ઈન્ટરવલસ્પેશિયલ ફિચર્સ

પ્રાસંગિક: શ્રીલંકાના નવા ડાબેરી પ્રમુખ… ભારતની મુશ્કેલીઓ વધારશે

-અમૂલ દવે

શ્રમિકના પુત્ર અનુરા કુમારા દિસાનાયકે શ્રીલંકાના નવા પ્રમુખ બનતાં મોટું આશ્ર્ચર્ય ફેલાયું છે. નવા પ્રમુખ અગાઉના એમના પુરોગામી કરતાં નોખા અને અલગ પ્રકારના છે. એમનું ગૌત્ર માર્કસવાદીનું છે અને એ કોઈ રાજકીય પરિવારના નથી. જોકે એમની આસાન જીત છતાં એમણે તંગદોર પર ચાલવું પડશે. શ્રીલંકાની આર્થિક હાલત બદતર છે. આ દેશની ઈકોનોમી ‘ઈન્ટરનેશનલ મોનેટરી ફંડ’ ના પેકેજ તથા બીજા દેશોએ આપેલી લોનના આધારે ચાલે છે. દિસાનાયકેએ ચૂંટણી જીતવા અનેક વચનો આપ્યાં છે અને આ વચન પૂરા કરવામાં શ્રીલંકાની આર્થિક કટોકટી મોટી અડચણ ઊભી કરશે. દિસાનાયકે બીજો બેલેન્સિંગ એક્ટ તેના બે શક્તિશાળી પડોશી ચીન અને ભારત બન્નેથી સલામત અંતર રાખવાનો કરવો પડશે.

એક સમયે જેમના પક્ષની બધા હાંસી ઉડાવતા હતા એ પક્ષે પ્રમુખપદની ચૂંટણીમાં કઈ રીતે ચમત્કાર કર્યો એ જાણવું રસપ્રદ છે. પંચાવન વર્ષીય દિસાનાયકે ‘જનતા વિમુક્તિ પેરામુના’ (જેવીપી) પાર્ટીના વ્યાપક મોરચા નેશનલ પીપલ્સ પાવર (એનપીપી)ના નેતા છે અને એમણે સામગી જન બાલવેગયા પક્ષના સાજિથ પ્રેમદાસાને પારજિત કર્યા. અનુરા દેશના નવમા પ્રમુખ બન્યા છે. પહેલા રાઉન્ડમાં કોઈ ઉમેદવારે ૫૦ ટકાથી વધારે મત ન મેળવતા ચૂંટણીનો બીજો રાઉન્ડ યોજવો જરૂરી બન્યો હતો. ભારતતરફી ગણાતા તત્કાલીન પ્રમુખ રાનિલ વિક્રમસિંઘે પહેલા રાઉન્ડમાં જ રેસથી બહાર થઈ જતાં ભારતને મોટો ફટકો પડ્યો હતો. ૨૬ મહિનાના કાર્યકાળ બાદ રાનિલને વિદાય લેવી પડી હતી. એમણે કહ્યું હતું કે હું મારા લાડકા સંતાન શ્રીલંકાને દિસાનાયકેને સોંપી રહ્યો છું. ૨૦૨૨માં આર્થિક કટોકટી બાદ ગોટાબાયા રાજપક્ષેને સત્તા પરથી હટાવામાં આવ્યા ત્યાર બાદ આ પહેલી ચૂંટણી યોજાઈ હતી. જે દિસાનાયકને ૨૦૧૯ની પ્રમુખપદની ચૂંટણીમાં ફક્ત ત્રણ ટકા મત મળ્યા હતા એ આ વખતે પહેલા રાઉન્ડમાં ૫૬ લાખ એટલે કે ૪૨.૩૧ ટકા મત મેળવ્યા હતા. સાજિથ પ્રેમદાસા ૩૨.૮ ટકા મત સાથે બીજા સ્થાને હતા. રાનિલ ૧૬ ટકા મત સાથે ત્રીજા ક્રમાંકે રહ્યા હતા.

શ્રીલંકાના લોકો અને ખાસ કરીને સિંહાલીઓ અનુરાને ‘મસીહા’ તરીકે જોઈ રહ્યા છે. એમણે ગરીબ કલ્યાણ નીતિ અને ટેક્સમાં રાહત જેવાં વચન આપ્યાં છે.

