડમાં ગઇ તમારી મિસિસ .સોરી મેન હું ભાડમાં ગઇ પરમાણુ બોમ્બ જેવો પ્રચંડ નારી બોમ્બ ફાટ્યો.

વ્હોટ હેપન મેડમ .બી કુલ. એકસપ્લેઇન . તમે કેમ ગુસ્સામાં છો?કેમ વી હેલ્પ યું?અમે પૂછયું.

અરે , હું પાટણનું પટોળું ભાડે લેવા આવેલ. સાડી એપમાં અવેઇલેબલ છે તેમ દર્શાવેલ . અહીં આવી તો કહે કે પટોળા સેકશન અંડર મેઇનટેન્સમાં છે. છેક વાધોડિયાથી ધક્કો પડ્યો અને દિવસ બગડ્યો લટકામાં!! એમનો ગુસ્સો વાજબી હતો. અમે કરી પણ શું શકીએ? પાટણ જઇને પટોળા ખરીદીને સાડી બેંકમા ભેટ આપવાની ઇચ્છા જરૂર થાય. અપિતું પોકેટચંદ્ર સાથ આપતું નથી!!
અમે સાડી બેંકમાં અંદર પ્રવેશ કર્યો.

કાઉન્ટર પર કોલેજિયન બાળાની રકઝક ચાલે.

તમે પચાસ હજારની સાડી ભાડે લઇ ગયા. તમે દાળશાક ઝાપટ્યા. અમને તેનો વાંધો નથી. પરંતું, સાડીને દાળશાક શું કામ જમાડ્યા? એક તો બીપીએલ કાર્ડ પર મફતમાં-કાણી પાઇ ચુકવ્યા વગર સાડી લઇ ગયાને પેટ્રોલ વોશ -રોલ કર્યા વગર સાડી આપવા આવ્યા? ચોરી પર શિનાજોરી જેમ ઉપરથી પેટ્રોલવોશના પૈસા મારે ન આપવાના હોય તેવી દલીલ કરો છો? કાઉન્ટર પરના બેન અકળાયા!!

આ બબાલ પૂરી ન થઇ ત્યાં એક રૂઆબદાર બકસમ- જયલલિથા બ્રાંડ બહેનજી ધોખો કરવા માંડ્યા,બધી સાડી પાંચ મીટર છે. શું મને કમ્ફર્ટેબલ થાય એવી સાડી નથી??

બહેનજી તમે ગાર્ડન વરેલી કંપનીમાંથી કાપડનો તાકો મંગાવશો તો જ તમારા દેહનો તંબુ ઢંકાશે!! કાઉન્ટર પરથી સણસણતો જવાબ મળ્યો!!

એક બેંકર જેવા દેખાતા મેડમ હિસાબ કરતા હતા કે દોઢ લાખની સાડીનું પાંચ હજાર રૂપિયા ભાડું. આ સાડી ત્રીસ વાર ભાડે અપાય એટલે સાડીની કિંમત જેટલું તો ભાડું મળી જાય. પછી વકરો એટલો નફો!! આ ભાડાના હપ્તા થાય કે નહીં?

કાઉન્ટર પરના બેન અમદાવાદીને ચડે તેવી ગણતરીથી કિં કર્તવ્યદિંગ્મૂઢ થઇ ગયા!!

મેડમ ,તમે સવારથી સાડી બેંકમાં આવ્યા છો. દોઢસો સાડી ફેંકી નાંખી છે. હવે બેંક બંધ કરવાનો સમય થયો છે. તમારી સાડી પસંદ થઇ નથી. કેવી સાડી જોઇએ છે?

મને લિપસ્ટિક,નેઇલ પોલિશ અને મશકરાના રંગને મેચ થાય એવી આછા રાણી રંગની ગ્લોસી મેટ ફિનિશિંગ વાળી સાડી જોઇએ છે
ઓહ, નો! તમે રતનપોળ પહોંચી જાવ. ત્યાં સાડી ન મળે તો સારિકા સાડી કંપનીમાંથી મંગાવી લો. કાઉન્ટર કામિનીએ મગજ ગુમાવ્યા સિવાય ઠંડા દિમાગથી પ્રત્યુત્તર આપ્યો.

મેં અને રાજુ રદીએ સાડી બેંકના કર્તા- હર્તા- સમાહર્તાને અંત:કરણથી અભિનંદન આપીને કહ્યુંતમારા ધૈર્યને સલામ છે! તમને આ બેંક શરૂં કરવાનો પસ્તાવો થાય છે કે આનંદ થાય છે.

પસ્તાવો થાય છે. આના કરતાં પૂરૂષો માટે લેંઘા, સદરા , લુંગી , ગંજીફરાક કે પેન્ટ-શર્ટ બેંક શરૂં કરી હોત તો બેંક સરળતાથી ચાલતી હોત.દાંમ્પત્ય જીવનમાં ગોરધન ઉડતા વેલણ, તવેથા, સાણસી ચિપીયા ઝીલી લે છે, અન્યથા કપાળમાં ઢીમણા સ્વરૂપે સ્મૃતિ અંકિત કરે છે!! વાસ્તવમાં પડ્યું પાનું ગોરધન નિભાવી જાણે છે.એટલે લેંઘા-સદરા બદલવા આવવાના કકળાટની સંભાવના પણ નહિવત રહેશે . કપાળ કૂટતા કામિનીએ કકળાટ કર્યો!!

લો, અમે આઇડિયા આપ્યો!! કહે છે કે એક આઇડીયા જીંદગી બદલ દે!! આઇડીયા જીંદગી કે સાથ ભી. આઇડીયા જીંદગી કે બાદ ભી!!જિંદગી બદલવા કોઇ જહેમત ઉઠાવો.જોઇ શું રહ્યા છો ??

સદરાલેંઘાના આઇડીયાનિ રોયલ્ટી અમારા આંગડિયાની રોયલ્ટી અમારા સ્વિસ બેંક એકાઉન્ટ નંબર-૦૦૦૦૦૦ માં જમા કરાવવા અનુરોધ છે.!!

Show More

Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button