એમનો જન્મ ૨૪ નવેમ્બર ૧૯૬૮માં શ્રીલંકાના અનુરાધાપુર જિલ્લામાં થયો હતો. વિદ્યાર્થી હતા ત્યારથી જેવીપીના સભ્ય છે. એ ‘એકેડી’ ના હુલામણા નામે ઓળખાય છે. કરપ્શન વિરુદ્ધનાં પ્રવચનો આપીને એમણે જનતાના દિલ જીત્યા છે. ૨૦૨૨માં આર્થિક સંકટ બાદ એમની લોકપ્રિયતાનો ગ્રાફ એકદમ ઉપર ગયો છે. દિસાનાયકેએ ૨૦૧૪માં પક્ષની કમાન સંભાળી. દિસાનાયકેએ કેલાનિયા યુનિવર્સિટીમાંથી ભૌતિક વિજ્ઞાનમાં ડિગ્રી મેળવી છે. અલબત્ત, એમના આ વિજયને લીધે ભારતની મુશ્કેલીઓ વધી ગઈ છે. એ ચીનની નિકટ હોવાનું મનાય છે. ગયા વર્ષે જ ભારતને શ્રીલંકા તરફથી મુશ્કેલી નડી હતી. ભારતે પ્રમુખ રાનિલ પર દબાણ લાવીને ચીનનાં જહાજોને લંકાનાં બંદરોમાં લાગરવા પર પ્રતબિંધ મુકાવ્યો હતો. ચીન યેનકેન પ્રકારે આ પ્રતિબંધ રદ કરાવવા માગે છે. હવે નવા ડાબેરી પ્રમુખ સત્તા પર આવતાં ભારત માટે ખતરો વધ્યો છે. શ્રીલંકા માલદીવની જેમ ભારતવિરોધી વલણ લેશે તો આપણી મુસીબતો વધશે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે ચીન લંકાનું સૌથી મોટું ફાયનાન્સિયલ ક્રેડિટર છે. જો વિક્રમસિંઘેથી વિપરિત દિસાનાયકે ચીન તરફ ઝુકશે તો ભારત અને હિન્દી મહાસાગરની સુરક્ષા જોખમમાં મુકાશે તેમ જ શ્રીલંકાના પ્રોજેક્ટ મેળવવામાં પણ ચીન મેદાન મારી જશે.

દિસાનાયકે ગયા ફેબ્રુઆરીમાં ભારતનાં ત્રણ શહેરની મુલાકાત લીધી હતી ત્યારે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત ઢોભળ અને વિદેશપ્રધાન વેદમ જયશંકરને એ મળ્યા હતા. શ્રીલંકાની આર્થિક કટોકટી વખતે ભારતે ચાર અબજ અમેરિકન ડૉલરની સહાય આપી હતી, જેને લીધે લંકા ‘આઈએમએફ’ પાસેથી બેલઆઉટ પેકેજ મેળવી શક્યું હતું. દિસાનાયકેએ હોદ્દો સંભાળ્યા બાદ કહ્યું છે કે ભારત અને ચીન વચ્ચે શ્રીલંકા સેન્ડવિચ બનવા માગતું નથી. બન્ને અમારા અમૂલ્ય મિત્રો છે અને અમે તેમને નિકટના ભાગીદાર બનાવવા માગીએ છીએ. આ તો વાત થઈ, પરંતુ ચીન નાણાંનો વરસાદ કરીને લંકાને પોતાની તરફ ખેંચવા માગે છે. ચીન-મ્યાનમાર ઈકોનોમિક કોરિડોરમાં લંકા સામેલ થાય એમ ચીન ઈચ્છે છે. શ્રીલંકાનું બહારનું ઋણ ૪૦ અબજ ડૉલર છે આમાંથી બાવન ટકા તેને ચીનને આપવાના છે. ભારત પાસે હાલમાં તો દિસાનાયકે ન્યુટ્રલ રહેશે એવી આશા રાખવા સિવાય બીજો કોઈ છૂટકો નથી.

દેશ દુનિયાના મહત્ત્વના અને રસપ્રદ સમાચારો માટે જોઈન કરો ' મુંબઈ સમાચાર 'ના WhatsApp ગ્રુપને ફોલો કરો અમારા Facebook, Instagram, YouTube અને X (Twitter) ને
Back to top button